મણિલાલ હ. પટેલ/૨. ડમરી

૨. ડમરી

રામજીને હતું કે ઘર ઘેલુંગાડું થઈ જશે. ખૂંખારીને થૂંકવા છતાં ગળામાં બાઝેલી, ધૂળની હોય એવી ખખરી વછૂટતી નહોતી. આવવા નીકળ્યો ત્યારે નાનીબહેન માટે સારું સારું ખાવાનું, મોટાભાઈ માટે બે જોડી કપડાં અને બાએ કાગળ લખી મગાવેલા પૈસા. શેઠે રામજીને રજા સાથે પ્રેમપૂર્વક બધું પકડાવેલું. સામાન લઈ જવા શેઠાણીએ બૅગ કાઢી આપી ત્યારે બા માટે નવા જેવો એમનો સાડલો પણ આગ્રહથી આપેલો. હમણાં દેશમાં આવવાનો રામજીનો વિચાર જ નહોતો. શેઠની ભાગીદારીવાળા કારખાનામાં ચારછ માસથી વધારાની નોકરી મળી હતી. સવાર–સાંજ શેઠના બંગલાનું કામ તો કરતો જ હતો. હવે બપોરે કારખાને જવાનું. ખાસ્સા છ કલાક. શેઠે વધારાનો પગાર નક્કી કર્યો હતો. શેઠના ઘેર જ જમવાનું અને રહેવાનું બંગલાની બગલમાં શેઠે આપેલી નાનકડી ઓરડીમાં. આસપાસ બગીચા જેવું. રાતે ઠંડકમાં ઊંઘ આવે નિરાંતની. કશો કકળાટ ના મળે. શેઠ વાપરવાના પૈસા આપે, બે પૈસા શાક પાંદડાની ખરીદીમાંથી બચાવતાં એ કચવાતો હતો. વારતહેવારે શેઠાણી રૂપિયોરડો પરખાવતાં એથી જીવ ઠર્યો રહેતો. કપડાં તો શેઠના દીકરાઓનાં પહેર્યે ખૂટતાં નહીં. ભાઈ માટે ઘરે લઈ જવા મળતાં એ નફામાં. પગાર બધા પડ્યા રહેતા. રામજી શેઠાણીનું ઘર વાળી ઝૂડીને મન જેવું સાફ રાખતો. રામજીને ખ્યાલ નહીં કે એકદમ આવું બનશે. ગામને નજરમાં ભરી લેવાની ઇચ્છાને એણે મુઠ્ઠીવાળીને જકડી રાખી હતી. દેશમાં આવવા નીકળ્યો ત્યારે તો કેટલો બધો ઉમંગ છલકાઈ આવ્યો હતો. પોઠો ભરીને પાછો વળતો લાખો વણજારો એને યાદ આવી ગયેલો. બાળપણમાં સીમની વાવે રમતા ત્યારે લાખા વણજારાની પોઠોની વાતો કર્યા કરતા. ડુંગરામાં ખાડા હતા. એમાં લાખાએ ધનના ચરુ દાટેલા, નાગ એની રક્ષા કરતા. રામજી દોસ્તારો સાથે ડુંગરો ખૂંદતો. શમણામાં રામજીને ઘણીવાર ચારઆની આઠઆનીના અઢળક સિક્કા મળતા. બાવરો થઈ એ વીણ્યા કરતો. જાગતો ત્યારે કરમ જેવાં કાણાં ખિસ્સાં એને ખસિયાણો કરી મૂકતાં. ભૂતકાળ ધકેલ્યો ધકેલાતો નહોતો. વૈશાખ બેઠો હતો. ગરમીએ ઘણો ઉપાડો લીધો હતો. આ વર્ષે આંધીઓ વહેલી ચઢવા માંડી હતી. અહીં શહેરમાં ય આંધી સપાટો બોલાવતી ત્યારે રામજી અંદરથી ઉપરતળે થઈ જતો. ઝીણી ઝીણી ધૂળ એનાં ખેતરોમાંથી તો ઊડી આવી નહીં હોય? ન થવાનો પ્રશ્ન એને થતો. રામજીના મનમાં થયેલું કે બાએ એને કાગળ લખીને, પૈસા લઈને ખાસ તેડાવ્યો છે તે કાંઈ કારણ હશે. લગન ગાળો ઉઘડ્યો હશે? બેચાર દિવસ હરવાફરવાની મજા આવશે. રામજી વધારે ગોરો થયો હતો. બધા એને તાકી તાકીને જોઈ રહેશે. આ નવી ભાતે સીવેલાં લુગડાં જોઈને છોકરીઓ ય મલકાશે. ગાડીમાં પતિને ખભે માથું ઢાળીને નિરાંતે ઊંઘતી ફૂટડી યુવતીને રામજી ક્ષણવાર તાકી રહેલો. ગાડી દેશ તરફ દોડતી હતી. પણ રામજી તો ગાડી પહેલાં ક્યરનો ય પહોંચી ગયો હતો. આંધી ચઢતીને રામજી ગભરાઈ જતો. ઘરનું છાપરું ઊડું ઊડું થઈ રહેતું. ક્યારેક ઊડી પણ જતું. પાછો વરસાદ બધી ઘરવખરીને ભીંજવી દેતો. માંદા બાપા ખાટલે પડ્યા પડ્યા કણસતા. બાની મદદે ગામના જીવોકાકો આવી લાગતા–બાપાના લંગોટિયા ભેરુ. હાથમાંનો હોક્કો મૂકીને મજૂરો હાર્યે કામે વળગતા. જોતજોતામાં ઘર સાબદું થઈ જતું. પછી બા જીવાકાકા સારુ આખ્ખા દૂધની, રાબ્બડા જેવી ચા કરતી. જીવોકાકો હોક્કો પીધા કરતા, અને બા વાતો. રાત પડી જતી. બેઉની વાતો ખૂટે જ નહીં. હોક્કાનો દેવતા ક્યારેક રાતોચોળ દેખાઈ જતો. બાપાની ચીડ ઊંઘમાં બદલાઈ જતી. એકવાર આંધી ચઢેલી. ધૂળે બધું ઢબૂરી દીધેલું. વાયરો ધૂણે રાક્ષસ જેવો. છાપરું કહે કે ના ઊડીને જ રહીશ. બા અને જીવોકાકો આંબામાં કેરીઓ લેવા નીકળી ગયેલાં. રાત પડ્યા કેડ્યે એ આવ્યાં ત્યારે ફળિયામાં દેકારો મચી ગયેલો. બાપાના ખાટલા પર ભીંત ને છાપરું ઢગલો થઈ ગયાં હતાં. બાપા પછી નહોતા રહ્યા. બાએ કાળું કલ્પાંત કરેલું. જીવોકાકો પહોંચેલો આદમી. બાપાના દસમા પહેલાં ભીંત ઊભી થઈ ગયેલી. ઘર માથે વિલાયતી નળિયાં. વિધવા બા લોકોને વધારે જુવાન લાગતી હતી. પછી રામજી સમજણો થયો હતો. તો ય આંધી ચઢતી કે એનો જીવ તાળવે ચોંટી જતો. કાળજું કારખાના માફક ખટાખટ કરવા માંડતું. પવન વચ્ચે ય પરસેવો વળી જતો. જેઠોકાકો પ્હેલ્લાવેલ્લા એને શેઠની નોકરી માટે થઈને શહેરમાં લઈ આવવા નીકળ્યા ત્યારેય વૈશાખ ઉતરતો હતો. જેઠોકાકો જીવાકાકનો નાનો ભાઈ. એમણે ભલામણ કરેલીઃ ‘ જેઠિયા. રામજીડાને લઈ જા. ઉજળો છે તે શેઠના ઘરમાં ખપશે. બે પૈસા કમાશે તો ઘરમાં દીવો થશે. વિધવાબાઈના આશીર્વાદ મળશે એ છોગામાં.’ જેઠોકાકો શહેરમાં વટાઈ વટાઈને આરમાર થયેલો. પાદર છોડતાં રામજી બાને વળગીને છૂટે મોંએ રોઈ પડેલો. હોક્કો પીતાં જીવોકાકો બોલેલો : ‘હેંડ હેંડ અવે, છોરીની પેઠમ, રોઈએ નહીં. ખાવાપીવાનું ભાળેશ કે આ ધૂળિયો મલક હાંભરશેય નહીં, બેટ્ટમજી!’ ખટારે ચઢીને રેલવે સ્ટેશને પહોંચતાં બે કલાક થયેલા. આવતી ગાડી સાંભળવા રામજીએ પાટે કાન માંડેલા. પહેલ્લીવાર ગાડી જોઈ હતી. ગાડી ઊપડી ત્યારે જીવ સખળડખળ થતો હતો. બધું અપરિચિત ભાળીને છાતીમાં ડચૂરો બાઝતો હતો. રામજીએ બારીમાંથી ગામની દિશામાં જોયેલું, તો બરોબરની ડમરી ચઢતી હતી. જેેઠોકાકો તો નિરાંતે બીડી પીતા હતા. એને થયેલું કે આ ય હોક્કો પીતા જીવાકાકાનો પડછાયો છે કે શું? ગાડીની બારીમાંથી સૂસવતો વાયરો રામજીની છાતીમાં ચાબખાની જેમ વાગતો રહેલો. આખો એ ભાગ ધૂળમાં ઢબૂરાઈ જતો એ જોઈ રહેલો. ગામનાં ગામ પાછળ છૂટતાં જતાં હતાં. રામજીને ઉતરી પડવું હતું પણ ગાડી થોભતી નહોતી. વૈશાખે દેશમાં આવવાનું થાય તો રામજીનો જીવ ઉપરતળે થઈ જતો. આ વખતે તો ફડક પેઠેલી. બા બોલાવાતી હતી. બહેલ સાંભરી હતી. દેશમાં ગયે માસો થઈ ગયા હતા. ગામ જોવા જીવ વધારે તલપતો હતો આ ફેરે. ને તોય ન કળાય એવો ઓથાર ઉમંગ ઉપર ઝળુંબતો એણે અનુભવ્યો હતો. આગળ કોઈક સાદ પાડતું હતું તો પાછળ કોઈક પગલાં દબાવતું આવતું હતું. પહેલીવાર જેઠોકાકો એને શહેરમાં શેઠેને ઘેર મૂકીને જતા રહેલા. પછી તો રામ તારી માયા! શેઠાણીએ બધું કામ ચીંધી દીધેલું. આખું અઠવાડિયું રામજીની આંખો ભીની ભીની રહેલી. ફૂંકાતા વાયરામાં ગામ તણખલું તણખલું થઈને ઊડતું હતું. રાતે એને વારંવાર એકનું એક શમણું આવ્યા કરતું. ઘેઘૂર ડમરી ચઢે છે. વાયરો ઘૂઘવે છે. રામજી ઊંડો ખાડો ખોદતો હાંફે છે. કોકના મડદાને એ એમાં દાટે છે ને કાઢે છે, કાઢે છે ને દાટે છે. કાળા ઘોડાસવારો એની પાછળ પડ્યા છે. ભૂખ્યો તરસ્યો. ખાવા બોલાવતી બાની બૂમોની ભ્રમણા એને થયા કરે છે. દોડતી ગાડીમાં એને જીવાકાકાની અમી સાંભરી હતી. અમીનું મોરખાણું એના પોતાના મોરખાણાંને મળતું આવતું હતું. કામની ઋતુ હતી. ગામ આખું સીમમાં. રામજી મોટાભાઈને પાણી પીવડાવીને કળશો લઈને ખેતરથી ઘેર વળતો હતો. બપોરો ઢળી ચૂકેલી. પાદરને કૂવે અમી રાતો ગોળો ભરીને ચઢાવનારની વાટ જોતી હોય એમ રામજીને જોઈને બોલેલી? ‘રામજી જરા ગોળો ચઢાઈ જજે.’ રામજીએ કૂવાની વંડીએ કળશ્યો મૂક્યો, ને પાણી ભરેલો ગોળો ચઢાવવા મૂક્યો ત્યાં તો અમીએ કળશ્યો ભર્યા ગોળામાં ડૂબાડી દીધેલો. કાયાને ઢેલની જેમ આંબળીને બે હાથે ગોળો માથે ચઢાવતાં બોલેલી : ‘કળશ્યો મફતમાં ના મળે હાં કે. લેવો હોય તો ઘેર આવો...’ વાટ છલકાવતી અમીની પૂંઠે રામજી જીવાકાકાને ઘેર પહોંચ્યો ત્યારે અમી સિવાય ઘરે કોઈ નહોતું. અમી રામજીને મેડે ખેંચી ગયેલી. ઘણુંય મથવા છતાં રામજી છૂટી શક્યો નહોતો. જાગેલા શરીરનો રોમાંચ શમી ગયો ત્યાંયે રામજી કાંપી ગયેલો. કળશ્યો લઈને ઘરમાંથી નીકળતો હતો ત્યારે શેરીને નાકે જીવોકાકો આવતા હતા. રામજીના હાથમાંથી કળશ્યો છૂટીને પડસાળે આળોટતાં રણકી ઊઠેલો. બારણામાં ઊભેલી અમી મલકાતી હતી. રામજી રોકાઈ શકેલો નહીં. આ પછીના માસોમાં જ રામજીનું શહેર જવાનું નક્કી થયેલું. કળશ્યાનો એ રણકાર આજે રોમરોમમાં આંધી જગવતો હતો. ઘણા માસે આવ્યો હતો પણ બાનો કશો ઉમળકો વર્તાયો નહીં. સાડલો ને પૈસા લઈ બાએ કબાટમાં મૂકી દીધાં. રામજીની ઊઘડેલી કાયા વિશે બા કાંઈ બોલી નહીં. રામજીને કોઈએ ધોલ મારી હોય એમ ભોંઠો પડી ગયો. મોટોભાઈએ કપડાં ન જોયાંને વળગણીએ લટકાવી દીધાં. બળદોને ઘાસપાણી કરવામાં એ ખોવાઈ ગયા. રામજીને થયું કે પોતે ઘેર આવ્યો જ નથી કે શું? નાનીબહેન રામજીને શહેર વિશે પૂછતી રહેલી. રામજી એને ટી.વી.ની અને મોટાં મોટાં મકાનોની, વિમાનોની અને વાહનોની વાતો કરતો હતો. રાતે ય નાની રામજીને વળગેલી રહેલી. ત્યારે બાએ નાનીને ધમકાવતાં કહેલું : ‘નાની, એને ઊંઘવા દે. થાક્યો હશે. બે દંનમાં તો કાં તો પાછો જવાનો હશે. એ ટી.વી. ફીવીની વાતો આપડે શાં કાંમની? આપડે તો કામથી મતલબ. કાંમ એટલાં દામ. નક્કામા દા’ડા પાડવાનું આપણને નાં પાલવે...’ રામજી ડઘાઈ ગયેલો. બા બોલતી રહેલી. બીજે દિવસે બેઉ ભાઈને રોટલા ખવડાવતાં બા કહેતી હતી : ‘આટલા પૈસા તો ચેટલેક પોંકવાના? અડધા ઉપર તો જીવોકાકો માગે છે. એ તો આ ફેરે આલી જ દેવાના. મને થાય છે કે નાનીને મોકલું તે મામને બોલાઈ આવે. હવે મોટાની સગાઈ હાટું જીવોકાકો ને મામો બેઉ મળીને કાંક નીવડો કરે. આ સાલ નંઈ ને પોરસાલ. લગન તો આંગણે આયું... જીવોકાકો માને તો કન્યા તો એમના ઘરમાં ય ચ્યાં નંઈ? રામજીને ગળે રોટલાનો ડચૂરો બાઝેલો. થાળીમાંનો અડધો રોટલો એણે બાને પાછો ધરતાં ભાત માગેલો.‘ ચ્યમ, શહેરની ભાખરી રોટલીથી ટેવઈ જ્યો એટલે ઘરનો રોટલો ય નંઈ ભાવતો?’ બાના બોલ રામજીને બાવળિયાની શૂળો જેવા ભોંકાઈ રહેલા.‘ રોટલા માટે તો એ પગ કૂટે છે,’ એમ કહેવાનું રામજીને હૈયે હતું પણ હોઠે આવ્યું નહીં. મૂંગુંમંતર ઘર એને કોરતું હતું. રહી રહીને એનામાંથી બાપાના કણસવાનો અવાજ આવતો હતો શું? ગામ આખું ઉમંગે ચઢલું હતું. કોઈ નવચંડી ખાવા તો કોઈ મામેરે જતું હતું. રામજીને થયું કે પોતે દેશમાં જ આવ્યો છે કે ક્યાંક બીજે? જીવાકાકાને મળવા જવાની ફરજ હતી. ને મન ચગડાળે ચઢેલું હતું પણ બાની શિખામણ પછી એનું મન ડહોળાઈ ગયું હતું. જીવાકાકાની ફળીમાં એ ના જઈ શક્યો તે ના જઈ શક્યો! ‘બેગ’ લાવવા બદલ પણ બાએ ઠપકો કરેલો! ‘ખોટા ખરચા મને નંઈ પાલવે.’ આઠ રજાઓ લઈને આવેલો રામજી ત્રીજે જ દીવસે શહેર પાછો જવા નીકળ્યો. પોતાના જવાની વાત સાંભળીને બા એને ખાલી ખાલી તો રોકાઈ જવાનું કહેશે જ ને! રામજીના મનમાં થોડો ઉમંગ બચ્યો હતો. પણ બાએ તો જવાની વાતને વધાવતાં ગાંઠે થોડી શિખામણો બંધાવી દીધી. ‘ડિલ હાચવજે અને આવજે, બેટા!’ સાંભળવા રામજીના કાન વલખતા રહ્યા. અને બા તો શેઠાણીવાળો સાડલો પહેરીને પહોંચી ગઈ હતી જીવાકાકાને ત્યાં. આવું બનશે એવું તો ધારેલું જ નહીં. દૃઢતાપૂર્વક બાંધી રાખેલી મુઠ્ઠી ખોલીને રામજીએ જોયું તો એમાં પરસેવાનો મેલ ભરાયો હતો. સાંજ ઢળવા છતાં તડકો આકરો હતો. બસ સ્ટેન્ડ ખાલી જેવું હતું. રડ્યાખડ્યા એકાદ બે પેસેન્જરો પણ ઠૂંઠા વૃક્ષની છાયા જેવા બેઠેલા હતા. રામજીની ભીની આંખમાં પાદર આંસુ સરખું ગોળમટોળ થઈને ભૂંસાઈ રહ્યું હતું. ક્યાંકથી ખાટી વાસનું મોજું ઊડી આવીને રામજીને પાછું ઉપરતળે કરી ગયું. આકાશ ચોખ્ખું હતું. ડમરી ચઢવાની કોઈ જ એંધાણી વર્તાતી નહોતી. બસ આવી અને ઉપડી ત્યારે પાદરની ધૂળ ઊડી હતી ખરી. પણ એ તો ત્યાં જ પડીને ઠરી ગઈ હતી. રાતે બંગલે પહોંચીને રામજી સાબુથી ઘસી ઘસીને નાહ્યો. ઓરડીમાં પોતું કર્યું. ને તો ય સૂતાં સૂતાં એને લાગ્યું કે પથારી–ઓરડી બધું જ ધૂળ ધૂળ થઈ ગયું છે. એના ગળામાં, નાકમાં, આંખમાં, કાનમાં બાઝી ગયેલી ધૂળ કેમેય ઓસરતી નહોતી.