મણિલાલ હ. પટેલ/૭. બાપાનો છેલ્લો કાગળ

૭. બાપાનો છેલ્લો કાગળ

બાપાનો છેલ્લો કાગળ ખોલતાં પહેલાં રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાંની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી; ક્રિયાપાણી પતી ગયા કેડ્યે! આમેય, છેલ્લા દાયકામાં બાપ-બેટા વચ્ચે અબોલા જ થઈ ગયેલા. એ પહેલાંય મનદુઃખ અને એકબીજાનાં અહમ્‌ કે કથલાં વેણ એમને મળતાં રોકતાં હતાં. સવારનો સૂરજ બગીચાની લૉન ઉપર પથરાઈ ગયો છે. જંગલી મેંદીની વાડ ફૂલીફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઊલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેનાં મકાનોની ભીંતો ઉપર બાઝી ગયેલી ચોમાસું લીલ પણ હવે તો કાળી પોપડીઓ બનીને ખરવા માંડી હતી... પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારુ ઘર માથે લીધું છે. એથીય રતિલાલ તો ઘરબહારા જેવા જ થઈ ગયા છે... બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતાં પહેલાં પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલાં આજ સુધીનાં બધાં આંસુ વહાવી દેવા એ જાણે આઘાપાછા થઈ રહ્યા. નાનકડા બંગલાના કંપાઉન્ડમાં એક તરફ ઊછરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લૈને એ બેઠા છે. પોતાનાં પાર વિનાનાં કામ અને ઘણીબધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. એંશીની વયે, ધ્રૂજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે મને? – તે આટલું કષ્ટ કર્યું હશે? એમ વિચારતાં રતિલાલે કાગળ ખોલી, ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ, મનને સાબદું કરી વાંચવા માંડ્યું : ‘સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્યે વસનાર ભાઈશ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વઉ અને મોટાં થઈ ગયેલાં બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લવેલ્લા રાંમ રાંમ વાંચશોજી. અહીં બધાં રાજીખુશીમાં છે ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દવારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલ અને તમારી કમાણીમાં બરકત નેપજે એવા મારા આશીરવાદ લેજો. કાગળપેનનાં ઠેકાણાં નથી, આંખોમાં ઝાંખપ હોવા સાથે લખતાં-લખતાં પાંણી વળે છે. ચશ્માં કાઢી-કાઢીને લૂછવાનાં ને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુજતો હાથ... પણ હવે જીવતરમાં ચ્યાં ઝાઝૂ લખવા રેહવાનું છે? ગમે તે એક દનની હવાર પડશે ને હું નઈ હોઉં એ દાડાના ઊજ્યા-આથમ્યા જેટલી નક્કી વાત છે. તમને ઘણાં વરહો હુધી માંનપાનથી કાગળ લખ્યા ને બોલાયા... આજે ‘તું’ કહીને લખવાનું છેલવારકું મન છે. અક્ષરોને શબ્દો ગોઠવતાં કહટાવાનું થાય છે. લખવા-બોલવાનું બધું સેળભેળ થાય છે તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં ચાર ઈંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી, ત્યાં મોટાભાઈ મરતાં મારે મારા ઘરડા બાપને હળલાકડાંમાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદાં હોત, તને મારા વાસ્તે જે ફરિયાદો રઈ છે એય ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો, ભૈ! કાળના ગરભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તીયાર હોય છે. હુંય માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલાં ડોળિયાં તે જીયાં ચ્યાંથી ખાવાનાં? પણ, રતિભૈ હાચું કઉં તો મને આ બધી વાતોનાં હૈયા બળેવણાં નથી થયાં... કાંમ કરતો ગયો, કાંમ લેતો ગયો ને જે મળ્યું તે વહેંચી ખાધું... તને એવું ચ્યમ લાગતું રહ્યું કે હું તને ફળાઉ આંબો ગણીને વેડતો રહ્યો છું – મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકેલવાનો નથી. મેં તને મૈનાની આખરમાં કાગળો લખ્યા, પૈસા માગવામાં હું કદી તારાં બાળગોપાળની અને વેવારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હઈશ પણ મારે અહીં બચરવાળ ઘર ચલાવવાનું હતું ને ન્યાતમાં બંધાયેલી છાપ હાચવવા સમાજની ફકર્ય ચિંતા કરવાનાં હતાં, મારા હાથપગ બંધાયલા હતા. ઘરનો દીકરો શેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉછીના પૈસાય લોક નથી આલતું. એટલે તારી ખેંચ જાંણ્યા કેડ્યેય હું પૈસા માગતો રહેલો. લોક ઉછીના લીધેલા તે માગવા આવે ને બીજા તારી આવક જાણીને ઉછીના હારું વચન નાંખતા આવે... ત્યાં હું ચ્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન; રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર... હું રાતદન રઘવાયો ર્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આકરાં વેણ કહીને પસ્તાયો છું પણ તને એની ચ્યાંથી ખબર્ય? તારી બાનો મંદવાડ અને ભાઈબેનોના ખરચા... તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોય તો આટલો બળાપો જીવતરના આ છેડે ના ર્યો હોત... પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાંએ મને આકરો ગણ્યો ત્યાં હુધી તો ઠીક મારા ભૈ! પણ હું કાંઈ લાગણી વનાનો બોથડ કે જડથો તો નહોતો જ... તોય આજે જે મારી પાહે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર હમજે છે એ તારાં ભાઈઓ-ભોજાઈઓય મને કઠોર ને ક્યારેક તો કપાતર ગણે છે.... એમનું આલેલું – તુચ્છકારથી હડસેલી આલેલું – ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધાં મને કઠોર કહે એ નથી વેઠાતું હવે... મારું દૂઝતું રુદિયું તને ચ્યમ કરીને દાખવું? મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે ને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય! આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કાંઈ કારણ નથી... તોય તું આગ મૂકતી વેળા હાજર હોય – હું ચાહીને કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે – તું બોલજે : ‘નાસજે પ્રાણિયા આગ આવે.’ થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમિરાયાં લેતો. હશે...જોજે...’ રતિલાલના ગળે ડૂમો બાઝ્યો કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા એ નહોતા? અરે, એક વાર જે ધારણા બંધાઈ તે કદી ખરી ખોટી છે એમ મૂલવાઈ પણ નહીં? બાપા વાસ્તે તો સૌએ એક વાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા! એક વાર ઉનાળે રતિલાલ ઘરે – વતનમાં ગયેલા. ભાઈબેનોનાં સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાંણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પાર એ ઊંધું ઘાલીને ચકરડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઇચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા, છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું... તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર-આંગણે ચણતાં કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચઢેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલાં ઘર-ગામનાં કબૂતરો, એ પાસે આવે છે કે અળગાં, આઘાપાછાં કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઊડતું ને પાછું આવતું... બધાંની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું... એકલું... કેમ લાગતું’તું? મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજાં ઢોર ખેતરોમાં ચરવા જતાં. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થૈને બેસી રહેતો.... થોડું વાગોળતો ને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સૂનમૂન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી, ઊઠવા જેવું કરીને પાછા બેસી રહેલા... એમના ચહેરાની ઉદાસી, ના. ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદનાભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરેલી. આજે પત્ર વાંચતાં પુનઃ એ બધાં દૃશ્યો એમને ઘેરી ઊભાં. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો : ‘...જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અરથ નથી. પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માંણસ ગણાય છે. તને બેત્રણ વાતો કહીને હળવાફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેળતાં હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે... પણ હવે આજે પેટછૂટી વાતો લખવા બેઠો છું તો ભલેને! તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માંણસ થાંય એવી મારીય મંછા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો ચંપાયેલો, દેવામાં ડૂબેલો. મેં તને ઝટઝટ પી.ટી.સી.નું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું, એમાંય તારી બુદ્ધિનો ઘર-કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. ન્યાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે – મોટો તો ભોળિયો, એનું કાંમ નઈ! મને હતું કે તું જો આટલામાં જ માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેંડી આવતી આગેવાની અને ભાંજગડમાં પહેલી પંગત હચવાઈ રહે... બાકી ધાર્યું ધણીનું થાય, તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થૈને એક ડંખ રઈ ગયાનું તું ફઈને કે’તો’તો. તું પેલી વાર નોકરીએ નેકળ્યો ત્યારે તને ઠેઠોઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉછીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો-એકલો શેરોમાં ફરનારો-ભણનારો. જાતે બધું ઊંચકીને જઈશ ને એમ પોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાંખળું હું હજી ભૂલ્યો નથી... પણ તું કશેથી પાછો નઈ પડે એની ધરપત બેઠેલી... આજેય આ મોટા-નાંનાની ચિંતા છે એટલી તારી ફકર્ય નથી થતી. માળામાંથી જે ચકલું વે’લું ઊડી જાય એ વે’લું ગોઠવાઈ જાય છે. તું નઈ માને પણ હુંય તારી જેમ આખો જન્મારો મને એકલો, કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મનેય ટેમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાંઓએ વખની વેળા આંણી હતી ને દખના દાડાઓમાં બધાં પોતપોતાના હખમાં ડૂબેલાં હતાં. મારીય આંખોમાં તારી જેમ મહુડાં જેવા અહવાં આયાં છે ને મહીમાતાના સોગન! મારાય ઘોઘળે ડૂમો ને છાતીમાં ડચૂરો બાઝ્યો છે – હપરવા દાડોમાં ને પ્રસંગ ટાંણે... હાથ ટૂંકા પડ્યા ને તમને ભાઈબેનોને દુભાયેલે મોઢે ઊભેલાં જોયાં એટલી બધી વાર હુંય મૂંઝાયો છું... પણ મરદથી પોચકાં ના મુકાય રતિભૈ! હું બધું હઠાવવા આકરો થૈને ઘૂરકવા માંડતો... ગુસ્સાના જોરમાં બધાં કામ થઈ રહેતાં. સૌથી વધારે દશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કાંમ કૂટવા આડે હખ ભાળ્યું જ નથી... એમાંય રાજરોગનો રંજાડ! ઓછું હોય એમ મારાં ડાકાં ને ઘૂરકિયાં! કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનુંય પુન્ય નથી પામ્યો; મારી આજે જે વલે થઈ છે એમાં એના નેંહાકા નઈ હોય તોય એની કકળતી આંતઈડીનો પંછાયો હશે એમ હું માનું છું.... પણ હાચું એ છે કે મેં મારા હખ માટે કાંઈ કરાવ્યું નથી. બધું સંસાર નભાવવા ખાતર. ફઈ તને શાંત પાડતાં કહે છે કે પાકતાંય લેંબોળી મેંઠી ના થઈ.... તે ય જાણું છું... પણ ચ્યાંથી થાય? લેંબોળીનેય વરસાદનાં ઝાપટાં ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે... એમ હવામાંન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેંઠાશ પકડે.... આજેય થાય છે કે તને-તમને સૌને ભેગાં કરી વાતો કરું... હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર્ય છે... જાંણે બાપના ત્યાંથી બાંધી લાઈ હોય એમ કડવાં વેણ બોલે છે. બે ટંકના રોટલા ને નાવાધોવાની સોઈ કરતાંય ઝટકા વાગે. પાંચપંદર લાખની મિલકતના ધણીની આવી વનોગત દશ્મનનીય ના થજો, ભૈ!’ રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં, કંપાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘરસફાઈ અને સામાન ઝાપટવામાં પડેલાં છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે – રેવતી કહે છે, બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂનાં પેટી-પટારાં ને બડાબૂટોય ના જોઈએ. હવે જૂનાને શું છાતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘર્યો સાપ કામ આવતો એ જમાનો ગયો. લીધુંદીધું ને ભૂલી ગયાં... વાત પૂરી...! રતિલાલને ક્ષણ વાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતાં કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાનાં બધાં આયોજનો પાર પડ્યાં છે... એમની ગોઠવણને કોઈ આઘીપાછી કરી શકતું નહીં... ને આજે આ રેવતી?... કે પછી રહી-રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા – લવજી કોદર... બધાં બે દસકેથી એમને ‘ડોહા’ જ કહીને બોલાવતાં.... રતિલાલને આજે એ શબ્દ કઠ્યો... અરેરે! ‘દાદા’ પણ નહીં? ગળામાં જરા ખખરી બાઝી. ખુરશી પર તડકો આવતાં પાછા પારિજાતની છાંયામાં સર્યા. કેટલાંક ફૂલ હજી કરમાયાં નહોતાં. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટા ભાઈ દિવાળી પછી એની ડાળીઓ-સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડાં એમાંથી વણાંતાં. લોક એને ‘શાળિયાં’ કહેતાં. રતિલાલ પણ ‘આ ‘શાળિયાં’ એ જ પારિજાત છે –’ એવું ઘણાં વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું. પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો? અફસોસ... કંપાઉન્ડવૉલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ને આ ગિરનારી કાગડો – રતિલાલ ટીકીને જોઈ રહ્યા – જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય, એમ જોતો-તાકતો બેઠો છે ને જતોય નથી મારો વ્હાલો! રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો : ‘...મને બરોબર હાંભરે છે, તને કૉલેજ વખતે પૂરતા પૈસા ન’તા અપાતા. ચ્યાંયથી ના મળે ત્યારે માણેકકાકા પાહે જતો ને એ આલતા. સગાં પાહે તો મેં ખાસ કરીને વેવાર પૂરતા માગેલા... ને દૂઝણી ભેંસો વેચીને એવાં દેવાં ભરેલાં, તું માંદો થૈને પૈસા લેવા આયેલો ને હું હાછેટ છૂટી પડેલો... તું ભાંગલા પગલે પાછો વળી ગયેલો. એ ઘડીએ બઉ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તેં છાપાં વેચીને ભણવાના પૈસા જોડ્યા તો મેંય વાંસ-પુંવાડનો વેપાર કર્યો... તને બપો૨ની ચા મિતરો પાહેથી મળતી, ને મારે તો એય નઈ. વાંસ-પુંવાડની ટ્રક ભરાવા જતો, તો ત્યાં ફાંકો ભૂંસું ખાઈને બબ્બે દંન કાડવા પડતા. પેટમાં ચૂકનું દરદ મનેય પજવતું – ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ-ડુંગળી શેકી ખાઈને વાયુ ચકરી મટાડતો. ઝેર ખાવાય પૈસો ચ્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દરદ કાબૂમાં આયેલું... પણ તમાકુએ કાયાને ઓગાળી મેલી... છેવટે એ છોડી તો આજે ડિલમાં હાંધે હાંધે વા છે ભૈ... પણ હવે તો બૌત ગઈ ને થોડી રઈ – વાળી વાત છે. આપડે ક્યા રાજાને રાવ કરવા જવાના હતા, હેં? ને રાજાય જોઈ લીધા છે. મેં તો! પણ એક વાત લખતાં લખતાં આજેય આંખો મહીમાતાનું રૂપ ધારી લ્યે છે તે વાત... થાય છે કે રેવા દઉં નઈ કેહવી... તારી હમજણમાં એ આઈ જ હશે. આપડી તો નાતરિયા ન્યાત. હું ચાળીસની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે બેત્રણ-રંડાપો ગાળતી ને છેડાછૂટ વાળી બાઈઓનાં માગાં આવેલાં... હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો... જાણે અડધી વાટે હતો ને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું ને ફજેતી જેવી ખેતી હંભાળતાં-હંભાળતાં ગોબરા સમાજને પોંચી વળવાનું... ઘણાંએ વણમાગી સલ્લા આલેલી ‘લવજીભઈ, નાતરું તો કરવું પડે... ઘર ચ્યમનું નભે? પણ તારાં ભૈબુનોનાં તમારાં હૌનાં નમાયાં મુઢાં ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી... હૌ હારાં વાનાં થયાં એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠ્યું-વેવામાં કસર નઈ રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું – એમ પૂછ્યું તો તને નઈ ગમે ને મારે કાંઈ જોઈતુંય નથી... પણ જશને માથે જૂતિયાંવાળી કે’ત હાચી ઠરી. અરે, જશની માને કૂતરાં પૈણી ગયાં. પણ લાખોના ધણીની બે ટંકના રોટલા માટેની થાળી ઓલા ઘેર ને પેલા ઘેર ઠેલાયા કરે... છીછરા પેટની, જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી બેય વઉઓ માંણસઈમાંથીય ગઈ? દોષ કોનો? જેવાં આપણાં નસીબ! મેંઠા વેલાનાં તુંબડામાંય કડવાશ પેઠી.. ભલા ભગવાન!! ઘરડો માણસ છું તે ચિડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય – તમે ના પાડેલી તોય – છૂટતો નથી. દહેકથી તું વેગળો - થયો તોય તઈણે ભઈનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી-ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી. એ હું જાણું છું. મનેય મારું કરેલું નવા જેવું ઘર પાડતાં મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીનાં પાણી ભારેવરહે ગાંમમાં પેસે... કાયમ ભો ને ભો રહે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાંય કડાંણાનો ડેમ બંધાયા પછી મારું મન નોતું માંનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શે૨ તણાયું તાણે આ તો મગતરા જેવડું ગામ... એને તણાતા વાર થાય કાંઈ? ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાહે – ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી ૨ઈ. જૂના ઘરઆંગણામાંના, તારી ધોરી નસ જેવા, તેં પાણી પાઈને ઊછરેલા, લેંબડા કાપતાં-કપાવતાંય મારું કાળજું કાંપેલું... પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે? ભઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે – એવી જોગવાઈ મેં તો કરી છે... અત્યારે એમનામાં કશો કળજગ નઈ પેઠો કાલની વાત જાણે દુવારકાનો નાથ! છેલ્લી વાત. મારી પાટી ચોખ્ખી રાખીને જીવ્યો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગડમાંય ન્યા-ને પક્ષે રયો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વેવારો હાચવીને આબરૂ કમાયો છું. વાટે જતાંને બોલાઈને ખવડાવ્યું છે. બાપદાદાનાં જમીન ઘર હાચવીને એમાં ચપટી ઉમેરણ કરી હક્યો છું. ઊજળો વસ્તાર છે... વધારે શું જોઈએ? ઘડપણમાં જે વેઠું છું એ મારાં કરમ હશે. આ મોટો-નાનો તો આ સમાજમાં જ સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગન કર્યું – તેં એમાં સંમતિ આલી... જેવું ઘડતર એવું વરતવું પડે. તું હાંમે ચડીને કન્યા જોવા કૉલેજમાંથી સીધેસીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો – તને યાદ હશે? પણ ના પાડીનેય મેં તારી મરજી વના ન’તો પઈણાયો... રેવતી તને ગમેલી... હાચું કઉં તો મને એ હમજી હકેલી... એની પાહે મને ફાવતું... એ જેટલું ઘેર રઈ એટલા દંન એને કોઈ વાતે કેવું પડ્યું નથી... પણ મને શેર નથી સદતું. ને આપણ બેને ઊભાર્યેય ના બને.... ત્યાં રેવતી વઉ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને? તારો ઊજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે – એટલે વધારે તો શી ચિંતા? પણ ન્યાત-સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બાર વરાવે એ ટીકાનો વિષય તો રેવાનો જ. મનેય વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શેરમાં ઊછરેલાં પાછરેલાં ને અહીં વનવગડાની જાડી પરજામાં અઘરું પડે.. હમજું છું. લોક તો બેઉ બાજુની કરવત છે. તો ઘણા વાયરો જોઈને ઉપણનારા છે. આ લોકો પછાત વિચારોના છે એમાં મીનમેખ નથી. જડતા ઝાઝી. જાડું ખાય, જાડું પેરે ને જાડું બોલે-વરતે, તારે હરખ જોયતું હોય તો હવે આ પા લમણો ના વાળેશ... આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખેદ છે. મને જે એક વાતે દખ રઈ ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપદાદાના ગામમાં, ઘ૨આંગણે ઊજવાયો હોત ને ન્યાતને એંઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા-ઊજળા થવાની તક મળી હોત.... ભલે તેં એવું ના ધાર્યું હોય. મારે તો હવે ન્યાત-સમાજના કશા ધખારા નથી રયા ને ટીકા કરનારાય જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી, ન્યાત-સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાંને જોખે... આપણે તો આવનારી કાલને ભાળવી... જે થયું તે ગયું. લાંબી વાતનાં ગાલ્લાં થાય. ઓછું લખ્યું ઝાઝું કરી માંનશો.... ને રતિભૈ, વખતે આ મોટા-નાંનાની ખબર્ય તો રાખજો ... દૂરથી થાય એ ટેકો કરજો... મારો રાંમ તમને ઘણું આલશે. જીવતેજીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો આલવા આવજે... હું મશાંણની આગ હુધી તારી વાટ જોતો હઈશ... એ જ લિખિતંગ લવજી કોદરના રાંમરાંમ સઈ દસ્તક પોતે...’ રતિલાલ માંડમાંડ ટકી રહ્યા. આ કયા લવજી કેદાર હતા? જાતને સો-સો ફટકા મારવાનું મન થયું - આંખો સૂકા ખંખ કૂવા બની રહી. રતિલાલે તો જાણ્યુંય નહીં ને કંપાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કંપાઉન્ડને ખૂણે રદ્દી કાગળ-કાપડ-ડૂચા સળગતાં હતાં ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય! બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી... મનોમન એ તાપણાની ગોળગોળ ફરતા હતા શું? ક્ષણ વાર થયું કે ના એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે... દંડીનો દેવતા ઢગલામાં ચાંપતાં એમનાથી બોલાઈ ગયું : ‘નાસજે પ્રાણિયા, આગ આવે.’ બધું બળીને ખાખ થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઊઠીને બારણા તરફ વળ્યા... બારણું જાણે જોજનો છેટું હોય એમ એ હાંફી ગયા. છેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે... એ અટક્યા... આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો... એ ટીપેટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું... બધી બાજુથી ઊતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો’તો...