મનીષા જોષીની કવિતા/માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ

માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ

પામ્યાનો આનંદ
શું ખોવાયું હતું તેના પર આધાર રાખે છે.
જો કે કંઈક ખોવાઈ જાય ત્યારે
શું ખોવાયું તેનો ખ્યાલ નથી હોતો
અને કેટલીક વાર જે મળે તેના મૂલ્યની જાણ નથી થતી
ત્યાં સુધી
જ્યાં સુધી એ ખોવાય નહીં.
આ એક એવી રમત છે, જેમાં
વાસ્તવમાં નથી કંઈ ખોવાતું
કે નથી કંઈ મળતું
પણ મને હવે અમરતા જ આદત થઈ ગઈ છે
કંઈક ખોઈ નાખવાની
કંઈક શોધવાની
કે કશુંક છુપાવી દેવાની
મેં સંતાડી દીધેલી વસ્તુઓ
આમ તો ઘરના ખૂણે ખૂણે દેખાતી હોય છે
છતાં હું જાણે અજાણ હોવાનો ઢોંગ કરતી હોઉં છું.
એ છુપાવેલી વસ્તુઓ શોધવા
ક્યારેક તો આખું ઘર માથે લઉં છું.
મને જોઈએ છે
કંઈક મળી આવ્યાનો આનંદ.
આજે સવારથી હું શોધી રહી છું
કાગળની એ ચબરખી
જેના પર પપ્પાએ લખી આપ્યું હતું -
માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ.
નાનપણમાં ગલીના નાકે આવેલી દુકાને
પપ્પા માટે પાન લેવા જતી વખતે
હું આખા રસ્તે આ શબ્દો ગોખતી જતી હતી.
આજકાલ દિવસ ઊગે ને હું શોધવા માંડું છું એ ચબરખી.
ભીનાં નાગરવેલનાં પાન જેવી મારી આંખો બિડાય છે
રખે ને ક્યાંક મળી આવે
એ હસ્તાક્ષર.