મનીષા જોષીની કવિતા/રજોસ્રાવ

રજોસ્રાવ

હું રજસ્વલા બની એ દિવસથી
વર્ષોનાં વર્ષો
મારી પાછળ ટપકતાં રહ્યાં છે
લોહીનાં ટીપાં
ને હું સતત લૂછતી રહી છું એ ટીપાં
મારી પીઠ પાછળ બાંધેલી સાવરણીથી

પછી તો ધીમે ધીમે લાલ રંગ મને પ્રિય બનતો ગયો.
ઠંડીમાં લાલ રંગનું સ્વેટર પહેર્યું હોય ત્યારે
મારા શરીરમાંથી ટપકતા
લાલ, ગરમ લોહીની ઉષ્મા મને ગમવા માંડી હતી.
હું ઊભી રહેતી બજારમાં, દાડમના ઢગલા સામે
અને મને લાગતું કે, આ દાડમની અંદરની સમૃદ્ધિ
અને મારા શરીરની અંદરની શક્યતાઓ
એકબીજાની સાથે કોઈક ભેદી રીતે સંકળાયેલી છે.

એ રજસ્રાવ વિના હવે
રજત ચાંદનીમાં, સફેદ સૂનકાર વચ્ચે
પગમાં ચાંદીના ઝાંઝર પહેરીને
નીકળી પડી છું હું અગોચર ભણી.
ઝાંઝરનો છમ છમ અવાજ, બોલકો નથી
શરીરની અંદર ટપકતા રહેતા લોહી જેવો
પણ લઈ જઈ રહ્યો છે મને
ગળામાં ચાંદીની હાંસડીઓ પહેરીને ફરતી
વૃદ્ધ રબારણોના દેશમાં.
રૂપેરી કેશ અને કાળાં વસ્ત્રો પહેરેલી એ રબારણો ભેગી
ચીતરી રહી છું હું હવે ઘરની દીવાલો પર
મોરનાં પીંછાં ને ચકલીનાં પગલાં
ને સંભારી રહી છું હજી
મારા પોતાનાં રક્તનાં પગલાં.