મનીષા જોષીની કવિતા/લૂણ

લૂણ

આમ તો મળી છું હું ગાંધીને
અમદાવાદના આશ્રમમાં
લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં
અને સાન ફ્રાન્સિસ્કોની ફેરી બિલ્ડિંગમાં
પણ હજી મારે કરવાનો બાકી છે
સત્યનો એક પ્રયોગ.

કેટલીક રેલગાડીઓના ગંતવ્ય સ્થાન
અલગ હોય છે, જે લખેલું હોય તેનાથી.
તેમાં બેઠેલા નવયુવકો ઊતરી પડે છે
અધવચ્ચે જ ક્યાંક, ટ્રેનનો આભાર માનીને.
ઊતરી જાવ જ્યાં, અધવચ્ચે
એ જ હોય છે, સૌથી પૂર્ણ મુસાફરી.
કોઈ ક્રાંતિકારીને સાચા સ્ટેશન પર ઉતારીને
આગળ ધપી ગયેલી ટ્રેનો હોય છે
યુગપુરુષોની પત્નીઓ જેવી
સંતોષસભર ને એકાકી.
મા બની ગયેલી પત્ની
સાફ કરી આપે ચશ્માં પર જામેલી ધૂળ
પોતાની જીર્ણ સાડીના છેડાથી
અને પિતા બનેલો પતિ
ભરી લે એની મુઠ્ઠીમાં
થોડુંક કાચું મીઠું.

ગાંધીની હથેળીમાંથી ત્યારે
ખર્યું હશે થોડું લવણ જમીન પર
મારે હજી લૂવાનું બાકી છે
મારી પરસાળમાંથી
એ ચપટીક લૂણ.