મનીષા જોષીની કવિતા/સામ્રાજ્ય

સામ્રાજ્ય

મને ઝરુખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.