મનોહર ત્રિવેદીનાં કાવ્યો/નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨)

નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨)

બાઈ
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!

કંચવો ઉતારીને પાણીમાં ગઈ
એમાં એવી તે ભૂલ કઈ કીધી?
ઝાડવાની આડશમાં આંખો માંડીને
એણે પાણીની જેમ મને પીધી
લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ

પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી
ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ
મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો
એક મારો સોનેરી વાળ
સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ