મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પૂર્વવત્ બેઠા છીએ

પૂર્વવત્ બેઠા છીએ

સાવ ખાલી આ ક્ષણે બસ પૂર્વવત્ બેઠા છીએ
શી ખબર કયા કારણે બસ પૂર્વવત્ બેઠા છીએ

લાખ મથીએ તે છતાં આ જાત સંધાતી નથી
કોઈ કાચા તાંતણે બસ પૂર્વવત્ બેઠા છીએ

પ્હાડ કે પુષ્પો હશે, કંઈ પણ હશે આ આંસુઓ
ઊંચકીને પાંપણે બસ પૂર્વવત્ બેઠા છીએ

સાંજ ઢળતાં, રાત ઊઘડતી જશે આ શહેરની
એમ તારે બારણે બસ પૂર્વવત્ બેઠા છીએ

એટલા રસ્તા મળ્યા કે ક્યાં જવું સૂઝે નહીં
મૂંઝવણમાં આપણે બસ પૂર્વવત્ બેઠા છીએ

દોસ્ત ક્યાં, ક્યાં ડાયરા, ક્યાં રાત, સાફી કે ચલમ
ઓલવાતા તાપણે બસ પૂર્વવત્ બેઠા છીએ