મનોહર ત્રિવેદીની વાર્તાઓ/મનોહર ત્રિવેદીની વાર્તાઓ

From Ekatra Wiki
Revision as of 11:38, 16 March 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
મનોહર ત્રિવેદીની વાર્તાઓ

અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં નોખી ભાતની વાર્તા લખતાં મનોહર ત્રિવેદી પાસેથી આપણને બે વાર્તાસંગ્રહો મળે છે : ‘ગજવામાં ગામ’ (૧૯૯૮) અને ‘નાતો’ (૨૦૧૦). એ સિવાય થોડી વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલી છે. આ બધી વાર્તાઓની સંખ્યા ગણતાં ભાગ્યે જ પચાસે પહોંચે. પોતે જ કહે છે, તેમ વાર્તા ઓછી લખાય છે પરંતુ જે લખાઈ છે તે નિબિડ અંધારામાં ઝળહળતા દીવડાની શગ જેવી છે. પોતાને જનપદના જીવ તરીકે ઓળખાવતા આ વાર્તાકારે જે નોખી કેડી ચીતરી છે, તેનાં મૂળમાં છે સાવ નોખાં વિષયવસ્તુ, મુખ્ય ઘટના સાથે જોડાતી જતી અન્ય સામગ્રી, કહેવતો, મહાવરાઓ અને તળપદી લહેકાઓનો યોગ્ય ઉપયોગ, ગોહિલવાડી બોલીની તાજગી, ક્યાંક વ્રતકથાનો ઉપયોગ, સબળ પાત્રસૃષ્ટિ અને વિશેષ તો ઊઘડતું આવતું પાત્રોનું આંટીઘૂંટીવાળું મનોજગત, રમયિતાળ અને મલોખાં જેવી હળવીફૂલ કનથશૈલી અને રમણીય ફૂલગંથૂણી જેવી રચનારીતિ. ‘સ્થૂળદૃષ્ટિએ મારું અનુભવજગત સાંકડું છે, પણ હા રાંકડું જરાય નથી.’ એવું કહેતા મનોહર ત્રિવેદીની પાત્રસૃષ્ટિમાંથી પસાર થાવ તો અનુભવાય કે આ વિધાન કરવાનો એમને પૂરેપૂરો અધિકાર છે. રાજાદા’, પમલો, કાનો, ભોળુ, ગોમતી, દેવો, કુશા, કાજુ, મોટીબા, નટુ મેરાઈ, ગોસ્વામી દંપતી, સુશીલા એમ કેટલાંય પાત્રો તમારા મનની ગલીમાં એવા ગોઠવાઈ જાય છે કે હટાવવા મુશ્કેલ થઈ પડે. એવું જ ખપમાં લેવાયેલી ભાષાનું છે. પિતાજીની વારંવાર થતી બદલીને પરિણામે કાઠિયાવાડ-ગોહિલવાડના ગામડાંની તળપદી બોલી, કીર્તન-કથાઓ, વરત-વરતુલાવેળા કહેવાતી કથાઓ, પોતાની આપદા વર્ણવતાં ભળી જતી આંસુની રેખાઓ, રમૂજો આપકથાઓ વગેરે અસંપ્રજ્ઞાત મનમાં ઝીલાયેલું. જે આ વાર્તાઓનું માધ્યમ બને છે, એ વાર્તાઓમાંથી નવતર ગંધ ફોરે છે, નવજાત શિશુના દેહમાંથી ફોરતી માની ગંધ જેવી. રચનારીતિના પણ નોખા નોખા પ્રયોગો છે. ત્રણ કથકોને મુખે કહેવાતી વાર્તા છે, તો વાર્તામાં વાર્તાનો કે વ્રતકથાનો વિનિયોગ કરતી વાર્તા પણ છે, કિશોરોના પારસ્પરિક નિર્દોષ સ્નેહનું ‘નહીં દંઈમાં નહીં દૂધમાં’ એવા બાળકની આંખે થતું નિરૂપણ છે, માના મનની અકળ લીલાને ઓળખી શકતા યુવાન પુત્રની સામે માના ત્યાગ અને સ્નેહાળ જગતને પારખી ન શકતી અને ચારિત્ર્ય પર આક્ષેપ કરનારી કિશોરી દીકરીનું કેન્દ્ર પણ છે. ક્યારેક સાક્ષી કથક આખી ઘટનાને પાત્રો અને વાચક સમક્ષ મૂકી આપતો જાય છે. આ કથન-રચના વૈવિધ્યથી પણ આ વાર્તાઓ નોખી પડે છે. હવે અહીં પસંદ કરેલી વાર્તાઓનો સંક્ષિપ્તમાં આસ્વાદ કરીએ. નાગચૂડ : આખું જીવન નર્યા અભાવોમાં જ પસાર કરનારા રાજાદા’ની આ વાર્તા પ્રમાણમાં લાંબી છે, પરંતુ લેખકની વર્ણનકળાને લીધે છેક સુધી જકડી રાખે છે. નાનપણમાં માની ગાળો, ભાઈ-ભાભીના ટપલા-તુંકારા, ઘરવાળીએ કરેલી આજીવન અવગણના, સતત મારેલાં મહેણાં ટોણાં, જતી જિંદગીએ દીકરા-વહુઓની અવહેલના અને ગામવાળાની શાબ્દિક તથા શારીરિક મશ્કરીઓ. રાજાદા’નું અદોદળું શરીર હવે આ બધાંથી ટેવાઈ ગયું છે. મન ઠાલવવાનું કોઈ ઠામઠેકાણું નથી, છોલાતી કોણીઓની જેમ મન પણ સતત લોહીઝાણ રહે છે. હવે તો જીવનની ઢળતી વેળા છે. બાજુના ગામના મુખીના જુવાનજોધ દીકરાને એરુ એવો તો વળગ્યો કે એના કટકા થયા તો ય ચૂડ છોડી નહીં, દીકરા અને એરુ બન્નેના જીવ ગયા, આ સાંભળીને રાજાદા’ જીવનનો મોટો પાઠ શીખ્યા અને કાયમ હડદોલા ખાતા રહેલા રાજાદા’ મરવા અને મારવાની હદે પહોંચી જાય છે. સહનશક્તિની હદ આવે ત્યારે જીવ પર આવી ગયેલો એક ભલો ભોળો માણસ શું કરી શકે એનું ઉદાહરણ બની રહેતી આ વાર્તા ઉત્તમ રચના બની રહે છે. ફરક : યુવાવસ્થામાં જ પત્ની શાંતાનું મૃત્યુ થતાં સંતાનોને આપદા ન પડે માટે ફરી લગ્ન ન કરનારા માસ્તર આજીવન સીધી લીટીએ જીવ્યા છે. બન્ને દીકરાના પરિવાર સાથે જીવતા માસ્તરને પૌત્ર-પૌત્રીઓની મસ્તી, વહુઓનો સ્નેહાળ વ્યવહાર ગમે છે, પરંતુ અંદરથી એકાંતની ઝંખના છે. હરિભજન માટેનું એકાંત આ ઘરમાં દોહ્યલું છે, એવું સતત લાગે છે. એટલે બદલી થતાં બન્ને દીકરાઓને સપરિવાર બહારગામ જવાનું થતાં માગ્યો એકલવાસ મળવાથી માસ્તર હરખાઈ ઊઠે છે. પરંતુ પરિવારના ગયા પછી ડોસાને ઘરમાં વ્યાપેલી શાંતિ ભરડો લેતી લાગે છે. એમને આવી સ્મશાનવત્‌ શૂન્યતા ખપતી નથી. ત્રણ રાત પથારીમાં પડખાં ઘસીને કાઢ્યા પછી ચોથે દિવસે સવારે ઘરને તાળું મારીને પે’લી પરિચિત કોલાહલભરી દુનિયામાં જવા માટે નીકળી પડેલા માસ્તર વાચકને પણ ગમી જાય છે. પાઠડી : મનોહર ત્રિવેદીની સહુથી વધારે ચર્ચાયેલી વાર્તા એટલે ‘પાઠડી’. (પાઠડી એટલે હજુ વિયાઈ ન હોય એવી બકરી) દેવો, ગોમતી અને ભોળું ઉપરાંત આ વાર્તાનું ચોથું પાત્ર તે બકરી ટિલવી. નાનપણમાં મા ખોઈ દેનાર ભોળુને માસી ગોમતી અને માસા દેવાએ જ ઊછેર્યો છે. તરુણાવસ્થામાં જ ભડભાધર જુવાન લાગતા ભોળુના તન-મનમાં હવે દૈહિક ઝંખનાઓ જાગવા લાગી છે. માસી ગોમતી પરણ્યાં છતાં આજીવન તરસી છે. એની માતૃત્વની ઇચ્છા અને આજ લગી વણબોટ્યા રહી ગયેલા તનની ભૂખ પ્રબળ બને છે, અને એક પળે ભાણેજ ભોળુ સાથે દેહસંબંધ બાંધી બેસે છે. એ પછીનો સમય બન્ને પક્ષ માટે પશ્ચાત્તાપની ભડભડતી ભઠ્ઠીમાં બળવાનો છે. પરંતુ પોતાની કૂખમાં ફરકતા બીજનો સંકેત ગોમતીની પશ્ચાત્તાપની આગને ટાઢી પાડી દે છે. જ્યારે એ ભડભડતી જ્વાળા ભોળુને માસીની ડેલી ત્યજવા મજબૂર કરે છે. સામાજિક દૃષ્ટિએ અનુચિત લાગતી એક ક્ષણને લેખકે એટલી તો કળાત્મક રીતે ઝીલી છે કે આપણા મનમાં લગીરે તિરસ્કાર જન્મતો નથી. ઓળખ : નાની અમથી વાતમાં ઘર છોડીને જતા રહેલા પતિની ગેરહાજરીમાં એકલે હાથે સંતાનોને ઊછેરતી, ઘર ચલાવતી અને પતિને સતત પોતાની વાતોમાં, કામમાં જીવાડતી નાયિકા દીકરાની સગાઈ વખતે ઘરને શણગારે છે. એને પતિ આજે તો પાછો આવશે એવી શ્રદ્ધા છે. ન તો પતિ આવે છે, ન પ્રસંગમાં હાજર રહેવા બાજુમાં જ રહેતા જેઠનો પરિવાર આવે છે. નિરાશા થવા છતાં મનને મનાવતી નાયિકા વેતા વિનાની વેવાણને જોઈને વેવાઈ માટે સહાનુભૂતિ અનુભવે છે. અને એક પળે મનની ગૂંચવણમાં ઘેરાઈ જઈને વેવાઈને લાપસીનો કોળિયો ભરાવી બેસે છે. સોંપો પડી ગયેલા ઘરમાં દીકરીને મુખેથી પણ મા માટે કવેણ નીકળે છે, ત્યારે દીકરો માધવ માના વાંસે હાથ ફેરવીને પીડામાં સહભાગી બને છે એને માનો હરખ, માની પીડા, માની અધૂરી ઝંખના અને એ બધાનું એકમેકમાં ભળી જવું બરોબર ઓળખાયું છે. ભાદા રણછોડના ડેલામાં રાતવાસો : મિત્ર આલોકના મિત્રા સાથેના તૂટી રહેલા લગ્ન સંબંધને બચાવવા વાર્તાનો કથક લાંબે અંતરેથી આ નાના નગરમાં સાંજવેળાએ પહોંચ્યો છે. ત્યારે ખબર પડે છે કે ભાદા રણછોડના ડેલામાં ત્રીજી ખડકીમાં રહેતો આલોક તો પત્ની સાથે ફરવા પોરબંદર જતો રહ્યો છે. રાતવાસો ક્યાં રહેવું એની મૂંઝવણમાં મુકાયેલા કથકને આલોકના પડોશી ગોસ્વામી દંપતી પોતાના મહેમાન બનાવે છે. એમની હૂંફભરી આગતાસ્વાગતા કથકના મનને ભીંજવી દે છે. મજા એ વાતની છે કે છ મહિનાથી બાજુમાં જ રહેવા છતાં આલોકે ડૉ. ગોસ્વામી સાથે કદી વાત પણ કરી નથી. સવારે પાછા ફરેલા આલોકને ત્યાં જતાં મિત્રા જે કડવાશ અને તિરસ્કારથી કથકનું સ્વાગત કરે છે, એ જોતાં તેને માટે ત્યાં ઊભા રહેવું અઘરું થઈ જાય છે. એક તરફ અજાણ્યાની મહેમાનગતિ કરતું ગોસ્વામી દંપતી અને બીજી તરફ પોતાને સહાયભૂત થવા આવેલા પતિના મિત્રને તિરસ્કારતી મિત્રા, બે પરસ્પર વિરોધી ચિત્રો મૂકી આપીને લેખકે સાવ સાદા કથાનકને વાર્તામાં રૂપાંતરિત કર્યું છે. પાછું વળવું : વિધવા ભોજાઈ અને દિયર વચ્ચેના આડા સંબંધનું કથાનક ગુજરાતી સાહિત્ય માટે નવતર નથી. નવીન છે, એની માવજત. પરણીને આવ્યા પછી કાજુ માટે વિધવા જેઠાણી આદરપાત્ર બન્યાં છે. પિયર લખાતા પત્રોમાં પણ એ અહોભાવ અને આદર છલકાયા કરે છે. જો પિયર જવા નીકળેલી કાજુ બસ ખોટકાવાથી પાછી ન વળી હોત તો એનો ભ્રમ અખંડ રહ્યો હોત. પરંતુ અડધા ઊઘડેલા કમાડમાંથી દેખાયેેલો જેઠાણીનો નિરાવૃત્ત દેહ અને સંભળાયેલા શબ્દો કાજુના મનની ભ્રમણાને ભાંગી નાખી. એ ત્યાંથી જ પાછી વળી ગઈ. પિયરમાં ભાઈ-ભાભી સમજુ છે, પરંતુ સગી માની કાતર જેવી જીભ કાજુને પળે પળે વેતરતી રહે છે, મા એટલેથી જ અટકવાને બદલે ગામભરમાં કાજુને બદનામ કરતી રહે છે. એક રાતે ભાઈ સાથે ખૂલ્લા મને બધી વાત કરવા ઊઠેલી કાજુ ભાઈના ઓરડાના બારણેથી પાછી વળી જાય છે, ત્યારે તરત જ બારણું ખોલીને બહાર આવેલો ભાઈ પાણીનો લોટો ભરીને બહેનની બાજુમાં બેસે છે. એનો હેતભર્યો હાથ બહેનના વાંસાને પંપાળતો રહે છે. ‘ઓળખ’નો માધવ અને કાજુનો ભાઈ એક જ સંચાની નીપજ લાગે છે. માની સતત ઝેર ઓકતી જીભ અને ઝેર પચાવી ગયેલું કાજુનું મૌન આ વાર્તાની સફળતાની ચાવી છે. આ વાર્તાની સાથે જ ‘આટલું અમથું સુખ’ વાર્તાને મૂકીને જોવી જોઈએ. બે સંતાનોની માતા કુશા વૈધવ્ય પછી કડવાં કારેલાં જેવા સાસુ-સસરા તથા અડબંગ જેવા દિયર સાથે રહેવાનું સ્વીકારે છે. પોતાના હેતભર્યા વ્યવહારથી દિયરને ખેતીને કામે વળગાડે છે, એને પરણાવે છે. દેરાણી માટે બીજી મા બની રહે છે. એકના એક દીકરાને ગુમાવ્યા પછી હૈયે પથ્થર મૂકીને ઘરને ટકાવવા મથે છે, ત્યારે પોતાની જ સગી દીકરી મા અને કાકાના અનૈતિક સંબંધનો આક્ષેપ મૂકીને કુશાની સ્વસ્થતાને ડામાડોળ કરી દે છે. અહીં કુશા અને વિદ્યા વચ્ચેના સંબંધમાં જે સ્નેહ અને આદર જોવા મળે છે, તે વાતાવરણને ક્લુષિત થતાં બચાવી લે છે. જલમટીપ : ગામનો મેરાઈ નટુ હમેશાં એના મિત્રો માટે મીઠી અદેખાઈનું કેન્દ્ર રહ્યો છે. સ્ત્રીઓનાં કપડાં સીવતો નટુ છે સીધી લીટીનો માણસ. પણ મિત્રોની રોનક અને ટીખળ માણતો રહે છે. રોજ સાંજે મળતા મિત્રોને આજે નટુનો મિજાજ કંઈક નોખો કળાય છે. એની દુકાનની સામે જ ગામ આખામાં વગોવાઈ ગયેલી ગોમતી પોતાનાં કચ્ચાં-બચ્ચાં અને નમાલા ધણી કમલાની સાથે રહે છે. આજે કમલાએ ગોમતીએ મહામહેનતે વસાવેલું ટી.વી. તોડી નાખવાનો ઉપાડો લીધો હતો. એ ગોકીરો સાંભળીને જઈ ચડેલા નટુ મેરાઈ મામલો થાળે તો પાડે છે. પણ ગોમતીની છેલ્લી વાત સાંભળીને આવેલા નટુને હવે ચેન નથી પડતું. અહીં લગી તો વાર્તા સામાન્ય કક્ષાની વાર્તામાં મૂકી શકાય એવી લાગે. પરંતુ નટુનું એક વિધાન આખી વાર્તાને ઊંચકીને અસામાન્યની કક્ષામાં મૂકી દે છે. ગોમતીને રડતી મૂકીને દુકાને આવ્યા પછી ‘બસ, તયુંનું સાસરવાણી મારી દીકરીનું ઓશિયાળું મોઢું આંખ્યુંથી એક ઘડીય આઘું ખસતું નથી, સાચું માનશો?’ હવે વાર્તા માત્રા ગોમતીની રહેવાને બદલે નટુ મેરાઈની આપણે ન જોયેલી દીકરીની વેદનાની વાર્તા બની જાય છે. વઉ : રમલાનાં દાદીએ કરેલી ખિસકોલીવઉની વાર્તાને ભલાભોળા કાનાની બકરીના સંદર્ભમાં જોડી દઈને પમલો જાહેરમાં એની ટીખળ કરે છે. અને ક્ષોભ પામેલો કાનો ગામ છોડીને જતો રહે છે. પમલાને કાનાની ચિંતા થાય છે. ભલે એણે ટીખળ કરી, પણ કાના માટે એનો સ્નેહ ઓછો નથી. ‘દૂધ દઈ’ ગણાતા જનકા મુખે કિશોરોના નિર્દોષ સ્નેહની આ કથા કહેવાઈ છે. તથા વાર્તામાં વાર્તાનો વિનિયોગ એની વિશિષ્ટતા છે. પૂછીશ મા : નાની વયમાં ભાભીને જીવતાં બાળી નાખતી માને જોઈને મનકાના મનમાં મા શબ્દનો અર્થ બદલાઈ ગયો છે. થોડાં વર્ષો પછી ગોધ્યો નાના ભાઈની પત્ની ઉજમ પર નજર બગાડે છે, અને ગોધ્યાની મા એમાં સાથ આપે, ત્યારે મનકાના મનમાં ભડ ભડ આગ બળે છે. એ ઉજમને બચાવીને એને પિયર મૂકવા જાય ત્યારે ઉજમની મા સગી દીકરીને જાકારો દે છે. પિયરનાં બારણાં બંધ કરી દે છે. અને આ અભણ મનકો ઉજમને સ્ત્રીઓ માટેની સંસ્થામાં વઢવાણ મૂકી આવે છે. સતત મોજમાં રહેતા મનકાની આ પીડા અને મુંઝારાનો ઉકેલ એનો સુરતવાસી મિત્ર અને આ વાર્તાનો કથક શોધે છે, ત્યારે વાર્તા સુખાંત તરફ વળતી જણાય છે. બોલીનો ઉપયોગ વાર્તાના વાતાવરણને જીવંત બનાવે છે. તૂટેલા ડુવાલવાળું ચપ્પલ : માથાભારે સુશીલા કોઈને પણ ગામમાં તમાશો બનાવી શકે. પૈસાનું અભિમાન તથા રાજકારણી ભાઈનું પીઠબળ એના તામસી સ્વભાવને વધારે ને વધારે ઉગ્ર બનાવતું રહ્યું. એવામાં સામે રોડ પર ઓધા મામાના દીકરા સુરાએ મોબાઈલની દુકાન કરી, સુરાનો દીકરો પુનીત પોતાના ઘર તરફ નજર કરે છે, એવો વહેમ રાખીને સુશીલાએ એનો ઉઘડો લીધો, એનું નીચું દેખાડવાની એક પણ તક છોડી નહીં. પરંતુ એક સાંજે સુશીલા આગલે દરવાજે ગામ ગજવતી રહી, પુનીતના પરિવારનો તાસીરો કરતી રહી અને એષા પાછળના ઝરૂખેથી સાડી બાંધીને નીચે ઊતરીને પુનીત સાથે જતી રહી. વાર્તાનું કથાવસ્તુ સામાન્ય છે. પણ કથક, સુશીલા, નંદલાલ, કાકીજી, એમ અનેકને મુખે કથા આગળ વધે છે, એટલે નોખી જ ભાતની આકૃતિ રચાય છે, એ આ વાર્તાની મજા છે.