મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૧૧. આટલું અમથું સુખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. આટલું અમથું સુખ

મેહાના શબ્દોએ કુશાને ખળભળાવી મૂકી. એણે સ્વપ્ને પણ નહોતું ધાર્યું કે જેમના માટે દસ દસ વરસની રાત્રીઓ એકલતામાં વિતાવી, કેવળ સંતાનના શુભની ખેવના રાખીને, બધાં અરમાન-અભિલાષા એષણાઓ ભીતરમાં ભંડારી દીધેલાં તે, દીકરી આમ એક જ ઝાટકે બહાર લાવી, વેરવિખેર કરી એનાં ચીંથરાં ઉડાડશે હવામાં, નિર્મમતાથી. વાત કંઈ એવાં કડવાં વેણ ઉચ્ચારવા જેવી, પોતાને શું, ઘરમાં રહેતાં કોઈ પણને લાગી ન હોત. કુશાએ તો દિયરના અળાઈભર્યા વાંસામાં હાથ ફેરવતાં ફેરવતાં એટલું જ કહેલું : એકલી એકલી કાકી જ, મૂંગી મૂંગી, ઢાંકોઢુંબો, વાસણકુસણ ને સંજવારી-પોતાં કરે ને તું જોયું – ન જોયું કરીને ચોપડી ખોળામાં રાખીને બેસી જા... બે કામમાં હાથ દેવરાવ્ય તો, શી વાર લાગે આટોપતાં? હમણાં ઓલી રંભા જાગશે તો એણે સાતે કામ પડતાં મૂકીને બિચારીને હડી કાઢવી પડશે... તું... તને હવે ચીંધવું પડે એવડી ઓછી છો? : બસ, આટલું જ. ગુસ્સો તો ક્યાંય નહોતો એમાં કે લગીરે ઠપકાનો ભાવ. દીકરી સમજણી થઈ છે, થોડો વળોટ આવે, શીખે, ટેવ પડે, આટલો જ ભાવ હશે કુશાના મનમાં. ત્યાં તો કોણ જાણે કેટલા સમયથી સાચવી રાખ્યો હશે, તે બધોયે ઉકળાટ એક જ પલકારામાં ઉંબર - આડશોને ઓળંગીને અંગારા થઈને ખરી પડ્યા મેહાના હોઠેથી : મારે લેસનનું મોડું થાય તે તો તારે મન કાંય નંઈને, કુશા? ખેતરના આ શેઢેથી પેલા શેઢે દાડિયાઓ સાથે ફલાંગ મારતી માની છવિ ભૂંસાઈ ગઈ : કાકાનો વાંહો ખંજવાળવાવાળી બેઠી છે, કાકી... તારા કૂકડાથી જ સવાર પડતી હશેને?... પોતાનો કચરો મારા પર ઠાલવવાનો? : કુશા સ્તબ્ધ અને અવાક્‌. પરસેવો નીતરતી, વિસ્ફારિત આંખે દીકરીને જોઈ રહી. કશું બોલી શકી નહીં. સારું હતું કે ખેતરના થાકને લીધે ઊંઘી ગયેલા દેરના કાને આ શબ્દો નો’તા ઝીલ્યા. નિર્લજ્જ ને આગઝરતી દીકરીની નજર... આ, આ દીકરી? બાર વરહની છોડી... આવાં અણછાજતાં વેણ... કઈ રીતે...? હોઠ આડે મણમણની શિલાઓ મુકાઈ ગઈ. જવાબ વાળ્યા વગર તે ઊઠી ને પોતાના ઓરડામાં ભરાઈ ગઈ. આટલાં વરસથી આ ઘરનો વે’વાર સૌનાં સહિયારા તપથી ચાલ્યે જતો’તો, અડચણોયે આવતી. ગેરસમજથી અદીકદી એકબીજાનાં મન ઊંચાં પણ થઈ જતાં. ખાસ તો, વૃદ્ધ સાસુ-સસરાની જીભે સાંકળ વાસી રાખવા બંને દેરાણી-જેઠાણીએ સાવધ રહેવું પડતું. દેર બાલુભાઈ થોડો ઉતાવળિયો. બાપ-દીકરા વચ્ચે નંઈ જેવી વાતે ચકમક ઝરી જતી. દેરાણી વિદ્યાને પોતાનાં તરફથી મળતાં હૂંફ, ચતુરાઈભર્યાં સૂચનોએ કેવી સુરક્ષિત કરી દીધી હતી. દેર સાથે ક્યારેય રકઝકનો ઓછાયો નહોતો પડ્યો, એમાંયે ભાભીની દોરવણી, નહીં તો નાની નાની વાતે સંસારનો ઉલાળિયો કરનારા ક્યાં ઓછા છે? વિદ્યા આ સમજતી ને રાજી રહેતી. આ કારણે જ, ધણી તરફ સ્નેહરસ્યો છણકો થતાંવેંત બાપ સાથે ઝાઝી રકઝક કર્યા વિના નાકા પર આવેલા ગિરિના પાનને થડે, મોડી રાત લગી પલાંઠી ઠાંસી ગપ્પાં મારતો રહેતો ને બા-બાપનાં લવાન શમી ગયાંની ખાતરી પછી જ ડેલીનો આગળિયો ઊંચકતો. ક્યારેક બહારથી વણનોતરી આવેલી, કુદરતે ઝીંકેલી કે નાતીલાઓએ વળગાડેલી આપદાઓ વખતે કુશાની કૂંચી જ કારગત નીવડતી. તે સમજતી કે ભગવાન દુઃખ આપે છે, તેમ ઉગારોયે આપે છે. ધીરજને ખપમાં લેવી પડે. દેર-દેરાણી પોતા પર આટલો આધાર રાખી, પડ્યો બોલ ઝીલવામાં પળનોયે ખોટીપો નંઈ કરે, એવું તો અગાઉ એણે એક તરંગરૂપ પણ નો’તું કલ્પ્યું. સુખ અને દુઃખ એને મન ભીંત સરસી ઊભેલી કોઠી. સમોવડ લાગતાં. લાણી-ખળાં પ્રત્યે અનાજથી ઊભરાય. સાણામાંથી ઠલવાઈ-ઠલવાઈને ઊણી થતી જાય, તે ત્યાં સુધી કે સૂંથિયા-સાવરણી ફેરવી, લૂછી ગાછી ખોબો ખોબો અન્ન ઉશેટવાનો વારો આવે. વળી સામે દેખાય વાવણીજોગો વરસાદ... આવું જ કશુંક થતું રહેતું. પતિને એણે કહેલું : જુદાં થઈને છેવટે તો બાલુભાયને જ ભાગવું આપવું છેને? તમારે બૅંકની નોકરી, કેટલેક ધોડા કરશો? ખપપૂરતી ભાયને સમજણ આપતી રે’વી. આમેય ક્યાં આપણો લાંબો વસ્તાર છે? આમ બધું રાગે પડતું જતું’તું. નહીંતર સાસરાની ઇચ્છા હતી જ. કુશાના સૂચનને કારણે જ બેય ભાઈનાં પાણીપત્રક જુદાં નો’તાં થયાં. કુશાને હતું : સુંડલીમાં દાણા હશે તો ઘંટીનાં પડ કોરાં નંઈ રે’. પોતે ખેડુની દીકરી છે. સંસ્થામાં ભણીને આધુનિક ખેતીની થોડીઝાઝી સમજ પણ કેળવી છે. કછોટો વાળીને પાવડાથી ધોરિયાનાં બે નાકાં વાળવાની ત્રેવડ છે. કૂવે પાણી ડૂકે તો ટ્રિપને કઈ રીતે ખપમાં લેવાય તેની આવડત છે. બે બાવડાં ને એક પાવડો... ઝાઝું શું જોઈએ? પથ્થરની પ્રાણપ્રતિષ્ઠા થાય તો, આ તો જીવતા માણસની પ્રતિષ્ઠા... શું ન થઈ હકે? દેર મીઠાં બે વેણથી વળે એમ છે. કે’શે : સંવસ્થામાં ભણીને, ભાભી, આદમી કરતાંય વધારે તમે ખેતીની જાણકારી રાખો છો - એટલી જ સરળતાથી કે’તો : તમારે હોઠ હલાવવાના ફગત. આ પા, તે પા ઢેફાં ઉલાળવામાં પાછું વાળીને નંઈ જોવ.... બાલુ ભોળિયો છે, એમ પોરહીલો છે. પ્રેમ આગળ રાંક છે : બાપાએ અને બાએ મારું માથું પોલું કરી મેક્યું છે. ડેલીએ આવનારને કાને : આ અમારો નાનો, કરમ બુંધિયાળ....નવી નવાઈની એના એકલાના ઉંબરે જ વઉએ પગ મેક્યા હશેને? બીજા વાંઢા મરતા હશે. દિ’ આખ્ખો, વઉની પાંહે મોઢું તાકીને બેહીર્યે... ઈમાં જ નો થાવાનું થ્યું. મોટો, અમારો શાંત્યો, ભોળાનાથનો અવતાર. એક કોર્ય નોકરી ને આણી કોર્ય ખેતીનું ભરોટું ભરાય એટલાં કામ. અડધી રજા ગૂડીને ગ્યો ગઢડે, ફટફટિયું લઈને, ધોમ તડકામાં... ટાણા ટાણાના વેંતમાં હાલવું પડે... અમથાં ખેતાં થાતાં હશે? ખેડુના હાથમાં....ઓલો....શું નામ?... અલાદીનું ફાનસ નથી ઠઠ્યું કે પાણકા હાર્ય ઘસ્યું નથી ને માલીકોર્યથી ઓલ્યો કામઢો રાખશસ હાજર થ્યો નથી. હકમ થ્યો નથી ને સંધું રાગે પાડ્યું નથી. આ... ઈમાં જ શાંત્યો... સીતાપરીનો ઈ ઢાળ, પાછું ફટફટિયાના કેર્યરમાં ડિપની નળીઓનું બંડલ... એક કોર્ય જેઠના આકરા તડકા...માંડ્યું હશેને, બાવળ હાર્યે એનું ફટફટિયું ભટકાણું ને એનું ઠૂંઠું છાતીમાં... એવું ખૂંતી ગ્યેલું કે તમતમારા જેખા ચારચારે કારસો કર્યો તયેં ઠૂંઠું નીકળ્યું ને છાતીમાંથી લોઈનો એવો ધોધવો છૂટ્યો કે નંદીના પટ લગી એના રેલા હાલેલા. શાંત્યાને ઠેકાણે બાલકો... કામઢો ગ્યો ને આ ઉલાળ... બેચાર મહિના નહીં, બબ્બે વરસ લગી બાપા આવતલને મોઢે આ એક જ વાત ઓક્યે રાખે. બેચરઆતાથી પછી નો’તું રે’વાણું : તું યે ભાણા, તારો જ હણેથો ધુણાવ્યા કરછ. શાંત્યાને ખાવાવારો આવ્યો ઈમાં બાલ્યાનો વાંક? તું તિ બાપ છવો કે દશ્મન? કરમની કઠણાય. મોટીને કપાળે રંડાપો લખાયો હશે, બીજું શું? તારા છોકરાને ન્યાં છોકરાં... તું તારી જીભને ખીલે બાંધવાનું શીખ્ય, ખીલા વિનાનાં તો ઢોર સોતે હરાયાં થાય. આ જીભ અને જીવને હરાયાં ઢોર જ હમજજ્યે. હાચાં વેણ આકરાં લાગશે તને. ટાણાંકટાણાંના વચાર કરે એનું નામ માણહ... બીડીને ભોં ઉપર ઘસીને ઠારતાં બોલ્યાં : મનને ખોટી આંટીએ ચડાવવાનું બંદ કર્ય. કુશા તારે આંગણે જ ઠરીઠામ થવાની છે તો એનાં પંખીડાંની ને એવી ચણ્યનો જોગ કેમનો કરશ, ઈ જો : બેચર આતાની વાતે બા-બાપને કાંક ટાઢાં પાડ્યાં’તાં, એમાંય પાછી કુશાની ઠાવકી રીતભાત... નહિતર કુશાના માવતરનો નિર્ણય ચોખ્ખો જ હતો; કાપડું બદલવા પિયર ગઈ ત્યારે કહેલું : રોકાય જા હવે આંયા. આમેય ન્યાં ક્યાં છે હવે ઠરવા ઠેકાણું? નથી જોતો એની ભોંનો એકાદોયે લીરો. તારા આશરવાદે હામ દામ ને ઠામ, હંધુંઅ છે. ભાણેજરુ ઇને કપાળે કાણાં લૈને ઓછાં આવ્યાં છ? બાપા પોતાનાં વેવાઈ-વેવાણ્યની જીભે કુવાડાછે ઈ વાતે જ કાંક તો ચિન્તિત હતા. બાપાએ વેવાઈને જોઈને નંઈ, છોકરાને જોઈને દીકરીને વરાવેલી. ભણેલો હતો, નાગરિક સહકારી બૅંકમાં, ઈ એ પાછી ગામમાં ને ગામમાં નોકરી હતી, ખોબામાં સમાય એવા વસ્તાર, ટાંડા-મુંડા સાત. પાંત્રીસ-ચાલી વીઘું ખેડ્ય, જીવતો કૂવો. ના, હતો નંઈ, છોકરાએ શેઢા કનેથી નીકળતી વેણકી પર આડબંધ બાંધ્યાં હતાં ને કૂવા ભણી એનું વે’ણ વાળ્યું હતું. ચોમાસે રિચારજ થ્યેલો કૂવો કાળે ઉનાળેય ઉલાળા નો’તો લેવરાવતો. ઉનાળુ મગફળીનેય પૂરતાં પાણ મળી રે’તાં. ઈ કાંય ઓછું નો કે’વાય. એમાંય કુશા પરણીને ગયા કેડ્યે શાન્તિ સજીવ ખેતીને મારગે વળ્યો હતો. વરસાદ લંબાયો ત્યારે બીજાની મોલાત લંઘાઈ ગૈ’તીને ઘાટી લીલપ દેખાતી’તી ફગત શાન્તિના ખેતરમાં. લોકો જેને ગાંડપણ કેતાં’તાં એ જ હવે તેના શાણપણ તરફ આંખ માંડતાં થયાં’તાં. અને આજે હવે, ધણી-ધણિયાણી બેઉનું કામ કુશાએ પોતાના ખભે ઊંચકી લીધું’તું, કહેતી : છોકરાનો ભાર માને લાગે તો ખેડ્યનો ભાર ખેડુને લાગે : આવાં આવાં વચન આમ તો દેરને કાને નાખવા જ તે ઉચ્ચારતી. એમ જ ભાભડભૂતડ દેરને, પોતાની માયામમતાથી ઓળ્યે ઓળ્યે જીવ પરોવતો કર્યો હતો. ભાઈ બૅંકની નોકરીએ હોય ત્યારે પોતે આમ, ભાયબંધુ હાર્યે આંયથી ઓલીપા હડમાન-હડીકા લીધા કરે ઈ બાબતે હવે તેને સોખમણ થતી. કોઈએ એને સમજાવ્યો નહોતો. આમેય તે ક્યાં કોઈનું ગણકારે એમ હતો? થતું એને : કુશાભાભી પાંહે જાદૂ છે, નકર વગર કીધ્યે આમ ખેતીમાં જૂતવાનું અને ગોઠ્યું હોત? પ્રાગડવાસ્યાથી માંડી રુંઝ્યું વળે ત્યાં લગી, એક શેઢેથી બીજે શેઢે ચાહે ચાહે એની આંગળિયું અમથી ઘૂમરિયું ઓછી લેત? રામ જાણે. કો’ ન કો’, મારા જેવો આળસુનો પીર, ઢેફાં હાર્યે શીદ બાથોડાં ભરતો હોત? દેરાણી એનાં પગલાંમાં પગલાં પરોવી ફૂદાની જેમ ઉડાઉડ કરે ઈમાં નક્કી કાંક ઈલમ..! શરૂ શરૂમાં, એટલે કે શાન્તિના મરણ પછી, કુશાની બાએ, ખબરઅંતર પૂછવાની મશે આવી આવીને એકથી ચડિયાતાં એક એવો કૈં. કેટલાંયે ઠેકાણાં ચીંધેલાં. એમાં બીજવારુકા ન હોય એવા ય હતા, કો’ક કો’ક, ઉમેર્યું’તું : તારાં છોકરા-છોડીને સાચવવાવાળી હું બેઠી છું, કડેધડે. તારે એને ક્યાં આંગળિયાત કરીને લૈ જવાં પડે એમ છે? એવું તો હું સોણેય નો વિચારું. વંડીની ઓથે વેલો વધણ્યે ચડે જ. હાચવી લૈશ. ભણાવશું-ગણાવશું ને ટેમસર વરા પણ ઉકેલશું. આભને ટેકા દ્યે તેવા તારા બે ભાયું કોઈ મણા નંઈ રાખે. મામિયુંએ નાંખી દીધા રોખી નથી : હંમેશ મુજબ તે મૂંગી રહેલી. માએ જ્યારે છાલ ન જ છોડ્યો ત્યારે એણે વાતનો વીંટો વાળી દેતાં કહેલું : મારાં સાસુ-સસરાની વાણી કડવી છે. મેં નથી ચાખી. મારે માથે એમના ચચ્ચાર હાથ છે. મેહા-નિશુ સામે જોઈ-જોઈને મનેય કાંક કામનો સૂઝકો પડશે. દેર-દેરાણી મીઠી બે વાતે રીઝે એવાં છે. પછી તમે જ કો’, મારે શું લેવા મારાં છોકરાંને ઓશિયાળાં રાખવાં? સ્વર્ગનાં સુખ હોય ને માનું સુખ ન હોય તો શા ખપનું? એમને અળગાં કરીને હું સુખમાં આળોટીશ, એમ તમે માનો છો, બા?... એ પછી કોઈ સંવાદને, સમજાવટને અવકાશ જ નહોતો રહ્યો. થોડા માસ પિયરમાં ગાળીને સાસરાના ગામની વાટ એણે પકડી લીધેલી. એ એના કામમાં એવી ખોવાઈ ગઈ કે પિયરની દૃશ્ય ભણી આંખ માંડવાનીયે સરત નહોતી રહી. હવે એને કાને ક્યારેય : મા વિનાનાં છોકરાંને કોણ પળોટે? એવું સાંભળવાનું નંઈ બને. વીરડાનાં ડોળાં પાણી ઠરે એમ સૌનાં મનની સપાટી પર આવેલા સંતાપનો ડર ઠરી ગયેલો. દેરાણીની અઘરણી રંગેચંગે ઉકેલી હતી. પોતાના હાથે જ શણગારીને - ખોળા ભરીને માવતર મોકલેલી. આખ્ખા ઘરનો ભાર ને વાડી-ખેતરનો રઝળપાટ એના એકના ખભે આવી પડેલો. દેરાણી ગયા પછી દેર, બીડી-બાકસ લેવા-આવવા સિવાય ભાગ્યે જ સીમ છોડતો. દોડધામ કહો, બેકાળજી કહો, એક પછી એક કામ પતાવવાનો ધખારો કહો કે સાસુ માટેનો ભરોસો કહો - તે બાળકો તરફ થોડી બેધ્યાન થઈ હશે. નવરાં બેઠાં ગઢિયાં આટલું - વ્યાજનું વ્યાજ સંભાળી લેશે, એવી ધરપત પણ હશે. વાંક ગણો તો કોઈનો નહીં. સાસુને એમ, વેન કરીને નિશુ કુશાવઉ હાર્યે વાડીએ ગ્યો હશે. મેહા એની બહેનપણીને ત્યાં વાંચવા-લખવાનાં થોથાં લઈને ગઈ’તી. તે ઈએ લૈ ગૈ હોય. મહા એકલી ઘેર આવી ત્યારે પૂછપરછ પણ કરી લીધેલી. ખાતરી થઈ ગઈ કે કુશા સાથે જ હશે. શેરી ભણી આંખે હાથની છાજલી મૂકી નજર નોંધી. આઘેથી કુશાને રજકાનો ભારો માથે મૂકીને આવતી ભાળી. ડોસીના હોશકોશ ઊડી ગયા : નિશુ ક્યાં? ઉપરાછાપરી પૂછતાછ : તારી હાર્યે નો’તો? સૌના હોશકોશ ઊડી ગયા. આશંકા ને અમંગળની કલ્પનાઓ લઈ અંધારાં ઊતરી આવ્યાં, જોતજોતામાં અડોશપડોશ ને વખત વીતતો ગયો તેમ ગામેડુ ભેળું થતું રહ્યું. સીમવગડો, નદી, તળાવ, ગામના કૂવા-અવેડાને ઉપર તળે કર્યાં. ઠેર ઠેર કરેલાં ઊછીનાં અજવાળાં ખપમાં નો’તાં આવ્યાં, કાળી રાતે. ભળભાંખળે, મેહાની બુદ્ધિ જ ખપમાં આવેલી. કદી ઉઘાડા ન રહેતા પાણીના ટાંકા પાસેથી એણે ચીસ નાખી હતી. ભાઈનાં કપડાંને એમાં તરતાં ભાળીને એ નાનકડી છોકરીની ચીસ સાચમાં ફેરવાઈ ગઈ હતી. દેરાણી વિદ્યાએ પિયરથી આવવામાં પળનોયે વિલંબ નહોતો કર્યો. પહેલું આણું વળાવવાની માવતરની હોંશ સાતમાં પાતાળમાં ધરબીને ને ભારે પગે હોવા છતાં નીકળી ગયેલી. ખૂબ સમજાવવા છતાં એ પિયર પાછી નહોતી વળી. ભાભીને રેઢાં મૂકવાં હવે પાલવે એમ નો’તું. કુશાએ એના હૃદયને, પાંથીએ પાંથીએ તેલ નાખીને કેળવ્યું હતું. એને મન રિવાજ કરતાં કુશાભાભી ખૂબ મોટાં અને મૂલ્યવાન હતાં. વિદ્યાના અને એના આવનાર બાળકના ઊજળા ભાવિનો વિચાર કરીને તેણે વિધિના નિર્ણયનો તદ્દન શાંતભાવે સ્વીકાર કરી લીધો હતો : ભગવાન, જોજેને વિદુ, મારો દીકરો મને પાછો સોંપશે.... રડીશ નઈ, તું : આટલા મક્કમ શબ્દોએ વિદ્યાને ઊલટાની વધુ વિહ્‌વળ કરી મૂકી હતી. પરાણે પરાણે એ આંસુને અંદર વાળતી રહી. ધીરજ રાખવાનું તો મારે કહેવાનું હતું ભાભીને, અને બદલે... વાતમાં મન પરોવવા પૂછેલું એણે : તમે આવું બધું કોની નિશાળમાંથી શીખી લાવેલાં, ભાભી? વિદ્યાના વાળનો અંબોડો વાળતાં એણે અતલ ઊંડાણમાંથી જવાબ વાળતી હોય એમ કહેલું : તારા ભાયની નિશાળમાંથી : ક્યાંય લગી, ચૂપકીદી છવાઈ રહેલી, તે પછી. વિદ્યા પણ બને ત્યાં સુધી નિશુને એની ભાળતાં ભાગ્યે જ સંભારતી. સુ૫ડેથી અનાજ ઝાટકતી વખતે એક વાર અનાયાસ બોલાઈ ગયેલું : આજ સવારે તમારા દેર, ભાભી, આયના સામે ઊભા રઈને વાળ ઓળતા’તા. મેં વાંહે ઊભા રઈને જોયું તો એણે આંખ ફેરવી નવાઈથી... ત્યારે પેલવારુકુ મને થયું, આ તો અદ્દલ નિશુની જ આંખ્યું... કહેતાં કહેવાઈ ગયુંનો ભાવ એના મોં પર લીંપાઈ ગયો. સાવ સાચ્ચું.... મ્લાન મોં પર આછુંઅછડતું સ્મિત રેલાયું : તું માનીશ? મારા દેરની આંખ્યુંમાં હું તારા ભાયને ને વિશુને રોજ મળી લઉં છું. શું કઉં તને, બધા તાપ શમી જાય છે, મારા : અને અત્યારે? પોતે શું સાંભળ્યું? સાચ્ચે જ સાંભળ્યું’તું કે એને કે પોતાના મનનો વહેમ હતો? નવનવ મહિના પોતાની કૂખમાં આળોટેલી દીકરી... એના બન્ને કાન પર અચાનક મુકાઈ ગયા હાથ, ઢાંકણાંથી વાસી દેવા ઇચ્છતી હોય તેમ. રહીરહીને દીકરીના શબ્દો પાતાળ ફોડીને ચિત્તને વેરવિખર કરતા રહ્યા : પોતાનો કચરો મારા પર ઠાલવવાનો? કશાયે પ્રતિરોધ કે પ્રત્યુત્તર આપવા તેની જીભ તેને સહાય કરી શકે એમ નહોતી. કયા કચરાની વાત કરતી’તી, મેહા? અને મેહા પણ અંગારા વરસાવતી આંખે, માની મમતાને ઠેશ મારતી, ફળિયામાં ઢાળેલા ખાટલામાં ઊંધી પડીને સૂઈ ગઈ. દૂરથી, ચોકડીમાં વાસણ માંજતી, મા-દીકરીનો સંવાદ સાંભળી ગયેલી વિદ્યા, અધૂરાં વાસણ છોડી, રાખવાળા હાથ ધોઈ, પાલવથી લૂછતી લૂછતી કુશા પાસે આવીને બેસી ગઈ હતી. એને કહેવું હતું : ભાભી, ટી.વી. પર આવતી મોડી રાતની ફિલ્લમ ને ઊગીને ઊભી થતી આ છોકરિયુંની વાતો સાંભળી છે તમે? પણ તે કશું બોલી નહીં, નિઃશબ્દ હાથ તેનો વાંસો પસવારતો રહ્યો. છાતીમાં ઘૂમરીએ ચડેલો ડૂમો, કંઠમાંથી ડૂસકું થઈને સરી પડ્યો : વિદુ, તને તારી એકની એક છોકરીના સમ દઈને પૂછું છું, સંતાડીશ નંઈ! આટલું અમથું સુખ પણ મારા નસીબમાં નંઈ? તારો ધણી, મારો દીકરો નથી? જે હોય તે કહે. તેં દીઠું છે કોઈ પાપ મારામાં? જેના મોઢામાં હજી મારું ધાવણ ફોરે છે તે આ છોડી ... દેરાણીના ખોળામાં માથું છુપાવીને તે ડૂસકાં ભરતી રહી. તેના માથામાં ફરતાં વિદુની આંગળીનાં ટેરવાં જ કુશાને મૂંગો જવાબ વાળી રહ્યાં’તાં. મોડી રાતનો ગજર ભાંગ્યો તોપણ અંધારાની વ્યાકુળતા ઓસરતી નહોતી.