મરણોત્તર/૧૨

Revision as of 05:06, 30 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨| સુરેશ જોષી}} {{Poem2Open}} શાન્તિ છે. પથ્થરની દબાયેલી જમીન નીચે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૨

સુરેશ જોષી

શાન્તિ છે. પથ્થરની દબાયેલી જમીન નીચેથી ફૂટવા મથતા અંકુરનો અવાજ સુધ્ધાં સંભળાય એવી શાન્તિ છે. એવી જ શાન્તિમાં કોઈ ખીલતા ગુલાબની જેમ એક નવો ઘા વિકસી રહ્યો છે, ઊઘડી રહ્યો છે. એની રાતી પાંખડીઓને હું જોઈ રહું છું. એની સહેજ ઊપસી આવેલી પુષ્ટતાને નસ્તર મૂકીને દૂર કરવા જેટલી મારી પ્રત્યેની મમતા હું એકઠી કરી શકતો નથી. વેદનાના ધબકારા થાય છે. એની જ જાણે એક ધારા બને છે. એ ધારાનો અવાજ આ શાન્તિમાં સાંભળું છું. પણ એ ધારા ધીમી છે. જો એનો વેગ પ્રચણ્ડ બને તો કદાચ ભાંગી જઈને થોડા ભારથી હળવા થવાનું બને. મરણ આ તરંગને હસી કાઢે છે. હું મોઢું ફેરવી લઉં છું. પવન કદાચ કબૂતરોની પાંખ વચ્ચે પોઢી ગયો છે. ઝરૂખામાંનો હીંચકો સ્થિર છે. આખા ઘરમાં કોઈ પ્રેત સરખું હાલતુંચાલતું નથી. શૂન્યનો વિસ્તરવાનો અવાજ સુધ્ધાં કાને પડતો નથી. મને સહેજ હીંચકો ઝુલાવવાનું મન થાય છે. પણ મારો પડછાયો થાંભલા સાથે ચોંટી રહ્યો છે. એને ઊતરડી શકાતો નથી. ચન્દ્ર ઘરના છાપરાની બીજી બાજુએ ચાલી ગયો છે. ઘાનું ગુલાબ પૂરું ખીલી ઊઠ્યું છે. હું એની પૂર્ણતાના અત્યાચારને સહી શકતો નથી. પણ સહેજસરખા કણસવાના અવાજથી આ શાન્તિનો ભંગ કરવાની મારી હિંમત નથી. આ મૂછિર્ત થયેલી શાન્તિને કોણ ઢંઢોળીને જગાડશે એવું હું વિચારતો હોઉં છું ત્યાં સહેજસરખો અવાજ સંભળાય છે. કદાચ પ્રથમ ઝાકળબિન્દુના પડવાનો અવાજ, કદાચ અણજાણપણે ટપકી જતા એકાદ આંસુનો અવાજ, કદાચ થાકેલા ચન્દ્રનો નિ:શ્વાસ, કદાચ ઘરની વળીમાં સૂતેલા અન્ધકારનો પડખાં ફેરવવાનો અવાજ, કદાચ દરમાં જતી કીડીઓનો અવાજ – ત્યાં ઘાના ગુલાબની પાંખડી પર એક આંસુ ટપકે છે. હું પૂછું છું: ‘કોણ મૃણાલ?’