મરણોત્તર/૧૫


૧૫

સુરેશ જોષી

મારા પગનાં તળિયાં નીચે એક પર્વત ઊગે છે. એની હઠીલી ઊંચાઈ મને તરણાની જેમ ઊંચકી લે છે. ચારે બાજુ વિસ્તરતી જતી વિશાળતા મારા ટકી રહેવા પૂરતા પરિમાણને ભૂંસતી જાય છે. મારામાં રહેલું મરણ સંકોચાઈને એક બિન્દુ જેવું થઈ જાય છે. એ સતત ખૂંચ્યા કરીને એના હોવાની જાણ મને કર્યા કરે છે. આ જાણને આધારે જ હું પણ ટકી રહ્યો છું. મારા અસ્થિના મર્મમાંથી એક ચિત્કાર નીકળે છે. એના પડઘા સામે મરણ દાંતિયાં કરે છે. ઊંચે ને ઊંચે જતાં કાનમાં હવાનો હાહાકાર ગાજ્યા કરે છે. હવાના જ તાંતણાથી ગૂંથાયેલી જાળમાં ઝિલાઈને જાણે હું બચી જઈ શક્યો છું. પરિચિત સંજ્ઞાઓનાં ટપકાં નીચે ઝાંખાં અને ઝાંખાં થતાં જાય છે. આ ઊંચાઈએ કદાચ મારા દુ:ખને પાંખ ઊગશે એવી આશા મને બંધાય છે. પણ દુ:ખની ઘનતા તો ઊંચાઈ સાથે વધતી જાય છે. પર્વતે મને ઊંચક્યો છે, પણ મેં જાણે મારામાં આ દુ:ખની ઘનતાનો પર્વત તોળી રાખ્યો છે. ઊંચેથી ક્યાંકથી વજ્રપાત થશે એવી આશાથી હું ઊંચે જોઉં છું. ઉપર ખગોળગણિતનાં કોષ્ટકો સિવાય કશું દેખાતું નથી. જાણે એક સામટાં અનેક શૂન્યોનું ટોળું ઉપર તોળાઈ રહે છે. પવન હજી નીચે નદીઓના પાલવમાં સંગોપાઈને બેઠો છે. એ ભીનાશથી એ ભારે થઈ ગયો છે. આથી જ અહીં, આટલે ઊંચે, આટલી બધી નીરવતા છે. એ નીરવતાથી ગભરાઈને મરણ એના હાથ વિનાના ખભા કુસ્તીના દંગલમાં કોઈ મલ્લ હલાવે તેમ હલાવે છે. એનો આ ઠૂંઠો રોષ જોઈને મને હસવું આવે છે.

ત્યાં નીચેથી પવન આવી ચઢે છે. એના સ્પર્શ સાથે જ આકાશની નીલ જવનિકા ખસું ખસું થઈ જાય છે. હવે પવન વધુ નજીક આવતો જાય છે. હવે એ કાન પાસેના વિશ્રમ્ભાલાપની જેટલો નિકટ આવી ગયો છે. એના સ્પર્શમાં નદીનાં જળને ઓળખું છું, મધરાત વેળાના શહેરના સૂના ચોકની નિર્જનતાને ઓળખું છું, સમુદ્રના અવિરામ રટણને સાંભળું છું. શિખરની અણી પર હું દુ:ખના પહાડને તોળીને તોળાઈ રહ્યો છું. અપાણિપાદ નિર્મુખ અચક્ષુ પવનનો આધાર શો? છતાં હાથ લંબાવતાં જ કશોક પરિચિત સ્પર્શ થયાનો ભાસ થાય છે અને હું પૂછી ઊઠું છું: ‘કોણ મૃણાલ?’