મરણોત્તર/૧૮


૧૮

સુરેશ જોષી

મરણ નહોર ભરી ભરીને મારાં પાપને શોધે છે, ખોતરે છે. પાપ ભૂરાં પડી જાય છે, ચીમળાઈ જાય છે. મરણ એને પોતાના પગ નીચે ચાંપીને ઊભું રહી જાય છે. પાપને કોઈ ચહેરો નથી, આથી હું એને ઓળખી શકતો નથી, છતાં એ મારાં છે એનું ભાન મને મરણ કરાવે છે. મારાં પાપને કોઈક વાર એ વાત્સલ્યથી બુચકારા બોલાવીને રમાડે છે, ઉછાળે છે. પણ કોઈક વાર એ પાપ પર એને સંદેહ જાય છે. કદાચ છેલ્લી ઘડીએ એ ફરી જાય!

મહાનગરની ઝેરીલી હવા સાથે કોણ જાણે કેટલાંય પાપ મેં શ્વસી લીધાં હશે! કેટલીક વાર આ પાપ કાચબાના જેવા નાના નાના પગથી મારી શિરાઓમાં ચાલે છે. કોઈક વાર કુંડાળું વળીને હૃદયની આજુબાજુ બેસી જાય છે. કોઈક વાર એના ફુત્કારથી દઝાડે છે, તો કોઈક વાર કેવળ ધુમાડાની જેમ ગૂંછળા વળીને ફેલાયા કરે છે. કોઈ પ્રિયજનનો હાથ પકડીનેય કેટલાંય પાપ શું ચોરીછૂપીથી નથી ભરાઈ ગયાં? કેટલીક વાર એ બધાં ગંધકના ઢગલાની જેમ સહેજસરખા અગ્નિના તણખાની રાહ જુએ છે. પણ ક્યારેક બધું જંપી જાય છે. હું પાંપણ પલકારવાની હિંમત કરું છું. શ્વાસ એનો સાચો લય ફરીથી પ્રાપ્ત કરે છે. મારાં થંભી ગયેલાં ચરણ પરિચિત માર્ગોની સ્મૃતિથી સળવળી ઊઠે છે. હજારો વરસ પહેલાં દટાઈ ગયેલા કોઈ પ્રાચીન નગરમાંનો અશ્મીભૂત મારો જીવ જાણે આળસ મરડીને ઊભો થાય છે. એની સાથે જાણે એ નગરના બધા પાષાણ સજીવન થશે. પથ્થરની તિરાડોમાંથી માથું બહાર કાઢીને ભૂતકાળ શ્વાસ લેશે. વર્ષોનાં ધણ પાછાં વળશે.

એકાએક બધો ભાર હળવો થઈ જાય છે. લોહી ગાતું ગુંજતું વહેવા લાગે છે. આંખ આ સૃષ્ટિનું સ્તવન ગાતી જાય છે. હાથ પથ્થરના થાંભલાનેય વળગીને વ્હાલ કરવા અધીરા બની જાય છે. આંગળીઓ મન્દિરના ઘણ્ટની જેમ ઝંકૃત થઈ ઊઠે છે. મને આશા બંધાય છે કે હવે મારી વાણી શાપમુક્ત થશે. હું એનો સજીવન થવાનો ધબકાર સાંભળું છું. કાન માંડીને સાંભળું છું. ચકિત હરણના જેવા શબ્દો કૂદી પડે છે: ‘ક્યાં છે મૃણાલ?’