મરણોત્તર/૪૪


૪૪

સુરેશ જોષી

પ્રભાતનો પ્રકાશ પ્રકટે તે પહેલાં ક્યાંકથી મને કશી છાલક વાગે છે. હું ઓગળતો જાઉં છું, રેલાતો જાઉં છું, વ્યાપતો જાઉં છું. પૃથ્વીના અન્તરંગમાં પ્રવેશું છું. ધાતુઓના કૂણા શૈશવને જોઉં છું. કેવળ પ્રથમ બુદ્બુદરૂપે આરંભાયેલા જ્વાળામુખીનું શિશુમુખ જોઉં છું. ધરતીના ઉદરમાંના આછા સ્ફુરણ જેવા ધરતીકમ્પને જોઉં છું. ઊંડાણમાં રહેલા સૂર્યથી અસ્પૃષ્ટ અન્ધ જળને જોઉં છું. ધરતીમાં પોષણ માટે લઘુક શિશુના લંબાવેલા હાથ જેવા અસંખ્ય મૂળને જોઉં છું. એ અન્ધ વિશાળતામાં વ્યાપી રહેલો એક ઉત્તમ ઉચ્છ્વાસ મને સ્પર્શે છે. મારી આંખ પૃથ્વીના પેટાળમાં દટાયેલાંઓનાં અસંખ્ય અસ્થિપિંજરોનાં અડાબીડ અરણ્યોમાં અટવાઈ જાય છે. સૂર્યમણ્ડલમાંથી છૂટી પડેલી પૃથ્વીના હૃદયની વેદના મને ક્યાંક હાડ ઠારી નાખે એવી રીતે સ્પર્શી જાય છે. કૂણું અંકુર પૃથ્વીના પડને અળગું કરીને માથું ઊંચું કરે તેની સાથે હું ફરી ઉપર આવું છું. મારી પાછળ એક આછો નિ:શ્વાસ છે. જાણે કોઈ મારી વદાય લઈ રહ્યું છે. મરુતને ખભે બેસીને હું ઉપર ચઢું છું, ઊડું છું, નિદ્રાના અન્તિમ અંશને લઈને અંતરીક્ષના રાજહંસ ઉપર ઊડી જાય છે. એની પાંખ મારા શ્વાસને અથડાય છે અને એમાંનાં થોડાં સ્વપ્નો નીચે વેરાઈ જાય છે. નિદ્રાનો ધોળો અપારદર્શક રંગ મને ઘેરી વળે છે. પણ એક વાદળના અભ્યન્તરમાં સૂર્યનો અંગુલિસ્પર્શ છે. એનાથી દાઝવાની બીકે હું દૂર ભાગું છું. મને ઉષાના પ્રથમ સ્મિતની કિનાર સ્પર્શી જાય છે. હજી એમાં સૂર્યાસ્તની ઝાંય વરતાય છે. મારી અદૃશ્યતા પર વાદળનું આચ્છાદન ઢંકાઈ જાય છે. એની પેલે પાર કદાચ યક્ષકિન્નરો અને ગન્ધર્વો હશે. કદાચ અન્ધકારનું કૃષ્ણવર્ણ વિરાટકાય પંખી પાંખ સંકેલીને બેઠું હશે. અદૃશ્યતાને બીજી અદૃશ્યતાઓ અથડાય છે. મારે હોઠે એક નામ આવે છે. ને તરત જ એ તારાનો ચમકાર બનીને ચમકવા લાગે છે. જન્મ લેતા સમયની પ્રસવવેદનાનો ચિત્કાર મારે કાને પડે છે.

એની પેલે પાર જ કદાચ હશે સ્વર્ગની અટપટી ભૂગોળ, દેવદેવીઓનાં ઝુંડ, નરકના નકશા. એની થોડી રેખાઓને જોઉં છું. ક્યાંક તેજાબના ભડકા જેવો અગ્નિ દેખાય છે. પછી છે નર્યો આસમાની અવકાશ. એમાં થઈને હું કોઈ ખરતા તારાની જેમ સર્યે જાઉં છું. અહીં પણ નરી નિ:શબ્દતા નથી. અવકાશમાં ક્યાંક કણસવાનો નિ:શ્વાસ છે. સૃષ્ટિના આરમ્ભ પહેલાંની કોઈ વેદના હજી ત્યાં મોક્ષ પામ્યા વિના ભમ્યા કરે છે. મરણ ક્યાંક રજકણની જેમ મારામાંથી ફેંકાઈ ગયું છે. ધીમે ધીમે કશીક દ્યુતિને લહેરાતી જોઉં છું. એમાંથી એક આકૃતિની રેખાઓ દેખાય છે: ‘કોણ? મૃણાલ? ઈશ્વર? કે શૂન્યનો બુદ્બદ?’