માણસાઈના દીવા/૩. સ્વયંસેવકની શી જરૂર છે?


૩. સ્વયંસેવકની શી જરૂર છે?


થોડી વારે એક આદમી દેખાયો. પાસે આવ્યો. પૂછ્યું : “ક્યાંથી આવો છો? અહીં કેમ એકલા બેઠા છો?” મહારાજ : “તમે મારી કને શીદ આવ્યા છો? તમે જતા રહો, નહીંતર ઠાકોર તમારું નામ સરકારને પોં'ચાડશે.” આદમી : “હું ક્ષત્રિય છું. છો મને જે કરવું હોય તે કરે ઠાકોર. ઊઠો, હીંડો.” “ક્યાં?” “મારે ઘેર.” “પણ તમને ઠાકોર…” “સવારે ઊઠીને ઠાકોર છો મને ફાંસી મોકલાવે. અત્યારે હું મારા ગામને ટીંબે એક બ્રાહ્મણને ભૂખ્યો-તરસ્યો નહીં રહેવા દઉં.” આ માણસની સચ્ચાઈની પ્રતીતિ થતાં મહારાજ એની સાથે ચાલ્યા. ઘેર જઈને એ ગરાસિયા ભાઈ મહારાજને કહે : “ચાલો, રસોઈ કરો.” “હું એક જ ટાણું જમું છું.” “ના, નહીં જ ચાલે.” ઘણી રકઝક પછી મહારાજે કુલેર ખાવાની હા કહી. અથાણું ને કુલેર ખવરાવ્યાં ત્યારે જ એ ગરાસિયાને જંપ વળ્યો. પછી મહારાજે કહ્યું : “મારે આ ગામનાં લોકોને મળવું છે. એનું કંઈ ના થઈ શકે?” “ના શા સારુ થઈ શકે? ચાલો એકઠાં કરીએ.” “પણ ક્યાં?” “સ્વામીનારાયણના મંદિરમાં.” “પણ ત્યાં તો દરબારગઢ છે. લોકો ડરશે.” “પણ બીજી કોઈ જગા નથી. છોને ઠાકોર સાહેબ પણ સાંભળે!” જોતજોતામાં તો મંદિરનો ચોક લોકોથી છલકાઈ ઊઠ્યો. અને મહારાજે હૈડિયા વેરો ન ભરવાનું ભાષણ કર્યું. સવારે એ તો જતા રહ્યા, પણ પાછળથી પેલા ગરાસિયાને ઠાકોરે તેડાવ્યા. પૂછ્યું : “ચ્યમ ભાષણ કરાવ્યું?” ગરાસિયાએ જવાબ દીધો : “એ તો જેને સાંભળવું હતું તે સૌ આવ્યાં; ન'તું સાંભળવું તેને કોઈ બળજબરીથી તેડવા ગયું હતું? અને નથી વળી કોણે સાંભળ્યું! કો'ક છતરાયાં સાંભળવા બેઠાં, તો બીજાં વળી મોં સંતાડીને બારણાં પાછળ બેસીને સાંભળતાં હશે!” પાછળથી આ ગરાસિયાને કોઈ બીજા આરોપસર સહન કરવું પડ્યું હતું. એ ઇતિહાસની તાજી યાદ લઈને અમે ગાજણામાં હયા. એ ઠાકોર તો વર્ષોથી વિદેહ બન્યા છે, ને એમના પુત્ર – નવા ઠાકોર શ્રી મહેરામણસિંહજી મહીડા — જેમને આગલે જ દિવસે સરકારે ‘ઑનરરી મૅજિસ્ટ્રેટ'ની પદવી દીધી હતી, તેમને મળવા મહારાજ અમને લઈ ગયા. ત્યાં મહારાજે સ્વ. ઠાકોરની તસ્વીર જોઈ પોતાને એમની સાથે પડેલા પ્રસંગનો ઉલ્લેખ કર્યો, ત્યારે શ્રી મહેરામણસિંહજીએ ઝંખવાઈ જઈને ફક્ત એટલું જ કહ્યું કે, “હું તે વખતે આબકારી ખાતામાં સરકારી નોકરી પર હતો.” આ શબ્દો તેમનું સૌજન્ય બતાવતા હતા, પેલા ગરાસિયા ભાઈ, જેમણે મહારાજને ધર્મશાળાએથી પોતાને ઘેર લીધેલા, તે તો ઠાકોરના ભાણેજ ગગુભાઈ હતા, એમ આ પ્રવાસમાં જાણ થઈ. મેળાપ ન થયો. અમે ગાજણા છોડ્યું ત્યારે હૈડિયા વેરાની લડતના વિજયનો ઇતિહાસ – હું સ્મૃતિમાં ફરી વાર વાંચી ગયો. કેટલીક રમૂજો મને યાદ આવી.