માણસાઈના દીવા/૪. ઘી-ગોળનાં હાડ!


૪. ઘી-ગોળનાં હાડ!


મહીના શયનમંદિરમાં સાગર રોજ પ્રવેશે છે. એ દરિયાઈ ભરતીને ‘ઘોડો' કહે છે, ઘોડાનું રૂપક જેને સૂઝ્યું હોય તેને ધન્ય છે! નદીમાં આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજુ કરે છે : કેશવાળી-શી શ્વેત ફીણવાળી તરંગ-ટોચ, વિલાસ-મસ્તીના ઉછાળા મારતાં નીર-કદમો અને હ-ડૂ-ડૂ-ડૂ એવા હણહણાટ. ઘોડો આવવાનો થાય ત્યારે આરે આરેથી માછીઓ પોતપોતાની નાવડીઓને ઘોડાની સામે બે'ક માઈલ લઈ જાય, ને નાવનો અને ઘોડાનો જ્યાં સંપર્ક થાય ત્યાં ઘડીભર તો નાવડીને પોતાના પાછલા પડખામાં લપાવી દઈને પછી ‘ઘોડો' એને પોતાની માણેક-લટને સ્થાને અગર તો કાનસૂરી વચ્ચેના કોઈક ફૂમતાબંધ શણગારની અદાથી રમદતો-ઝુલાવતો હીંહોટા દેતો દેતો ધસ્યો આવે છે નદીની શયન-સોડમાં.