મુકામ/ભેટો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:11, 3 May 2024


ભેટો

મેં એમની ચાલ ઉપરથી જ ઓળખી લીધેલા. આ સંજયભૈ જ હોય, બીજું કોઈ નહીં. મહેબૂબના હાથને એકદમ હલબલાવતાં જ કહ્યું, ‘જાવ તો પેલા દાઢીવાળા ભાઈ કોણ છે દેખો તો?’ મહેબૂબે એની આદત પ્રમાણે વિરોધ કર્યો, ‘ટારે સું? હસે જે હોય ટે...’ ‘તમે તો ખરી ખોપડી છો, એ બાજુ નજર તો કરો..’ મહેબૂબે માંડ એ તરફ જોયું, પણ તરત બોલ્યા, ‘આ ટો પેલા...એ... આપણી હાંમેવાળામાં રહેટા’ટા! હું ટને વાટ નહોટો કરટો? એ… સું નામ?’ ‘સંજયભૈ…એટલે તો તમને ક્યારુની કે’તી’તી. મને પણ એમના જેવા જ લાગેલા.’ મને ત્યાં જ ઊભી રાખીને મહેબૂબ સીધા સંજયભૈ પાસે પહોંચી ગયા. આમ તો અમે એમને ઘણી વાર યાદ કરીએ. પંદરેક દિવસ પહેલાં મહેબૂબ કહે, ‘પેલા આપણી હાંમ્મે રહેટા’ટા એમના જેવા જ કોઈ હટા. સ્કુટર પર જટા’યા... એ વખતેય સંજયભૈનું નામ ભૂલી ગયેલા. મેં કહેલું, ‘જરા હાથ ઊંચો કરીને રોકીએ નંઈ?’ ‘અરે યાર! સ્કુટર ઝડપથી નીકઈલી ગયું ને કડાચ એ ન હોય ટો? ભોંથા પડવા જેવું ઠાય કે ની?’ મહેબૂબ એમને યાદ તો કરે છે, પણ નામ ભૂલી જાય છે. હું કશું જ ભૂલી નથી. દરરોજ રોટલીનો લોટ બાંધું ને સંજયભૈ યાદ આવે, કૉફી પીઉં, નાહવા જાઉં કે રેડિયો ઉપર ‘સારંગા તેરી યાદ મેં…’ ગીત આવે, એકેય દિવસ એવો નથી ગયો, સંજયભૈને યાદ ન કર્યા હોય! મહેબૂબે ચુપચાપ જઈને એમના વાંસામાં એક ધબ્બો લગાવી દીધો. સંજયભૈ ચોંકી ઊઠ્યા ને એમની સામે જોઈ રહ્યા. હું અહીંથી જોઈ રહી છું કે બંને જણ ભેટી પડ્યા છે ને બસસ્ટેન્ડ પરનાં બધાંની નજર એમને જોઈ રહી છે. મારાં રૂવાંડાં ઊભાં થઈ ગયાં. સાચ્ચે જ સંજયભૈ? મહેબૂબે એમને કંઇક કહ્યું ને સીધી મારા તરફ આંગળી ચીંધી. એ શું બોલ્યા હશે કહું? ‘નસીમ ઓ સાઈટમાં ઊભી છે. એ જ ટમને જોઈ ગ્યેલી…’ એમને મેં અનેક વાર કહ્યું છે કે ‘સાઈટ’ નહીં ‘સાઈડ’ બોલો. પણ આવી ગરબડ ન કરે તો મહેબૂબ નહીં. એક વાર સંજયભૈએ હસતાં હસતાં કહેલું, ‘મહેબૂબભાઈ તમારો આ ‘ટ’ અને ‘ડ’નો ગોટાળો કોઈ વાર મુશ્કેલીમાં મૂકી દેશે. ત્યારે તો મને લાઈટ નહોતી થઈ, પણ સંજયભૈની વાત મહેબૂબે મને ખાનગીમાં દાખલા સાથે સમજાવી ત્યારે તો હું હેબતાઈ જ ગયેલી ને ક્ષોભનો તો પાર જ નહીં. મેં મહેબૂબને કહેલું કે મહેરબાની કરીને તમે સભાન થાવ નહિંતર...’ બંને જણ હાથમાં હાથ નાંખીને મારી પાસે આવ્યા. હું એક ક્ષણ વિચારમાં પડી ગઈ. આ એ જ સંજયભૈ છે? છે તો એ જ. પણ બહુ બદલાઈ ગયા છે. નૂરતેજ જતાં રહ્યાં છે. બધી રીતે જાણે ફિક્કા પડી ગયા છે. અચાનક મારો હાથ લાંબો થઈ ગયો. એમનો હાથ પણ લંબાયો ને મને ખબર ન પડી કે શું કરું છું, સટ્ટાક દઈને જોરદાર તાળી આપી દીધી. કદાચ એમનો હાથ ચમચમી ગયો હશે. મેં જોયું કે શું બોલવું એ એમને સમજાતું નથી. મારી સામે તાકી જ રહ્યા. એમનું જે કંઈ હતું તે ચહેરા પર ને આંખોમાં આવી ગયું. ગોળ આંખોની ભીની ચમકમાં જૂનો પરિચય તાજો થતો હતો. પળ વાર તો હું ય સંકોચાઈ ગઈ. એમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, કપાળ પરનો પરસેવો લૂછ્યો. રૂમાલને ગડી કરીને પાછો ખિસ્સામાં મૂકતાં એમના હાથ-આંગળાને હું જોઈ રહી. રૂમાલ મૂકીને એમનો હાથ સીધો જ વાળમાં ગયો. એ જ સ્ટાઈલ હતી આંગળીઓ ફરવાની. એક લટ બહાર નીકળી આવી. એ નીકળી આવી એ પહેલાંની ક્ષણે મેં એને એ રીતે જોઈ લીધેલી. કેટલી બધી વાર આ દૃશ્ય જોયું છે! તે દિવસે મહેબૂબે એમને જોયાની વાત કરી ત્યારથી મને તાલાવેલી લાગી હતી. મનમાંથી સંજયભૈ ઘડી વારે ય આઘા જતા નહોતા, પણ આ તો જાણે એ સંજયભૈ જ નહીં! નસીમબહેન-નસીમબહેન કરતાં જે માણસ મોઢું સૂકવતો હોય એ આમ આટલાં વર્ષે મળે ત્યારે આટલો બધો દૂર થઈ જાય? મહેબૂબની હાજરીનો તો સવાલ જ નથી. એક દિવસ એવો હતો કે અમે ત્રણેય સાથે ન હોઈએ તો કશુંક અધૂરું રહેતું. જ્યારે અત્યારે તો નથી અધૂરાનો ખ્યાલ કે નથી પૂર્ણતાનો. મહેબૂબ તો એમનું નામ જ ભૂલી ગયેલા. જ્યારે આ સંજયભૈ તો જાણે મને આખેઆખી જ ભૂલી ગયા… તો શું હું એકલી જ મનમાં આટલું બધું સંઘરીને બેઠી હોઈશ? મહેબૂબે તમાકુની ડબ્બી કાઢી ને મને ગુસ્સો આવ્યો. કદાચ મારી નારાજગી ઓછી કરવા એમણે કહ્યું હશે, પણ સંજયભૈના ખભે હાથ મૂકીને કહે, ‘યાર! મેં હમનાં ટમને કીઢેલું કે નંઈ? નસીમ ટમને ખૂબ યાડ કરે છે.’ મનેય આશ્ચર્ય થયું. મારા મનની વાત મહેબૂબ સુધી કેવી રીતે પહોંચી ગઈ? મેં આટલાં વર્ષોમાં આમ પ્રગટપણે તો સંજયભૈને ભાગ્યે જ યાદ કર્યા હશે. હું નથી માનતી કે એ મને ભૂલ્યા હોય, તો શું દંભ કરતા હશે? કે પછી આંખોથી વેગળા એટલે હૈયાથી પણ વેગળા? કંઈ ખબર પડતી નથી. સંજયભૈ ધીરે રહીને બોલ્યા, ‘તમે લોકો આમ અચાનક મળી જશો એવી ધારણા નહોતી. કેટલાં વર્ષે મળ્યાં નહીં? એમનો ચહેરો મહેબૂબ સામે હતો, પણ આંખોનું તેજ મને આંજતું હતું. મેં સાવ એમ જ એમને પૂછી લીધું, ‘ગાંધીનગર આવવું છે ને?’ ‘હું ગાંધીનગર જ રહું છું.’ એમ કહી એમણે પોતાના વાળમાં હાથ ફેરવ્યો. ‘હોય નહીં, ક્યાં?’ ‘....’ શું વાત કરો છો? અમેય ટો ગાંધીનગરમાં જ, પન ટમારાથી થોડા ડૂરના સેક્ટરમાં!’ મહેબૂબ બોલ્યા. હું વચ્ચે જ બોલી પડી, ‘એ દૂર ન કહેવાય, નજીક જ કહેવાય. અમદાવાદ રહેતા હોય તોય દૂર...’ મેં વાક્ય અધૂરું મૂક્યું ને પૂછી બેઠી, ‘તો પછી આપણે એકેય વાર મળ્યાં કેમ નહીં?’ મને શી ખબર કે તમેય ગાંધીનગરમાં છો? ને નિયમ એવો છે કે બંને પક્ષે અત્યંત તીવ્રતા હોય તો ગમે તે રીતે પણ મળ્યા વિના નથી રહેવાતું. કંઈક તો એવું થાય જ કે મળી જવાય!’ ‘આ સંજયભૈ શું કહેવા માગતા હશે? મારે પક્ષે તીવ્રતા કેવી છે એ શી રીતે બતાવું? કે પછી એ પોતાની તીવ્રતા નહોતી એ વાત કબૂલી તો નહીં રહ્યા હોય?’ ‘ટમે એ ઘર ખાલી કર્યું પછી છ મહિનામાં જ મારી બડલી થઈ એટલે અમે ગાંધીનગર આવી ગાં, ટમે તો ટાંથી વસ્ટ્રાપુર ગિયેલા ને?’ મહેબૂબે બસ આવવાની દિશામાં જ મોં રાખીને પૂછ્યું. ‘હા, વસ્ત્રાપુર તો હું માંડ એકાદ વર્ષ રહ્યો હોઈશ. પછી મનેય ગાંધીનગર જોબ મળી એટલે ત્યાંથી રાજીનામું દઈને છુટ્ટા! પહેલાં તો અપડાઉન કર્યું, પણ હવે તો ઘણા ટાઈમથી ગાંધીનગર જ રહું છું.’ મને થયું સંજયભૈ શાહરુખ વિશે કેમ કંઈ પૂછતા નથી? એ નાનો હતો ત્યારે તો ઘડી વારે ય હેઠો મૂકતા નહોતા. દિવસ આખો ખભે ને ખભે એમ કહેવાય. કાયમ એ જ રમાડતા. પાછા મને કહે પણ ખરા, ‘મને બાળકો જોડે મજા આવે છે ને તમે એ બહાને થોડાં ફ્રી રહો તો કંઈક કામકાજ કરી શકો. કંઈ નહીં તોય આરામ તો મળે!’ મને થયું મારી આટલી બધી ચિંતા કરનારો માણસ અત્યારે આટલો બધો અજાણ્યો કેમ લાગે છે? મારા મનમાં ક્યારનોય જે પ્રશ્ન ઘોળાતો હતો એ મહેબૂબે સીધો જ પૂછી લીધો, ‘પેલ્લા એ ટો કહો યાર, સાડીબાડી કઈરી કે નંઈ?’ સંજયભૈનું મોં લેવાઈ ગયું. જરાક વિચાર કરીને કહે, ‘મારે તમને સાચી વાત કહેવી જોઈએ. લગ્ન તો એ પછી તરત જ થઈ ગયેલાં, પણ એકેયને ફાવ્યું નહીં એટલે વરસદહાડામાં તો છુટ્ટાં!’ પહેલાં તો મને લાગ્યું કે મજાક કરે છે. એમને પહેલેથી જ મજાકની ટેવ. એક વાર હું ને મહેબૂબ પિકચરની વાતે રકઝકમાં ઊતરી પડ્યાં હતાં. જરાક ચકમક ઝારી કે સંજયભૈ બોલ્યા, ‘મહેબૂબભાઈ તમારે જે બોલવું હોય એ બોલજો પણ તમારું પેલું તલ્લાક.. તલ્લાક એ ન બોલતા!’ અનાયાસ જ મારો હાથ છાતીએ ગયો ને મોંમાંથી નીકળી ગયું. ‘પછી આ બલા તમારી ડોકમાં આવી પડશે એવું તો નથી લાગતું ને?’ બધાં ખડખડાટ હસી પડ્યાં હતાં. ‘અરે ભલ્લા માનસ ટમે ટો ક્યારેય વાટ જ નો કઈરી!’ મહેબૂબે ચિંતાથી કહ્યું. ‘પણ આપણે મળ્યાં જ અત્યારે, આ તો તમને કહ્યું. બાકી બધાંને બધું સમજાવી ન શકાય ને બધાં બધું સમજી પણ ન શકે...’ મેં મારા મનમાં કહ્યું, ‘હું જ નથી સમજી શકતી ને… તમારા જેવા માણસ સાથે આવું બને જ કેવી રીતે? ખબર નહીં કેમ પણ દિમાગમાં કંઈ ઊતરતું નથી. સંજયભૈને દુઃખી થવું પડે એ વાત હું સ્વીકારી જ શકતી નથી. હું તો એવું વિચારતી કે આ માણસ જેની સાથે શાદી બનાવશે એની જિંદગી સુધરી જવાની..પણ આ તો કંઈક ઊલટું જ સાંભળું છું. એ વખતે અમે ત્રણેય જલસા કરતાં. અમે નવાં નવાં, એમાં એ ભળ્યા. ભલે થોડી, પણ જે ઓળખાણ છે એ અધૂરી નથી લાગતી. એક બહેન હાંફળાંફાંફળાં આવ્યાં ને પૂછ્યું, ‘ચ રોડ ગઈ?’ એમની થેલી મારા પગ સાથે અથડાઈ. જોરદાર વાગ્યું. મારી નજર થેલી પર ગઈ. ઉપર તો કોબી-ફ્લાવરના દડા દેખાતા હતા, પણ અંદર મરચાં ખાંડવાની નાની ખાયણી જેવું કંઈક હશે એ મને નળામાં વાગ્યું. પળ વાર તો વીજળીના કરંટ જેવું લાગ્યું. હું કઈ વિચારું એ પહેલાં સંજયભૈએ એ બાઈને જવાબ આપી દીધો. ખબર નથી. અમે હમણાં જ આવ્યાં.’ મને એની થેલી જોઈને રસોઈ યાદ આવી. ઘેર જઈને કંઈક બનાવવું પડશે. હું સંજયભૈને પૂછી બેઠી, ‘રસોઈનું શું કરો છો?’ ‘ટાટરિયા કરીને એક ભાઈ છે. એને ઘેર....’ ‘ફાવે છે? રસોઈ તો તમનેય સરસ આવડે છે...’ ‘મને હવે એટલો વખત નહી રહેતો ને કંટાળો ય આવે. જોકે ટાટરિયા જમાડે છે સારું..’ ‘ક્યો ટાટરિયો? પેલો વારે વારે ફર્નિચર લે-વેચ કરે છે એ ટો નંઈ?’ મહેબૂબ બોલ્યા. ‘એ ટો સાલ્લો મોટી આઇટમ છે… આલિયાની ટોપી માલિયાને, માલિયાની જમાલિયાને….’ ટાટરિયાની વાતે મહેબૂબ રંગમાં આવી ગયા... આ બસસ્ટેન્ડે ઢોરનો બહુ ત્રાસ છે. બે સાંઢ ને એક ગાય માથું ઉલાળતાં આવ્યાં ને બધાં એક બાજુ ખસી ગયાં. પેલાં થેલીવાળાં બહેનની સ્ફૂર્તિ બાકી જબરી! કોઈ બોલ્યું, ‘આજે બસનું ઠેકાણું નહીં’ કપાળમાં ટીલાવાળા એક ભાઈ આગળ વધ્યા ને બોલ્યા, ‘આજ મુસલમાનોનો કો’ક તેવાર સ તે… બધોં એકીદમ ફરવા નેંકરી જ્યોં સઅ…… બશ્યોનું ઠેકૉણું પડઅ તોંણઅ હાચું….’ અમે ત્રણેય એકબીજાની સામે જોઈ રહ્યાં. મહેબૂબ કહે, ‘હું સૌથી પહેલાં ચઢી જઈશ, તમે પાછળથી આવજો.’ એ હજી આટલું બોલે ત્યાં તો બસ દેખાઈ. મહેબૂબ તૈયાર. બસનું બારણું ક્યાં આવશે એનો અંદાજ લગાવતા એ થોડા આગળ ગયા, ગમે તેટલી ગિરદીમાંય એ પહેલાં ચઢી જાય. મારંમાર આવતી બસ એકદમ, સાવ સાઈડ પર આવી ગઈ. બધાંને પાછાં હટવું પડ્યું. જોરદાર બ્રેક વાગી ને બારણું આપમેળે જ ઊઘડી ગયું. એક જણને ધક્કો લગાવીને મહેબૂબ સૌથી પહેલાં અંદર. સંજયભૈ આગળ ખસી શકતા નહોતા. એક ભાઈ ન ચઢે ન ચઢવા દે. પાછો હાથમાં મોટો થેલો ને પૂછ્યા કરે, ‘ક્યોં જશે? પથિકા? પથિકા?’ મેં સંજયભૈનો ખભો પકડ્યો ને આગળ થઈ. એમના હાથ નીચેથી વાંકી વળીને સીધી જ અંદર. મારી પાછળ સંજયભૈ. પળવારમાં તો બે ઘંટડી અને બારણું ધડામ્.. રહી ગયા તે રહી ગયા. અમે અંદર જઈને જોયું તો મહેબૂબ ત્રણની સીટમાં લાંબા થઈને સૂઈ ગયેલા. ‘યાર! તમે તો કમાલ કરી…!’ કહીને સંજયભૈ હસ્યા. મેં તો માંડ હસવું રોક્યું. મારે બારીએ બેસવું હતું, પણ મહેબૂબે સંજયભૈને એ સીટ આપી દીધી. ટિકિટ લેવા બંનેએ થોડીક રકઝક કરી, પણ છેવટે મહેબૂબ બહુમતીમાં હતા. એ બંને જણ વાતે વળ્યા ને હું વિચારે ચઢી. અમે અને સંજયભૈ સામસામેના બારણે, એક જ બંગલામાં ભાડે રહેતાં, નીચે મકાનમાલિક, બાજુમાં પડતી ગેલેરી. એકબીજાનાં રસોડાં પાછળના બારણેથી ગેલેરીમાં જવાય. ઘણી વાર મહેબૂબ ન હોય ને હું કંટાળુ ત્યારે ગેલેરીમાંથી એમના રસોડાની બારીએ છાનીમાની ઊભી રહું. સંજયભૈ રોટલીનો લોટ બાંધતા હોય શાકભાજી કાપતા હોય. એમના હાથ ને આંગળીઓ જે રીતે વળે, હું તો જોયા જ કરું. મર્દોના હાથ જો આવાં કામમાં ય કુશળ હોય તો કેવા શોભી ઊઠે એવા વિચારે રોમાંચ થઈ આવતો. એ નીચું જોઈને કંઈ ગણગણતા હોય તો ક્યારેક ઊંડા વિચારે ચઢી ગયા હોય. હું ધીરે રહીને લહેકો કરું. ‘શું…કરો…છો?’ ને એ ચોંકી જાય. એમને ખ્યાલ પણ આવે કે હું ક્યારની જોતી હોઈશ, પણ કોઈ ક્ષોભ નહીં. કામ રસથી કરે ને હાથ જરાય અણઘડ ન લાગે. એ અમારી નજીક રહેવા આવ્યા ત્યારે ખરું થયેલું. મહેબૂબ બિઝનેસ ટૂરમાં ગયેલા ને સંજયભૈ ખરે બપોરે આવ્યા. સાવ થોડો સામાન. એક પલંગ અને પુસ્તકોના કોથળા, બાકી થોડુંક અરચૂરણ-પરચૂરણ. પરસેવે રેબઝેબ. જાતે બધું ઉપર ચઢાવ્યું. મને એ વખતે મદદ કરવાની ઈચ્છા થયેલી, પણ આ ભાઈ અહીં એકલા જ રહેવાના છે એવું જાણ્યા પછી ફાળ પડેલી. સાવ સામે બારણે એકલો પુરુષ ને હું તો લગભગ એકલી જ હોઉં. શરૂઆતમાં તો કામ સિવાય બારણુંય ખોલું નહીં, પણ પછી ગરમી ને અંધારું એકેય સહન ન થયાં. ધીમે ધીમે ફડક ઊડી ગઈ. એ કોઈ વાર ચિત્ર બનાવતા હોય, કાં તો રેડિયો સાંભળતા હોય, હું ગમે ત્યારે પરવારું એટલે જઈ ચઢું. રવિવારે મહેબૂબ હોય એટલે એ અને સંજયભૈ બેય જણ ગેલેરીની દીવાલે બેસીને છાપાં વાંચે. ચર્ચાઓ ચાલે. ખાસ તો ગીતો ગાય. મહેબૂબ મોહમ્મદ રફી ને સંજયભૈ મુકેશ. એલ.પી. પૂરી ન થાય ત્યાં સુધી એકેય ઊઠે નહીં. એક વાર બંનેની મહેફિલ ચાલતી હતી ને હું ચાના કપ લઈને આવી. નાહીને તરત આવેલી તે વાળ થોડા નીતરતા, સંજયભૈ ગાતા હતા: ‘બહુત દિયા દેનેવાલેને તુજ કો…’ ગાતાં ગાતાં જ એમણે હાથ લંબાવ્યો ને એમના કાળા ભમ્મર વાળવાળા ગોરા હાથ ઉપર મારા વાળમાંથી સરકીને એક ટીપું પડ્યું. એમણે સહેજ આંખ ઊંચી કરીને મારી સામે જોયું. બાપ રે, મને થયું મારું હૈયું ફાટી પડશે. સીધી જ અંદર દોડી ગઈ. ‘એટલું વળી સારું કે કંઈ બાળક નહોટું. નહિંટર ડાયવોર્સ પણ મુશ્કિલ બને.’ મહેબૂબનું આ વાક્ય સાંભળ્યું ને ખ્યાલ આવ્યો કે એ સંજયભૈની વાત કરે છે. આ મહેબૂબનેય કંઈ અક્કલ નથી. આવી બધી વાતો બસમાં કરાય? મારાથી ન રહેવાયું. ખાસ તો સંજયભૈનું મોં, ઉદાસી ને પીડા… મેં કહ્યું, ‘પછી નિરાંતે બધું ઘેર બોલાવીને પૂછજોને!’ હું મૂંગી થઈ ગઈ. બસે ટર્ન લીધો ત્યારે ખબર પડી કે પહેલું સર્કલ આવી ગયું. જાણે જલદી આવી ગયું. મહેબૂબના ખભે પાછળથી કોઈએ હાથ મૂક્યો. એમણે પાછળ ફરીને જોયું તો પેલા ભાઈ કહેતા હતા, ‘પથિકા આવે એટલે કહેજો!’ મહેબૂબે માત્ર ડોકું ધુણાવ્યું. મેં બગાસું ખાધું ને આંગળીઓના વારાફરતી ટચાકા ફોડ્યા, સંજયભૈ સામે જોયું. એ મારી અકળામણ જાણી ગયા. કહે કે, ‘બહુ વર્ષે મળ્યાં નહિ? તમે તો મને જરાય ભૂલ્યાં નથી. મનેય તમે લોકો ક્યારેક યાદ આવી જાવ, પણ થોડુંક ભૂંસવા જઈએ ને ક્યારેક બધુંય ભૂંસાઈ જાય એવું નથી બનતું?’ હું મનોમન બોલી ઊઠી. સંજયભૈ તમારાથી ભલે ભૂંસાઈ ગયું, પણ અહીં તો બધું એમનું એમ જ છે. શું પેલો બાથરૂમવાળો પ્રસંગેય તમને યાદ નથી? કે તમે ઈરાદાપૂર્વક… એ દિવસે તો ભારે થયેલી. મહેબૂબ ઘેર નહીં ને હું નહાવા ગયેલી. બે-ત્રણ દિવસના વરસાદને લીધે બાથરૂમનું બારણું ચઢી ગયેલું. તે બંધ થાય જ નહીં. મને શી ખબર? મેં તો અંદરથી જોરદાર ધક્કો લગાવ્યો. બારણું બંધ તો કરી દીધું, પણ પછી તો કેમેય ઊઘડે નહીં. ખેંચી ખેંચીને હાથ બળવા આવ્યા. બહારથી કોઈ ધક્કો મારે તો જ ખૂલે. હવે શું કરવું? હું લગભગ પરસેવે નાહી રહી હતી. છેવટે કંટાળીને મેં ‘સંજયભૈ ……સંજયભૈ ઓ સંજય…’ બૂમો પાડી. કેટલીય બૂમરાણ કરી ત્યારે એમણે સાંભળ્યું. આવ્યા ને પરિસ્થિતિ પામી ગયા. મને કહે, ‘છેક ખૂણામાં જતાં રહો… હું લાત મારું છું…. તમને વાગે નહીં!’ એક, બે ને ત્રીજી લાતે તો બારણું ને સંજયભૈ બંને અંદર! મેં આંખો આડા હાથ દઈ દીધા! આજે આટલાં વર્ષેય યાદ કરું છું ને શરમના ઉકરાંટા આવી જાય છે. બાકી સંજયભૈ માણસ એટલે કહેવું પડે. જેન્ટલમેન. એ પછી ક્યારેય આંખમાંય જણાવા દીધું નથી. મેં મહેબૂબને નહીં જ કહ્યું હોય એમ એમણે ધારી લીધું હશે? અત્યારે અચાનક સમજાય છે કે આ માણસ આટલો બધો મારી અંદર કેવી રીતે ઊતરી ગયો હશે? એય તે મારી ને એની જાણ બહાર? બસે બીજો ટર્ન લીધો ને સંજયભૈ ઊભાં થયા. મેં એમને નીકળવા માટે જગ્યા કરી આપી. ઊંઘરેટી આંખે મહેબૂબે આવજો કહ્યું. મારો હાથ ઊંચો ન થઈ શક્યો. સંજયભૈએ પાછલી સીટવાળા ભાઈને ઢંઢોળ્યા ને કહ્યું, ઊઠો. તમારું પથિકા આવી ગયું. સંજયભૈ ધીરે ધીરે ઊતર્યા. બારણું બંધ થયું ને હું ઊભી થઈ ગઈ. બારી બહાર બેબાકળી જોવા લાગી. બસ આંચકો ખાઈને ઊપડી ને હું સીટમાં બેસી પડી.