મેઘાણીની સમગ્ર નવલિકા 2/નિવેદન2

નિવેદન

અમદાવાદ સાથે મારે બાવીસ વર્ષની જૂની લેણાદેવી છે. ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, કુમાર કાર્યાલય, એ પ્રત્યેક મંડળ તરફથી મારા સાહિત્ય-સંસ્કારના બીજાંકુરોને જળસિંચન તેમ જ ઉષ્મા સાંપડતાં રહ્યાં છે. આ વાર્તાસંગ્રહે એક નવી સ્નેહકડી આપી છે. ‘પ્રજાબંધુ’ એ મારું પ્રિય સાપ્તાહિક છે. એના સંચાલકોના સ્નેહના દબાણ વગર આ સંગ્રહ કદાચ આટલો વહેલો અસ્તિત્વમાં ન આવ્યો હોત. અમદાવાદની જે સંખ્યાબંધ વ્યક્તિઓનાં નામ મારા સાહિત્યોત્કર્ષ પર અંકિત છે, તેમાંની એક, મોટે ભાગે નેપથ્યવાસી રહેલી વ્યક્તિની સ્મૃતિને આ પુસ્તકની સાથે જોડતાં મારું મન હળવું બને છે. ડૉ. હરિપ્રસાદ દેસાઈ જો ન ભેટત તો આની પહેલી વાર્તા ‘વિલોપન’નો પત્તો ન લાગ્યો હોત. એનો કોઈ કરતાં કોઈ સ્થળે નિર્દેશ નથી. એનાં મૂળના શોધક ડૉક્ટર સાહેબ જ છે. શહેર અમદાવાદનું સંમાર્જન અને સૌંદર્યવિધાન કરતાં કરતાં એ જૂની ઘટના એમને હાથ પડી છે. ડૉ. હરિપ્રસાદ વાતડાહ્યા પુરુષોની વહી જતી પેઢીના એક વિરલા પ્રતિનિધિ છે. ઘેરે, દવાખાને કે સાઈકલ પર રસ્તામાં, જ્યાં ભેટી જાય ત્યાં, માણસ જેટલા નિખાલસ તૉરથી પોતાના આપ્તજનની પાસે ઝીણાંમોટાં અંગત કૌટુમ્બિક સુખદુ:ખની વાતો કરે, તેટલા જ પૂરા તૉરથી ને લાગણી સાથે ડૉ. હરિપ્રસાદ ગુજરાત-અમદાવાદનાં શિલ્પ-સ્થાપત્યની, જૂના ઇતિહાસની, જનકથાઓની, નિત્યનવરસવતી વાતો કરે, કરતાં થાકે નહિ. પ્રત્યેક વાતનું મધ્યબિંદુ હોય માનવીનું માંગલ્ય. એવા એક મેળામાં એમણે અમદાવાદની મોચીની વાડીના મંદિરના કોઈ પૂજારીની, પૂજારીએ પોતે વટલીને પણ મંદિરને મુસ્લિમ ધ્વંસમાંથી બચાવ્યાની, અને મરતાં મરતાં એ મંદિર-દ્વારે પોતાની કબર થાય એવી ઇચ્છા કર્યાની, એમને સંજવારીમાં જડેલા મોતી સમી લોકકથા કહી. ને એમણે જોયું હશે કે પોતે એ પ્રસંગથી મારું મર્મસ્થલ સર કર્યું છે, એટલે તો પછી એ મને છોડે શાના! એક દિવસ સૂર્યાસ્ત થઈ પણ ગયો હતો, ઉપાડ્યો મને મોચીની વાડીની મુલાકાતે, જમાલપુરની પાછલી મેર. વાડી જડે નહિ: અમદાવાદના પોતે તસુએ તસુ ભોમિયા, પણ અમદાવાદ પોતે જ ઉપરતળે થઈ ગયેલું! મિલમજૂરોના ગંદકીભર્યા વસવાટોએ કદરૂપ ને કઢંગો બનાવેલો એ પ્રદેશ: પૂછી પૂછી, રઝળી રઝળી ભાળ મેળવતાં રાત પડી ગઈ, છેવટે પહોંચ્યા, મને દેરું બતાવ્યું. મિલનાં ગંદાં પાણીને લઈ જતું માણેક નદીનું વહેણ બતાવ્યું, કબરો બતાવી, કબર પર નવી ફરસબંદી, ‘ચિતારા હિન્દુ હરદાસ અને એના પરિવારની સમાધ’ એવો નવો લેખ સાઈકલનો દીવો ધરીને વંચાવ્યો. પણ ‘ચિતારા’ શબ્દથી પોતે મૂંઝાયા; પૂજારી તો નો’ય એ! માંડ્યું ચાંલ્લાઓળમાં ભટકવા, ન્યાતના નાનામોટા વૃદ્ધો જે કોઈ મળ્યા તેની જોડે વાતો કરી, ‘ચિતારા’ શબ્દની સાર્થતા પકડી (મોચીઓમાં, ચીતરકામ કરનારો એક વર્ગ હતો), એ પૂછપરછમાંથી નવા પ્રસંગો પકડ્યા, મને ફરી તેડાવ્યો, ચાંલ્લાઓળના હાટડે હાટડે તેમ જ ઘરોમાં લઈ ગયા, કસબો બતાવ્યા, ફરી પાછા મોચીની વાડીએ લઈ જઈ દિવસના ઉજાસમાં એ દેરાનો ને એ કબરોનો પરિચય કરાવ્યો, વર્ષો પૂર્વે પોતે જોયેલી ત્યારની એ જગ્યાની રમણીયતાનાં સ્મરણો કહ્યાં. પછી અમદાવાદ પ્રથમ વસ્યું તે વેળાની એની નગરચનાનો નકશો દોરી બતાવી, મને ફેરવી સ્થળેસ્થળનો પરિચય આપ્યો, અસલના સુલતાનોનાં નિવાસસ્થાન ચાંદાસૂરજના મહેલની અંદર, તેના અત્યારના નિવાસી માલિક એક પારસી સજ્જનના સૌજન્યથી, મને લઈ ગયા. એમ મૂળ વાર્તાનો કાચો માલ પૂરો પાડ્યો અને તત્કાલીન વાતાવરણ બાંધી આપ્યું. ‘સદુબા’ની છેલ્લી વાર્તાનું શ્રેય પણ એ જ પ્રમાણે એમને ફાળે જાય છે. મને શાહપુરમાં ભાટવાડે લઈ ગયા, દેરી બતાવી, તત્કાલીન મરાઠા અમલની અધોગતિનો પરિચય આપ્યો, અને પછી પાંચ-છ જાણકાર બારોટ ભાઈઓનો મેળાપ કરાવી તેમનામાં પેઢાનપેઢી ચાલતી આવેલી સદુમાતાની કથા કહેવરાવી. આમ કાચો માલ ડૉ. હરિપ્રસાદે સંપડાવ્યો, કસબ મેં કર્યો, તથાપિ એમણે જો પોતાની લાગણીએ અને કલ્પનાએ સમૃદ્ધ એવી પટભૂમિકા ન બાંધી આપી હોત, મારી દિવેટને એમણે પોતાને દીવડે પ્રકટાવી ન દીધી હોત, તો હું આ જનકથાઓને કોણ જાણે ક્યારે કલાદેહ આપી શક્યો હોત. ‘વિલોપન’ અને ‘સદુબા’, એ બે વાર્તાઓની વચ્ચે પૂરેલી સર્વ સ્વકલ્પિત વાર્તાઓ ‘(મેં તમારો વેશ પહેર્યો’ એ સિવાય)નાં મૂળ વાસ્તવ-ભૂમિની અંદર બાઝેલાં છે. અર્વાચીન ગુજરાતી સામાજિક, સાંસારિક ને આર્થિક જીવનની માટી ઉપરતળે થઈ રહી છે. કંઈ કંઈ નાની-મોટી ઘટનાઓ આપણી આંખો સામે ને ઉંબર પાસે બની રહી છે. એમાંથી ત્રાગ પકડીને કરેલું કંતામણ જો સાધારણીકરણના સર્જન-નિયમને સંતોષી શકશે તો જ સાર્થક ઠરશે. આમાંનાં પોણોસોએક પાનાં રોકતાં લખાણો સામયિકોમાં એક વાર દેખા દઈ ગયાં છે. બાકીનાં બધાં પ્રથમવાર પ્રસિદ્ધિને પામે છે. ‘ભલે ગાડી મોડી થઈ’ એનો ઉત્તરાર્ધ બધો નવો ઉમેરેલ છે. ૧૭૫-૧૮૦ પાનાંનું નવું લેખન એ છેલ્લા બે-ત્રણ મહિનાનો ફાલ છે. બાકીનું ઘણુંખરું બારેક મહિનાનું વાવેતર છે. ‘દેવનો પૂજારી’ એ ૧૯૩૬માં, પુણ્યનામ સંગીતકાર સ્વ. ભાતખંડેના સ્મૃતિ-સ્તંભ રૂપે, એમની અવસાન-છાયા તળે, ‘જન્મભૂમિ’ દૈનિકમાં આલેખ્યું હતું. ‘મેં તમારો વેશ પહેર્યો’ એ કિસ્સો મારા મુરબ્બી ચારણ સ્નેહી શ્રી શંકરદાન દેથા (લીંબડીના રાજકવિ)એ કહ્યો હતો. ‘સદુબા’નો પ્રસંગ કથનારા અમદાવાદના બારોટ શ્રી બાબુભાઈ શિવલાલ, માણેકલાલભાઈ વજુભાઈ, મણિભાઈ માનસિંગજી, ને બાદરશંગ પરધૂજી છે. શ્રી બાબુભાઈએ એમના પિતા શિવલાલભાઈ અને મામા બાપાલાલભાઈ વીસાજી કનેથી પરંપરાગત ચાલતી આવેલી વાત પ્રમાણે વર્ણવેલું આ વૃત્તાંત છે. સદુબાનું મૃત શરીર ફૂલના ઢગલામાં પરિવર્તિત બની ગયું હતું એવા એમના ચમત્કાર કથનને મેં આ વાસ્તવયુક્ત વાર્તામાં સ્થાન આપ્યું નથી. સદુબાનો ને ચાડિયાનો કિસ્સો તો ઐતિહાસિક હોવાનો સવિસ્તર ઉલ્લેખ શ્રી રત્નમણિરાવકૃત ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’માં પ્રસિદ્ધ છે. ‘વિલોપન’ની વાતમાં ફક્ત હરદાસ સિવાયનાં અન્ય પાત્રોનાં નામો મારાં જ આપેલાં છે. એના પિતા તેમ જ પત્નીનું પાત્ર મારાં જ કલ્પેલાં છે. મૂળ લોકકથાનું માળખું ફક્ત આટલા પ્રસંગોનું બનેલું છે: (૧) બેગમનું ચિત્રાલેખન, (૨) જાંઘ પરના તલની વાત, (૩) ચાબુકવા જમીનની પ્રાપ્તિ, (૪) દેરું બચાવવા માટે ઇસ્લામનો અંગીકાર, (૫) પોતાની કબર વાડીના પ્રવેશદ્વારે સ્થાપવાની માગણી. વધુ કશું કહેવાનું રહેતું નથી. મારી કૃતિઓના પ્રેમી વાચક સમૂહને વંદન કરીને આ પુસ્તક તેને હાથમાં ધરું છું. બોટાદ: ૧૦-૬-’૪૬
ઝવેરચંદ મેઘાણી