મોટીબા/અને અંતે

અને અંતે

છેલ્લા ત્રણેક દિવસથી હું ‘મોટીબા’મય હતો. ૧૯૯૭, છઠ્ઠી ડિસેમ્બરે સવારે જ ‘મોટીબા’નું ફાઇનલ પ્રૂફ જોવાનું તેમ જ તેમાં કાંટછાંટ કરવાનું કામ પૂરું કર્યું ત્યાં જ વિસનગરથી ફોન આવ્યો — ‘બા ગયાં…’ કંપતા સ્વરે માંડ માંડ બાપુજી બોલ્યા. ‘હેં?! ક્યારે?’ ‘સવારે નવ વીસે.’ ‘અમે આવીએ છીએ.' (‘મારા મર્યા કેડી કોઈએ રોવાનું નંઈ… ક શોક પાળવાનો નંઈ…') અમે બધાં વિસનગર પહોંચ્યાં. ગાયના છાણથી કરેલા ચૉકામાં મોટીબાને સુવાડેલાં. થયું, ચૉકામાંના જવ-તલ એમને ખૂંચતાં હશે?! એકેય વાઢિયા વગરની પગની પાનીઓ સાવ ફિક્કી. એકાણું વર્ષો સુધી માઈલોના માઈલો ચાલેલા પગ લાકડા જેવા. અમને અઢળક વહાલ કરનારા એ બે હાથ અમારા ભણી લંબાયા નહિ... ધોળી પૂણી જેવા ફિક્કા હાથ પર સાપના કણા જેવી ભૂરી ભૂરી ઊપસેલી નસો. સ્વેટર ગૂંથતી, ગાભાની ગોદડી પર ઝીણા ઝીણા ટાંકા લેતી, નાના નાના રેશમી ટુકડાઓ સીવીને જાતે ચંદરવો બનાવતી, ઉતરાણ પછી નકામા દોરાઓનાં અનેક ગૂંચળાંની ગૂંચ ઉકેલતી, હાલરડા કે વાર્તાની સાથે સાથે અમારા વાળમાં ફર્યા કરતી એ જ આંગળીઓ હવે ચેતનહીન. હાથ-પગનાં આંગળાંનાં નખ જરીકે વધેલા નહોતા! જાણે હાલ કાપ્યા ન હોય! અનેક સંવેદનોથી ધબકતી-ધડકતી-ધખતી હતી એ છાતી હવે ધબકારહીન.. જાણે હાલ બોલી ઊઠશે એવું ગોળમટોળ મોં, કાનમાં-નસકોરાંમાં રૂનાં પૂમડાં, હાલ ધોયા હોય ને કોપરેલ નાખ્યું હોય એવા રૂપેરી વાળ, અનેક જન્મોની ઊંઘ જાણે એકસામટી આવી હોય એમ ચિરનિદ્રામાં પોઢેલી આંખો, ચહેરા પર પરમ શાંતિ… જે નજરથી અનેકનાં પાણી માપી લીધાં, જે દૃષ્ટિથી જગતને જોયું-જીરવ્યું-જીવ્યું એ મોટીબાની દૃષ્ટિય શું વહેંચાઈ ગઈ હશે થોડેઘણે અંશે નાની નાની અનેક ટમટમતી આંખોમાં?! ‘હરિ ઓ...મ’ – બોલવા જતાં જાણે ‘હરિ ઓ...નો ઉચ્ચાર થયો હોય અને ‘મ’ બાકી રહી ગયો હોય એવી અધખુલ્લી મોંફાડ... અમે છેલ્લાં દર્શન કર્યાં. પછી માએ ચણિયા-બ્લાઉઝવાળા શરીર પર નવો કોરો સફેદ સાલ્લો ડોક સુધી ઓઢાડ્યો. ને એની ઉપર સફેદ ચાદર. મોં ખુલ્લું રહેવા દીધું. એક માખી ઊડતી ઊડતી આવીને જમણી આંખના બંધ પોપચા પર બેઠી. એને ઉડાડવા મોટીબાનો હાથ ઊંચકાયો નહિ. માખી ઉડાડતાં મનમાં થયું — હવે માખી ઉડાડીનેય શું? પલ્લવીમામીએ ડોક સુધી ઓઢાડેલી સફેદ ચાદર છેક માથા સુધી ઓઢાડી. ચહેરો ઢંકાઈ ગયો. થોડી ક્ષણ પછી મોંફાડની ભીનાશથી મુખ પરની ચાદરનો મોંફાડ પરનો ભાગ જરી ભીનો થયો. ચાદર પરથીય મોંફાડનો અણસાર કળાતો. બાપુજી જાણે અવાજ ખોઈ બેઠેલા. પણ ઝળઝળિયાં જેવા અવાજે માએ બધી વાત કરી. છેલ્લા પાંચેક દિવસથી મોટીબાએ ખાવાનું અને દવા લેવાનું બંધ કરી દીધેલું! અશક્તિ વધતી જતી, જીરણ તાવ રહેતો. દવા નહિ લેવાની જીદ તે મા દૂધ કે ચામાં ઑગાળીને દવા પાતી! છેલ્લા મહિનાથી મોટીબાની જીભ સ્વાદ પારખવાની શક્તિ ખોઈ બેઠેલી. તે રોજ વધારાનું ખાસ્સું બધું મીઠું માગતાં, ભભરાવતાં છતાંય ખાવાનું મોળું થૂંક લાગતું. ‘તારી મા તો રોજ ભાખરીઓય કાચી આલ સ નં દૂધેય આલવું હોય તો આલઅ્ નકર હરિ હરિ...’ કહેનારાં મોટીબા છેલ્લા ઘણા સમયથી જે આપ્યું હોય એ ચૂપચાપ ખાઈ લેતાં. ‘આ ખાવું છે કે તે ખાવાનું મન થયું છે' — એવી કોઈ જ ઇચ્છાય નહિ. ‘બટકો, મુન્નાડો ક બકુડિયો હમણોંથી આયા નથી. મુદ્રિકાનં બોલાવો, બધોં છોકરોંનંય જોવોં સ..' — એવીય કોઈ જ ઇચ્છા નહિ. અક્ષયને સારી નોકરી ને છોકરી મળે એ ઝંખનાય હવે જરીકે રહી નહોતી. નામસ્મરણ સિવાય બીજા કશાયમાં જરીકે જીવ નહિ! છેલ્લે દિવાળીમાં અમે ગયેલાં ત્યારે અમને જોતાં બોલેલાં – ‘ઘરમોં અવઅ્ દિવાળી આઈ..’ પછી પૂછ્યું, ‘કેટલા દા'ડાની રજા મૂકી સ?’ ‘બે.’ પાટીમાં લખ્યું. ઉકેલતાં ખાસ્સી વાર થઈ. પછી બોલ્યાં — ‘થોડી વધાર રજા લેવી'તી નં... બે દા'ડામોં શું આયોં ન શું ગયોં.. અવઅ્ આવતી દિવાળી હું ક્યાં જોવાની હતી?’ પછી એમણે સંસારની કે વહેવારની વાતોને બદલે બધાંને ભક્તિની ને નામસ્મરણની શિખામણ આપેલી ને ભજન ગાયેલું —

‘ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું…’

એ ભજન પત્યા પછી તરત બીજું ઉપાડેલું –

‘ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ... પ્રભુ એવું માગું હું તો..’

કદાચ બાકી જીવન ઓછું રહ્યું હશે પણ ‘જીવનરસ’ જરીકે ઓછો નહોતો થયો. આંખે બરાબર દેખાતું નહિ તે બેસતા વર્ષે બંને વહુઓએ ડોકમાં, કાનમાં, હાથમાં શું શું પહેર્યું છે એ સ્પર્શી સ્પર્શીને જોયેલું. ગાલે-માથે હાથ ફેરવી ફેરવીને બધાંને છેલ્લું વહાલ કરેલું. પણ કોઈનાયે માટે જરીસરખીયે આસક્તિ નહિ! જાણે બધુંય સાક્ષીભાવે! છેલ્લા ત્રણેક દિવસથી આંખોનું તેજ સાવ ગયેલું. પણ જે આંખો જાળવવા માટે ડૉક્ટરની ‘ના’ છતાંય રોજ આંખોમાં ટીપાં પાડ્યા કરતાં, સિઝનમાં રોજ એક સંતરું ખાતાં, જે આંખોના તેજને ટકાવી રાખવા છેવટ સુધી આટઆટલાં જતન કરેલાં એ આંખો ખોવાનુંય જરીકે દુઃખ નહિ. છેલ્લે, બે દિવસ પહેલાં જ એમણે માથું ધોયેલું ને બપોરે માએ કોપરેલ ઘસી આપેલું ને માથું ઓળી આપેલું. છેલ્લે, મૂળા-ઢોકળી ખાધેલી. મૂળો છીણીને લોટમાં ઉમેરેલો તે પોચી પોચી બે-એક ઢોકળી આંગળીઓથી દબાવી જોયા પછી, ભાજી દૂર કરીને ખાધેલી. પછી ખાવાનું બંધ કરેલું. થતું, જીરણ તાવને કારણે ભાવતું નહિ હોય. પણ ના, છેલ્લે કદાચ મૃત્યુને પામવા માટેય તેઓ મરણ સામે કે ઈશ્વર સામેય જીદે ચડ્યાં હશે?! એથી જ ખાવાનું ને દવાઓય ત્યજ્યાં હશે? આત્મહત્યા કરનારાં પ્રેતયોનિમાં જ જાય એવું માનનારાં જુનવાણી મોટીબાએ મૃત્યુની આગલી રાતે માને કહેલું – ‘તનં પાપ નંઈ લાગઅ્ અનિલા… દાક્તરનં કૅ મનં ઇંજેક્શન આલીનં પતાઈ દે... દાક્તરનંય પાપ નંઈ લાગ... નં મનંય નંઈ લાગ...’ મોટીબા સાંભળતાં નહોતાં ને આંખોંય બુઝાઈ ગયેલી તે ‘તમને કંઈ થાય છે?’ – એવું કે બીજું કશુંય પૂછવું શી રીતે? માને થયું, અસહ્ય પીડા થતી હશે. એથી જ બા આમ કહેતાં હશે. તે ડૉક્ટર બોલાવ્યા. ડૉક્ટરે જોયું તો જરીકે તાવ નહોતો, બી.પી.ય બિલકુલ નૉર્મલ. માત્ર સાધારણ કફ સિવાય કંઈ જ તકલીફ નહોતી. પણ મૃત્યુનેય પ્રિયજનની જેમ પામવાની પ્રબળ ઇચ્છા-ઝંખના-જીદનું શું? તીવ્રતાથી મોતની વાટ જોતાં જોતાં ઘણી વાર કહેતાં — ‘યોગેશની પેલી ચોપડીના નોંમની જેમ મારું મોતેય, ‘હજીયે કેટલું દૂર'?’ પાંચેક દિવસ પહેલાં અડધી રાત્રે પેશાબ માટે મોટીબા ઊઠેલાં ને પડી ગયેલાં ત્યારથી મા જાગતી ને જાગતી રહેતી. ‘ઝાડો-પેશાબ’ માટે ટબના ઉપયોગનીય ચોખ્ખી ના. ‘માર કોઈનીય પાંહે આવી સેવા નથી કરાવવી..’ મરણની આગલી રાત્રે ત્રણેક વાગ્યે સંડાસ જવું'તું, ‘ટબ’ની ના. આંખો જવા છતાં લાકડીના ટેકાનીય ‘ના.’ મનમાં બીક સાથે માએ મોટીબાનું બાવડું પકડી રાખ્યું કે હમણાં બા કહેશે — ‘પકડે નંઈ મનં… મારઅ્ કોઈનાય ટેકાની જરૂર નથી.’ પણ મોટીબાં કશું બોલ્યાં નહિ, પાછા ફરતાં પલંગ પાસે ધીરેથી બેસી પડ્યાં ને સૂઈ ગયાં. મા-બાપુજી એમને ઊંચકીને પલંગમાં સુવાડી શકે તેમ નહોતાં. પડોશી પોસ્ટમૅન – બેએક વર્ષ પહેલાં એણે અમારા ઓટલે ખાટલો મૂકેલો ને જાળી સુધી આવેલાં મોટીબાએ એ ખાટલો જોતાં જ – ‘આ કને ઈનીં ઠાઠડી અમારા ઓટલ મૂકી સ?' – કહી ઝઘડો કરેલો. એ જ પોસ્ટમૅનને અડધી રાતે ઉઠાડ્યો. એણે તથા મા-બાપુજીએ મોટીબાને ઊંચકીને પલંગમાં સુવાડ્યાં. (નીચે પથારીમાં સૂવું મોટીબાને પહેલેથી પસંદ નહોતું.) સવારે મોટીબાને જરી બેઠાં કર્યાં. પિત્તળની રકાબીમાં ચા આપી. બે-એક ઘૂંટડા ચા પીધી. પછી ના પાડી. પાછાં સુવાડ્યાં. એ પછી મોટીબા પેટ તથા છાતી પર એમના બેય હાથ જાણે કંઈક થતું હોય એમ ફેરવવા લાગ્યાં. થોડો શ્વાસ શરૂ થયેલો. છાતી-પેટ ઊછળતાં હતાં. બાપુજી ડૉક્ટરને બોલાવવા ગયા. મોટીબાને આમ કરતાં જોઈ મા એમની પાસે બેઠી ને છાતીએ હાથ ફેરવવા લાગી તો ધીમા સાદે કહે– ‘અડીશ નંઈ મનં...’ મોટીબા અત્યારે કોઈનીયે સેવાને ઇચ્છતાં નહોતાં. સામેના ખાંચામાંથી આવેલાં એક માજીએ કહ્યું, ‘અનિલા, નાભિશ્વાસ શરૂ થઈ ગયો સ… ઘીનો દીવો કર… ગંગાજળ પા... નં અંતકાળનો લાડુ કરી લાય..’ માને આટલા શ્વાસમાં એવું કશું ગંભીર ન લાગ્યું – આનાથી તો અનેકગણો વધારે શ્વાસ યોગેશને ઘણીયે વાર ચઢે છે, છાતી-પેટ ઊછળે છે, ગર્રર ગર્રર... સસણી બોલે છે ને પછી દવા કે પંપ કે ઇંજેક્શનથી સારું થઈ જાય છે. માએ મોટીબાને ગંગાજળ પાયું પછી અંતકાળનો લાડુ કરવા અંદર ગઈ. દરમ્યાન મોટીબા પેટ પર ને છાતી પર એમના બેય હાથ એવી રીતે ફેરવતાં હતાં કે જાણે ક્યાંક છુપાયેલો જીવ જો હાથમાં આવી જાય તો આ...મ મુઠ્ઠીમાં પકડી-જકડીને બહાર કાઢી નાખવા મથતાં ન હોય! શ્વાસ ઝડપથી ચાલતો હતો. શ્વાસ એની મેળે અંદર જતો, પણ ઉચ્છ્‌વાસમાં તકલીફ પડતી હતી. જોર કરીને તેઓ શ્વાસ મોંએથી બહાર ફેંકતાં. ત્યાં તો જોર કરીને ગળફો કાઢે એમ ખૂબ જોરથી એમણે અવાજ સાથે શ્વાસ મોંએથી બહાર ફેંક્યો ને પછી મોં ખુલ્લું જ રહી ગયું… ‘અનિલા..’ પેલાં માજીએ બૂમ પાડી. પિત્તળની થાળીમાં અંતકાળનો લાડુ કરતાં કરતાં મા દોડી આવી ને નાક પાસે આંગળી રાખીને જોયું તો શ્વાસ બંધ થઈ ગયેલા. બાપુજી ડૉક્ટરને લઈને આવ્યા. ડૉક્ટરે કહ્યું – ‘આમાં કંઈ છે નહિ!' વાંસ-કાથી વગેરે સાજ-સામાન આવી ગયો. કોઈએ નનામી બનાવી. આવા કામમાં અમે બધાં તો સાવ ઢ. મોટીબાને નનામી પર સુવાડ્યાં. બાંધ્યાં. મોં પરથી ખેંચીને દોરડું બંધાતાં મારી અંદર કંઈક થઈ ગયું. જાણે મારી ભીતર રહેલાં મોટીબાના ચહેરા પર એ દોરડાનો આડો ઉઝરડો પડ્યો. પછી ફૂલહાર. પ્રદક્ષિણા. મોટીબા પંચકમાં ગયેલાં. તે પાછળ બીજાં ચાર ન જાય માટે લોટનાં ચાર પૂતળાંય સાથે બાંધ્યાં. મૌલિકે દોણી ઉપાડી. મેં જિંદગીમાં પહેલી જ વાર નનામી ઉપાડી. ઉંબરો ઓળંગી બહાર નીકળ્યા. (‘અવઅ્ તો ચાર જણા ઉપાડશી તારઅ્ જ આ ઘર છોડે...') વિસનગરમાં, નાતના સ્મશાનમાં મારે પહેલી જ વાર દાખલ થવાનું થયું. કાંટાળાં ઝાંખરાં. વેરાન ખંડેર. તૂટેલા છાપરાવાળું સ્મશાન. એકસાથે બે શબ બાળી શકાય એવી વ્યવસ્થા. છત પરના પતરામાં મોટું બાકોરું. ચોમાસું હોય તો વરસાદ સીધો જ ચિતા પર પડે. થોડે દૂર એક જર્જરિત દેરું. જેની ઉપર ‘મહાકાળેશ્વર હાટકેશ્વર મહાદેવ’ લખેલું. એની પાછળ એક જૂનીપુરાણી બંધ ઓરડી. સાંકળ વાસીને તાળું લગાવેલી. થોડે દૂર કોઈ ખેતરના નાકે રહેતા બાવા પાસેથી કોઈ લાકડાંની ઓરડીની ચાવી લઈ આવ્યું. ‘તાળું ખોલીનં સીધા અંદર નો જશો, પહેલાં બારણું ખખડાવજો. નકર મોંય નાગદેવતા બેઠા હશી.’ કોક બોલ્યું. તાળું ખોલી, બારણું ઠકઠકાવી, કમાડ ઉઘાડ્યાં. એમાંથી લાકડાં કાઢ્યાં. હાથમાં બેત્રણ બેત્રણ લાકડાં લઈ જઈને સ્મશાનના પ્લૅટફૉર્મ પર મૂક્યાં.. સ્મશાનના પ્લૅટફૉર્મ પર લોખંડની રેલિંગ નહિ. પણ પ્લૅટફૉર્મની અંદર, ક્યાંક ક્યાંક ઊખડેલા પ્લાસ્ટરવાળા લાંબા ખાડા જેવી, સાતેક ફૂટ લાંબી લંબચોરસ ભઠ્ઠી જેવી રચના, જેમાં લાકડાં ગોઠવીને શબ રાખવાનું. શબનાં બેય પડખાં તરફની બાજુઓ બંધ પણ શબના પગ તથા માથા તરફની બાજુએ સિમેન્ટની જાળી – પ્લૅટફૉર્મ નીચે જાણે બંને બાજુએ પવનની દિશા પ્રમાણેની બાકોરાં-જાળીવાળી મસમોટી લંબચોરસ ભઠ્ઠી! લાકડાં ગોઠવ્યાં. મોટીબાને સુવાડ્યાં. એમની ઉપરેય થોડાં લાકડાં-છાણાં ગોઠવ્યાં. એક ખૂણે થોડાં છાણાં પેટાવેલાં. પ્રદક્ષિણા કરીને બાપુજીએ પૂળાના બદલે છાણાંથી અગ્નિદાહ દીધો. એમની પાછળ અમેય પ્રદક્ષિણા કરી. બીજાંય ખાસ્સાં છાણાં ઉમેર્યાં. ઘણુંબધું ચોખ્ખું ઘી રેડ્યું… (‘ઘી-દૂધ નોં ખઈએ તો પસઅ્ ટોંટિયા હેંડઅ્ શી'તી?’) પવન સાવ પડી ગયેલો. ક્યાંય દૂ..૨ સુધી અનેક સૂનમૂન ઊભેલાં વૃક્ષોનું પાંદડે-પાંદડુંય જાણે મોટીબાના અધખૂલા હોઠો જેવું જ ચૂપ! આખુંયે આકાશ નિઃસ્તબ્ધ. માવઠાની દહેશત સાથેનો ગોરંભો — આકાશમાંયે ને અમારી ભીતર પણ. છાણાંય સાવ સુક્કાં નહોતાં ને લાકડાંમાંય, ગયા ચોમાસે થયેલી ભયંકર અતિવૃષ્ટિનો ભેજ હજીયે હતો. એ અતિવૃષ્ટિમાં અમારા વિસ્તાર – ‘મોડાસી ચોપટા’માં જ તેર-ચૌદ ઘર પડી ગયેલાં. સ્મશાન જવાના રસ્તેય, ચોમાસામાં પડી ગયેલાં ને રિપેર થતાં અનેક મકાનો જોયેલાં – મારી ભીતર પણ જાણે અનેક ઘર-ગઢ પડતાં જતાં હોય એવું કશુંક થયા કરતું... હજી આગ પકડાતી નહોતી. ધુમાડાના ગોટેગોટ નીકળ્યા કરતા. અગ્નિ પ્રગટવાને બદલે અંદર ને અંદર ધુમાયા-ધૂંધવાયા કરતો – મોટીબાની ભીતર ઊંડે ઊંડે ભરેલી આગની જેમ જ કદાચ! સૂકા ઘાસના થોડા પૂળા હોત તો સારું થાત. ત્યાં તો કોઈ આજુબાજુના કોક ખેતરમાંથી તલ લેવાઈ ગયા પછીની એની સુકાયેલી સાંઠેકડીઓ લઈ આવ્યું. વળી થોડું ઘી રેડ્યું ને પછી આ સાંઠેકડીઓ. પછી થોડી વારમાં તો ભડ ભડ ચિતા સળગી. મોટી મોટી જ્વાળાઓ ભભૂકી ઊઠી. જોતજોતામાં તો લપકારા લેતી એ જ્વાળાઓ છેક છતના પતરા સુધી પહોંચવા લાગી. એ મોટી મોટી જ્વાળાઓમાં મોટીબાની ભીતરનીય હશે જ્વાળા! મોટીબાનો દેહ જ નહિ, પણ એમની ચેતનામાં ઝિલાયેલો–જળવાયેલો એકાણું વર્ષનો લાંબો સમયપટ પણ ચિતાની જ્વાળાઓમાં ભડ ભડ ભડ… છેલ્લે, મોટીબાની મૃત્યુને પામવાનીય સહરા જેવી તરસ પણ તૃપ્ત થતી જતી ભડ ભડ સળગતી રાતી-ભૂરી-જાંબલી જ્વાળાઓમાં... જેની પાછળ શાંત આસમાની આકાશ, અનંત અવકાશ... ‘હવે વાર નહિ લાગે.’ કોક બોલ્યું. થોડી વાર પછી કોઈ બોલ્યું – ‘હવે ખોપરી તથા પેઢુનો ભાગ જ બાકી છે.’ આ સાંભળી પંદર વર્ષનો મૌલિક ચિતાની જરી નજીક જઈને નિરીક્ષણ કરવા લાગ્યો. બે નિષ્ણાત જ્ઞાતિજનો લાંબા વાંસ વડે લાકડાં સરખાં કરતા હતા. ખૂણામાંના એક મોટા લાકડાને લાંબા વાંસ વડે ખોપરીની બરાબર ઉપર ખસેડ્યું ને બીજું એક મસમોટું મોટી ગાંઠવાળું વજનદાર લાકડું પેઢુના ભાગ તરફ. લગભગ બે-અઢી કલાકમાં બધું પતી ગયું. અસ્થિ અત્યારે લેવાનાં નહોતાં. વિસનગરનો આવો રિવાજ મેંય આજે જ જાણ્યો — ‘ત્રીજા દિવસે ટાઢી છાંટવાની અને રાખમાંથી અસ્થિફૂલ વીણવાનું કામ મરનારની દીકરી કરે!’ ત્રીજા દિવસે ફોઈ-બાપુજી રિક્ષામાં સ્મશાન ગયાં. દૂધ તથા પાણીની ધાર કરી ટાઢી છાંટી... તો અંદરથી ધુમાડા નીકળવા લાગ્યા! લંબચોરસ મોટા ભઠ્ઠામાં ઊતરીને બાપુજીએ પાવડા વડે રાખ આઘી કર્યા કરી. રિક્ષાવાળા યુવાને પણ મદદ કરી. ફોઈના શબ્દોમાં કહું તો— ‘ઘઉં વીણીએ એમ’ ગરમલાહ્ય રાખમાંથી એક એક અસ્થિ વીણ્યું. સાફ કરી, પહેલાં દૂધથી અને પછી પાણીથી ધોઈને બધાં અસ્થિફૂલ નાના માટીના મોરિયામાં ભર્યાં. પછી એ જ રિક્ષામાં બાપુજી-ફોઈ સિદ્ધપુર ગયાં. સરસ્વતીમાં પાણી નહિ. પણ ત્યાં રમતાં છોકરાંઓએ થોડું ખોદ્યું ત્યાં જ પાણી નીકળ્યું, ખળખળ! અસ્થિફૂલો પધરાવ્યાં ને રેતી વડે ખાડો પૂરી દીધો. મોટીબા પાછળ ગીતાપાઠ રાખેલો. દુઃખ કરાવવા આવનાર બધાં મા-બાપુજીને કહેતાં: ‘તમે ખૂબ સેવા-ચાકરી કરી, હોં...’ મા જવાબ આપતી: ‘છેલ્લે સુધી બા એમનું બધું જ જાતે કરતાં, મેં તો કશુંય કર્યું નથી… પહેલાં તો તેઓ ભગવાનનું નામ મનોમન લેતાં, પણ છેલ્લા બે-ત્રણ દિવસથી તો જાણે ભગવાન પણ બહેરા હોય એમ, વ્યાકુળ થઈને ખૂબ મોટેથી ભગવાનને સાદ પાડતાં તે છેલ્લે એમનો અવાજ સાવ બેસી ગયેલો. સતત ભગવાનને સાદ — હે રામ.. હે ભગવતી... મને હવે બોલાવી લે... હરિ ઓમ.. હે રા...મ… મારું તેડું હવે ક્યારે? હે મા ભગવતી..’ એકાણું વર્ષની લાંબી જિંદગીમાં મોટીબાને મોતિયો ઉતરાવ્યો એ અપવાદ સિવાય ક્યારેય દવાખાને દાખલ થવું પડ્યું નહોતું. બાપુજીએ મુંડન કરાવેલું. અમે ત્રણ ભાઈઓ મુંડન નહિ તો મૂછ કઢાવીએ એવું તેઓ ઇચ્છતા ને આ અંગે માને કહ્યા કરતા, પણ અમે ગાંઠ્યા નહિ. અગિયારમા–બારમાની વિધિ તળાવકાંઠે કરવાની. બારમાની વિધિ ચારેક કલાક ચાલેલી. દરમ્યાન ત્રણ વાર ના'વાનું. તળાવકાંઠે રામજીમંદિરના પ્રાંગણમાં વિધિ કરેલી. મંદિરમાં ના’વા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરેલી. છતાં, છેલ્લે, બધાં પિણ્ડ તળાવમાં પધરાવ્યા પછી બાપુજી ખૂબ ભાવુક થઈ ગયેલા તે તળાવના જ ઠંડા-ગંદા પાણીથી નાયેલા! કહે છે કે મરણ પછીય, બાર-તેર દિવસ સુધી આત્મા હોય ને બધું જોઈ-સાંભળી શકતો હોય ને પિતૃઓના પિણ્ડમાં એનો પિણ્ડ ભેળવી દીધા પછી ‘ગતિ’ થાય. તેરમાની વિધિ વખતે – પિતૃતર્પણ પછી, બધાંય પિતૃઓને આસન આપી, શ્રાદ્ધ જમાડ્યા પછી, પિતૃઓના ત્રણ પિણ્ડ ભેગો, મોટીબાનો પિણ્ડ પણ, દર્ભ વડે ત્રણ ભાગ કરીને, ભેળવી-મેળવી દેવાયો. તેરમાની વિધિ પછી બેય વહુઓએ શોક મૂક્યાનો સાલ્લો બદલ્યો — (‘મીં જિંદગી આખીય ધોળોં જ લૂગડોં પૅ’ર્યોં સ તે મારા મર્યા કેડી કોઈએ છીદરી ક ધોળોં પૅ’રવાનોં નંઈ નં શોક રાખવાનો નંઈ.') મોટીબાને મેં વચન આપ્યું હોવા છતાંય એમની પાછળ ‘નાત’ કરવાનો ખોટો ખર્ચ નથી કરવો એવો મારો મત હતો, પણ બાપુજી અતિશય ભાવુક થઈ ગયેલા. એમની ભાવનાને મારે ઠેસ પહોંચાડવી નહોતી. તેરમાની સાંજે ખૂબ સારી રીતે ‘નાત’ થઈ. લાડુના બદલે માવાવાળો મોહનથાળ, ફૂલવડી બધું મોટીબાની ઇચ્છા પ્રમાણે. જિંદગી આખીયે કામ, કામ, કામ ને કામ કરનારાં ને છેલ્લે શરીર પાસેથી કંઈ જ કામ લઈ ન શકાય એ સ્થિતિ અગાઉ જ ચાલી નીકળવાનું પ્રબળતાથી ઝંખનારાં, છેલ્લે મૃત્યુને જલદી ભેટવા-પામવા માટે જ કદાચ અન્ન તથા દવાઓ સુધ્ધાં ત્યાગનારાં, છેલ્લા ઘણા સમયથી ઇચ્છામૃત્યુ માટે તડપતાં મોટીબાએ જીદપૂર્વક, પ્રબળ સંકલ્પપૂર્વક શું ‘જીવ’નેય ઉચ્છ્‌વાસ વાટે જોરથી બહાર ધકેલી દીધો હશે?! મોટીબા હવે નથી – એમ કહેવા કરતાં હું કહીશ કે વિશાળ વટવૃક્ષ સમાં ‘મોટીબા'નું માત્ર મૂળ થડ હવે નથી, પણ ડાળ-પાંદડાં છે, ઘણીબધી નાનીમોટી વડવાઈઓ છે – કેટલીક વડવાઈઓ ઝૂલતી તો કેટલીક થડ બની ચૂકેલી – જમીનમાં ઊંડે ને ઊંડે મૂળિયાં પ્રસારતી... તેરમા પછીની સવારે અમદાવાદ પાછા ફરવાનું હતું. મા-બાપુજી-ફોઈ બધાં શેરીના નાકા સુધી અમને વળાવવા આવ્યાં. શેરીના નાકે વળતાં અગાઉ મેં મોટીબા જેવા અમારા ઘર તરફ નજર કરી — બારણાની ફ્રેમમાં, ઝીણી ઝીણી કોરતણીવાળી બારસાખ નીચે, ઉંબર સુધી પરાણે આવીને, દર વખત હાથ ઊંચો કરીને ઊભતાં મોટીબા તો દેખાયાં નહિ, પણ જાણે એમનો અવાજ કાને પડ્યો —

‘હાચવીનં જજો નં પૉ’ચીનં તરત કાગળ લખજો…’