મોટીબા/પાંચ

પાંચ

મોટીબાનું રસોડું ચૉકમાં. ચૉકમાં પ્રવેશતાં જમણી બાજુએ મોટીબાએ જાતે બનાવેલો માટીનો ચૂલો. લાંબી ભૂંગળીમાં ફૂંકો મારી મારીને, આંખો ઝીણી કરીને મોટીબાને ચૂલો પેટાવતાં હું કલ્પી શકું છું. મોટીબાનું નામ તારા. કલ્પી શકું છું, નાજુક-નમણી યુવતી તારાને ભૂંગળીમાં ફૂંકો મારીને ચૂલો પેટાવતી… આ…મ આંખ સામે જ જાણે જોઈ શકું છું ચૂલામાંથી ઊઠતી કાળી-ભૂખરી ધૂણી પાછળ ગોરું ગોરું તારાનું મોં, ગાલ ફુલાવેલું, આંખો ઝીણી કરેલું, ચૂલો પેટાવવામાં મગ્ન. ચૂલાના અગ્નિ કરતાંય પ્રચંડ અગ્નિ ભરેલો હશે એમની ભીતર… હું સમજણો થયો ત્યારથી રસોઈ માટે કૉલસાની સગડી તથા દિવેટોવાળો અને ભમભમિયો કેરોસીનનો પ્રાઇમસ જોયાં છે. મોટીબાના ચહેરા પર હું જોઈ શકું છું સ્પષ્ટ, છેલ્લાં સિત્તેર-એંસી વર્ષનો એક આખો સમય, અનેક તિરાડોવાળો છતાં ઘણાંબધાં આભલાંથી મઢેલો, અંધારિયો ને છતાં ઝગમગતો. માત્ર ચૂલા જેવી વસ્તુના સંદર્ભેય આંખ સામે જ દેખાય છે મોટીબાનાં અનેક રૂપો – ભૂંગળીમાં ફૂંકો મારી મારીને ચૂલો પેટાવતી નાજુક-નમણી-ગોરી તારા, ફાનસના અજવાળે ચૂલા સામે બેસીને રોટલા ઘડતી ભાનુ તથા મુદ્રિકાની મા, જુવાનજોધ વિધવા તારા, સગડીમાં કૉલસા ગોઠવી, કેરોસીનવાળી કાકડી મૂકી ઉપર બે-ચાર કૉલસા ગોઠવીને પછી કાકડી સળગાવી, સગડીના બાકોરામાં હાથપંખાથી પવન નાખતાં તારાબા, પ્રાઇમસ ખોલીને દિવેટોનો મોગરો કાપકૂપીને સરખી કરતાં કે દિવેટો બદલતાં મોટીબા, ભમભમિયા સ્ટવના પંપનું વાઇસર જાતે બદલી, પંપ ફિટ કરીને પછી સ્ટવને ભમભમાટ સળગાવતાં મોટીબા અને લાઇટર વડે ટક્ કરીને, ઊભાં ઊભાં, ગૅસની સગડી પેટાવતાં મોટીબા… કૂવેથી ખેંચીને, માથે બેડાં ઊંચકીને પાણી ભરતી તારા.. શેરીમાં હૅન્ડપંપથી પાણી ભરતાં તારાબા, ઘરમાં જ આ...મ ચકલી ચાલુ કરીને પાણી ભરતાં મોટીબા. પલંગમાં પગ પર પગ ચઢાવીને બેસીને, ‘વૉશિંગ મશીન લો તો હાચવજો... કરન્ટ-બરન્ટ નોં લાગ…!’ એવી સૂચના આપતાં મોટીબા. ફાનસના ગોળા પરની મેંશને ઘસી ઘસીને સાફ કરતાં તારાબા, ને આ...મ ટીવીની સ્વિચ ઑન કરીને, જરીકે સંભળાતું ન હોવા છતાં ‘રામાયણ’ કે ‘મહાભારત’ જોતાં ને બધું જ સમજતાં મોટીબા… આમ આ યાદી તો હજી ઘણી મોટી થઈ શકે, પણ અહીં અટકું ને પાછો આવી જઉં ‘ચૂલા’ની વાત પર. હં, તો, ચૂલા પર બનેલી રસોઈ કેવી લાગે એનું તો સ્મરણ નથી. ચૂલાની ધૂણીની વાસનો પાસ બેસતો હશે રસોઈના સ્વાદમાં એવું હું કહું પણ મોટીબા સ્વીકારે નહીં. એ તો, ચૂલા પરની રસોઈના સ્વાદને ખૂબ વખાણે. પણ હા, કૉલસાની સગડીના બાકોરામાં મૂકીને શેકેલાં શક્કરિયાં કે શેકેલી કાચી કેરીનો બાફલો કે બાકોરામાં વારાફરતી મૂકીને શેકેલાં રીંગણનો ઓળો.. એ બધાંનો સ્વાદ તો જેણે માત્ર ગૅસ પરની જ રસોઈ ખાધી હોય એ કલ્પીય ન શકે. સગડી પર જેવો સરસ હાંડવો બનતો એવો સરસ ગૅસ પર હાંડવાના કૂકરમાંય નથી થતો. સગડી પર હાંડવો મૂક્યો હોય. તપેલી પર તવી ઢાંકી હોય. થોડી વાર પછી તપેલી નીચે ઉતારી, ભડભડ સળગતા થોડા કૉલસા બહાર કાઢી, સગડીમાં થોડા નવા કૉલસા ઉમેરી, તપેલી સગડી પર મૂકવાની ને તપેલી પર ઢાંકેલી તવીમાં મૂકવાના પેલા ભડભડ સળગતા કૉલસા. પછી મોટીબા દેવદર્શને કે કથામાં ચાલ્યાં જાય. ઘરે, રસોડામાં ઘણીયે વાર, સગડી પર મૂકેલા હાંડવાને સંભાળનારું કોઈ જ ન હોય... મોટીબાએ ‘જોઈતા તાપ'ની ગણતરી એવી રીતે કરી હોય કે હાંડવો ખૂબ સરસ બની રહે એ ક્ષણ આવે ત્યારે સગડીમાંના તથા તપેલી પરની તવી પર મૂકેલા બધા કૉલસા હોલવાઈ ગયા હોય. આથી હાંડવો દાઝશે એની ચિંતા જ નહીં. વળી, ઉપર-નીચેનો તાપ ધીમે ધીમે ધીમે ક્રમશઃ ઓછો ને ઓછો થતો જઈને બંધ થઈ જાય તે દરમિયાન હાંડવાનું ઉપરનું પડ એવું તો સરસ મઝાનું કડક થઈ ગયું હોય, કાળાશ પકડવાની શરૂઆત થાય એ ક્ષણ અગાઉના રાતા રંગનું, સરસ શેકાઈ ગયેલા ભરચક તલ-વાળું… આહા… એ કડક પડ ખાવાની તો મઝા જ કંઈક ઑર... અને અંદરનો ભાગ કેક જેવો પોચો પોચો. હાંડવાના ખીરામાં દૂધી કે કોબીજ છીણીને નાખી હોય આથી અંદરનો ભાગ તો દાંત વગરનાંય ખાઈ શકે એવો સરસ પોચો થાય. સગડીના કૉલસામાં ક્યારેક કોક તડતડિયો કૉલસો આવી ગયો હોય તે. એમાંથી તડ્ તડ્ તડ્ અવાજ સાથે જે તણખા ઊડે એ જોવા-સાંભળવાનીય મઝા આવતી. પણ ત્યાં તો મોટીબા ચીપિયાથી એ કૉલસો કાઢી લેતાં ને ફટાકડા જેવી મઝા હવાઈ જતી.

સગડી બરાબર સળગતી ન હોય ત્યારે હાથપંખા વડે બાકોરામાં ફટ ફટ ફટ ફાસમ્‌ફાસ પવન નાખવાની ને એ પવનથી કાળામેંશ કૉલસાની ટોચને રાતી થતી જતી ને પછી એમાંથી નીકળતી નાની નાની રાતીચોળ જ્વાળાઓને જોવાની મઝાય કંઈ ઑર. ઓચિંતી લાઇટો જતી રહે ત્યારે સગડીમાં સળગતા કૉલસાની રાતી રાતી જ્વાળાઓના અજવાળામાં મોટીબાનું મુખ જોવાની કેવી મઝા પડતી! ગોળમટોળ ગોરા ગોરા મોટીબાના મુખ પર રાતી રાતી ઝાંય અને ચારે બાજુ ગાઢ અંધારું.