મોટીબા/સત્તર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સત્તર

મૌલિક અને કૃતિ સાવ નાનાં હતાં ત્યારે મોટીબા એમને ખૂબ ખૂબ રમાડતાં ને તોફાન-મસ્તીય કરતાં. મૌલિકને બાલમંદિરમાં મૂક્યો એ પછીના વૅકેશનમાં વિસનગર જઈએ ત્યારે તેઓ મૌલિક-કૃતિને આંક ને ઉખાણાંય પૂછે. મૌલિક વળી મોટીબાને સામાં ઉખાણાં પૂછે તો એના સાચા જવાબોય એમની પાસે હાજરાહજૂર! મારા ભાઈની બેબીનેય પૂછે— ‘પંદર અઠોં?’ ‘અઢાર તરી?’ ‘ચોવી પંચો?’ પોતાને સંભળાય નહિ તે જવાબ છોકરાંઓએ પાટીમાં લખીને બતાવવાનો. ‘ઓંક નંઈ આવડ તો પછી ગણિત શી'તી આવડશે?’ જવાબ સાચો હોય પણ ઉતાવળે લખ્યું હોય ને અક્ષરોનો મરોડ બરાબર ન હોય તોય મોટીબા કહે — ‘લખવામાં ઓંમ રઘવા નોં કરીએ. મોતીના દોંણા જેવા રૂપાળા અક્ષર કાઢીએ.’ છોકરાંઓમાંથી કોણ વધારે હોશિયાર, કોણ ઓછું ને કોણ ડબ્બો એ તરત પારખે. છોકરાંઓને પૂછે, ‘ભણવામોં કઈ કઈ કવિતા આવ સ? ઈમોંથી કઈ કઈ યાદ સ?’ કૃતિ બોલે, ‘એકડો સાવ સળેકડો… ને બગડો ડિલે તગડો…’ ‘મનં લખીનં બતાડ.’ બિલોરી કાચથી પાટીમાં એક લીટી જોયા પછી પાટી ઊંધી ફેરવીને મોટીબા રમેશ પારેખની એ આખી કવિતા મોંઢે બોલી ગયાં! ત્યારે છોકરાંઓ કરતાંયે વધારે નવાઈ મને લાગી કે આ કવિતા મોટીબાને ક્યાંથી આવડે?! પછી મોટીબાએ જ જણાવેલું કે સુરેન્દ્રનગર રહેતા ત્યારે ‘કવિતા’ના બાળકાવ્યોના વિશેષાંકમાં એમણે વાંચેલું ને યાદ રહી ગયેલું. પછી પાછાં પાટીમાં જોઈને કહે, ‘કવિતા ઓંમ આવી રીતે નોં લખાય. ચોપડીમોં કવિતા કેવી રીતે છાપેલી હોય સ? બે ક ચાર લીટી કેડી એક લીટી જેટલી કોરી જગ્યા છોડવી પડ.’ એમની આવી વાતમાં છોકરાંઓને મઝા નથી પડતી એવુંય એમની આંખ પારખે કે તરત કહે, ‘તમે લોકો – એકડ એ...કો... માસ્તરનો ઢેકો – નં એવું બધું બોલો સો ક નંઈ?’ અને છોકરાંઓ રંગમાં આવી જાય. ‘અવ બધું નીકળી ગ્યું નકર પૅલાના જમોંનામોં તો પાયો નં અડધો ન ઊઠોંય ભણવામોં આવતો.’ પા અને અડધામાં તો મૌલિકને ખ્યાલ આવ્યો. પણ ‘ઊઠાં’માં ખબર ન પડી. ‘ઊઠોં એટલ હાડા તૈણનો ઘડિયો.’ પછી રાગ કાઢીને, બાલમંદિરના છોકરાની જેમ મોટ્ટેથી મોટીબા બોલ્યાં—

એક ઊઠું હાડા તૈણ
હાબૂતરાનં જઈનં પૈણ
બે ઊઠોં હા…ત
ઘોડાએ મારી લાત…

‘પપ્પા, હાબૂતરુ એટલે?’ ‘કબૂતર.’ હુંયે વિચારું, મોટીબા અમારી સાથે રહેતાં હોય તો છોકરાંઓને કેવો ખજાનો મળી જાય! સાંભળતાં ન હોવા છતાં છોકરાંઓને ભણાવે એ તો ઠીક પણ સૂતી વખતે રામાયણ-મહાભારત કે ઉપનિષદની કથાઓમાંથી વાર્તાઓ કહે એનું મૂલ્ય તો આંક્યું અંકાય નહિ. વળી રશ્મિનેય એમની હૂંફ રહે. છોકરાંઓ અવારનવાર પાટીમાં લખીને કહે, ‘બા, અમારી સાથે ચાલો ને અમારી સાથે જ રહો.’ પણ પીગળે તો મોટીબા નહિ. કાળમીંઢ ખડક. જીદ પકડી એ પકડી. મોટીબાની હઠ એટલે બાળહઠ, સ્ત્રીહઠ, રાજહઠ... બધાંયનો સરવાળો. દરવખત મોટીબાનો એક જ જવાબ— ‘અવઅ્ તો બસ, ચાર જણા ઉપાડીનં લઈ જશી તારઅ્ હું આ ઘર છોડે.’ ‘તો અમે ચાર જણા તમને ઉપાડીને મૂકીએ જીપમાં ને લઈ જઈએ અમદાવાદ...’ એક વાર જયેશે કહેલું. ‘હજી તું મનં ઓળખતો નથી. બળજબરી કરીનં જીપમોં બેહાડ તો ખરો… ચાલુ જીપમોંથી પડતું મૂકું..’ મોટીબા એકલાં રહેતાં'તાં ત્યારે કોક વાર અમે બપોરે આવી ચડતાં તો મુશ્કેલી થતી: જાળીને અંદરથી તાળું માર્યું હોય. જાળીમાંથી અંદર સૂતેલાં ને છત સામે તાકી રહેલાં મોટીબા દેખાય. ગમે તેટલું ખખડાવીએ કે ગમે તેવી બૂમો પાડીએ સાંભળે કોણ? જો મોટીબાની નજર જાળી તરફ જાય તો – ‘જાળી ફાહે પડછાયો ઊભો હોય એવું દેખોંણું તો થયું કોક આયું લાગ સ નં આ ચાવી લઈનં ઊભી થઈ...’ કહેતાં તાળું ખોલે. પણ જો જાળી તરફ એમની નજર ન પડે તો? એ વખતે દસિયા ઉપરાંત ત્રણ ને પાંચ પૈસાનાય ઍલ્યુમિનિયમના સિક્કા ચલણમાં હતા. વિસનગર જવાનું થાય ત્યારે આવા થોડા સિક્કા અમે ખિસ્સામાં રાખતા. એકાદ સિક્કો જાળીમાંથી મોટીબાના શરીર પર ફેંકીએ. તરત મોટીબા ઉત્સાહભેર ઊભાં થાય. સિક્કો પડે કે તરત સમજી જાય: બટકો, મુન્નાડો ક અક્ષયમાંથી કોક આયું લાગ સ. હું નાનો હતો ત્યારે, મોટીબા મને ઘસી ઘસીને નવડાવતાં, વાળની ગૂંચ કાઢી, અંબોડો વાળતાં, કે જૂઓ કાઢતાં એનાથીયે જૂનું, કદાચ સૌથી જૂનું સ્મરણ સાંભરે છે: મારો એક કાન એમની સાથળને અડે એમ, મારું માથું એમના ખોળામાં બરાબરનું પકડી રાખતાં ને બીજા કાનમાં સળી નાખીને મૅલ કાઢતાં. હું ત્રાહિમામ્ ત્રાહિમામ્ થઈ જતો. ગમે તેટલું જોર કરવા છતાં છટકાતું નહિ. કામવાળી છોકરીય મને પકડી જકડી રાખવામાં મોટીબાનું જ કહ્યું માનતી. મારા કાનમાં મૅલ સુકાઈ જઈને સખત જામી જાય તે મોટીબા કકડાવેલા અજમાના તેલનાં ટીપાં નાખે ને રોજ કાનમાં જુએ. કાનમાં મૅલ આગળ આવેલો દેખાય કે મારા પર જુલમ શરૂ. કાનમાં દાખલ થઈને ફરતી સળી મને ભીમની ગદા જેવી લાગતી. કાનની દીવાલો ને પરદાને તોડવા જાણે કોક ગદા ટકરાતી હોય એવા અવાજો કાનમાં થતાં ને કાનની અંદરનાં હાડકાંય જાણે કંપી ઊઠતાં. મારી ચીસાચીસથી માને લાગતું હશે કે મોટીબા ક્યાંક મનેય બહેરો ન કરી મૂકે. એ જુલમ ગુજારતાં મોટીબાને અત્યારે હું સમજી શકું છું. પોતે બહેરાં એટલે તેઓ મારા કાનની વધારે પડતી, ત્રાસદાયક કાળજી લેતાં. એમને મન જે કાળજી તે મારા માટે તો જુલમ જ. ક્યાંક હું હાલી જઉં ને સળી ક્યાંક કાનમાં વાગી જાય તો? તે કામવાળી મારું માથું બરાબરનું પકડી રાખે ને મોટીબા જાણે કોઈ મેજર ઑપરેશન કરતાં હોય એમ, મારા કાનમાંથી મૅલ કાઢે. પછી મને બતાવે — ‘જો, જો, કેટલો બધો મૅલ નેંકળ્યો? કોંન મોં મૅલ ‘રેગ્યુલર’ . સાફ કરવો પડ. નકર પસઅ્ મારી ગોડી બૅ’રાં થવાય.’ ‘રેગ્યુલર’, ‘સુપરવિઝન’, ‘એનેસપેક્શન’, ‘એનેસપેક્ટર’ ને ‘મુનસિપાલટી’ને એવા ઘણા બધા અંગ્રેજી શબ્દોય મોટીબાની વાતોમાં આવે. ઘરે આવતા બાપુજીના મિત્રોની વાતોમાંથી આવા બધા અંગ્રેજી શબ્દો મોટીબાના ઓછું સાંભળતા કાને પડતાં હશે ને વગર ડિક્ષનેરીએ ઘણા શબ્દોનો અર્થ તેઓ પામી જતાં હશે. પણ પચાસેકની ઉંમર પછી તો કાન સાવ ગયા. મોટીબા વિસનગર એકલાં રહેતાં ત્યારે દરવરસે મા આવીને આખા વરસનું અનાજ – ઘઉં, ચોખા, દાળ-તેલ વગેરે ભરી આપે અને દરમહિને મોટીબાને પૈસા મોકલવાના. તથા બાપુજીને જ્યારે જ્યારે ડિ.એ. – મોંઘવારીભથ્થું વધે ત્યારે ત્યારે મોટીબાને મોકલવા પૈસાય વધારવા પડે. એક દિવાળી પછી મા-બાપુજી મોટીબાને પગે લાગવા વિસનગર ગયાં ત્યારે મોટીબા બાપુજીને કહે, ‘આ દિવાળીમોં તો તનં બોનસ મળ્યું હશે નંઈ? મીં છાપામોં વોંચ્યું'તું ક અવથી તાર-ટપાલ ખાતાના કરમચારીઓનય દરસાલ બોનસ મળશે. ઈંન થોડા દા’ડા કેડી, નવરાતર (નવરાત્રી) બેઠોં ઈંના બીજા દાડે મીં છાપામોં વોંચ્યું'તું ક પચી દાડાનું બોનસ ચૂકવાશે... તે કેટલું બોનસ મળ્યું?’ બાપુજીએ આંગળીઓથી ઇશારો કર્યો. ‘તો પસ ઈંમોંથી મનં કેમ કોંય મોકલાયું નંઈ? ઓંય મારઅ્ દિવાળી કરવાની નોં હોય? ક પસ દિવાળીમોંય કરવાની હોળી? નવા વરહમોં બધોં પગે લાગવા આવ તે ઈંમનં ધરવા કોંક તો બનાવું પડ ક ની? ક પસ દોંત બતાવવાના?’ દિવાળી શબ્દ કાને પડતાં જ એક દૃશ્ય મને હંમેશાં સાંભરે છે – મોટીબા મેંદાની સેવો પાડતાં તે: સેવો બનાવવાના લાકડાના પાટિયા પર મોટીબાની બેય હથેળીઓ વચ્ચે મેંદાની સરસ બાંધેલી, માખણ જેવી પોચી પોચી કણક હોય. પોલા હાથે, એકસરખા દબાવથી, એકસરખી ગતિ અને લયથી મોટીબા લાકડાના એ પાટિયા પર કણક ઉપર-નીચે, નીચે-ઉપર લસરાવતાં જાય ને પાટિયાની બેય ધારેથી એકસરખી પાતળી રેશમ જેવી સેવો ઊતરતી જાય, લસરક... લસરક... ને માની આંગળીઓ કપડું બાંધેલી થાળી પર સેવોનાં એ દોર ઝીલતી જાય ને થાળી પર ગૂંચળાં કરતી કરતી ગોઠવતી જાય. થાળી ભરાઈ જાય એટલે અમે એ સેવોનું જલેબી જેવું ને થાળી જેવડું ગૂંચળું અગાસીમાં પાથરેલ સાડલા પર સૂકવવા માટે નાખી આવીએ. ધબ્ દઈને ઝટ થાળી ઊંધી કરી દેવી પડે. તો જ એ ગૂંચળું એના એ જ રૂપે-આકારે સાલ્લામાં પડે. હાથમાંની થાળીને ઊંધી કરતાં જો જરી વાર લાગી તો પછી મોટ્ટી જલેબી જેવા ગૂંચળાને બદલે એક જ જગ્યાએ સેવોનો ઢગલો થઈ જાય. આવો ઢગલો ફરી મોટીબાને આપવાનો ને છેલ્લે ફરી એની કણક થાય ને ફરી એની સેવો ઊતરે – લસરક્ લસરક્… વળી આવી સેવો ઓસાવતાંય વાર નહિ. ઓસાવેલી ગરમ ગરમ રેશમ જેવી સેવો થાળીમાં પીરસાય… એની સોડમ માણીએ ન માણીએ ત્યાં તો એમાં, પીગળતા ચોખ્ખા ઘીના લપકાની સોડમ ભળે ને ઉપર મોટીબાએ જાતે દળેલી ખાંડ. શું મઝા પડે આરોગવાની…! કૉળિયો મોંમાં મૂકીએ ત્યારે બહાર લબડી રહેલી સેવોને હોઠ તથા જીભ પલકારામાં તો મુખમાં ઓરી દે. ત્યાં તો બીજો કૉળિયો... આટલી વારમાં તો ઓસાવેલી સેવોનો બીજો ઘાણ તૈયાર હોય પિત્તળની ચાળણીમાં ગરમ ગરમ. ‘લે, બીજી સેવો આલું..? લે, આટલી લઈ લે. ઊતરી જશે હરળ હરળ..’ મોટીબા કહેતાં. બજારમાંથી તૈયાર લાવેલી સેવોમાં આવો ‘હવાદ' ને આવી મીઠાશ ન આવે. અથવા તો, મોટીબા જ, લાકડાના એ પાટિયા પર સેવો વણવાના બદલે જો પિત્તળના સંચામાં સેવો પાડે તોપણ એના સ્વાદમાં, એની મીઠાશમાં, એની સુંવાળપમાં ઓટ આવે. થાય કે, શું એ સ્વાદ-મીઠાશ, સુંવાળપ મોટીબાની સેવો વણતી હથેળીઓની હશે?! ને એ સેવોને ઝીલતી માની કૂણી કૂણી આંગળીઓની હશે?! ન જાને!

અમે સ્કૂલમાં ભણતા ત્યારે વૅકેશનમાં ફોઈ અને એમની દીકરીઓ વિસનગર આવતાં. ત્યારે મોટીબા અમારી સાથે ઘણીબધી રમતો રમતાં. ફર્શ પર ચોક વડે આડી-ઊભી રેખાઓ દોરી આડાં-ઊભાં પાંચ ખાનાંઓ પાડીને ‘અમદાવાદ’ રમતાં, કૉડીઓય રમતાં, કોઈને ચાલીસ પડે તો લૂંટવાનો આનંદ પણ બાળક જેટલો જ માણતાં, સાપ-સીડી ને નવો વેપાર જેવી રમતોય રમતાં. તો, જૂની લાકડાની પેટીમાંથી કાપડની ચોપાટ ને પાસા કાઢતાં ત્યારે ‘ચોપાટ’ પણ જામતી, પાનાંનીય બધી જ રમતો – સાત-આઠ, દો-તીન-પાંચ, નેપોલિયન, ગ્રીમ, ગધ્ધાચોર ને રમી સુધ્ધાં રમતાં. કોઈ પણ રમતમાં તેઓ બાળક જેવાં જ ખીલી ઊઠતાં. પત્તાં રમતાંય અમારામાંથી કોઈ ઇશારા કરે કે જરીકે ગોલમાલ કરે કે તરત મોટીબા પકડી પાડે ને ‘બાજી ફિટાંઉશ.’ કહેતાં હાથમાંનાં પાનાંની થપ્પી પછાડે.