મોરનાં ઈંડાં/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

મોરનાં ઈંડાં  : 1931થી 33ના ગાળામાં શ્રીધરાણી ઉચ્ચ અભ્યાસ માટે શાંતિનિકેતન હતા એ વખતે એમણે જે એકાંકી-અનેકાંકી લખેલાં એમાંનું એક તે ‘મોરનાં ઈંડાં’. એમાં દક્ષિણામૂર્તિ, વિદ્યાપીઠ અને શાંતિનિકેતનના લેખકના અનુભવોનો ને બદલાતી જતી વિચારમુદ્રાનો જાણે અર્ક છે. આ કૃતિમાં રૂઢ જીવન અને શિક્ષણ-વ્યવસ્થા તરફનો એક વિદ્રોહ પણ છે ને એ એના મુખ્ય પાત્ર પ્રો. અભિજિતદ્વારા નિરૂપાયો છે. એક આશ્રમશાળાના ખુલ્લા મનના અધ્યક્ષ વિદૂર એમના આ વિલક્ષણ ફિલસૂફ વિદ્વાનને અતિથિ અધ્યાપક તરીકે લાવ્યા છે ને અભિજિત બાળકોનાં વિસ્મય અને સમજને એક નવી જ વૈચારિક આબોહવામાં પલટે છે. અક્ષરજ્ઞાન ન પામેલા એક આદિવાસી કિશોર તીરથને સંસ્થામાં પ્રવેશ આપીને રૂઢ ભદ્ર કેળવણીને બદલે એ સહજ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે એ અભિજિતનો એક સાહસિક પ્રયોગ છે. તીરથને એ કહે છે : ‘તારે સુધરવાપણું છે જ નહીં, કેમ કે તું બગડ્યો જ ન હતો.’ તીરથ તેજસ્વી છે ને આશ્રમકિશોરો સાથે એ મિત્રભાવ કેળવી શકે છે (વિદૂરની પુત્રી ફાલ્ગુનીને એની તરફ સહજ આકર્ષણ થતું પણ લેખકે બતાવ્યું છે.) નાટકમાં અભિજિતના વિદ્રોહી અને પ્રગલ્ભ વિચારો તથા કિશોર વિદ્યાર્થીઓ સાથેની એમની અનેક ચર્ચાઓ રસપ્રદ છે પણ નાટકમાં એ ચર્ચાઓ ઠીકઠીક જગા રોકે છે એથી નાટક વાચ્ય કૃતિ તરીકે જેટલું આસ્વાદ્ય અને વિચારોત્તેજક છે એટલું નાટ્યગતિવાળું બનતું નથી. હંમેશાં સ્વસ્થ ને તર્કનિષ્ઠ લાગતા અભિજિત નાટકને અંતે કંઈક ભાવવિભોર થાય છે ને એ પરિવર્તન-ક્ષણ નાટ્યાત્મક બને છે. વિચારશીલતાના નવા વાતાવરણમાં લઈ જતું આ નાટક એક વિલક્ષણ નાટ્યકૃતિ તરીકે મહત્ત્વનું છે. એ દિવસોમાં તો એ ઘણી પ્રશંસા પામેલું.

તો કુતૂહલ અને જિજ્ઞાસાપૂર્વક પ્રવેશીએ....

— રમણ સોની