મોહન પરમારની વાર્તાઓ/૪. અશ્વપાલ પીંગળા અને કાનાજી

૪. અશ્વપાલ પીંગળા અને કાનાજી

કાનાજીની હડફેટે કૂતરું આવતાં આવતાં બચ્યું. કાનાજીએ હવામાં ધારિયું વીંઝ્યું. ટાઉં ટાઉં કરતું કૂતરું ગામતળાવ બાજુ ભાગ્યું. કાનાજી લથડાતા પગલે ગામના ચોતરે આવ્યો. એક હાથ ચોતરા પર ટેકવીને વડલા પર નજર ફેરવી. જાણે એ વડલાનાં પાંદડાં ગણતો હોય તેમ એક-બે-ત્રણ-ચાર એમ બોલવા લાગ્યો. તે દરમિયાન ઢીલી થયેલી કેડમાંથી ધોતિયાનો છેડો નીકળી ગયો. નિશાળે જતાં છોકરાં ભેગાં થઈને બધો તાલ જોવા રોકાયાં, કાનાજી ધોતિયાનો છેડો પકડીને કેડમાં ઘાલવા મથવા લાગ્યો. છેડો માંડ માંડ કેડમાં ઘાલે ને સહેજ પગ લથડે કે તરત જ નીકળી જાય, કાનાજીની મૂછો હવામાં ફરફર થવા લાગી. હોઠ આઘાપાછા કરતાં કરતાં મૂછોનો ફફડાટ વધતો જતો હતો. પાછી ધોતિયાના છેડા પર નજર પડી. ધૂળમાં પડેલો ધોતિયાનો છેડો મેલોદાટ દેખાતો હતો. લથાડાતા દેહને સહેજ કાબૂમાં રાખીને, પગ વાળી ધોતિયાનો છેડો પકડવા કોશિશ કરી. ધોતિયાનો છેડો તો હાથમાં ન આવ્યો, પણ નાળિયેરની છાલ એના હાથમાં આવી. ‘હં... હવઅ ચ્યાં જવાનો છઅ તું...’ કહીને ઉઘાડવાસ થતી આંખો સ્થિર કરીને નાળિયેરની છાલ કેડમાં ઘાલી દીધી. જાણે જગત જીત્યું હોય તેવો ભાવ એના મોઢા પર આવી ગયો. એણે અટ્ટહાસ્ય વેર્યું. છોકરાં ‘એ... એ... એ...’ કરતાંક ફરરફસ હસી પડ્યાં. વાતાવરણ હાસ્યમય બની ગયું. કાનાજીએ ત્રાંસી આંખે છોકરાં ભણી જોયું ને પછી છોકરાં તરફ ઘૂરી કરતાં કહ્યું : ‘ચ્યમ’લા, ઑમ ભેળાં થ્યાં સો! નાહો, નકર આ ધારિયું જોયું છઅ.’ છોકરાં તો ભાગંભાગ કરવા લાગ્યા. મફા તૂરીની વહુ રેશમ ત્યાંથી નીકળી. એને જોઈને કાનાજી રંગમાં આવી ગયો. ‘રેશમડી, તારો મફલો છઅ ઘેર...’ ‘છઅ! હું કોમ છઅ તમારઅ!’ ‘મારઅ ઈનઅ મળવું છઅ.’ કહીને થોથવાઈ ગયેલા ગાલ ફુલાવીને કાનાજી લથડિયા ખાતાં ખાતાં ‘એ તો મારી સોનકંહારી, એ તો મારી સાવળીંગા, એ તો મારી હોથલ પદમણી’ બબડતો બબડતો રેશમ જતી હતી તેની ઊલટી દિશામાં જવા લાગ્યો, રેશમ એની સામેથી મોં ફેરવીને આઘે ઊભેલાં છોકરાંને કહેતી હોય તેમ બોલી : ટાંગો તો ટકતો નથી નઅ આખા મલકની પટલઈ ઠોકઅ છઅ. હું લેવા આટલો બધો ડહતો હશીં...’ રેશમ તો ગઈ. કાનાજી થોડો આગળ ચાલ્યો, પછી શું થયું તે પાછો વળ્યો, જે દિશામાં રેશમ ગયેલી તે દિશામાં એ આગળ વધ્યો. ઝાંપા આગળ પડદા બાંધેલા હતા. કાનાજી વાંકો વળીને પડદાની પાછળ કાંઈક શોધવા લાગ્યો, પછી હી. હી.. કરીને હસી પડતાં બોલ્યો, ‘મારી વીજળીને ચ્યમ લાગી વાર...’ આવતાં જતાં માણસોને કાનાજીની હરકતો જોઈને મજા પડતી હતી. પણ આ તો રોજનું થયું. ને સાચું પૂછો તો કાનાજીને કોઈની પડી પણ નહોતી. પડદા આગળ થોડી વાર આઘોપાછો થઈને એ તૂરીવાસના નાકે આવીને ઊભો રહી ગયો. ધારિયાના ફળા પર દાઢી ટેકવીને મફા તૂરીના ઘર તરફ આંખો ફેરવવા લાગ્યો, ડાયા તૂરીની રઈલી કેડમાં ઘડો લઈ પાણી છલકાવતી છલકાવતી નીકળી. કાનાને જોઈને એ બોલી : ‘કાનાભા, ચ્યા આંય ઊભા સો.’ કાનાજીએ હીહીહી... હીહીહી... કરીને મોં આઘુંપાછું કરી લીધું. પછી રઈલીને બૂમ પાડીને બોલ્યો : ‘છોડી ઊભી રેનઅભા, પેલી હોથલ પદમણીનઅ મોકલઅ!’ રઈલીને પ્રથમ તો કોઈ ગતાગમ ના પડી. પછી થોડું વિચાર્યા પછી મનમાં ગડ બેસી ગઈ. થોડા દા’ડાથી ઝાંપા આગળ તૂરીઓએ ભવાઈ શરૂ કરી હતી. તેમાં મફો તૂરી બૈરાનું પાત્ર ભજવતો હતો, તે યાદ આવ્યું. ‘કુની વાત કરો સો કૉનાભા!’ ‘સાવળીંગાની...’ ‘મફાકાકાનઅ મોકલું...’ ‘ના... મારઅ તો તોરલનું કૉમ છઅ.’ કાનાજી મનમાં આવે તેમ બોલતો હતો. રઈલી તો જતી રહી. કાનાજી એકીટશે મફાના ઘર સામે જોઈને ઊભો હતો. પણ મફો તો ત્રણ દિવસથી થાકેલો પાકેલો તે આરામથી સૂતો હતો. થોડીવાર ઝાંઝામાંઝાં થતી આંખે કાનાજી જોઈ રહ્યો. દારૂ ઊતરતો હતો. પણ હૃદયનો કેફ તો અકબંધ હતો. કોણ જાણે કેવી માયા બંધાઈ ગઈ હતી એને મફા તૂરી પર... હમણાં બનીઠનીને હોથલ પદમણી બહાર નીકળશે તેવી આશાએ એ રાહ જોવા લાગ્યો. જીવણ અને સોમો ત્યાંથી નીકળ્યા. કાનાજીની કેડમાં નાળિયેરની છાલ જોઈને એ બેય હસી પડ્યા. ધૂળમાં આઘોપાછો થતો ધોતિયાનો છેડો જોઈને જીવણથી ન રહેવાયું : ‘દરબાર, હાંજ પડવા આવી છઅ. ઘેર જઈનઅ કાંક પેટમાં નાંખતા આવો.’ ‘ચ્યમ’લા, ઈમ કીધું?’ ‘પછઅ ખેલ જોવા નથી આવવું!’ ‘આવવું છઅ નઅ.’ હવે કાનાજીને થોડી સૂરતા બંધાતી જતી હતી. ‘તીં ભઈ, આજ હેનો ખેલ છઅ!’ ‘રાજા ભરથારી....’ ‘તો તો મજા પડી. મફલો હું બનવાનો?’ ‘પીંગળા.’ ‘પીંગળા?’ કાનાજીના મનમાં કશી ગડમથલ ચાલી. ગઈ કાલે હોથલ પદમણી બનેલો મફો તૂરી ગીત ગાઈને પડદા પાછળ ગયેલો ત્યારે દોડતા પડદા પાછળ જઈને કાનાજીએ એને બાથમાં ઘાલીને બચી ભરી લીધી હતી. મફો માંડ માંડ છૂટીને ભાગ્યો હતો. પણ કાનાજીએ હાક મારી એટલે એ ઊભો રહી ગયો હતો. કાનાજીએ ખિસ્સામાંથી કશીક વસ્તુ કાઢતા મફાને કહ્યું હતું : ‘લે હોથલ, હું ઓઢો જામ તનઅ આ ભેટ આલું સું.’ ‘હું છઅ!’ ‘માદળિયું. ચાંદીનું છઅ... મારી માએ મનઅ આલેલું. ઘ૨માં આજ સુધી હાચવીનઅ રાસેલું. મારી ઘરવાળીએય આજ લગણ જોયું નથી.’ મફાએ માદળિયું હાથમાં લઈને મુઠ્ઠી વાળી દીધેલી. એ કાનાજીની કામાતુર આંખો જોઈ રહેલો. મફો ઘણા સમયથી બહાર ટોળામાં રહેતો એટલે ભાગ્યે જ ગામમાં કોઈને ઓળખતો. ગામમાં ખેલ શરૂ કર્યા ત્યારથી એના પર ગામનાં બૈરા ઓળઘોળ થઈ ગયાં હતાં. એનો સૂરીલો અવાજ સાંભળીને બૈરાં ડોલી ઊઠતાં હતાં. ઘણાં બૈરાંની આંખોમાં ખુલ્લુ આહ્‌વાન એણે જોયેલું. પણ કોણ કોનું બૈરું છે એનીયે એને ક્યાં ખબર હતી? મફાના હાથમાં માદળિયું ઊંચુંનીચું થવા લાગ્યું. કાનાજી મફાને ફરીથી પડકવા આગળ વધતો હતો, મફાએ જોયું ને તરત જ દોડીને એ બીજા તૂરીઓ ભેગો ભળી ગયો. કાનાજીને આ બધું યાદ આવ્યું. ને ગાલમાં હવા ભરી બે હોઠ વચ્ચે ફરરફુસ કરતીક એણે વેરી ત્યારે મૂછો ફફડવા લાગી. તાનમાં આવીને એ ઠાકોરવાસના નેળિયા ભણી વળ્યો. હવે પગ લથડતા નહોતા. ઘેર આવી, ધારિયું ખૂણામાં ફેંકી, એણે હાક નારી. જીવુબા દોડતી આવી તાડૂકી : ‘ચ્યાં ગુડાણા’તા!’ ‘સેતરમાં જ્યો’તો’ ‘પોણત પૂરું થ્યું?’ ‘હા, ભૈ હા! લે, ખાવાનું હું બનાયું છઅ?’ ‘ચ્યા ઉતાવળ આયી છઅ?’ ‘તૂરી જોવા નથી આવવું તારઅ...’ ‘ઈમાં હું જોવું છઅ?’ ‘તું તો એવીનઅ એવી રઈ.’ બન્ને ખાવા બેઠાં, ખાતાં ખાતાં જીવુબાએ કાનાજીના ચીમળાઈ ગયેલા મોં સામું જોયું. ઉબકો આવવા જેવું થયું. ‘અમ ઑમ કરઅ છઅ.’ ‘કાંઈ નઈ.....’ કહીને ઝટપટ ઊભી થઈ ગઈ, વાસણ-કુસણનો પાર લાવીને એ માથું ઓળવા બેઠી. કાનાજીને નવાઈ લાગી. ‘ચ્યમ રાતે માથું ઓળાવ છઅ?’ ‘આ તમીં ખેલ જોવા આવવાનું કીધું એટલે આવું લ્યો તાણઅ...’ ‘તો તિયાર થઈ જા.’ ‘ના. મું તો બૈરાં હંગાથી આયે.’ કાનાજી બીડી-બાકસ લઈને ખાટલા પર બેઠો. રાત વીતવા માંડી, ને તૂરીવાસના ઝાંપા આગળ ભૂંગળ રણકી ઊઠી. કાનાજીને ઝણઝણાટી થઈ ‘ચાલઅ ખેલ શરૂ થાય નઅ મું પીંગળાનઅ જોવું.’ એવો મનમાં ઉમળકો વેંત વેંત ઉછળતો હતો. એ ઝડપભેર ઊભો થઈને લોટામાં પાણી લઈ પથરા પર હાથ-પગ ધોવા લાગ્યો, પછી એણેય ટાપટીપ કરવા માંડી. ડામચીયાના ગોદડાં વચ્ચે મૂકેલું પહેરણ કાઢીને પહેર્યું. મૂછની આંકડી સરખી કરી. ધોતિયાના ચાર છેડા આઘાપાછા કરી જોયા. માથામાં જીવુબા વાપરતાં તે તૂટેલા દાંતાવાળી કાંસકી ફેરવી લીધી. પછી જોડા પહેર્યા. ચૈડ ચૈડ થવા માંડ્યું. જીવુબા ટોડલા નીચે ઊભી ઊભી બીજાં બૈરાંની વાટ જોતી હતી. કાનાજીને જોઈને એ મલકાતાં મલકાતાં બોલી : ‘આજ તો તમારો વટ પડઅ છઅ હોં!’ ‘ના હોય......’ કહીને કાનાજી પોરસાયો. ઠકરાણાંની હાડેતી કાયા પર એ અડપલું કરવા ગયા. ‘લાજતાય નથી...’ કહીને ઠકરાણાએ ડોળા કાઢ્યા. કાનાજી ખસિયાણો પડીને વાડામાં ગયો. કંથેરના જાળામાં મૂકેલો દારૂનો બાટલો બહાર કાઢવો, મોંઢે માંડીને ગટગટાવી, ખાલી બાટલો જાળામાં ફેંકીને તરત જ બહાર આવ્યો. ધોતિયું આઘું પાછું કરવા લાગ્યો. ‘ચ્યાં જ્યા’તા?’ ‘વાડામાં પેશાબ કરવા.’ ‘હવઅ ચ્યાં સુધી આઘાપાછા થાહોે.. નેકરો ઘરની બા’ર...’ કાનાજી ઘરની બહાર નીકળ્યો. એમની ઉંમરના બેચાર જુવાનોનો સંગાથ થયો. હરખાતા હરખાતા એ ઝાંપે આવ્યા ત્યારે ભૂંગળો શોર મચાવતી હતી. કાનાજીને પાનો ચડ્યો. રંગબેરંગી પડદા ચીરતી નજર કશુંક શોધતી હતી. ઠાકોરવાસના ભાયડાઓ વચ્ચે કાનાજી મૂછો આમળતો બેઠો. ગામલોકોની અવરજવર ચાલુ હતી. ખેલ શરૂ થાય તે પહેલા તો ગામ આખું આવીને હકડેઠઠ ગોઠવાઈ ગયું. કાનાજીએ પડદા બાંધેલા તેની ડાબી બાજુ નજર નોંધી. પણ આંખો પર નશાનું કામણ વધતું જતું હતું. આંખો અડબડિયા ખાવા લાગી. ઘમ્મરિયાળા ઘાઘરા ઝુલાવતાં, હડફડ હડફડ કરતાં ઠાકોરવાસનાં બૈરાં આવ્યાં. અડબડિયાં ખાતી આંખે જીવુબાને જોઈને કાનાજી મનોમન રાજી થયો. હવે ખેલ શરૂ થયો હતો. રાજા ભરથરીના સ્વાંગમાં ૫ટ્ટાબાજી ખેલતો જીવણ તૂરી પ્રવેશ્યો. એના પ્રવેશની સાથે તાલીઓનો ગડગડાટ થયો. તે પછી ઝગમગ ઝગમગ વસ્ત્રોમાં પીંગળાનો પવેશ થયો. મફો તૂરી રૂપરૂપના અંબાર સમો લાગતો હતો. ગીત ગાતાં ગાતાં એની નજર સ્ત્રીઓ ભણી ખેંચાતી જતી હતી. જીવુબા પૂરા ઓેળઘોળ થઈને મફા સામે એકીટશે જોઈ રહ્યાં હતાં. રાજા ભરથરી સાથે પીંગળા જે રીતે સંવાદ બોલતી હતી તે સ્વાભાવિક લાગતું હતું. અશ્વપાલનો પ્રવેશ મોડો થયો. કાનાજીને અશ્વપાલનું પાત્ર ન ગમ્યું. એ ઊંચોનીચો થવા લાગ્યો. ‘મારી પીંગળા સાથે અશ્વપાલ પ્રેમ કરઅ છઅ, મારી નાખું સાલાનઅ...’ કાનાજી એક વખતે તો ઊભો થઈ ગયો. પણ એના એક ભાઈબંધે એનો હાથ પકડીને બેસાડી દીધો. રાજા ભરથરીએ પીંગળાને અમરફળ આપ્યું. ખેલમાં જમાવટ થઈ. પીંગળા પડદા પાછળ જાય ત્યારે કાનાજી ઊંચોનીચો થઈ જાય. જેવી પીંગળા આવે, ને કાનાજી છાતી પર હાથ મૂકી દે. આ બાજુ પીંગળાની નજર અશ્વપાલને બદલે બીજી બાજુ ભમતી હતી. કાનાજીને એ ન રુચ્યું. પીંગળા બસ પોતાની સામે જ જોઈ રહે તેવું એ ઇચ્છતો હતો. પણ પીંગળા તો આ બાજુ જોવાનું નામ લેતી નહોતી. કાનાજીથી ન રહેવાયું. એ ઊભો થયો. પડદાની ડાબી બાજુ અંધારા જેવું હતું. ને ત્યાં લોકોની અવરજવર ઓછી હતી. કાનાજી લથડતી ચાલે એ બાજુ ગયો. કોઈનું ધ્યાન તે તરફ નહોતું હળવે હળવે પડદાની પાછળ બીજા તૂરીઓ સજીને બેઠેલા તે તરફ જવા લાગ્યો. પણ ધ્યાન તો પીંગળા પર હતું. પીંગળા અશ્વપાલના બાહુઓમાં ઝૂલવા લાગી હતી. કાનાજીથી તે જોયું ન ગયું. એનાથી મોટેથી બોલાઈ ગયું : ‘છોડી દે હરામી, પીંગળા તારી નઈ મારી છઅ...’ ગામ આખું હસી પડ્યું, જીવુબાએ તે જોયું’ ને એણે દાંત કચકચાવ્યા. વારાંગના આવવાનો વખતે થયો હતો. થોડીવાર ખેલ બંધ થયો હતો. ને પીંગળા પડદા પાછળ આવી ગઈ. કાનાજીને લાગ મળી ગયો. ડાયા તૂરીના ઘેર આગળ ઢાળેલા ખાટલામાં પીંગળા સહેજ આડી થઈ. કાનાજીએ દોડતા આવીને એના પર પડતું નાંખ્યું ને પછી કાનાજીએ એને બાથમાં લઈ લીધી. મફા તૂરીના હૃદયના ધબકારા વધી પડ્યા. કાનાજીની ભીંસ વધવા માંડી હતી. નવીનકોર પહેરેલી સિલ્કની સાડી મફાનાં અંગો પર ઘસાવા લાગી. એની કમર પર કાનાજીનો હાથ એવી રીતે પડ્યો કે મફા તૂરીનાં રુંવાડાં ખડા થઈ ગયાં. જાણે પોતે મફોે તૂરી જ નથી. એને તો એટલું વસી ગયું કે પોતે પીંગળા છે, માત્ર પીંગળા, ને અશ્વપાલના બાહુમાં ભીંસાઈ રહી છે. એનામાં સુષુપ્ત રહેલું સ્ત્રીપણું સોળે કળાએ ખીલી ઊઠ્યું જાણે... અજાણપણે એ કાનાજીને વળગી પડ્યો. કામદેવ રુંવે રુંવે પ્રગટવા માંડ્યો હતો. ને એની વૃત્તિઓ વશમાં ન રહી. એનામાં જાગેલા સ્ત્રીપણા ૫ર પુરુષપણાએ જોર કર્યું, ને એણે કાનાજીને પાછળથી પકડ્યો. કાનાજીના ધોતિયાનો છેડો કેડમાંથી નીકળવાની તૈયારીમાં હતો, ત્યાં કાનાજીની પીઠ પર પીંગળાની છાતી ઘસાવા લાગી, જાણે કશાક ડૂચા ઘસાતા હોય તેવો કાનોજીને અનુભવ થયો. હવે નશો ઊતરવા માંડ્યો હતો. પાછો એ પીંગળાનું સોહામણું મોં જોઈને એના પર વારી ગયો. ગુલાંટ મારી એણે મફાને પકડીને ખાટલામાં નાખ્યો. હેં... હેં... હેં... કરતા બધા તૂરી ભેગા થઈ ગયા. બહાર પણ હોબાળો થયો. ખાટલામાં નાખતી વખતે કાનાજીને પાછું કશુંક ડૂચા જેવું અથડાયું. મફો ઊભો થવા મથતો હતો. ને કાનાજી એને ખાટલામાં નાખવા મથતો હતો. રકઝક વધી પડી. પડદા આગળ લોકો જોવા માટે પડાપડી કરતા હતા. કાનાજીના હાથમાંથી મફાને કોઈ છોડાવે તે પહેલાં તો કાનાજીએ મફાને ખાટલામાં નાખી દીધો હતો. એ મફાનાં અંગોપાંગ પર હાથ ફેરવવા લાગ્યો. આ વખતે કાનાજીનું પુરુષત્વ પૂર્ણ કળાએ ખીલી ઊઠ્યું. પીંગળાના અગ્રભાગમાં ફરી રહેલા કાનાજીના હાથને એકાએક ઝાળ લાગી. એ ઘવાયેલી અવસ્થામાં પાછો ખસ્યો. ને મફાએે છલાંગ મારીને એની પકડ છોડાવી. પણ કાનાજીએ બમણા જોરમાં આવીને મફાની સાડી ખેંચી લીધી. હવે બન્ને બાથંબાથા આવી ગયા હતા. વળગાઝૂમ થતાં મફાના માથાનો ચોટલો દૂર ફંગોળાઈ ગયો. બ્લાઉઝ અને ચણિયામાં, ટૂંકા વાળવાળો, મફો અસ્સલ મફો તૂરી લાગતો હતો. તે દરમિયાન ઠાકોરવાસના જુવાનિયા વટે ચડીને પડદા ફાડી રહ્યા હતા. કોઈ પેટ્રોમેક્ષ લઈને દોડતું આવ્યું, ને કાનાજીએ પેટ્રોમેક્ષના અજવાળામાં પીંગળાને જુદા જ સ્વાંગમાં ઊભેલી દીઠી. એને તમ્મર આવવા જેવું થયું. દિયોર મફલા તું....! ગુસ્સો ચડ્યો. ઊભા ઊભા જ ઢીંચણ વડે એણે મફાને પાછળથી ઠેલી મૂક્યો. કાનાજી અડફેટો ચાલીને પડદાની ડાબી બાજુ આવ્યો. ઠાકોરવાસના જુવાનો એને પકડીને ઠાકોરવાસ ભણી લઈ જવા માંડ્યા. હકડેઠઠ ભરાઈને બેઠેલું ગામ ભાગંભાગ કરતું હતું. હોબાળો વધી પડ્યો હતો. કાળઝાળ થઈને કાનાજીએ લમણો વાળીને ઠાકોરવાસના બૈરાં બેઠેલાં ત્યાં જોયું. ત્યાં કોઈ નહોતું. બધાની સાથે એ ઝડપભેર ઘેર ભાગ્યો. તૂરીવાસ અને ઠાકોરવાસ વચ્ચેનું નેળિયું વટાવવું ભારે થઈ પડ્યું. ઘેર આવ્યો. જીવુબા ગુસ્સામાં હતી. ‘ચ્યાં હખણાં ના રયા...’ કહીને એણે હાથમાં ધોકેણું લીધું. કાનાજી ફફડી ગયો. એ ડરનો માર્યો ફળિયા અને ઓસરીની વચ્ચે આઘોપાછો થવા લાગ્યો. તે દરમિયાન ભફ ભફ થતા ફાનસની વાટ સરખી કરવા જીવુબા વાંકી વળી. કશુંક ઝગારા મારવા લાગ્યું. કાનાજીનો બધો ડર ઓસરી વાટે ફળિયા બહાર ભાગવા લાગ્યો. ફાનસના પ્રકાશમાં જીવુબાનું ગળું ઝગારા મારતું હતું, તેથી કાનાજીની આંખો અંજાઈ ગઈ. કાનાજીને કશી સમજ પડતી નહોતી. દોડીને એણે જીવુબાના ગળામાં ઝગારા મારતી વસ્તુ પકડી લીધી. જીવુબાએ ધાકેણું ઊંચું કર્યું. પણ કાનાજીએ ધાકેણાની પરવા કરી નહિ. બધી દિશાઓ કડડભૂસ કરતી પોતાના પર તૂટી પડશે તેવું કાનાજીને લાગ્યું. એ અક્કડ થયો. ગળું ફુંગળાવીને, પૂરા જોશથી એણે શ્વાસને હોઠ બહાર ફેંક્યો. ફફડતી મૂછો પર કરડાકી આવીને બેસી ગઈ. ઊભા ઊભા જ ઢીંચણ વાળી, જીવુબાને પાછળથી ઠેલતાં એનાથી બોલાઈ ગયું : ‘હટ્‌ રાંડ પીંગળા!’