યાત્રા/એક પંખણી

From Ekatra Wiki
Revision as of 09:27, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક પંખણી|}} <poem> {{space}}કે એક મેં તે ભાળી ભાળી, {{space}} એક તેજોની પંખણી નિરાળી, {{space}}{{space}} કે એક મેં તોo ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી, {{space}} આવી કો પવનપંખાળી, ગગનને ટોડલે ટોડલે ટહુકતી, {{...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એક પંખણી

         કે એક મેં તે ભાળી ભાળી,
          એક તેજોની પંખણી નિરાળી,
                   કે એક મેં તોo

ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી,
          આવી કો પવનપંખાળી,
ગગનને ટોડલે ટોડલે ટહુકતી,
          ઝબકી કો વીજળી કરાળી.
                   કે એક મેં તોo

આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી
          આવી પ્રચંડ ચુગનારી,
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા
          પંજે ઉપાડી ઘૂમનારી.
                   કે એક મેં તોo

ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં,
          આ સાગરના લોઢ દીધા ઠારી,
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને,
          લીધાં આંખમાં ઉતારી.
                   કે એક મેં તોo

આવી આવી રે મારે ધરતીમિનારે એણે
          પાંખોની આગને સંકેલી,
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા,
          રજકણ શું ગાઠડી ઉકેલી.
                   કે એક મેં તોo

જુગના જામેલ જડ ડુંગરના ડુંગરો
          ચપટીમાં નાખ્યા ઉખાડી,
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે
          અણદીઠની માહિની લગાડી.
                   કે એક મેં તોo

આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે
          આપી કો સોડને હુંફાળી,
અણુએ અણુએ એણે સીયાં અમરત કંઈ,
          જ્યોતુંની ક્યારીઓ ઉગાડી.
          કે એક મેં તો ભાળી ભાળી,
          એક તેજોની પંખાણ નિરાળી.
                            કે એક મેં તોo

એપ્રિલ, ૧૯૪૩