યાત્રા/એક પંખણી

Revision as of 03:25, 20 May 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક પંખણી

         કે એક મેં તો ભાળી ભાળી,
         એક તેજોની પંખણી નિરાળી,
કે એક મેં તોo

ઘેરાં તિમિર ઢળ્યાં ક્ષિતિજોને ઠેકતી,
          આવી કો પવનપંખાળી,
ગગનને ટોડલે ટોડલે ટહુકતી,
          ઝબકી કો વીજળી કરાળી.
કે એક મેં તોo

આઘે આઘેનાં પેલાં ખેતર નખેતરી
          આવી પ્રચંડ ચુગનારી,
ભમતા દિગંત ઢાળે મરુતોના ઘોડલા
          પંજે ઉપાડી ઘૂમનારી.
કે એક મેં તોo

ઝંઝાનાં ઝુંડ એણે ઝબકાવી ડારિયાં,
          આ સાગરના લોઢ દીધા ઠારી,
સૂરજતારાનાં એણે તગમગતાં તેજને,
          લીધાં આંખોમાં ઉતારી.
કે એક મેં તોo

આવી આવી રે મારે ધરતીમિનારે એણે
          પાંખોની આગને સંકેલી,
મિટ્ટીમાં આંખ એણે તેજલ પરોવી અહા,
          રજકણ શું ગોઠડી ઉકેલી.
કે એક મેં તોo

જુગના જામેલ જડ ડુંગરના ડુંગરા
          ચપટીમાં નાખ્યા ઉખાડી,
કણમાં કિરણ તણી કણીઓ વાવીને એણે
          અણદીઠની મોહિની લગાડી.
કે એક મેં તોo

આઘે આઘેની તે તો અંતરની થઈ કે એણે
          આપી કો સોડને હુંફાળી,
અણુએ અણુએ એણે સીચ્યાં અમરત કંઈ,
          જ્યોતુંની ક્યારીઓ ઉગાડી.
          કે એક મેં તો ભાળી ભાળી,
          એક તેજોની પંખાણી નિરાળી.
કે એક મેં તોo


એપ્રિલ, ૧૯૪૩