યાત્રા/તને લહું છું ને–

તને લહું છું ને–

તને લહું છું ને મને કંઈક કૈંક થાતું : ઘણી
લહી છ વનિતા જગે, પણ ન આવી એક્કે લહી :
મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી
ધસી જ અહીં આવી છે લહર મત્ત ઝંઝા તણી!

કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ
દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી,
મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા,
ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ સુરમ્ય સ્નેહાળુતા.

વિચારું: વનિતે, તું સ્નેહ તણી રાગિણી–નાગિણી?
નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું,
પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં?

અને મન સ્ફુરે મને : પ્રણય-પારસ સ્પર્શતાં,
કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી
સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે.


સપ્ટેમ્બર, ૧૯૩૬