યાત્રા/નૌકા

નૌકા

જન્મી જમીને જનમેલ વૃક્ષથી,
તો યે સદા નીર વિષે જ જીવવું.

તજી કિનારો મઝધાર ખેડવી,
તો યે સદી નાંગરવુ કિનારે.

આરા વિનાના નિત પંથ માપવા,
લક્ષ્યે ધરી રે’વું છતાંય આરા.

સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે,
છતાં ન કોડી નિજ કંઠ નાખવી.

ઘરે ઉગેલાં ફુલ વિશ્વ વેરવાં,
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં.

ઉતારવું વિશ્વ સમસ્ત પાર,
જાતે રહેવું જલમાં અપાર.

તરી રહું દુસ્તર સૌ મહાર્ણવો,
હું ક્ષુદ્ર નૌકા, મુજ નાખુદા મહા.


૧૯૩૬