યાત્રા/પૂર્ણ મયંક

પૂર્ણ મયંક

શાં એ નેત્રો ! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો,
આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં,
કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો,
પંકે જાયાં દ્વય કમલ શાં રૂપની શ્રી વહેતાં!

રે મુગ્ધાત્મા ભવનવસતા, ઝંખતો શું ગવાક્ષે,
મૂંગા મૌને દ્વય નયનથી ઉચ્ચરે શુ નિસાસે?
તારે ગોખે વિહગ થઈને બે ઘડી આવી બેસું?
તારે પદ્મ ભ્રમર થઈ વા નિત્ય માટે પ્રવેશું?

ના ના, બંધુ, ભવન તણી એ રમ્ય તો યે જ બારી,
પદ્મો કેરી સુરભિ મધુરી તો ય એ બાંધનારી;
તું ઝંખે જો સભર રસ, કો રમ્ય લીલા રસાળ,
આત્માની કો અમૃત ઝરણી જ્યાં નહીં કોઈ પાળઃ

મૂકી નાનું ભવન ક્ષિતિને ચાલ વિસ્તીર્ણ અંક,
દીપ જ્યોતિ લઘુક મટીને પૂર્ણ થૈએ મયંક.

એપ્રિલ, ૧૯૪૩