યાત્રા/સાબરમતીને

Revision as of 14:51, 19 May 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાબરમતીને

આ વર્ષાએ સભર તવ આ રૂપ ઝાઝું નિહાળ્યું,
બંને કાંઠે ષડ ઋતુભરી નર્મદા જેવું રિદ્ધ;
ને આ નેત્રો ધગધગ ધખી વેળુ-વંટોળ-વિદ્ધ
પામ્યાં જાણે મખમલ મઢ્યું કે બિછાનું સુંવાળું.

આવે આવે પ્રબળ ધસતાં નીર આ ઉત્તરેથી,
ના મોજાંઓ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે
શક્તિ કેરો અદમ સરતો શું સલેપાટ, જાણે
વાયુઓ સૌ જલ બની અહીં દોડતા વ્યગ્રવેગી.

મીઠી મીઠી નિરખવી ઘણી રમ્ય આ તારી લીલા,
નેત્રો હર્ષે ગિરિવન થકી નિર્ઝર્યા આ પ્રસાદે, ૧૦
તોયે હૈયું ક્ષણભર પછી ડૂબી જાતું વિષાદેઃ
રે રે, આ તો પ્રકૃતિબલના વેગ અંધા હઠીલા.

આંહીં ક્યાં છે સુભગ મનુજો સંગ તારો મિલાપ?
જો ને સર્વે ખગ તજી ગયાં આજ તારો ઉછંગ,
ના કોઈને તવ જલ વિષે સ્નાનપાને ઉમંગ,
ને તેં સર્જ્યા મૃદુ કલરવોના ક્યહીં તો વિલાપ!

આ સંસ્કારી જનપદ વિષે વહેતી તું વન્યરૂપા,
તારા રૂડાં શરદનિતર્યા નીરમાં આમ ડ્હોળાં,
આવાં ક્યાંથી ઉમટી પડતાં પૂરનાં મત્ત ટોળાં?
કે ર્‌હેવાની પ્રકૃતિસરણી આવી આ કલેશરૂપા? ૨૦

લાગે એવું: મનુજ પણ આ કૈં યુગોને વિકાસે
ડ્હોળાયેલું હૃદય લઈને ઘૂમતો, નીતરેલા
એને હૈયે વિષલ કુટિલા વૃત્તિના દુષ્ટ રેલા
વ્હે છે, જાણે પ્રકૃતિ મનુજો સ્પર્ધતાં સર્વનાશે.

ના ના કિન્તુ મનુજ તુજના સિદ્ધ આ સંગમે તો
સ્પર્ધા શોભે વિષ-વમનમાં, પૃથ્વીની માટી કેરા
આશ્લેષોને પરહરી જરા, આભમાં દૃષ્ટિ જોડી,
ત્યાંનાં ચોખ્ખાં જલ તણી તૃષા રાખવી જો ગમે તો?

તો તો એવાં અમલ જલને ઝંખતાં ઝીલતાં આ
પૃથ્વીપંકો વિગલિત થશે, ભૂમિનાં સ્વચ્છ ચિત્ત ૩૦
સોહી ર્‌હેશે સ્ફટિક સમ, ને ઝીલતાં દિવ્ય વિત્ત
ડ્હેકી ર્‌હેશે પયનિધિ સમાં વિષ્ણુ ઝૂલાવતાં, હા!

૧૯૪૪