યાત્રા/સ્મિતબિન્દુ

સ્મિતબિન્દુ

તારું સ્મિતબિન્દુ વરસાવ,
સુધા હે, તવ સિંધુ છલકાવ.

ઓ રોળાઈ જતી કૈં કળીઓ,
આ છૂંદાઈ જતી પાંદડીઓ,
વ્યર્થ જતી આંસુની ઝડીઓ,
          તવ સંજીવન લાવ. તારું.

આ ક્રન્દનનાં નંદન કરતી,
વિરહ વિષે આલિંગન ભરતી,
પયસાગરને પટ વિહરંતી,
          પૂર્ણ શશીઘટ લાવ. તારું.

નયન નયનમાં હો તવ આસન,
હૃદય હૃદયમાં હો તવ શાસન,
ક્ષુધિત ધરાને દે તુજ પ્રાશન,
          જલ મૃત્યુંજય લાવ. તારું.


ફેબ્રુઆરી, ૧૯૪૬