યુગવંદના/અણવંચાયેલા સંદેશા

Revision as of 09:28, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અણવંચાયેલા સંદેશા| }} <poem> <center>[‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અણવંચાયેલા સંદેશા
[‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ’ – એ ભજન-ઢાળ]

સંદેશા મંગાવો, સૌના સંદેશા મંગાવો રે
બાપાને સમૈયે* કેના સંદેશા મંગાવો રે
સંતને સમૈયે કેના સંદેશા મંગાવો રે!
સંદેશા વંચાણા સૌના સંદેશા વંચાણા ને
અણ રે વંચાણા થોડા ઉકેલાવી લાવો રે,
શબદ અનોખા એની રુશનાઈ નોખી, બાપા!
લહિયા ને લેખણ એનાં અકળ કળાવો રે.
આદુની સમાત્યું કેરા ટિંબા આજ ઊઘડે ને*
ઊઘડે અલોપી કબરું, મશાલું જલાવો રે;
જતિ ને સતીના જૂના મહાસંઘ માયલા આ
અબધૂત કેરી પૂરી પિછાન કરાવો રે.
પે’લે ને સંદેશે ફાટો રણ કેરા રાફડા ને
રજપૂત-જાયા જોગી રામા પીર* ધાઓ રે;
હિન્દવાણ માથે પંજો પે’લુકો વટાળનો એ
ઝીલનાર હિન્દવા પીરના જુવાર જણાવો રે.
“અમારે નસીબે નો’તાં તમ સમાં આયુ, બાપા!
“અમારી અધૂરી ધોણ્યું, તમે ઊજળાવો રે;
“અમારા નીલુડા નેજા* તમ શિરે શોભજો ને
“અમારા ઘોડીલા, બાપા! જુગતે ખેલાવો રે.”
બીજે ને સંદેશે પા’ણા ધ્રૂજે છે પરબના* ને
સળવળે સોડ્યું, બોલે દેવીદાસ બાવો રે:
“અમારાં લુયેલાં બાકી પરુ પાસ લૂતા બાપા;
“અમારી અંકાશી ઝોળી* એને જ ભળાવો રે.”
ત્રીજે ને સંદેશે કોટિ વધસ્તંભ ડોલતા રે,
જખમી જીસુની ઝાઝી સલામું સુણાવો રે:
“અમારે ઉધારણ-પંથે દુકાનું મંડાણી, બાપા!
“અમારી કલેજાં-ઝાળો તમે ઓલવાવો રે.”
ચોથે ને સંદેશે કાંપે હિમાળાની કંદરા ને
शिवोऽहं પુકારી શંભુ ઉચારે ઋચાઓ રે:
“અમારી ઝીલેલી ગંગા રૂંધાઈ રહી’તી, બાપા!
“વહાવણહારા કેરાં ડમરુ બજાવો રે.”
૧૯૩૯