યુગવંદના/આખરી ગાન

આખરી ગાન

બનાવટી છે?
કેન્યૂટની વાત બનાવટી છે!
કો માનતા ના, ડરીયે જતા ના,
રાજાપણાને અપમાનતા ના;
ગપ્પાં પુરાણાં ગણકારતા ના,
કેન્યૂટની વાત બનાવટી છે!
કમાડ ભીડો, દર દ્વાર ભીડો,
જાળી અને ગોખ તમામ ભીડો,
રે મોરી ને ખાળ ખસૂસ ભીડો,
વાયુ ન પેસે, તરડોય ભીડો.
કમાડ ભીડો.
છિદ્રો બૂર્યાં કે?
બુદ્ધિ તણાં છિદ્ર બધાં બૂર્યાં કે?
વિચારમાં કોઈ તીનું નથી કે?
અક્કલ વિષે એક છીંડું નથી કે?
છિદ્રો બૂર્યાં કે?
ઘનઘોર તૂટે?
ચિંતા નહિ, છો ઘનઘોર તૂટે,
આકાશથી વજ્ર ભલે વછૂટે,
વિદ્યુત્ તણાં તેલ તમામ ખૂટે,
તો યે કુબુદ્ધિની ન ટેક તૂટે,
છો આભ તૂટે.
બંદૂક સાચી.
બંદૂક સાચી, બીજું જૂઠ સર્વ,
છે આપણો એ અણમોડ ગર્વ,
છે જીવવું વર્ષ કરોડ ખર્વ,
બીજું જૂઠ સર્વ.
ગભરાવ છો શું?
દ્વારો દીધાં તોય મૂંઝાવ છો શું?
બંદૂકની આડશ છે પછી શું?
થાકી ગયા? લો, જરી થાક ખાશું,
ચમકોછ શાને, કહી ‘આ શું, આ શું!’
ગભરાવ છો શું!
આ ચીંથરાં છે.
છાપેલ આ કાગળ-ચીંથરાં છે!
કોણે કહ્યું કે રુધિરે ભર્યાં છે?
ફફડી ઊઠો કાં? ભડકા ક્યહાં છે?
આ ચીંથરાં છે.
ડરથી નહિ હો!
છૈયેં લપાયા, ડરથી નહિ હો!
આ વાંચી લઈએ, ડરથી નહિ હો!
ધ્રૂજે કલેજાં, ડરથી નહિ હો!
ગાત્રો ગળે છે, ડરથી નહિ હો!
પ્રસ્વેદ છૂટે, ડરથી નહિ હો!
ભયથી નહિ હો!
૧૯૪૦