યુગવંદના/મૃત્યુ પ્રહરી બન્યું

From Ekatra Wiki
Revision as of 06:51, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મૃત્યુ પ્રહરી બન્યું
[ઝૂલણાં]

કોણ છો? – મૃત્યુ છું: કેમ ટે’લે અહીં?
છે અહીં આજ મારું રખોપું.
સાંભળી મોતના બોલ માનવ હસ્યાં:
વાહવા! ચોર પ્રહરી બન્યો શું!
મોતના હાથમાં કારમી રાતમાં
ભાઈ, દેખાય કુંપા અમીના;
એકવીસ રાત લગ એક મટકા વિના
મોત બાળી રહ્યું દીપ ઘીના.
જાગરણ ખેંચતા મોતને નેણલે
નેવલાં આંસુનાં જાય ચાલ્યાં;
બોલકાં માનવી જોઈ વિસ્મય થયાં
પૂછતાં મોતને, કેમ રો ’લ્યા!
લાખ જીભે તમે લાદિયા માનવી!
માહરે માથ બદનામી-બોજા,
વાંક મારો દઈ પારકે પાય જૈ
કરગર્યા કેમ કંગાલ સોજા!
‘મરી જશે! મરી જશે! મેલી દો, બાપજી!’
બોલતાં જીભ શાને ન કરડી!
લોહીલોહાણ હૈયે રડી હું રહ્યું!
કાળ મલકી રહ્યો મૂછ મરડી.
મારનારી તમારી હશે દીનતા
નામ મારું નકામું દુણાશે –
એ ભયે માનવી! જાગું છું, પ્રાર્થું છું,
નાથ! ક્યારે હવે પ્રાત: થાશે?
૧૯૪૩