યુરોપ-અનુભવ/ટ્રાવેલર્સ ચેક પાછા મળ્યા

ટ્રાવેલર્સ ચેક પાછા મળ્યા

લંડનથી અમે ટ્યૂબ ટ્રેનનો અઠવાડિયાનો પાસ લઈ લીધો. લંડનમાં ગમે ત્યાં આવવા-જવામાં સુવિધા રહે અને એ પ્રમાણમાં સસ્તો પડે. પાસમાં આપણો ફોટો ચોડવો પડે. બ્રાઉન્ડ્જ ગ્રીનના સ્ટેશનેથી જ લઈ લીધો. નિરંજન ભગતે એક વાર કહેલું કે, કવિ એલિયટ બૅન્કમાં નોકરી કરવા જતાં, તે ટ્યૂબમાં ટ્રાવેલ કરતા. ત્યારે ટ્યૂબ ટ્રેનનો આવો ખ્યાલ નહોતો આવ્યો. રોમ, પૅરિસ, લંડન જેવાં મહાનગરોમાં રોજબરોજની આવનજાવન માટે નાગરિકો મુખ્યત્વે ટ્યૂબ ટ્રેનનો જ ઉપયોગ કરે. પોતાની કાર લઈને નીકળે તો ગંતવ્યસ્થાને પહોંચતાં વાર તો લાગે, પણ મુખ્ય પ્રશ્ન પાર્કિંગનો થાય. પોતાને ઘેર બે ગાડીઓ હોય તોય ટ્યૂબ સારી પડે.

લંડનમાં પહેલે દિવસે જ જ્યારે આ અન્ડરગ્રાઉન્ડ ટ્યૂબ રેલ્વેમાં કહો કે ભૂગર્ભ રેલ્વેમાં પ્રવાસ કર્યો, ત્યારે જ જોયું કે, અંદર કેટલી વિશાળ જગ્યા અને પૅસેન્જરો માટે વ્યવસ્થા હોય છે. વિજ્ઞાપનો પણ કેટલાં? કેવાં? અહીંની સંસ્કૃતિનો, વાણિજ્ય – વ્યવસ્થાપનનો ખ્યાલ આવી જાય. સૌથી મોટી વાત તો લંડનવાસીઓની સાથે સાથે રેલમુસાફરી થાય. તેમને નજીકથી ઓળખાવતો અવસર મળે. અમે પહેલી વાર, ગાડી આવતાં ઊભી રહી કે, એકાએક બારણાં ઊઘડી જતાં જોયાં, અને તે સાથે એક ચેતવણીનો સૂર સંભળાયો – Mind the gap. ગાડી ઊપડી નહિ ત્યાં સુધી રહી રહીને સંભળાય – Mind the gap. કારણ પછી સમજાયું – પ્લૅટફૉર્મ અને ટ્રેનના પગથિયા વચ્ચે જે થોડી જગ્યા હતી તેમાં કોઈ બેધ્યાનપણાને લીધે કે ઉતાવળથી ઊતરવા જતાં પડી ન જાય તે માટે આ સૂચના હતી. પછી તો જ્યાં સાવધાનીની જરૂર હોય ત્યાં અમે આ સૂત્ર બોલીએ. Mind the gap.

અમે પિકાડેલી સર્કલ પર ઊતરી ગયાં. અમારે પ્રથમ બાર્કલે બૅન્કમાંથી નવા ટ્રાવેલર્સ ચેક લેવાના હતા, જેની કાલે ઑફિસે પુષ્ટિ કરી હતી. અનિલાબહેનને ૨૯૦ ડૉલરના અને ૨૦૦ પાઉન્ડના ટ્રાવેલર્સ ચેક ગણતરીની મિનિટોમાં, તે પણ પ્રશ્ન વિના, માત્ર રેફ. નંબર આપતાં મળી ગયા, સ્મિત સાથે. અમે તો આભારવશ હતાં. એ રીતે મને અમેરિકન એક્સપ્રેસ કંપનીના ટ્રાવેલર્સ ચેક લેતાં માત્ર પૂછ્યું : ‘રોકડા કે ચેકથી?’ રોકડા ડૉલર લઈ લીધા. એ આપતાં પણ એ જ સ્મિત. હું વિચારતો હતો : મેં આ ચેક અમદાવાદમાંથી ખરીદેલા; ખોવાયા આમસ્ટરડામમાં; એ અંગે ફરિયાદ લખાવી બ્રસેલ્સમાં; અને ચેકના પૈસા પાછા મળ્યા લંડનમાં. બધા જ વ્યવહારમાં વિનયશીલતા. આપણને આવા નેટવર્ક માટે – આ પ્રજા માટે આદર ઊપજ્યા વિના ન રહે.

આ વખતે યુરોપ જતાં પહેલાં બાર્કલે બૅન્કમાંથી ટ્રાવેલર્સ ચેક ખરીદતી વખતે એ બૅન્કના એક ભારતીય કર્મચારી સાથે થયેલો સંવાદ યાદ આવ્યો. અમને ભારતવાસી જાણી અમારા હિત ખાતર જ એમણે તો સલાહ આપી હતી કે, ટ્રાવેલર્સ ચેક ખરીદવામાં બે વારનું કમિશન આપવું પડે છે, ખરીદતાં અને વટાવતાં, અને એમાં આપણને ખોટ જાય. હું હોઉં તો ટ્રાવેલર્સ ચેક ખરીદવાને બદલે મારા પૈસા રોકડમાં જ રાખું. એની વાત માની હોત તો અમે કેટલાબધા પૈસા ખોયા હોત? આ તો ટ્રાવેલર્સ ચેક હતા તેથી અમારા પૈસા એ ચેક ચોરાવા છતાં અમને પાછા મળી ગયા.

લંડનમાં અમે ભૂખ્યાં થઈએ, તો મૅકડોનલના સ્ટોરમાં પહોંચી જઈએ. સ્ટોર ઠેર ઠેર હોય. અમે મિલ્ક શેક અને એપલ પાઈ લઈએ. બંનેની કિંમત સવા બે પાઉન્ડ જેટલી થાય,– પણ આખો દિવસ ચાલે.

અમે પ્રસિદ્ધ માદામ તુષાડનું વેક્સ મ્યુઝિયમ જોવા ગયાં. અનેક વિશ્વપ્રસિદ્ધ નરનારીઓ જાણે જીવંત ઊભાં છે! હમણાં સામે જોઈ સ્મિત કરશે. દીપ્તિ, રૂપા, નિરુપમા અને અનિલાબહેન મ્યુઝિયમ ઊઘડવાની રાહ જોતાં લાઇનમાં ઊભાં, ટિકિટ લેવા. કોણ જાણે મને એમાં રસ નહોતો. મેં કહ્યું :- હું બાજુના રિઝન્ટ પાર્ક ભણી જાઉં? સૌએ હા પાડી.

ચાલતો ચાલતો ડાબી તરફને માર્ગે જઈ પ્રવેશ કર્યો રિઝન્ટ પાર્કમાં. સુંદર પાર્ક. લંડનમાં જનાર પ્રાયઃ હાઇડ પાર્ક જવાનું પસંદ કરે છે. ત્યાં કોઈ ને કોઈ પ્રવચનકાર એક નાનું સ્ટૂલ મૂકી તે પર ઊભા રહી પોતાની બોલવાની ચળ શાંત કરી શકે છે. ભાષણખોરોની એ પ્રિય જગ્યા છે. થોડા કુતૂહલી શ્રોતાઓ તો મળી જ જાય. એક રાજાશાહીને વરેલી લોકતાંત્રિક શાસનમાં માનતી પ્રજાની આ અભિવ્યક્તિસ્વાતંત્ર્ય માટેની કેવી ઉત્તમ માનસિકતા છે? રિઝન્ટ પાર્કમાં એવું કંઈ નથી – અહીં એક કૃત્રિમ સરોવર છે, જેમાં બોટિંગ કરી શકાય છે. પાર્ક વચ્ચે થઈને પાણીની નહેર વહે છે. થોડાં બતકાં પાણીમાંથી મોઢાં બહાર કાઢી સરતાં જાય છે. નહેરકાંઠેની એક ઝાડની છાયાવાળી બેંચ પર હું બેઠો. અહીં સ્તબ્ધ બપોર છે, પાર્કની બહાર તો લંડન દોડતું હાંફી રહ્યું હતું.

લંડન, આમ તો ધુમ્મસિયું નગર કહેવાય છે, પણ આજે આકાશ એકદમ ભૂરું હતું. તડકો પથરાયો હતો. મેં જોયું કે, બે કન્યાઓ નહેરનાં માછલાંને ચારો નાખતી હતી, જ્યારે એક યુવાન બરડો ખુલ્લો કરી ઘાસ પર ઊંધે મોંએ સૂઈ ગયો હતો.

થોડી વારે હું ઊભો થઈ બાગની બીજી દિશામાં ગયો. તો, ત્યાં ઓપન એર થિયેટર હતું. ખુલ્લા બાગનું પણ સૌન્દર્ય હતું. મને મારી સાથે રહેવાની આ ક્ષણો હતી. કબૂતર અને બતક કાંઠે આવી નિંદમાં પડ્યાં હતાં – છતાં એકાએક ગણગણું છું – ‘રે પંખીડાં સુખથી ચણજો’ – ‘ઊંઘશો’ એમ કહેવું તો જોઈએ.

માદામ તુષાડનાં બાવલાં જોઈને રાજી થયેલ મિત્રોને મળું છું. અમારું સંચક્રમણ ચાલુ થાય છે. ફરતાં ફરતાં લંડન બ્રિજ પર. સાંજના છ થયા હતા. લંડન બ્રિજ પર રંગ કરેલી રેલિંગ પર અનેક નામ કોતરેલાં છે.

વેસ્ટ મિન્સ્ટર એબી સામે બીગ બેન ટાવરના મોટા કાંટા ૭.૨૭ બતાવતા હતા. હજી તડકો હતો. ત્યાં એક બોર્ડ જોયું : ‘We have come to the heart of the city.’ વેસ્ટ મિન્સ્ટરથી અંડરગ્રાઉન્ડ સ્ટેશન ઊતર્યાં. લંડન બ્રિજથી જૂના લંડન તરફ. મેટ્રો ટ્રેન લીધી. એકબે સ્થળે બદલી, વળી પાછા વેસ્ટ મિન્સ્ટર આવ્યા.

અમે ઊભા હતાં જે બ્રિજ પર તે તો આપણને સૌને કવિ વર્ડ્ઝવર્થે બતાવેલો છે – એ વહેલી સવારનો હતો. ‘દુનિયાને એથી કશું સુંદર બતાવવાનું હતું નહિ.’ એવો એ કવિનો અનુભવ ‘અપૉન ધ વેસ્ટમિન્સ્ટર બ્રિજ’ કવિતા વાંચતાં, એ બ્રિજ કે એવી સવાર જોયા વિના પણ આપણા સુધી પહોંચી જાય. અત્યારે સાંજને ટાણે એ બ્રિજ ઉપર લંડન શહેર ગતિમાં છે, સાંજનો અસ્તાયમાન શ્રમિત તડકો ખુલ્લા આકાશ નીચે પથરાયો છે. ટેમ્સ વેગથી વહી રહી છે. મેટ્રોમાં બેસી પછી બાઉન્ડ્જ ગ્રીન અને પછી ક્રિઝન્ટ રાઇઝ.