યુરોપ-અનુભવ/ડાન્યુબ કાંઠેનું વિયેના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડાન્યુબ કાંઠેનું વિયેના

ફ્રાન્કફર્ટથી વિયેના જતી રાતની ગાડી અમે પસંદ કરી હતી. રાતના આ મુસાફરી અમારે માટે બેવડા લાભરૂપ હતી. દિવસ બચી જાય અને હોટલમાં ઊતરવાનું રાતનું મોટું ખર્ચ બચી જાય. જોકે અહીં ગાડીમાં રાતના સૂવાનું રિઝર્વેશન કરાવવા જઈએ તો મૂળ ટિકિટ જેટલા વધારાના પૈસા થઈ જાય. અમે માત્ર બેસવાનું રિઝર્વેશન કરાવી લીધું હતું. ગાડીમાં પહેલા વર્ગના કંપાર્ટમેન્ટની આરામદાયક બેઠકો ખેંચીને લંબાવવાની વ્યવસ્થા હતી. બન્ને બાજુની બેઠકો લાંબી કરતાં આપોઆપ પથારી થઈ જતી. આમેય ગાડીઓમાં ભીડ હોય નહિ, એટલે ઘણુંખરું અમે બીજો કંપાર્ટમેન્ટ પણ રોકી લેતાં. રાતની ગાડીમાં મુસાફરી કરવામાં એક નુકસાન હતું : બારી બહાર કશું દેખાય નહિ. દિવસે મુસાફરી કરતાં દેશનો કેટલો બધો ભૂભાગ જોવા મળે?

વિયેના સવારે આવવાનું હતું. અમારી યાત્રાના આ દિવસો એકાદ દિવસના અપવાદ સિવાય લગભગ સ્વચ્છ હતા. યુરોપમાં એ તો ભાગ્ય કહેવાય. પણ વિયેના સાથે અમે એ રીતે ઓછાં ભાગ્યવાન હતાં. વિયેના ગાડી પહોંચી ત્યારે વરસાદની આછી ઝરમર શરૂ થઈ ગઈ હતી. અમારી મૂળ યોજના પ્રમાણે તો ગઈ કાલે સાંજે વિયેના પહોંચવાનું હતું, પણ થોડો વિલંબ થઈ ગયો હતો.

સ્ટેશન પર ઊતરીને અમે મારા મિત્ર રતિભાઈ જોશીને ફોન કર્યો. ઈ.સ. ૧૯૫૮માં અમે એમ.એ.માં સાથે. કવિ ઉમાશંકરના એ વખતથી જ એ પ્રીતિપાત્ર. કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ જેવા મહાનુભાવોના સાન્નિધ્યમાં રહી ચૂક્યા છે. રતિભાઈ વર્ષોથી વિયેનામાં રહે છે. એમનાં પત્ની શ્રીમતી બિયેટ્રીસ ઑસ્ટ્રિયાવાસી છે.

ફોન પર સામેથી એમનો ઉષ્માપૂર્ણ અવાજ સંભળાયો. ‘રાહ જોઉં છું’, ગઈ કાલથી. સ્ટેશનથી ટૅક્સી કરીને ચાલ્યા આવો. આજે બિયેટ્રીસ ઘેર નથી, નહિતર ગાડી લઈને આવી જાત.’ અમે વધારાનો સામાન સ્ટેશન પરના લૉકર્સમાં મૂકી દીધો. ઝરમરતા વરસાદ વચ્ચે બે ટૅક્સીઓ કરી લીધી. હિમેલ હોફ-૨ એમના ઘરનું સરનામું.

ભીની સડકો પર ટૅક્સીઓ વેગથી દોડી રહી. આ વિયેના નગરી! સંગીતની નગરી તરીકેની એક છાપ મનમાં હતી. આ નગરી વિષે અહીં એક વર્ષ રહી ગયેલા મિત્ર રોહિત શુક્લે ઘણી વાતો કરેલી. કવિ ઉમાશંકરે, સ્વાતિબહેન અને નંદિનીબહેને રતિભાઈનું નિવાસસ્થાન હિમેલ હોફ કેવી સુંદર જગ્યાએ આવેલું છે તેની વાતો કરેલી. વિયેનામાં રતિભાઈને ત્યાં ઊતરવું એમ વિચારેલું. એ રીતનો પત્ર અમદાવાદથી લખ્યો હતો. એ પત્રનો ઉત્તર ન મળતાં અમને ત્યાં ઊતરવાનું બીજું ઘર આચાર્યશ્રી વિનોદ અધ્વર્યુએ બતાવેલું. ડૉ. આર. ડી. ગણાત્રાને પત્ર લખેલો. જવાબમાં શ્રીમતી પન્નાબહેનનો પત્ર આવી ગયેલો. ત્યાં એક દિવસ સવારે આશ્ચર્ય વચ્ચે શ્રીમતી બિયેટ્રીસનો ફોન આવેલોઃ ‘રતિભાઈ બહારગામ છે. તમે જરૂર આવો. શનિ-રવિ અમારે ત્યાં જ રહેશો.’

અમે લગભગ નગર વીંધતાં ચાલ્યાં. રતિભાઈનું ઘર નગરની સીમાનો એક પહાડી પર આવેલું છે. ટૅક્સીઓ ત્યાં જઈ ઊભી રહી કે, રતિભાઈને પગથિયાં ઊતરી આવતા જોયા. પ્રેમથી અમારું સ્વાગત કર્યું. પહાડી પર પણ ઊંચાઈએ તેમનું ઘર છે. અમે પગથિયાં ચઢવા લાગ્યાં. રતિભાઈ કહે : ‘આ પગથિયાં કવિ ઉમાશંકર કેટલી બધી વાર ચઢ્યા છે!’

પછી તો અમારી બન્નેની વાતમાં વિષય ઉમાશંકર જ. દીપ્તિ, રૂપા, નિરુપમા કે અનિલાબહેન સૌ સાથે હોય ત્યારે સર્વરસની વાત થાય. અમને બન્નેને ઉમાશંકરની વાતોમાં ખોવાયેલા જોતાં એ ચારે આશ્ચર્યમાં ડૂબી જાય. અનિલાબહેન કવિ ઉમાશંકર વિશેની સ્મૃતિચર્વણામાં જરૂર જોડાય. નવલકથાકાર દર્શક પણ અહીં આવી ગયેલા છે. એમ તો ઘણા મહાનુભાવો અહીં આવી ગયેલા છે. રતિભાઈ એ બધી વાત કરે.

ઘર ઘણું સરસ – સાચે જ હિમેલ હોફ – ‘સ્વર્ગીય સદન.’ એ ઘરની પછીતે માત્ર ઊંચે જતી ઘન વૃક્ષોવાળી પહાડી. ઘરમાં પ્રવેશી જેવાં આગલા ખંડમાં આવ્યાં કે સામે પથરાયેલું દેખાય આખું વિયેનાનગર. આ જોતાં જ અમે બધાં તો રાજી રાજી. રતિભાઈનો ઉત્સાહ પણ માય નહિ. એમણે પહેલાં તો અમને ટેબલની આસપાસ ગોઠવી દીધાં. ટેબલ સજાવી દીધું. ભરપૂર ખાદ્યસામગ્રી લાવીને મૂકી. જાતે જ ચા, કૉફી, દૂધ તૈયાર કર્યા. રતિભાઈ વાતવાતમાં બિયેટ્રીસ હોત તો આમ કરત, બિયેટ્રીસ હોત તો તેમ કહેત એમ કહ્યા કરે. એમની દીકરી દિવ્યાદેવી યુનિવર્સિટીમાં ભણવા ગઈ હતી.

ચાનાસ્તો થઈ ગયા પછી રતિભાઈ કહે : ‘ચાલો, હવે નગરદર્શન કરવા નીકળી પડીએ.’ એમણે અમારે માટે જાણે કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો. આકાશમાં વાદળ હતાં અને એ ક્યારેક વરસી પડતાં પણ ખરાં. એટલે ઘરમાંથી છત્રીઓ પણ કાઢી. પછી તો પગથિયાં ઊતરી ટેકરીના ઢોળાવવાળા માર્ગે અમે ચાલવા લાગ્યા. હિમેલ હોફથી વિયેના શહેરનું મેટ્રો સ્ટેશન પગે ચાલીને પણ દૂર નથી. વાંકાચૂકા, ઊંચાનીચા માર્ગોએ થઈ એક પુલ ચઢી અમે મેટ્રો સ્ટેશને પહોંચી ગયાં.

રતિભાઈ કહે : ‘સૌથી પહેલાં તમને ડાન્યુબનાં દર્શન કરાવું. જેમ વિયેનાનું ખરું નામ છે વીન, તેમ ડાન્યુબનું ખરું નામ છે ડોનાઉ. ડોનાઉ જર્મનીનાં બ્લૅક ફૉરેસ્ટમાંથી નીકળી છે અને જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરીમાં વહી બ્લૅક સી સુધી પહોંચે છે. જર્મનીમાં આઉસબર્ગમાં તેની થોડી વાર ઝાંકી કરી હતી.’ રતિભાઈએ તો આ ડાન્યુબની લગભગ પ્રદક્ષિણા કરી છે.

યુરોપના નગરોનો એક મહત્ત્વનો અનુભવ તે આ મેટ્રો-ભૂગર્ભ ટ્રેનોનો છે. નગરજનોની રોજબરોજની યાતાયાત આ મેટ્રો ગાડીઓથી થાય. શહેરના લગભગ કોઈ પણ ભાગમાં જઈ શકાય, જો એક વખત એના નકશા વાંચવાનું શીખી લઈએ.

ડાન્યુબ વિયેના શહેરમાં પ્રવેશે પછી એની મુખ્ય ધારાને બે પ્રવાહોમાં વહેંચી પૂરના ભયને ઓછો કરી દીધો છે. બે ધારા વચ્ચેના ટાપુ ડોનાઉ ઇનસેલ – ડોનાઉ દ્વીપ કહેવાય છે. એક રીતે કૃત્રિમ દ્વીપ છે. ડાન્યુબના મૂળ પ્રવાહને આલ્ટે ડોનાઉ – બૂઢી ડાન્યુબ કહે છે. ગંગાની એક ધારા બૂઢી ગંગા કહેવાય છે. મેટ્રોમાંથી ઊતરી અમે ચાલતાં ચાલતાં ડાન્યુબને કાંઠે પહોંચ્યાં. સ્વચ્છ ભૂરાં પાણી વહી જતાં હતાં.

વરસાદ બંધ થઈ ગયો હતો; પણ પવન ઠંડો હતો. એ ઠંડા પવનમાં નદીકાંઠે ઊગેલાં કાશ ડોલતાં હતાં. એક પથરાળ જગા પર બેસી એક માણસ માછલી પકડવા ગલ નાંખીને બેઠો હતો.

એને ડિસ્ટર્બ કર્યા વિના કિનારે કિનારે ચાલતાં અમે જરા દૂર જઈ ડાન્યુબના ભૂરા જળમાં જઈ ઊભાં. એના જળને માથે ચઢાવ્યું. શિયાળામાં ડાન્યુબ બરફ બની જાય છે.

અહીંથી દૂર યુનિવર્સિટીની ઊંચી ઇમારત દેખાતી હતી. રતિભાઈ કહે કે, યુનિવર્સિટીમાં ઘણા ભારતીય વૈજ્ઞાનિકો કામ કરે છે, પણ એ બધા પોતાને ભારતવાસી તરીકે ઓળખાવતાં શરમાય છે. આ વલણ જાણી અમને આશ્ચર્ય થયું.

કવિ ઉમાશંકર અહીં આવ્યા ત્યારે ડાન્યુબના જળની અંજલિ માથે ચઢાવી હતી. ફરી પાછા અમે કવિસ્મરણોમાં ડૂબી જતાં લાગ્યાં. વિયેનાનો પ્રથમ પરિચય ડાન્યુબ દર્શનથી થયો. અહીંથી અમે નગરદર્શન કરવા ચાલ્યાં. સૌપ્રથમ નગરના ચૉકમાં આવ્યાં, જ્યાં નવમી સદીથી સેન્ટ સ્ટિફન ચર્ચ ઊભું છે. ઠંડો પવન અમને કંપાવી જતો હતો.