યુરોપ-અનુભવ/પૅરિસ ભણી

પૅરિસ ભણી

સ્પેનના માડ્રિડથી પૅરિસ જવા ઊપડેલી ગાડીએ બધી રીતે ભારતીય રેલવેનો અનુભવ કરાવ્યો. ક્યાંક તો ચાલતી ગાડીએ ઊતરી-ચઢી શકાય એટલી ધીમી લાગી. વળી, અમારો ખ્યાલ હતો કે અન્ય યુરો-ટ્રેનોની જેમ અમને સીધા પૅરિસ લઈ જશે, તેને બદલે મધરાતે ર-૪૫ વાગ્યે અમારે ગાડી બદલવાની આવી! બધો સામાન નીચે ઉતારવો, પાછો બીજી ગાડીમાં ચઢાવવાનો અને તે પણ મધ્યરાત્રિએ. એ સારો અનુભવ થયો કે જેથી આપણા દેશની ગાડીઓને બહુ ઉતારી ન પાડીએ. પરંતુ પછીની ગાડીમાં દરેકને અલગ અલગ સીટ પર સૂવાની વ્યવસ્થા મળી ગઈ, બેસવાની જગ્યા મળશે કે નહિ એ ચિંતા તો બાજુએ રહી.

ગાડીની બારીઓના કાચની પાર જોયું તો લાલ સૂરજ નીકળી રહ્યો હતો, ઘડિયાળમાં જોયું તો સાડાછ થયા હતા. અમે ફ્રાન્સનો સૂર્ય જોતાં હતાં, પણ એ આપણા દેશના સુર્યોદય જેવો જ લાગ્યો. હા, નીચેની આખી ધરતી હરિયાળી હતી અને થોડી વારમાં ત્યાં તડકો પથરાયો.

ફ્રાન્સની ભૂમિ પર ફરવાની કે ફ્રાન્સની નગરી પૅરિસ જોવાની જીવનની એક મહેચ્છા સફળ થઈ હતી. પૅરિસ વિષે દેશની અન્ય ભાષાઓ તો એક તરફ, એકલી ગુજરાતીમાં એટલું બધું લખાયું છે કે માત્ર પૅરિસ વિષે લખાયેલી સામગ્રી એકસાથે મૂકીએ તો એક ગ્રંથ થઈ જાય.

ગુજરાતી ભાષાના બે આદિ પ્રવાસીઓ – (જ્યારે કોઈ પણ હિન્દુ માટે દરિયો પાર કરવો એટલે નાતબહાર થવાની સજા ભોગવવી પડતી, મોહનદાસ કરમચંદ પણ અપવાદ નહોતા,) મહીપતરામ નીલકંઠે અને કરસનદાસ મૂળજીએ ઓગણીસમી સદીની મધ્યમાં પણ પૅરિસદર્શનથી જે અદ્ભુત આનંદ અનુભવેલો તેનું વર્ણન પોતાના ગ્રંથોમાં કર્યું છે. મહીપતરામે તો પ્રેમાનંદે કરેલું શ્રીકૃષ્ણની નગરી દ્વારકાના વૈભવપૂર્ણ વર્ણનની પંક્તિઓ ટાંક્યા પછી એવું લખેલું કે જો પ્રેમાનંદે પૅરિસ જોયું હોત તો દ્વારકાનું વર્ણન આથી પણ વધારે ઉત્તમ રીતે કરી શકત. કરસનદાસે પણ એવા અર્થનું કંઈક લખેલું છે. પૅરિસને સૌથી વધારે ગુજરાતીમાં લાડ લડાવ્યાં હોય તો તે ચં. ચી. મહેતાએ. એકાધિક વાર તેમણે પૅરિસ વિષે અને પૅરિસની સુંદરીઓ વિષે ઉત્ફુલ્લ કલમે લખ્યું છે.

ઉમાશંકર પૅરિસ ગયા, તો તેમને તો યાદ આવી ગયા આપણા કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ, જે પૅરિસ તો નહોતા ગયા, પણ ફ્રાન્સ અને યુરોપના સાહિત્યના અભ્યાસી જીવ હતા. હરિશ્ચંદ્ર ભટ્ટ વિષે કરેલી કવિતામાંથી ઉમાશંકરની પંક્તિઓ યાદ આવી ગઈ, જે એમણે પૅરિસની રમણીઓ વિષે લખેલી છે :

આ પૅરિસે ચમકતાં નમણાં શરાબી

સ્ત્રીઓ તણાં પ્રણયકંપિત લોચનોમાં

આભા તરે હૃદયની અભિજાત કોઈ.

અમારી ગાડી એ પૅરિસનગરી તરફ જતી હતી, ગાડીમાંથી દેખાતું હતું એક નાનું ફ્રેન્ચ ગામ. તડકામાં સ્નાન કરી રહ્યું હતું. એ ગામનાં ઘરો વચ્ચેથી ચૅપલનું ઊંચું શિખર દેખાતું હતું, જેમ આપણાં ગામોમાં મંદિરનાં ધ્વજાસ્પંદિત શિખરો દેખાય તેમ.

ગાડી વેગમાં હતી, સ્પેનના લૅન્ડસ્કેપથી ફ્રાન્સનો આ લૅન્ડસ્કેપ કેટલો જુદો હતો? ખેતરોમાં લીલો પાક હતો, વચ્ચે દેશી નળિયાંવાળાં ઘર પણ હોય. ખેતરો વચ્ચે પાકી સડક જતી હતી. કેટલાંક ખેતર એટલે વૃક્ષોની ખેતી. કવિ ફ્રૉસ્ટનાં વુડ્જ (વુડ્જ આર લવલી, ડાર્ક ઍન્ડ ડીપ!). પાણી ભરેલા ખેતરના ક્યારા જોઈ મને ચોમાસાનાં આપણાં ખેતરો યાદ આવી ગયાં. ખેતર એટલે ખેતર એમ જ ને?

વળી, પાછું એક ગામ પસાર થાય છે, ચૅપલ તો ખરું જ. વચ્ચે વેગથી જતી ગાડી. હવે કવિ ઉમાશંકરની પંક્તિ વળી મનોમન બોલાઈ જાય : ‘માઈલોના માઈલ મારી અંદરથી પસાર થાય છે…’

ગાયોનું ધણ. લાલ-માંજરી ગાયો. એકબે મોટાં ટાઉન પણ ગયાં. એક સ્ટેશને ગાડી ઊભી રહી. વળી, પાછાં ખેતરો અને ફુવારાથી થતી સિંચાઈ. માણસો દેખાતાં નથી. કેટલાંક ખેતરોના ઢોળાવ રમણીય હતા. ત્યાં ખેતરો વચ્ચે જોયું : છૂટું એક ઘર લાલ નળિયાંનું. મને ખેડુપુત્રને ખેતર વચ્ચે આવા ઘરમાં રહેવાની ઇચ્છા ન થઈ જાય? મારાં સહપ્રવાસીઓ પણ બારીની આરપારની આ મનોરમ ફ્રાન્સની ભૂમિ જોઈ આનંદિત હતાં.

વળી, ગામ, જૂનું લાગતું ચર્ચ, ટેકરી પર છૂટાંછવાયાં ઘર. એક નદી પસાર થઈ. આકાશ એકદમ સ્વચ્છ હતું, ભૂરું. ફ્રેન્ચ કવિતા યાદ આવી : La Azure. (એઝ્યુર – એટલે ભૂરું.)

ફ્રેન્ચ ભાષાના કેટલાક કવિઓ-લેખકો યાદ આવવા લાગ્યા. ત્યાં ફ્રેન્ચ ભાષા સાંભળવા મળી. પ્રવાસીઓને સૂચનો ફ્રેન્ચમાં થતાં હતાં.

અરે, નદી! એ જ સેન, વિખ્યાત સેન! એ જાણે અમારી સાથે દોડતી હતી. પૅરિસ પહોંચવામાં હતાં.

અમે પૅરિસના એક સ્ટેશન Gare (સ્ટેશન) de Ausurwitz ઊતર્યાં.

અનિલાબહેનના એક સગા પૅરિસમાં રહેતા હતા, વર્ષોથી. તેમને પત્ર લખીને અમને પોષાય એવી એક હોટલમાં બે ઓરડા આરક્ષિત કરવાનું લખેલું. તેમના પત્રો આવેલા. હોટલનું નામ અને સરનામું આપેલાં, પણ સાથે સૂચના પણ આપેલી કે સમયસર ન પહોંચીએ તો કદાચ બીજા ઉતારુઓને આપી દે. ઍડવાન્સ પેટે કંઈ લેતા નથી.

સ્ટેશને ઊતરી ટૅક્સીઓ કરી પૅન્થિઓન થઈ હોટલ કુજાએ પહોંચી ગયાં.

આ ‘પૅન્થિઓન’ શબ્દ એક રમૂજ બની ગયો છે, અમારે માટે, પણ એની વાત પછી.