યુરોપ-અનુભવ/વેટિકન

વેટિકન

રોમમાં સવારની વેળાના તડકા પથરાઈ ચૂક્યા હતા. અમે વિશ્વના સૌથી નાનામાં નાના સાર્વભૌમ સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો. વસ્તી એની ૧૦૦૦ની. એનું નામ વેટિકન સિટી. રિપબ્લિક ઇટલીમાં આ એક સ્વતંત્ર રાષ્ટ્ર. અહીં પોપની આણ પ્રવર્તે છે. વેટિકન સિટીનો પોતાનો રાષ્ટ્રધ્વજ છે, પોતાની ટપાલટિકિટ છે, પોતાનું નાણું છે, પોતાનું આકાશવાણી મથક છે, પોતાનું છાપું છે, એટલું જ નહિ, ઘણાં અગત્યનાં રાષ્ટ્રો સાથે સ્વાયત્ત રાજદ્વારી સંબંધો પણ છે. પોપ આજે એમના ભાવિકોને દર્શન આપવાના હતા, પણ અમે તો કલાના ખજાના લૂંટવા આવ્યાં હતાં, નહિ કે ધર્મપુરુષોનાં દર્શનથી પુણ્યો અર્જિત કરવા. પ્રવાસીઓનાં ટોળેટોળાંમાં અમારું પાંચ જણનું એક નાનકડું ટોળું. ક્યાંક ક્યાંક યૌવનથી કસમસાતી અંગયષ્ટિઓ આ મેળામાં નયનને બરબસ આકૃષ્ટ કરે. એકાદ સુંદરી તો એવી નજરે પડે કે પાર્વતી માટે કવિ કાલિદાસે યોજેલા શબ્દો યાદ આવે કે એક જ સ્થળે બધું સૌંદર્ય જોવા માટે – ‘એકસ્થ સૌન્દર્ય દિદક્ષયેવ’ – વિધાતાએ એનું નિર્માણ કર્યું છે. ભલે, માઇકેલ ઍન્જેલો કે રફાયેલ – વિધાતા જ સૌથી મોટા કલાકારને!

વેટિકન સિટીનાં બધાં મ્યુઝિયમો જોવાં હોય તો ઘણો સમય જોઈએ જ, આપણી પણ થોડી સજ્જતા જોઈએ. કળાની વિવિધ શૈલીઓ – ગ્રીક, રોમન, ગૉથિક, રેનેસાં, બાઇઝેન્ટાઇન, બેરોક, રોકોક્કો વગેરેનો ખ્યાલ અપેક્ષિત. હોમરનાં મહાકાવ્યો, ગ્રીક-રોમન પુરાણકથાઓ, જૂનાનવા બાઇબલના અને ઈશુના જીવનના મહત્ત્વના પ્રસંગોની જાણકારી, યુરોપમાં, વિશેષે, રોમમાં ખ્રિસ્તી સંતોનાં ચરિત્રો (હાજિઓગ્રાફી) અને એમના પરચા આ બધું આ કલાકૃતિઓને પામવામાં મદદરૂપ બને. અજંતાની ગુફાનાં ચિત્રોનું દર્શન જાતકકથાઓ અને બુદ્ધચરિત જાણ્યા વિના અધૂરું નથી રહેતું?

યુરોપ યાત્રા પૂર્વે જ અમદાવાદમાં ‘ગ્રેટ મ્યુઝિયમ્સ ઑફ ધ વર્લ્ડ’ની શ્રેણીમાં પ્રકાશિત વેટિકન મ્યુઝિયમોના આલ્બમમાંથી મુખ્ય કલાકૃતિઓની સૂચિ કરી લીધી હતી, તેમ છતાં પ્રવેશદ્વારેથી જ જાણે કે અમૂંઝણમાં પડી ગયાં : શું જોવું, શું ન જોવું? બપોરના દોઢ- પોણાબે સુધીમાં બધું જોઈ લેવાનું હતું. ૫૦૦૦ લીરાની ટિકિટ ફરી ફરી લેવાની પોષાય નહિ. વેટિકનના પ્રવેશ દ્વારથી ટિકિટબારીઓ સુધીનો ગોળાકાર ઉપર ચઢતોઊતરતો માર્ગ પણ ગમી જાય એવો. એ ખરું કે, અમે સિસ્ટાઇન ચૅપલમાં માઇકલ ઍન્જેલોના અને રફાયેલના ઓરડાઓમાં રફાયેલની ચિત્રકૃતિઓ જોવા આતુર હતાં, પણ શરૂમાં જ આવતાં પિના કોટેચા મ્યુઝિયમ ભણી વળ્યાં. ખુલ્લા તડકાનો દિવસ હતો, પણ એક વાર મ્યુઝિયમમાં પ્રવેશીએ એટલે આબોહવા જાણે બદલાઈ જાય. કાળ જેવો કાળ બદલાઈ જાય. ઈશુ જ્યારે સદેહે આ લોકમાં વિચરતા હતા, તે કાળમાં અમે પહોંચી ગયાં. ઈશુના જન્મનું જીઓનાનીનું ચિત્ર, મેડોના અને બાળ ઈશુનું ગિઓટ્ટોનું ચિત્ર, ઈશુના ક્રૂસારોહણનું નિકોલો આલુન્નોનું ચિત્ર – આ ચિત્રો અદ્ભુત પ્રભાવ મૂકી જાય છે. ઈશુના જન્મનું ચિત્ર જોતાં કારાવાસમાં જન્મેલા કૃષ્ણની કથા યાદ આવે. સદ્યજાત ઈશુ, એમને પ્રણામ કરતી જનની મેરી, ગમાણ અને ગધેડો અને ગામ બહાર ગુલાબનાં ફૂલ અને ટેકરીઓ તરફ જોતા ભરવાડોની ઝાંખી આકૃતિઓ.

મેડોના અને બાળ ઈશુ એટલે જશોદાકૃષ્ણ, સનાતન માતા અને સનાતન શિશુ.

ફિલિપ્પો લિપ્પિનું ચિત્ર ‘કૉરોનેશન ઑફ ધ વર્જિન’ છે. એ જ વિષે રફાયલનું પણ ચિત્ર છે. અહીં રફાયલનું ‘ટ્રાન્સફિગ્યુરેશન’ નામનું એમનું છેલ્લું સર્જન છે. ઈશુના મૃતદેહને ક્રૂસ પરથી ઉતાર્યા પછી ગુફાની એક કબરમાં રાખ્યો છે. ત્યાંથી એકાએક દિવ્યરૂપ લઈ ઈશુને આકાશભણી જતા બતાવ્યા છે. દિવ્ય તેજની પ્રખરતામાં આ અદ્ભુત ઘટનાના સાક્ષીઓના ચહેરા પરના ભાવ સૂક્ષ્મતાથી અંકિત છે. (પહોળા કરેલા હાથ અને હવામાં ઊડતાં વસ્ત્રોથી ઈશુ ચૈતન્ય મહાપ્રભુ જેવા કેમ લાગ્યા?) આ મ્યુઝિયમમાં ટૅપિસ્ટ્રીની ચિત્રકારી છે, એટલે કે વણાટમાં ચિત્રો ઉપસાવવામાં આવ્યાં છે, જેમાં લિયોનાર્ડો વિંચીના ‘લાસ્ટ સપર – છેલ્લું ભોજન’ (મૂળ ચિત્ર મિલાનોમાં છે)ની અનુકૃતિ છે. કેટલાક ઓરડાઓમાં અમે ઝડપથી પસાર થયાં.

ચિત્રોની દુનિયામાંથી અમે શિલ્પોની દુનિયામાં આવ્યાં. એક ખુલ્લા ચૉકમાં થઈ પીઓ ક્લેમેન્ટિનો મ્યુઝિયમ સંકુલમાં પ્રવેશ્યાં. અહીં ગ્રીક અને રોમની પ્રાચીન શિલ્પ કૃતિઓ છે. કેટલીક મૂળ – કેટલીક મૂળની પ્રાચીન અનુકૃતિઓ.

નગ્ન વિનસ – રોમન નામ એફ્રોડાઇટ કદાચ સ્નાન માટે જઈ રહી છે, કદાચ સ્નાન કરીને આવી રહી છે. પોણા સાત ફૂટની ભરીપૂરી નગ્ન નારી. નારીચિત્રણામાં મેડોના પછી કલાકારોનો આ બીજો પ્રિય વિષય. કેટલી બધી વિનસો! ત્રિભંગની મુદ્રામાં ઊભેલી આ વિનસ ‘નીડુસ (ગામ)ની વિનસ’ કહેવાય છે. વેટિકનમાં આ મૂર્તિ મૂકતાં પહેલાં ચોખલિયા દૃષ્ટિએ એની નગ્નતાને ઢાંકવા ગુહ્યાંગને શ્વેત રંગે રંગી નંખાવેલું. ઘણી કલાકૃતિઓ સાથે આવાં ચેડાં થતાં રહ્યાં છે. જગન્નાથપુરીના પ્રસિદ્ધ મંદિરની બહારની દીવાલો પરની મૂર્તિઓ પર પ્લાસ્ટર કરી દેવામાં આવેલું અને શત્રુંજયના આદીશ્વરના મંદિરના મંડોવર પરની મૂર્તિઓને પણ ઢાંકી દઈ ઓરડીઓ બાંધી દીધેલી. હવે બધું હટાવાયું છે. વિનોબાજી પ્રણમ્ય સંત. ખજુરાહોની શિલ્ય મૂર્તિઓ વિષે એમના અભિપ્રાયને લક્ષમાં લેવાય નહીં.

નીડુસની વિનસનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મૂળ કલાકાર તો ગ્રીક પ્રાક્સીટેલસ. એનું મોડેલ ફ્રિને નામે એક સુંદરી હતી. અત્યારે આ વિનસના ધડ પર જે મસ્તક છે તે મૂળ મૂર્તિનું નથી. વિનસ જ ખુદ મૂળ નથી. ઈ.સ. પૂર્વે ૩૫૦માં કંડારાયેલી વિનસની બીજી સદીમાં થયેલી અનુકતિ છે. આ વિનસની સાથે યાદ આવે વિનસ દ મિલો. મિલો(ગામ)ની વિનસ. પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં જે વિનસ છે તેનું ઊર્ધ્વાંગ ખુલ્લું છે, કદાચ એ પણ નાહવા જતી હોય, કમરથી જરા નીચે સુધી વસ્ત્રો ઉતાર્યાં છે.

જેમ વિનસ નારીદેહના લાવણ્યનું, તેમ ઍપોલો (બેલવેદિયર) પુરુષના ઓજસનું ભાસ્કર્ય છે. આ પણ ઈ. સ. પૂર્વેની ગ્રીક કલાકૃતિની અનુકૃતિ છે અને એનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ઍપોલોની નગ્નતાને ઓલિવનાં પાંદડાં(શિલ્પિત)થી ઢાંકવામાં આવી છે.

પછી તો પ્રસિદ્ધ શિલ્પ જોયું – લાઓકૂનનું. એ વિષે કેટલું વાંચેલું? સાંભળેલું? આ શિલ્પ પણ સોળમી સદીમાં રોમની એક દ્રાક્ષની વાડીમાંથી જડી આવેલું. એ વખતે એની ઘણી વાહ વાહ થયેલી. લેસિંગ નામના સમીક્ષકે તો ‘લાઓકૂન’ નામની ચોપડી લખી કળાના માધ્યમોની મર્યાદાનો સૌન્દર્યસિદ્ધાંત સ્થાપ્યો. લાઓકૂનની ચીસ એ વિષય છે. લાઓકૂન ટ્રોયનો એક પૂજારી હતો અને એણે ગ્રીકોના લાકડાના ઘોડા વિષે ટ્રોજનોને સાવધાન કરેલા.

એની સજા રૂપે પછી એક વેળા જ્યારે તે પોતાના બે પુત્રો સાથે સમુદ્રતટે જતો હતો ત્યાં એમને મહાસર્પોએ ભરડામાં લીધો. સર્પો દ્વારા ભરડામાં લેવાયેલા પિતા અને બે પુત્રો એ આ શિલ્પનો વિષય છે. આ વિષયને વર્જિલે કવિતા દ્વારા રજૂ કર્યો છે. એકનું માધ્યમ પથ્થર, બીજાનું માધ્યમ શબ્દ. શિલ્પીએ લાઓકૂનની વેદનાને – નિરાશાને ખુલ્લા થયેલા મોં દ્વારા કંડારી છે. એમાંથી ચીસ જ નીકળી હશે ને! શિલ્પીએ પિતા અને પુત્રોની સર્પોના ભરડામાંથી છૂટા થવાની મથામણ રૂપે જે સ્નાયવિક દૃઢતા કંડારી છે તેની સૌ પ્રશંસા કરે છે, પણ ઘણા આધુનિક કલાસમીક્ષકોને આ વિષય ‘મોર્બિડ થ્રિલર’થી વધારે લાગ્યો નથી.

કોઈ એક શાપથી ઊંઘી ગયેલી આરિઆગનેનું શિલ્પ અમે શોધતાં હતાં, પણ એ સુપ્ત સુન્દરીને અમે શોધી શક્યાં નહિ. એમ કરતાં કરતાં અનેક શિલ્પ જોયાં પછી વિખ્યાત સિસ્ટાઇન ચૅપલમાં પ્રવેશ કર્યો. મૂળે તો આ પોપનું નિજી ચૅપલ ગણાય છે. પંદરમી સદીના અંતમાં જીઓવાનીનો નામના સ્થપતિએ એનું નિર્માણ પોપ સિક્સ્ટ્રસ માટે કર્યું હતું. આ દેવળમાં એણે મહાન ચિત્રકારો પાસે ભીંતચિત્રો કરાવ્યાં. છતના ચિત્રાંકન માટે પોપે એ વખતે ફ્લૉરેન્સમાં રહેતા માઇકલ ઍન્જેલોને નિમંત્રણ આપેલું.

માઇકલ ઍન્જેલો એટલે મધ્યયુગની સર્વતોમુખી પ્રતિભાનું સહસ્રદલકમલ. ઍન્જેલો કવિ હતા, સ્થપતિ હતા, શિલ્પી હતા, ચિત્રાંકનો પણ કરેલાં, તેમ છતાં એમની સર્જનાત્મકતા શિલ્પમાં સોળે કળાએ પ્રકટતી. એઓ પોતાને શિલ્પી માનતા એટલે જ્યારે પોપે છત ચીતરવાની અગ્રિમ રાશિ તરીકે ૫૦૦ સોનામહોરો મોકલી ત્યારે એમણે એક મિત્રને પત્રમાં લખ્યું કે, ‘એક શિલ્પીને ચિત્રકામ માટે પ૦૦ મહોરો મળી છે.’ એ ચીતરવાનું કામ લેવા તૈયાર નહોતા. પોપની આજ્ઞાનું ઉલ્લંઘન અશક્ય એટલે દેશ છોડી જવા પણ તૈયાર થયા. એમને લાગ્યું કે, રફાયલ જેવા ચિત્રકારોનું આ કાવત્રું હતું. એથી ચિત્રકલામાં ઍન્જેલો કરતાં ચઢિયાતા સાબિત થવાય. તેઓ જાણતા હતા કે ઍન્જેલો ચિત્રકાર તરીકે એટલા કુશળ નથી. પછી છેવટે ઍન્જેલોએ પોપનું કહેણ સ્વીકારેલું.

જમીનથી ૮૫ ફૂટ ઊંચી છત સરસી પાલક બાંધીને, છતના સાતસો ચોરસવારના પટ પર દિવસોના દિવસો સુધી, ચત્તા સૂતાં સૂતાં જગમશહૂર ચિત્રો માઇકેલ ઍન્જેલોએ દોર્યા, ખાવાપીવાનું ભાન એક પ્રચંડ સર્જનના પૂરમાં ભૂલી જતા. અઠવાડિયા સુધી પગમાંથી જોડા સુધ્ધાં કાઢ્યા નહોતા. છેવટે મિત્રોએ કપડાં બદલવા સમજાવ્યા. જ્યારે જોડા કાઢ્યા ત્યારે સાથે પગની ચામડી પણ નીકળી ગયેલી! પીઠ પર સૂતાં સૂતાં જ કામ કર્યું, તે કામ પૂરું થયા પછી સ્વાભાવિક સ્થિતિમાં ઊભા રહેતાં દિવસો ગયેલા. અહીંની સમગ્ર ચિત્રસૃષ્ટિ પૂરી કરતાં એમને ચાર વરસ લાગેલાં.

ઍન્જેલો નખશિખ કલાકાર હતા. એ કોઈ પરંપરાને વરેલા નહોતા. રફાયલ જેવા ચિત્રકારો અમુક શૈલીના કે શાળાના ચિત્રકારો. એ પરંપરામાં રહીને કલાકૃતિઓનું સર્જન કરતા. ઍન્જેલો જે કંઈ સર્જન કરતા તે એમની સર્જનમુદ્રાથી અંકિત રહેતું.

પોપે તો એમને ૧૨ પ્રેષિતોનાં ચિત્રો દોરવા કહેલું. ઍન્જેલો કોઈના આશ્રમમાં રહીને સર્જન કરતા, છતાં સર્જન તો પોતાની સ્વેચ્છાથી – કલાકારની અંદરની માગથી કરતા. એમણે છત પર અંકન કરવા માટે જૂના બાઇબલમાંથી ઉત્પત્તિની કથા (જેનેસિસ)ના પ્રસંગો લીધા. બીજા પ્રસંગો એમણે કવિ ડાન્ટેની ડિવાઇન કૉમેડી’માંથી લીધા. ફ્લૉરેન્સવાસી આ કવિની ફ્લૉરેન્સવાસી કલાકાર લગભગ ભક્તિ કરતા. તેઓ કહેતા કે, ‘ડાન્ટ’ જેવી આવડત મળતી હોય તો ગમે તેવો દેશવટો ભોગવવા તૈયાર છું.’ ડાન્ટેમાંથી એમણે કયામતનો દિવસ (લાસ્ટ જજમેન્ટ) વિષય લીધો, જે ચૅપલની મુખ્ય વેદીની આખી પછીત ભરીને ચીતર્યો છે. ઈશુ એના કેન્દ્રમાં છે. આ પ્રચંડ ‘મનોઘટનાશાલી’ અથક સર્જક ઍન્જેલોને આખી જિન્દગી થયા કરતું હતું કે, આત્માના મોક્ષાર્થે જેટલું કરવું જોઈએ એટલું કર્યું નથી. એક બાજુ એમનું ગ્રીક સૌંદર્યચેતનાથી આપ્લાવિત મન, બીજી બાજુ ધર્મચેતના અને ખ્રિસ્તી અપરાધબોધથી અલિપ્ત મન – એમની સૌંદર્યચેતનામાં ધર્મબોધ ભળી ગયેલો છે. એટલે ચિત્રો એક શિલ્પીની જેમ દોર્યાં, શિલ્પીની જેમ મનુષ્યદેહ – શરીરરચનાનું અંકન કર્યું છે. છતમાં ત્રિકોણાકાર, અર્ધગોળાકાર અને ચોરસના ખંડો પાડી પછી જે ચિત્રો દોર્યાં છે તે ૮૫ ફૂટ નીચે – ભોંયતળિયે ઊભેલા દર્શકોની આંખોને બેચેન કરે છે, કાલિદાસના શબ્દોમાં ‘પર્યુત્સુક’ કરે છે.

ઍન્જેલોએ સર્જનથી જળપ્રલય સુધીની ઘટનાઓ લીધી છે. તેમાં દર્શકો જે ચિત્ર શોધ્યા કરે છે અને પછી જોયા કરે છે તે છે : આદમનું સર્જન. એક બાજુ પોતાના દૂતો સાથે હવામાં જેનો અંચળો લહેરાય છે તેવા દાઢીમૂછ અને જટાવાળા આકાશસ્થિત ઈશ્વરના લંબાયેલા હાથની આંગળી, બીજી બાજુ ધરતી પર નગ્ન આદમે એક પગ લાંબો કરી બીજો પગ વાળી, ઢીંચણ પર લંબાવેલો હાથ.

હાથની આંગળી જરા વળેલી છે. એ કદાચ જીવન મેળવવા ખમચાય છે. દરેક ખ્રિસ્તી માટે જીવનની બક્ષિસ એ ખરેખર બક્ષિસ નથી. પણ ઈશ્વર પોતાની અંગુલિના દિવ્ય વિદ્યુત્‌સ્પર્શથી એનામાં જીવનનો સંચાર કરે છે. ઈશ્વરને ચિંતા તો છે. ઈશ્વરનો હાથ અને એની સીધી તર્જનિકા અને આદમનો હાથ અને એની ઈષત્ વાંકી તર્જનિકા વચ્ચે સૂક્ષ્મ અવકાશ છે. પછી ચિત્ર છે : ઈવનું સર્જન. સર્જનહારે સર્જેલું આદિયુગલ. તે પછી ઈવ અને આદમનું ઈડનની આનંદવાટિકામાંથી જ્ઞાનફળ ખાવાને લીધે નિષ્કાસનનું અંકન છે. પછી જળપ્રલય અને નૂહનું આલેખન છે.

ઈશ્વરે આદમજાતનું સર્જન કર્યું. માઇકેલ ઍન્જેલોએ ઈશ્વરનું. સર્જનહારે સર્જેલા સર્જકે સર્જનહારનું સર્જન કર્યું!

ચૅપલની ભીંતો પર બીજા મહાન ચિત્રકારોનાં ચિત્રો છે. પછીતે છે કયામતનો દિન. જોતાં જોતાં એમ લાગતું હતું કે, અમે ડાન્ટેની ‘ડિવાઇન કૉમેડી’ના કોઈ અનાખ્યાત સર્કલમાં તો નથી પ્રવેશી ગયાં ને!