યોગેશ જોષીની કવિતા/આખીય રાત...

આખીય રાત...

આખીય રાત
મેં સાંભળ્યા કરી નીરવતા
ને જોયા કર્યું મારી ભીતર–
પેલા ખેતરની થોરની વાડ
અન્ધકારને ચીરતી ધી...મે ધી...મે સરકતી સરકતી
આવતી જાય છે મારી નજીક ને નજીક!
સ્તબ્ધ થઈને ઊભું છે સામેનું ઝાડ
છતાંય એનું એક પાન કમ્પે છે સતત!

કોક આવીને
ક્યારનુંય બેઠું છે ચૂપચાપ, આંખને કિનારે!
થાકી ગયેલો દરિયો
કણસે છે મારા પડખામાં,
કોક શબના ફાટી ગયેલા ડોળા જેવી મારી આંખોમાંથી
ફૂટ્યા કરે છે ટ્રેનની તીણી ચીસો, ચૂપચાપ!
દીવો લઈને કશુંક ખોળવા માટે
મારા દેહની ભીતર ફર્યા કરે છે કો’ક!
છેક કાનના પડદા પાસે આવીને
ધબક્યા કરે છે હૃદય!

ભીંત પર ચોંટી રહેલું અજવાળું
ટપ્‌ દઈને ખરી પડ્યું, ચૂપચાપ!બસ, તે દિવસથી હું...

હવે હું
મારી પથારીમાં નથી.