રંગ છે, બારોટ/10. ભેરિયો ને ભૂજિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 35: Line 35:
ચેલા ભરમાણા : ગુરુના શબથી ભરેલી કડાઈને દરિયામાં તરતી મૂકી દીધી. કડાઈ તરતી તરતી ચાલી જાય છે. અંદરથી કપૂરના ધૂપના ગોટેગોટા ઊડે છે. થોડે વખતે તો ગુરુની કાયા કપૂર થઈને આખીય ઊડી ગઈ.
ચેલા ભરમાણા : ગુરુના શબથી ભરેલી કડાઈને દરિયામાં તરતી મૂકી દીધી. કડાઈ તરતી તરતી ચાલી જાય છે. અંદરથી કપૂરના ધૂપના ગોટેગોટા ઊડે છે. થોડે વખતે તો ગુરુની કાયા કપૂર થઈને આખીય ઊડી ગઈ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 9. નાગ અને બામણ
|next = 11. ચંદણ–મેણાંગરી
}}

Latest revision as of 15:28, 16 May 2022

10. ભેરિયો ને ભૂજિયો

જેસલમીરના રાજકુંવરને ગારુડીવિદ્યાનો નાદ લાગ્યો છે, રાજકાજમાં ધ્યાન નથી. મોરલી વગાડવામાં જ મશગૂલ રહે છે. એની મોરલીએ મણિધર ફણીધર ડોલે છે. ગારડી વિદ્યાના મંતર જંતર હાથ કરવા રાજકુંવર ભેરિયો દેશદેશમાં ભમે છે. જુવાન થયો, ભૂચર, ખેચર અને અગોચર વિદ્યાને એણે સાધી લીધી. પગની ઘૂંટી સુધી ઢળકતી એક ભગવી રેશમી કફની પહેરી, ઝૂલતાં જુલ્ફાં માથે ભગવો ટૂંકો ફટકો બાંધી, હાથમાં હીરાજડિત મોરલી લઈ અને સોને મઢેલ ચાખડીએ ચડીને ભેરિયો એક દિવસ ભર્યાં ભર્યાં રાજપાટને છોડી માબાપથી છાનોમાનો મહેલ બહાર નીકળી ગયો. મોરલીના સૂરને માથે જંગલોનાં પશુપંખીને ડોલાવતો ભેરિયો ગારડી પંથ કાપ્યે જાય છે. એમાં એક વાર પોતે એક ઠેકાણે ઊભો રહ્યો. ભૂચર વિદ્યાનો સાધેલ ખરો ને, એટલે ભૂતળમાં કોઈક વાતો કરતું લાગ્યું. હેઠે બેસીને એણે કાન માંડ્યા. પૃથ્વીના પેટાળમાં કોક બે જણા વાતો કરે છે. શું વાતો કરે છે? એક જણ બીજાને કહે છે કે, “હે સિદ્ધ! સિંધુના કાંઠાની લાખી ગુણિકા નવસો ને નવ્વાણું જાતના નાગને સાધીને બેઠી છે. બેઠી બેઠી કોઈક એ નવસે નવ્વાણું નાગના નાથનારની વાટ જુએ છે. છે તો ગુણિકાનું દૂધ, અને રૂપજોબન દેહમાં માતાં નથી, પણ વિદ્યાની સાધનામાં એવી ચડી ગઈ છે, કે એના નાગને નાથનારો આવે તો જ વરે, નીકર બાળેવેશ બેઠી આયુષ્ય કાઢશે એવાં તો એણે વ્રત લીધાં છે.” ત્યારે બીજા સિદ્ધે જવાબ દીધો કે “યોગીરાજ! જેસલમીરનો રાજકુંવર ભેરિયો ગારડી બન્યો છે, ગારડી વિદ્યાને માટે તો તેણે રાજપાટ અને માબાપ છોડી દીધાં છે; રૂપ તો બેય એકબીજાને ઝંખવે તેવાં છે. બેયનું જોડું જામી પડે….. પણ.” એ ‘પણ’ શબ્દને સાંભળવાની ધીરજ ભેરિયો ન રાખી શક્યો. એણે સાંભળ્યું પણ અધૂરું સાંભળ્યું. એની સોનાની ચાખડીઓ સિંધુનાં નીર ઢાળી વહેતી થઈ. રસ્તામાં એણે ચાર ચેલા કર્યા. ચારેયને પોતે કહી રાખ્યું કે “દેખો ચેલા! મારી ગારડી-સાધનામાં કોઈ વાર પણ જો મને સાપડંશથી મૉત મળે, તો મારા શબને તમે બાળશો નહીં, દાટશો નહીં, પણ તળીને ભક્ષ કરી જજો.” ચેલાઓએ કબૂલ કર્યું, પણ કારણ કાંઈ પૂછ્યું નહીં, જુવાન ગુરુએ કારણ કહ્યું નહીં. થોડે દિવસે સિંધુનો કાંઠો આવ્યો. આ કાંઠે ભેરિયાનો પડાવ, ને સામે કાંઠે લાખી ગુણિકાના ડેરા-તંબૂ. સામે કાંઠે ઊડવા માટે ભેરિયે ખેચર વિદ્યા અજમાવી. પણ ઊંચે ઊડીને પાછો પડે. ઊડે ને પાછો પડે. કારણ શું? કારણ કે સામેથી લાખીની ખેચર વિદ્યા એને અટકાવે છે. ઊડવા ન દીધો. થાકીને ભેરિયો ભોંયે સૂતો. પડખે રત્નજડિત મોરલી પડી છે, સોનાની ચાખડી પડી છે. ભગવા રંગની રેશમી કફનીએ દેહ ઢંકાણો છે. મોં ઉપર કમ્મરબંધ ઢાંક્યો છે. મોવાળા ભોંય માથે પથરાઈ ગયા છે. ભેરિયો ઊંઘે છે. અધરાત થઈને લાખી ઊડીને આવી. ઊંઘતા ભેરિયાના મોં માથેથી પાંભરી ખસેડીને રૂપ નીરખી રહી. વાય રૂપ! વારી રૂપ! સાચો બત્રીશલક્ષણો. જેની વાટ હતી તે જ આવી પહોંચ્યો ને શું? પગનો અંગૂઠો હલાવ્યો : “ઊઠ રે જુવાન! ઊઠ. તારી જ વાટ જોતી’તી. નાથી દે મારા નવસો ને નવાણુંને; પછી આપણે ચાર મંગળ વરતીએ.” ઊડીને સામે કાંઠે ગયાં. નવસો ને નવાણું કરંડિયા ગોઠવીને લાખીએ રાખ્યા હતા. ઢીંચણભર થઈને ભોરિયો મોરલી મંડ્યો ખેંચવા. એક એક કરંડિયો ઊઘડે છે, એક કરતાં એક અદકા અજાજૂડ નાગ ઊઠે છે, પૂંછડી માથે ટટ્ટાર થઈ જઈને સૂપડા સૂપડા જેવડી પહોળી ફેણ માંડે છે, ફૂં! ફૂં! ફૂંફાડે છે, આંહીં મોરલીના સૂર માથે ને નાગની વરાળ નાખતી આંખો સામે ભેરિયો એકધ્યાન છે. અરે!

મોર કો ધ્યાન લગ્યો ઘનઘોર સે,
દોર સે ધ્યાન લગી નટકી;
દીપક ધ્યાન પતંગ લગ્યો,
પનિહારી કો ધ્યાન લગ્યો મટકી.

એવી આ તો ધ્યાનની, અચૂક નજરની જ રમત છે. નજર ચૂક્યો કે મુઓ પડ્યો! નજર ચૂક્યો કે ગિયો ગતાગોળમાં; એક પછી એકને પકડી પકડીને ભેરિયો નાથતો ગયો. નવસે અઠાણુંને નાથ્યા, પણ છેલ્લો એક ભૂજિયો નાગ છટકીને ભાગ્યો. ભૂજિયો ભાગ્યો ને ભૂજિયાની પાછળ ભેરિયો. ભૂજિયો ધરતી માથે દોટ કાઢે છે, ભેરિયો એની લગોલગ થાય છે, જેવો ઝાલવા જાય તેવો તો ભૂજિયો ભોંયમાં ઊતરી જઈ અંદર દોડે છે, એટલે ભેરિયો ભૂચર વિદ્યાને બળે ભોંયમાં ઊતરી એનો પીછો લે છે. ભૂજિયો આકાશે ઊડે છે, તો ભેરિયો ખેચર વિદ્યા વાપરીને એનો આકાશમાં પીછો લે છે. ભૂજિયો અલોપ થઈ દોડે છે તો ભેરિયો અગોચર વિદ્યા વાપરીને એને ગોતી કાઢી પાછળ પડે છે. થાતાં થાતાં થાતાં તો ભૂજિયો મારવાડના એક રાજાના રાજમાં પેસી જાય છે અને આશરો લ્યે છે. ભેરિયો ત્યાં જઈ રાજાને કહે છે કે મારો ચોર આંહીં ગર્યો છે, એને બહાર કાઢો. રાજા કહે કે “એમ તો ન બને. મારો શરણાગત છે.” ભેરિયો કહે કે “પણ મારો એ ચોર છે.” રાજા કહે કે “તારો ચોર હોય તો મારા સીમાડા બહાર તને ફાવે તે કરજે.” ભેરિયો વાટ જોઈને સીમાડે ચોકી કરતો બેઠો. પણ ભૂજિયો છાનોમાનો નીકળી ગયો. પહોંચ્યો કચ્છ-ભૂજમાં. પોતાનું ત્યાં થાનક, એટલે પોતે જોરમાં આવી ગયો. ભેરિયો ત્યાં પહોંચ્યો. ભૂજિયાને થાનકે જઈ હીરાજડી મોરલીના મંત્રેલા નાદ મંડ્યો ગજવવા. ભાર નહોતો ભૂજિયાનો કે થાનકમાં ગરી રહી શકે. મોરલીને માથે આવવું પડ્યું. ફેણ માંડીને બેઠો. મંડ્યો ડોલવા. મોરલીને સૂરે સૂરે એની આંખો ઘેનમાં ઘેરાવા લાગી, હમણાં ઝાલ્યો કે ઝાલશે, ઝાલ્યો કે ઝાલશે. એમાં ભેરિયાને મદ આવ્યો. લાખુ ગુણિકા સાંભરી, લાખુનાં રૂપ નજરે ચડ્યાં. હાં હવે તો ઝપટ કરું એટલી વાર છે. ઘડી બ ઘડીમાં નાથી લઉં. લાખુની પાસે જઈને વધામણી આપું. પછી તો હું ને લાખુ — બસ ભેરિયો એક જ પલ — અરે એક વિપલ નજરચૂક થયો. ભૂજિયે એના હાથ ઉપર ટચકાવ્યો. ભૂસ! દેતી મોરલી જઈ પડી, સાફો ઊડી પડ્યો, ને ભેરિયો ચાર ગડથોલાં ખાઈને પડ્યો. ઘડીક થઈ ત્યાં તો એની ગુલાબી કાયા લીલી કાંચ બની ગઈ. ચાર ચેલા આવી પહોંચ્યા. ગુરુનું શબ જોયું. ગુરુનો બોલ સંભાર્યો : ‘ચેલાઓ! ભૂલ કરશો નહીં હો; મારા શબને તળીને ખાઈ જાજો.’ ગુરુનું શબ કડકડતા તેલની કડાઈમાં નાખ્યું. ત્યાં ભૂજિયો ચેત્યો : “હાય હાય! એક ભેરિયાએ નાગકુળની આ દશા કરી, તો આ ચાર પેદા થશે, ચાર નવા ભેરિયા ઊભા થશે, તો પૃથ્વીને માથે નાગનું બીંટ નહીં રહેવા દ્યે.” લીધું બામણનું રૂપ. આવ્યો બરાબર ચેલા કડાઈમાંથી ગુરુના શબને કાઢી ખાવાની તૈયારી કરે છે તે જ ટાણે. કહ્યું : “અરે હે ભાઈઓ! હું બામણ છું. આ શો ઉત્પાત કરો છો! ગુરુના શબને ખવાય? ગુરુ ને ચેલા બધા જ નરકના ભાગી થશો. ગુરુ તો ગાંડો કે આવું અઘોર કર્મ કરવાનું કહેતો ગયો! પણ તમે જીવતા માનવીઓ શું મતિ હારી બેઠા છો? ન ખાવ! ન ખાવ!” ચેલા ભરમાણા : ગુરુના શબથી ભરેલી કડાઈને દરિયામાં તરતી મૂકી દીધી. કડાઈ તરતી તરતી ચાલી જાય છે. અંદરથી કપૂરના ધૂપના ગોટેગોટા ઊડે છે. થોડે વખતે તો ગુરુની કાયા કપૂર થઈને આખીય ઊડી ગઈ.