રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી

Revision as of 11:46, 14 May 2022 by KhyatiJoshi (talk | contribs)
11. ચંદણ–મેણાંગરી

કુંણ નર ધરતીમેં સતિયો જાગિયો રે
હરનું સિંગાસણ ડોલા ખાય?
આબુનાં પાડાંમાં ચંદણ નીપજે રે
વસિયો લોયાણાગઢની માંય
અ,…જી…જી.

અમરાપરીમાં હરિનાં સિંહાસન ડોલવા લાગ્યાં છે. હરિ પૂછે છે કે અરે હે ભાઈ! એવો તે કોણ સતિયો નર ધરતીમાં જાગ્યો છે કે આ મારાં હરિનાં સિંહાસન ટલ્લા દઈ રહ્યાં છે? ત્યારે જવાબ મળે છે કે હે ભગવાન! આબુના પહાડોમાં એક ચંદણ રાજા નીપજ્યો છે, ત્યાં એ લોયાણાગઢનું રાજ કરે છે. એના સતને બળે તમારું સિંહાસન હલબલી હાલ્યું છે. ત્યારે હરિએ પોતાના કૂડકાવડિયાને (નારદને) હુકમ દીધો છે કે કૂડકાવડિયા! જાઓ મરતલોકમાં, રાજા ચંદણનાં સત છોડાવો. એને માથે નખાય તેટલાં દુઃખ નાખો. પણ ખબરદાર! એને કોઈને મારશો મા. નીકર મારા ઓળંભા નડશે તમુને.

ખંભે ખડિયો ને હાથે ડાંગડી રે
આયો મૃતલોકની માંય;
કિયા રાજાની કહિજે સીમડી રે
કિયા રાજાની કહિજે ભોમ!

ભગવાનનો કૂડકાવડિયો તો ખંભે ખડિયો અને હાથમાં ડાંગ લઈ, બામણને વેશે મરતલોકમાં આવ્યો છે, ને વગડામાં પૂછપરછ કરે છે, કે હે ભાઈઓ, આ સીમ ને આ ભોમ કયા રાજાની કહેવાય છે?

રાજા ચંદણવાળી સીમડી રે
માતા મેણાંગરવાળી ભોમ!

હે બામણ! આ તો રાજા ચંદણના લોયાણાગઢ રાજની સીમ છે. ને માતા મેણાંગરની ભોમકા છે. અરે હે ભાઈ ગોવાળીડા! —

પૂછું પૂછું રે વીરા ગોવાળીડા રે
મારે કિયો મારગ લોયાણાગઢ જાય?

ગોવાળ જવાબ વાળે છે —

ડાબો મારગ જાય દુવારકે રે
જિમણો લોયાણાગઢ જાય.

કૂડકાવડિયો તો ડાબો મારગ દ્વારકાનો મેલી દઈ જમણે લોયાણાગઢને માર્ગે ચાલ્યો. લોયાણાગઢને પાદર એણે તો એક વાવ જોઈ છે. ને પૂછ્યું છે —

કીણે ખોદાઈ જગમેં વાવડી રે
કીણે બંધાઈ હરિ પાળ?

પનિહારીઓ કહે છે :

ચંદણ ખોદાયો કૂવા–વાવડી રે
માતા મેણાંગર બંધાવી મોતીડે પાળ.

હે ભાઈ! આ વાવકૂવા તો રાજા ચંદણે ગળાવ્યા છે ને મોતીની પાળ માતા મેણાંગરે બંધાવી છે. કૂડકાવડિયો તો વાવના પગથિયા માથે જઈને આડો ઊભો રહ્યો. એણે તો પનિહારીઓનો મારગ રોક્યો છે. માંહીં પાણી ભરતી હતી તે માંહીં ઊભી થઈ રહી અને બહારથી પાણી આવનારી બહાર થંભી ગઈ. કોઈ કરતાં કોઈ એને અડીને હાલતી નથી. એમ કરતાં તો તો ઝાઝી વેળ થઈ ગઈ. ને પનિહારીઓની કેવી દશા થઈ! તો કહે છે કે —

રાતે ધવરાયો પરભાતે પોઢાડિયો રે
મારે ઊંડળીએ ધાવેલ નાનાં બાળ;
શશરો કેવીજે અંગરો આકરો રે
મારો પિયુજી બોલે મુંને ગાળ
આ…જી…એ…એ.

અમારે ઘેર તો ખોળામાં ધાવણાં બાળ છે, એ બાળને રાતે ધવરાવ્યાં છે ને પ્રભાતે પોઢાડી કરી પાણીડાં આવી છે. આંહીં વાવડીએ તો ઝાઝી વેળ થઈ ગઈ છે. ઘેરે જાશું ત્યારે સસરા મેણાં બોલશે અને પિયુજી ગાળ કાઢશે. છતાં કોઈ બામણને વળોટીને જાતી નથી, માંયલી માંય ને બાહ્યલી બહાર! કૂડકાવડિયો વિચારે છે કે અહો! જેના રાજની પનિહારીઓ પણ સતધરમ છોડતી નથી એ રાજા ચંદણ પોતે કેવોક હશે? એણે તો વાવનો ઓડો છોડી દીધો અને એ આગળ નગરમાં હાલ્યો. નગરમાં મોખરે જ એણે શું દીઠું છે? મોટી મોટી મેડીઓ; ને ઉંબરમાં

સાવ રે સોનારો પેર્યો વાડલો રે
હિયડે હિલોળે નવસાર હાર;
કિયા રાજાની કહીજે મેડિયું રે
કિયા રાજાનાં દુવાર?

મોલમેલાતની રહેનારીઓ ડોકમાં સોનાના ટૂંપિયા પહેરીને ઊભી છે. છાતીને માથે હાર હિલોળા લ્યે છે. અરે હે બાઈયું! આ તે કિયા રાજના દરબાર છે? બાઈઓ જવાબ વાળે છે —

પ્રાછેરા ઊભા રેવજો બામણા રે
આ તો ઓળગાણાંવાળો કહીજે દુવાર.