રંગ છે, બારોટ/8. જનમના જોગી

From Ekatra Wiki
Revision as of 12:42, 13 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
8. જનમના જોગી



[1]

ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,
ધારાનગરીનાં રાજ જી;
તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં,
જોવરાવો બાળુડાના જોશ જી;
કિયા રે નખતરમાં રાજા જલમિયા?
ચાંદા પૂનમ રાત જી.

ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીનાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ?

પોથી તો વાંચીને પંડિત બોલિયા,
ભાગ્યમાં માંડ્યા છે ભેખ જી;
જલમના જોગી છે બાળા ભરથરી,
લેખનવાળા જુગનાથજી;
નામ તો કે’જો બે રાજા ભરથરી.

ટીપણું વાંચીને વિદ્વાન જોશી શું બોલ્યા છે? બોલ્યા કે હે માઈ! તમારા કુંવરને તો ભાગ્યમાં ભેખ માંડેલ છે, ભેખના લેખ લખનારા જગના નાથ હરિ પોતે છે, ને હે મૈયા! બાળનાં નામ ભરથરી પાડજો. સાંભળીને રાણી તો ઝંખવાઈ ગયાં. ઓશિયાળું મોં કરીને એણે જોશીને કહ્યું :

સોને તો મઢાવું મા’રાજ! ટીપણાં,
રૂપલે જનોયુંના ત્રાગ જી;
ફરીને સંભળાવો મા’રાજ ટીપણાં
આલું ઉજેણીનાં રાજ જી.
ફરીને વાંચો રે મા’રાજ! ટીપણાં.

કે હે જોશી મહારાજ! વાંચવામાં તમારી કાંઈક ભૂલ થઈ લાગે છે. ટીપણું ફરીને વાંચો — મારા બાળના ભાગ્યલેખ ઊજળા ઉકેલો. કોઈ ભૂલ થઈ ગઈ હોય તો કાઢી નાખો — સારું વાંચશો તો હું તમારું ટીપણું સોને મઢાવી દઈશ અને તમારી જનોઈના ત્રાગડા રૂપે શણગારીશ. ડોકું ધુણાવીને જોશી જવાબ આપે છે, કે હે માઈ! વાંચવામાં ભૂલ નથી થઈ —

કાગદ હોય તો, મૈયા! વાંચીએં,
કરમ વાંચ્યા નવ જાય જી;
કૂવા જો હોય તો, માડી, અમે તાગીએં,
સમદર તાગ્યા નવ જાય જી.
માંડ્યા તે છઠ્ઠીના, મૈયા, નૈ મટે.

હે મૈયા! કાગળ હોય તો તો વાંચી શકાય, પણ ભાગ્ય વંચાતાં નથી. કૂવો હોય તો તળિયે અડીને પાણીનો તાગ લેવાય, પણ સમુદ્રનાં તળિયાં તપાસાતાં નથી. એમ, હે રાણી! માનવીના ભાગ્યલેખ ઉલેચાતા નથી. સાંભળીને ઉજેણનાં રાણીને પગથી માથા સુધી ઝાળ લાગી છે. કાયાનાં છાસઠ હજાર રૂંવાડાં ઊભાં થઈ ગયાં છે, પોતે કોપ કરીને બોલ્યાં છે :

બાળુંગી જોશીડા! તેરા ટીપણા,
તોડુંગી જનોયુંના ત્રાગ જી;
સવારે ચડાવું, મા’રાજ! શૂળીએ,
અવળા જોયા તેં તો જોશ જી.
મારો તો બાળક જલમ્યો રાજમાં.

અરે મોટા જોશીડા! તારું ટીપણું બાળી નાખીશ, તારી જનોઈ તોડી નાખીશ, સવારે તને શૂળીએ ચડાવીશ; કારણ કે તેં મારા બાળકના અવળા લેખ વાંચ્યા. મારો બાળક, રાજમાં જન્મેલો, તે શું જન્મનો જોગી? તેના લલાટમાં શું ભેખના લેખ હોય જૂઠડા! તે વખતે, સાંગામાચીને માથે સૂતું સૂતું સાડાત્રણ દિવસનું બાળક માનવીની વાચા કરીને બોલ્યું : “મા! માડી! બ્રાહ્મણને દોષ શા સારુ દ્યો છો?

સાડા ત્રણ વાસાનાં બાળક બોલિયાં,
મત દિયો ભ્રમ્યાને માઈ! દોષ જી.
દોષ તો લગ ગિયા માઈ મેરા કરમકા,
ભાગ્યમાં માંડ્યા મારે ભેખ જી,
ભણ્યો રે ભૂલે પણ માંડ્યા નૈ મટે.

“હે મા! દોષ જોશીનો નથી, વાંક મારા કરમનો છે. ભણ્યો કદીક ભૂલે, પણ ભાગ્યમાં માંડેલ વિધાતાના લેખ નહીં મટે. મારા લલાટમાં ભેખ જ છે મા!” સાંભળીને જનેતા ચૂપ બન્યાં. દીવા ઝાંખા પડ્યા. જોશી ટીપણું સંકેલીને ચાલી નીકળ્યા.

[2]

બાળક ભરથરી બાર વરસના થયા

બાર તો વ્રષના રે રાજા ભરથરી,
ભણવા મેલ્યા છે નિશાળ જી.
ભણ્યા તો ગણ્યા રે વેદ શારદા,
પરણાવો પીંગલાવતી નાર જી,
કોડે રે પરણાવું રાણી પીંગલા.

નિશાળે બેઠા, ચાર વેદ, શાસ્ત્રો અને શારદાના તમામ ભંડાર ભણી ઊતર્યા. હવે તો પરણાવીએ કુંવરને. લાડેકોડે મારા બાળને પીંગલાવતી કુંવરી પરણાવું.

નાળેર તો આવ્યાં રે સીંગળદીપનાં,
નાળેર મોતીડે વધાવો જી!
ઘડિયાં લગન તો લખાવજો,
માતા મંગળ મોડીએ ગાય જી,
કોડેથી પરણાવો રાણી પીંગલા.

સિંહલદ્વીપના રાજાની કન્યા પીંગલાનાં નાળિયેર આવ્યાં. ઘડિયાં લગન લખાયાં. માથા ઉપર મંગળ મોડિયો મૂકીને મા ગાણાં ગાય છે. ભરથરીની જાડેરી જાન જૂતે છે.

બાવન તો જાદવ રાજાની જાનમાં,
નવ તો ભેળા છે નાથ જી;
ચોરાશી સદ્ધન રાજાની જાનમાં,
ભેળા ગુરુ ગોરખનાથ જી,
રાજા તો ચાલ્યા છે પ્રણવા પીંગલા.

જાનમાં કોણ કોણ સોંડ્યા છે? બાવન તો જાદવવંશી રાજાઓ છે. નવ નાથ જોગીઓ છે, ચોરાશી સિદ્ધો છે. ભેળા ગુરુ ગોરખનાથ પણ છે. રાજા ભરથરી પરણવા ચાલ્યા છે.

પે’લાં તો ચૉરીનાં મંગળ વરતિયાં,
દાદે દીધેલાં દાન જી;
સાત રે કોઠા આલ્યા હેમના;
આલ્યા મોતીના ભંડાર જી,
ખાવ રે પીવો રે ધન વાવરો.

લગનની ચૉરીમાં વર-કન્યાએ પહેલો મંગળ ફેરો ફરી લીધો. તે ટાણે દાદાએ વરને દાન દીધાં : સાત કોટડા સોનાના આપ્યા, મોતીના ભંડાર આપ્યા, ને કહ્યું : હે ભરથરી! ખાવ પીવો, અને ધન વાપરો, આનંદ કરો.

બીજાં તે ચૉરીનાં મંગળ વરતિયાં,
કાકે દીધાં છે દાન જી,
હજાર હસ્તી દીધા દાનમાં,
ઘોડાં નૈ સખ ને પાર જી,
ખાવ રે પીવો ને ધન વાપરો.