રંગ છે, બારોટ/8. જનમના જોગી

From Ekatra Wiki
Revision as of 15:53, 13 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
8. જનમના જોગી



[1]

ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,
ધારાનગરીનાં રાજ જી;
તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં,
જોવરાવો બાળુડાના જોશ જી;
કિયા રે નખતરમાં રાજા જલમિયા?
ચાંદા પૂનમ રાત જી.

ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીનાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ?

પોથી તો વાંચીને પંડિત બોલિયા,
ભાગ્યમાં માંડ્યા છે ભેખ જી;
જલમના જોગી છે બાળા ભરથરી,
લેખનવાળા જુગનાથજી;
નામ તો કે’જો બે રાજા ભરથરી.

ટીપણું વાંચીને વિદ્વાન જોશી શું બોલ્યા છે? બોલ્યા કે હે માઈ! તમારા કુંવરને તો ભાગ્યમાં ભેખ માંડેલ છે, ભેખના લેખ લખનારા જગના નાથ હરિ પોતે છે, ને હે મૈયા! બાળનાં નામ ભરથરી પાડજો. સાંભળીને રાણી તો ઝંખવાઈ ગયાં. ઓશિયાળું મોં કરીને એણે જોશીને કહ્યું :

સોને તો મઢાવું મા’રાજ! ટીપણાં,
રૂપલે જનોયુંના ત્રાગ જી;
ફરીને સંભળાવો મા’રાજ ટીપણાં
આલું ઉજેણીનાં રાજ જી.
ફરીને વાંચો રે મા’રાજ! ટીપણાં.

કે હે જોશી મહારાજ! વાંચવામાં તમારી કાંઈક ભૂલ થઈ લાગે છે. ટીપણું ફરીને વાંચો — મારા બાળના ભાગ્યલેખ ઊજળા ઉકેલો. કોઈ ભૂલ થઈ ગઈ હોય તો કાઢી નાખો — સારું વાંચશો તો હું તમારું ટીપણું સોને મઢાવી દઈશ અને તમારી જનોઈના ત્રાગડા રૂપે શણગારીશ. ડોકું ધુણાવીને જોશી જવાબ આપે છે, કે હે માઈ! વાંચવામાં ભૂલ નથી થઈ —

કાગદ હોય તો, મૈયા! વાંચીએં,
કરમ વાંચ્યા નવ જાય જી;
કૂવા જો હોય તો, માડી, અમે તાગીએં,
સમદર તાગ્યા નવ જાય જી.
માંડ્યા તે છઠ્ઠીના, મૈયા, નૈ મટે.

હે મૈયા! કાગળ હોય તો તો વાંચી શકાય, પણ ભાગ્ય વંચાતાં નથી. કૂવો હોય તો તળિયે અડીને પાણીનો તાગ લેવાય, પણ સમુદ્રનાં તળિયાં તપાસાતાં નથી. એમ, હે રાણી! માનવીના ભાગ્યલેખ ઉલેચાતા નથી. સાંભળીને ઉજેણનાં રાણીને પગથી માથા સુધી ઝાળ લાગી છે. કાયાનાં છાસઠ હજાર રૂંવાડાં ઊભાં થઈ ગયાં છે, પોતે કોપ કરીને બોલ્યાં છે :

બાળુંગી જોશીડા! તેરા ટીપણા,
તોડુંગી જનોયુંના ત્રાગ જી;
સવારે ચડાવું, મા’રાજ! શૂળીએ,
અવળા જોયા તેં તો જોશ જી.
મારો તો બાળક જલમ્યો રાજમાં.

અરે મોટા જોશીડા! તારું ટીપણું બાળી નાખીશ, તારી જનોઈ તોડી નાખીશ, સવારે તને શૂળીએ ચડાવીશ; કારણ કે તેં મારા બાળકના અવળા લેખ વાંચ્યા. મારો બાળક, રાજમાં જન્મેલો, તે શું જન્મનો જોગી? તેના લલાટમાં શું ભેખના લેખ હોય જૂઠડા! તે વખતે, સાંગામાચીને માથે સૂતું સૂતું સાડાત્રણ દિવસનું બાળક માનવીની વાચા કરીને બોલ્યું : “મા! માડી! બ્રાહ્મણને દોષ શા સારુ દ્યો છો?

સાડા ત્રણ વાસાનાં બાળક બોલિયાં,
મત દિયો ભ્રમ્યાને માઈ! દોષ જી.
દોષ તો લગ ગિયા માઈ મેરા કરમકા,
ભાગ્યમાં માંડ્યા મારે ભેખ જી,
ભણ્યો રે ભૂલે પણ માંડ્યા નૈ મટે.

“હે મા! દોષ જોશીનો નથી, વાંક મારા કરમનો છે. ભણ્યો કદીક ભૂલે, પણ ભાગ્યમાં માંડેલ વિધાતાના લેખ નહીં મટે. મારા લલાટમાં ભેખ જ છે મા!” સાંભળીને જનેતા ચૂપ બન્યાં. દીવા ઝાંખા પડ્યા. જોશી ટીપણું સંકેલીને ચાલી નીકળ્યા.

[2]

બાળક ભરથરી બાર વરસના થયા

બાર તો વ્રષના રે રાજા ભરથરી,
ભણવા મેલ્યા છે નિશાળ જી.
ભણ્યા તો ગણ્યા રે વેદ શારદા,
પરણાવો પીંગલાવતી નાર જી,
કોડે રે પરણાવું રાણી પીંગલા.

નિશાળે બેઠા, ચાર વેદ, શાસ્ત્રો અને શારદાના તમામ ભંડાર ભણી ઊતર્યા. હવે તો પરણાવીએ કુંવરને. લાડેકોડે મારા બાળને પીંગલાવતી કુંવરી પરણાવું.

નાળેર તો આવ્યાં રે સીંગળદીપનાં,
નાળેર મોતીડે વધાવો જી!
ઘડિયાં લગન તો લખાવજો,
માતા મંગળ મોડીએ ગાય જી,
કોડેથી પરણાવો રાણી પીંગલા.

સિંહલદ્વીપના રાજાની કન્યા પીંગલાનાં નાળિયેર આવ્યાં. ઘડિયાં લગન લખાયાં. માથા ઉપર મંગળ મોડિયો મૂકીને મા ગાણાં ગાય છે. ભરથરીની જાડેરી જાન જૂતે છે.

બાવન તો જાદવ રાજાની જાનમાં,
નવ તો ભેળા છે નાથ જી;
ચોરાશી સદ્ધન રાજાની જાનમાં,
ભેળા ગુરુ ગોરખનાથ જી,
રાજા તો ચાલ્યા છે પ્રણવા પીંગલા.

જાનમાં કોણ કોણ સોંડ્યા છે? બાવન તો જાદવવંશી રાજાઓ છે. નવ નાથ જોગીઓ છે, ચોરાશી સિદ્ધો છે. ભેળા ગુરુ ગોરખનાથ પણ છે. રાજા ભરથરી પરણવા ચાલ્યા છે.

પે’લાં તો ચૉરીનાં મંગળ વરતિયાં,
દાદે દીધેલાં દાન જી;
સાત રે કોઠા આલ્યા હેમના;
આલ્યા મોતીના ભંડાર જી,
ખાવ રે પીવો રે ધન વાવરો.

લગનની ચૉરીમાં વર-કન્યાએ પહેલો મંગળ ફેરો ફરી લીધો. તે ટાણે દાદાએ વરને દાન દીધાં : સાત કોટડા સોનાના આપ્યા, મોતીના ભંડાર આપ્યા, ને કહ્યું : હે ભરથરી! ખાવ પીવો, અને ધન વાપરો, આનંદ કરો.

બીજાં તે ચૉરીનાં મંગળ વરતિયાં,
કાકે દીધાં છે દાન જી,
હજાર હસ્તી દીધા દાનમાં,
ઘોડાં નૈ સખ ને પાર જી,
ખાવ રે પીવો ને ધન વાપરો.

બીજે મંગળે કાકાએ દાનમાં હજાર હાથી ને અપાર ઘોડા દીધા : હે બેટા! ખાવપીવો ને ખરચો. ખજાના અખૂટ છે.

ત્રીજાં રે ચૉરીનાં મંગળ વરતિયાં,
મામે દીધાં છે દાન જી,
દાનમાં દીધાં છે બાણું લાખ માળવો,
આલી ઘેલુડી ગુજરાત જી,
ખાવ ને પીવો રે ધન વાપરો.

ત્રીજે મંગળે મામાએ બાણું લાખ માળવદેશ દીધો. ઘેલુડી ગુજરાત દીધી. ને આશિષ આપી કે સદા આનંદ કરો, દાન કરો. ત્રણ મંગળ વરતાણાં ત્યાં સુધી તો લીલાલેર હતી. પણ ચોથાં મંગળ વરતાણાં ત્યારે ગુરુ ગોરખનાથ દાન દેવા ઊઠ્યા. એણે શું દીધું?

ચારેને ચૉરીનાં મંગળ વરતિયાં
ગુરુ ગોરખ આલે દાન જી,
ચપટી ભભૂતિ, બેટા, દાનમાં
પરણીને કીઓ પીંગલા માય જી.
સંગમાં ચાલો રે રાજા ભરથરી!

ગુરુ ગોરખનાથે ચપટી એક ભભૂતિ આપીને કાનમાં કહ્યું, “હે બેટા! તારા ભાગ્યમાં રાજવૈભવ નથી, પણ ભગવો ભેખ છે. માટે પરણીને પીંગલાને માતા કહી દ્યો, ને ચાલો અમારી સંગમાં.”

[3]

ગુરુ ગોરખના આ દાનની વાત કોઈએ ન જાણી, એક ફક્ત ભરથરીને જ રુદે ગોરખનાથના કાળબોલ રમી રહ્યા. પરણીને રંગમોલમાં આવ્યાં.

પરણ્યાં હરણ્યાં ને મોલે આવિયાં
મોલમાં લીધા છે વીશરામ જી,
સૂતાં રે સપનાં રાણી, મુંને આવિયાં,
દલ મેરા હુવા છે ઉદાસ જી,
બાવો મેં બન જાઉં રાજા ભરથરી.

આવ્યા, મો’લમાં પોઢ્યા, ઊંઘ આવી ગઈ, ઝબકીને જાગ્યા. હે સ્વામી! શું થયું? હે રાણીજી! મને માઠું સપનું આવ્યું છે. મારું દિલ ઉદાસ થઈ ગયું છે. મને ભેખ લેવાનું મન થાય છે. ત્યારે રાણી પીંગલા કહે છે —

તમેરા સપના સવાલાખના,
બીજી આળપંપાળ જી;
સપનું પડજો રે સૂકે લાકડે!
સેજું નખાવું દો ચાર જી,
ફેરવી ઢળાવું રાજા ઢોલિયો.

હે સ્વામી! સપનું તમારું સૂકે લાકડે પડજો. લ્યો, હું ફેરવીને ઢોલિયો ઢળાવું. સપનું નહીં આવે. ઢોલિયો ફેરવીને સૂતા, તો પણ —

ફેર તો સપના રે એસા આવિયા,
સપનામાં ગુરુ ગોરખનાથ જી,
કાનમેં કુંડળ, ગલેમેં મેખલી,
દલ મેરા હુવા છે ઉદાસ જી,
બાવો મેં બન જાઉં રાજા ભરથરી.

ફરીને સ્વપ્નું આવ્યું છે. સ્વપનામાં ગુરુ ગોરખનાથ ઊભા છે, કાનમાં કુંડળ છે, ગળામાં મેખલી છે. ને કહે છે કે બચ્ચા! હાલો હવે, મોડું થાય છે. તારા ભાગ્યમાં ભેખ છે, હે જનમના જોગી! પછી તો રાજા ભરથરીએ —

ભગવાં કરિયાં રે સુંદર ધોતિયાં
અંગડે ભભૂતિ લગાવી જી,
આલેક જગાવ્યો રાણીના મોલમાં,
ચપટી ભખ્યા દેનાં મોરી માય જી.
બાવો રે બની ગયા રાજા ભરથરી.

સુંદર શ્વેત ધોતિયાં ભગવા રંગે રંગાવ્યાં, શરીરે ભભૂત લગાવી, રાણીના મહેલમાં જઈ ‘અહા…લેક’ એવો શબ્દ સુણાવ્યો. “હે મૈયા! બસ, ચપટી ભિક્ષા દઈ દ્યો. એટલે હું ચાલી નીકળું.” આ ભગવો ભેખ જોઈને રાણી પીંગલા સડક થઈ ગયાં અને પોતાના સ્વામીના મોંમાંથી “મૈયા!” બોલ સાંભળતાં એના કલેજાના કટકા થઈ ગયા. એણે કહ્યું —

ઘેલા રે રાજા, ઘેલાં શીદ બોલો!
પરણીને મત કીઓ મુંને માય જી!
બાળા રે પણમાં થાશો કોઢિયા,
મુખથી મ કીઓ પીંગલા માય જી;
ભેખ રે ઉતારો રાજા ભરથરી!

“હે ઘેલા રાજા! આવું ઘેલું કેમ બોલો છો? મને પરણીને હવે તમે મા કહી ઊભા રહો છો? આ પાપે તમે બાળપણમાં કોઢિયા બનશો. માટે હે રાજા ભરથરી! ભેખ ઉતારો.” “હે માઈ! એક વાર પહેર્યાં તે ભેખ હવે ઊતરે નહીં. મને ભિક્ષા આપો, મૈયા! મારે મોડું થાય છે.” નિરાશ થઈને પીંગલા કરગરે છે કે, તો પછી હે સ્વામી!

તમે રે જોગી ને બનું હું જોગણી,
ચાલું તમારી સાથ જી,
ધૂંણી પાણીની સેવા મેં કરું,
હારે લેતા રે જાવ મુંને, ભરથરી!

જોગી ભરથરી મોં મલકાવીને જવાબ વાળે છે —

તમે રે આવો તો, મૈયા! ગુરુ લાજે,
લાજે ભેખ ભગવાન જી,
દુનિયા જાણે કે બાવો ઘરબારી,
તમ આવ્યે ભેખ લજાય જી,
ભિક્ષા રે દ્યોને, મૈયા પીંગલા!

હે માતા! તમે સાથે આવો તો ગુરુ લાજે, ભેખ લાજે, ભગવાન લાજે; જગત માને કે આ બાવો તો ઘરસંસારી છે. માટે એ વાતો કરો મા ને મને ભિક્ષા આપો. કારણ કે તમારા હાથની ચપટી મળ્યા વગર ગુરુ મને જમાતમાં લેશે નહીં. રાણી પીંગલાના હાથ હેઠા પડે છે. “કંઈ નહીં, હે સ્વામી! ભલે એકલાં જાવ, પણ મારું આટલું તો માનો —

ઘડીક હલુંબો રાજા! શે’રમાં,
ભોજન કરીએં તૈયાર જી,
રસોઈ જમતા જાવ, રાજા ભરથરી!
નહીં લાગે વાર લગાર જી,
જમીને જાજો રે, રાજા ભરથરી!

શહેરમાં ઘડી વાર થંભો. હું હમણાં જ રસોઈ તૈયાર કરીને તમને જમાડી દઉં. જેને તમે સદાને માટે છોડી જાવ છો તેનું આટલું વેણ રાખો! પણ આવું આવું સાંભળીને જનમના જોગી તો હસે છે. એનું મન ગળતું નથી. એની લ્હે તો વૈરાગ્યથી લાગી ગઈ છે. આ બધી આળપંપાળ છે, હે માઈ!

તમારા ભોજનકું માઈ! ઢીલ ઘણી,
જાય મારે જોગીની જમાત જી,
ગુરુ તો મિલ્યા છે ગોરખનાથ જી,
ભિક્ષા રે દ્યોને મૈયા પીંગલા!

મારાથી રોકાવાશે નહીં. મારી જમાત જાય છે. મને ગોરખનાથ ગુરુએ જ્ઞાન બતાવ્યું છે કે સંસારમાં ઠેરાય નહીં. મરો રે મરો તમારા ગુરુ. હે રાજા! આનું નામ શું સંસારનો ત્યાગ?