રચનાવલી/૧૧૬

From Ekatra Wiki
Revision as of 11:32, 8 May 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧૬. કાલમ્ (એમ. ટી. વાસુદેવન નાયર)


મલયાલમ ભાષામાં આજે યુવાન પેઢી પર અને વિદેશમાં વસેલા મલયાલમ ભાષીઓ પર પણ છવાઈ ગયેલા શ્રી એમ. ટી. વાસુદેવન નાયર ૧૯૯૫માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મેળવનારા એક સશક્ત નવલકથાકાર છે. તેઓ ટૂંકી વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર અને બાલસાહિત્યકાર પણ છે. ઉપરાંત એમણે બારથી વધુ ફિલ્મો માટે પટકથા લખી છે અને બે ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું છે. એમની ‘નિર્માલ્ય’ (૧૯૭૩) ફિલ્મને રાષ્ટ્રપતિનો સુવર્ણચન્દ્ર મળ્યો છે અને એમની ‘ઓરુ વટક્કન વીરગાથા’ (૧૯૮૯)ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ૧૯૩૩માં પાલકકાટમાં નિમ્નમધ્યવર્ગના ખેડૂત કુટુંબમાં જન્મેલા આ લેખકને બાળપણમાં એમની પસંદગીના પુસ્તક માટે કેડીઓ પર કેટલાય માઈલો ચાલવું પડ્યું છે. આવા પછાતપણાનો એમને રંજ છે અને તેથી એમની કથાઓમાં સંવાદ કરતાં સંઘર્ષ વધુ જોવા મળે છે. શરૂમાં કવિતા લખી પણ પછી ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ જ લખતા રહ્યા. ઉગ્ર આધુનિકતાવાદી પેઢી જે એમની પછી આવી રહી હતી એને માટે એમણે પોતાની વયના પ્રસિદ્ધ લેખકો કમલાદાસ અને ટી. પદ્મનાભન સાથે મળીને કથાસાહિત્યને એક ચોક્કસ વળાંક આપ્યો છે. ૧૯૫૩માં જાણીતા સામયિક ‘માતૃભૂમિ’ દ્વારા યોજાયેલી વાર્તાહરિફાઈમાં ‘વળસ્તુ મૃગઙ્ગળ’ (પાળેલું પ્રાણી) વાર્તા માટે એમણે પુરસ્કાર મેળવ્યો અને વ્યાપક પ્રસિદ્ધિ પણ મેળવી. પછીથી લખાનારી એમની કથાઓનાં બધાં જ તત્ત્વો એમાં હાજર હતાં, એમની પહેલી નવલકથા ‘નાલકેટ્ટ' (પૂર્વોનું ઘર, ૧૯૫૪) કેરાલાની માતૃસત્તાક સમાજની વ્યવસ્થા પર આધારિત છે. એમાં નાયક પૂર્વજોના ઘરને નાબૂદ કરવા ઇચ્છે છે. એથી આગળ વધી એમની બીજી નવલકથા ‘અસુરવિત્તુ’ (અસુરબીજ, ૧૯૬૨)નો નાયક પોતાના પિતા, કુટુંબ અને સ્વજનોને એક પછી એક છોડે છે. ‘મંજુ' (બરક, ૧૯૬૪)માં મુખ્ય નારી પાત્ર વિમલાના મનની કથા સળંગ રીતે કહેવાયેલી છે. એમની ‘રણ્ટામૂષમ્’ (બીજું સ્થાન, ૧૯૮૪) નવલકથા પૌરાણિક છે. એમાં ભીમનું પાત્ર મુખ્ય છે. પણ મહાભારતનું આ પાત્ર એની બધી પૌરાણિકતા છોડીને અહીં અત્યંત માનવીય બન્યું છે. પોતાની પાસે અતુલ શારીરિક બલ હોવા છતાં હિડિમ્બા અને ઘટોત્કચ સહિત પોતાની ઉપેક્ષા થઈ રહી છે, એનું દુઃખ ભીમને એકલતામાં પીડે છે. આ બધી નવલકથાઓમાં કથાત્મક ગદ્ય એમાં આવતાં ઇન્દ્રિયસંવેદનો અને ભાષાની લિજ્જતને કારણે જીવંત બન્યું છે. એમની મોટા ભાગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં ગોઠવાઈ ન શકાય એવા આ પ્રતિકૂળ જગત વચ્ચે બેચેન રહી ઝૂઝતાં સ્ત્રીપુરુષોનો પોતાની સાથેનો મુકાબલો લેખક રજૂ કરે છે. સાથે સાથે સમાજની શોષક વ્યવસ્થાની સામે પણ સૂર ઉઠાવે છે. શહેરનાં અમાનુષી મૂલ્યોના પ્રભાવથી ખુદ ગામડાંઓ પણ હવે બચી શકયાં નથી એનો વસવસો પણ એમની કથાઓમાં ડોકાય છે. નાના ગામમાં રહી દુકાળ અને ભૂખમરો આંધિ અને તોફાન તેમજ રોગચાળાના નરકને આ લેખક સારી રીતે અનુભવી ચૂક્યા છે. પણ આ બધાંને ઓગાળીને એમણે ભાષામાં તાદેશ કરવા પ્રયત્ન કર્યો છે. પ્રગતિવાદી લેખકોની જેમ વર્ગવિગ્રહ કે જાતિવિગ્રહને બદલે વ્યક્તિની પોતાની અંદરની લડાઈ આ લેખકની કથાઓમાં મુખ્ય ભાગ ભજવે છે. આ બધામાં સાહિત્ય અકાદમી દિલ્હીનો ૧૯૭૦નો પુરસ્કાર મેળવનાર એમની ‘કાલમ્' (સમય, ૧૯૬૯) નવલકથા એકદમ ધ્યાન ખેંચે છે. આ કથા નાયકના શૈશવકાળથી માંડી એની પુખ્તતા સુધીના ઉછેરને લઈને ચાલે છે. એટલે કે સમય આ નવલકથાના કેન્દ્રમાં છે. સમયપટ પર અંદરબહાર જે બધું બદલાય છે અને મોટેભાગે એકબીજાને ભોગે બદલાય છે એની વેદનાનું અહીં ચિત્ર છે. આ કથાનો નાયક સેતુમાધવન્ છે. પરંપરાગત કેરાલાના લાકડાના બનેલા જર્જરિત ઘરમાં એનો ઉછેર થયો છે. એના કુટુંબમાં એની મા, માસી, મામા અને એના મોટાભાઈ પરમેશ્વરન્ છે. સેતુના પિતા કોઈ દૂરના એસ્ટેટમાં કામ કરે છે, જે નાની મોટી રકમ મોકલે છે એમાં મા કુટુંબનો નિર્વાહ કરી લે છે. હાઈસ્કૂલમાં આવેલા સેતુને એના તૂટ્યા ફૂટ્યા ઘર તરફ તિરસ્કાર છે. એમની પડોશમાં રહેતી એક સગીની બે દીકરીઓ, બદસૂરત દેબૂ અને ખુબસૂરત સુમિત્રામાંથી એને સુમિત્રા તરફ આકર્ષણ થાય છે, તક મળતાં સુમિત્રા સાથેનો સેતુનો વ્યવહાર આગળ વધતો જાય છે. કૉલેજમાં ગયા પછી જ્યારે જ્યારે ઓણમની રજામાં સેતુ ગામ આવે ત્યારે સુમિત્રાને મળ્યા વગર રહેતો નથી. સુમિત્રા સેતુને પામી ગઈ છે તેથી સ્પષ્ટ જણાવે છે કે આ બધું તમારી રજા ગાળવા તમે કરો છો. પછીથી તમે મને ભૂલી જવાના છો. સમય વીતતો જાય છે. એક રજામાં સેતુના મોટાભાઈને ઘેર સંતાનનો જન્મ થાય છે અને પતિના ઘર તરફથી કોઈકે જવું જોઈએ. તેથી સેતુને ભાભી પાસે મોકલવામાં આવે છે. સેતુ અહીં દશમા ધોરણમાં ભણતી તંકમણિના પરિચયમાં આવે છે. સેતુની બોલવાચાલવાની છટા અને યુવાની પર તંકમણિ મોહિત થઈ જાય છે. સેતુને થાય છે કે તંકમણિ મારી જ રહેશે. સેતુ સુમિત્રાને ભૂલવા નિશ્ચય કરે છે. કૉલેજશિક્ષણ પૂરું કર્યા પછી બેકારીમાં દિવસો ગુજાર્યા બાદ સેતુ છેવટે કમને એક ગામમાં ગ્રામસેવકની નોકરી લેવા તૈયાર થાય છે. ગાંધીવાદી જીવનવ્યવસ્થામાં ગોઠવાવાનું એને માટે શક્ય નહોતું અને તેથી સેતુના ધુમ્રપાન અંગે અને એની બેદરકારી અંગે એના ઉપરી પીધેલી હાલતમાં સેતુને ઠપકો આપતાં સેતુ વિફરીને નોકરીને લાત મારી દે છે. બેકારીથી પરેશાન સેતુ છેવટે કોઈ હૉટેલનો મુનિમ બને છે અને એક ધનાઢચ વેપારીના સંપર્કમાં આવે છે. આ વેપારી માટે કોર્ટમાં ખોટી જુબાની આપી સેતુ વેપારીનો વિશ્વાસ મેળવે છે અને પછી વિલાસી વેપારીની વિલાસી પત્ની લલિતા અને વેપારીના પૈસા હડપ કરી લે છે. સેતુ જોતજોતામાં માલદાર તો બને છે પણ આ પ્રપંચના ભરી પ્રગતિમાં એને ઘણું ઘણું ગુમાવવાનું થાય છે. મરતી માતા પાસે જઈ શકતો નથી. સુમિત્રાની દુદર્શા થઈ છે અને તંકમણિને પણ ભૂલી જવી પડે છે. લોકો માને છે કે સેતુ મોટો વેપારી છે. વર્ષો પછી સેતુ ગામ પાછો ફરે છે. લોકો એને અમીર ગણી એની પાસે ગામના કલ્યાણ અંગેની વાતો કરે છે. પણ સેતુને સૂતાં બેસતાં અંદરથી અપરાધ કોરી ખાય છે. સવારે આંખ ખૂલતા અને દિવસનો સુક્કો કાળો ચહેરો નજરે પડે છે. અંતે એ સુમિત્રા પાસે ગયા વગર રહી શકતો નથી. નાહીને ભગવા કપડાંમાં પાછી ફરતી સુમિત્રા સેતુને જુએ છે. સેતુ સુમિત્રાને બતાવતા માગે છે કે એ હજી ય એને ચાહે છે. પરંતુ સુમિત્રા પહેલીવાર સેતુને એની ઓળખાણ આપે છે. સેતુને કહે છે કે સેતુને એક જ વ્યક્તિ સાથે હંમેશા પ્રેમ હતો અને તે ફક્ત સેતુ સાથે. સેતુ જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલી નીકળે છે. એકબાજુ સેતુને સેતુપણું જાળવવું છે અને બીજી બાજુ બધું પામવામાં સેતુને સેતુપણું ખોઈ નાખવું પડે છે, એની વેદના કથામાં ચારેબાજુ છે. જુઠાણાથી ભરેલા સંસારમાં સફળતાનો અર્થ એક જ થાય છે કે આદર્શોથી માણસે છેડો ફાડવો પડે – આવું અત્યંત કડવું સત્ય આ કથાનાં હાર્દમાં પડેલું છે. સમય અને સમયથી થતી વિકૃતિ-ની આ કથા સ્મરણીય બની છે.