રચનાવલી/૧૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨૨. શ્રીમદ્ ભગવદ્ગીતા

‘મહાભારત'માં યુદ્ધ કેન્દ્રમાં છે, મહાભારત યુદ્ધમાં ગીતા કેન્દ્રમાં છે, તો ગીતામાં વિરાટરૂપદર્શનનો ૧૧ મો અધ્યાય કેન્દ્રમાં છે. પહેલો અધ્યાય જો એનાં નાટ્યાત્મક દૃશ્યો અને વર્ણનોને કારણે ધ્યાન ખેંચે છે. તો ૧૧મો અધ્યાય એનાં ભવ્ય ઊર્મિપ્રધાન દેશ્યો અને વર્ણનોને કારણે ધ્યાન ખેંચે છે. અર્જુન નાસીપાસ થયો છે. બે બાજુનાં સૈન્યમાં પોતાનાં સ્વજનોને જોઈને એનું હૃદય બેસી ગયું છે. એ લડવા તૈયાર નથી. યુદ્ધમાં આવીને યુદ્ધથી મોં ફેરવી બેઠેલા અર્જુનને જો ફરી લડવા માટે ઊભો કરવો હોય, ક્ષત્રિયને એના કર્તવ્યમાં પ્રયોજવો હોય, તો માત્ર ગુહ્ય જ્ઞાન પૂરતું નથી. ગુહ્ય તત્ત્વજ્ઞાનથી અર્જુનનો મોહ તો ગયો છે પણ એના કર્તવ્ય માટે હજી એ પૂરેપૂરો તૈયાર નથી. આથી અર્જુનની કૃષ્ણના અવ્યય રૂપને જોવાની ઇચ્છાને ઝડપી અર્જુનને દિવ્યચક્ષુ આપી કૃષ્ણ એની સમક્ષ પોતાની વિરાટલીલા રચે છે અને આવા મોટા ફલક પર મોહભગ્ન થયેલા અર્જુનને મૂકીને એને નિઃશંક પોતાના કર્મથી સાંકળે છે. પહેલા અધ્યાયમાં જેમ સૈન્ય, યુદ્ધ અને સ્વજનોનો પ્રભાવ અર્જુનને નિષ્ક્રિય કરી ગયો તેમ અગિયારમાં અધ્યાયમાં કૃષ્ણનાં ઘોર અને વિરાટ રૂપદર્શનનો પ્રભાવ અર્જુનને ફરીને સક્રિય કરી જાય છે. આ બંને અધ્યાયોમાં અર્જુન પર થતી અસર કેન્દ્રમાં છે. આ બંને અધ્યાય, અન્ય રસાત્મક તર્કવિચારના અધ્યાયની વચ્ચે રસાત્મક દશ્યવિચારના રહ્યા છે; અધ્યાયોમાં જે લાઈવ ટેલિકાસ્ટિંગ છે એ ટેલિકાસ્ટિંગ અહીં ક્લોઝઅપમાં અને અતિવિવર્ધિત – મેગ્નિફાઈડ – દૃશ્યોમાં રજૂ થયું છે. સંજયની દિવ્યદૃષ્ટિથી ગીતા શક્ય બની છે, તો અર્જુનની દિવ્યદૃષ્ટિથી વિશ્વરૂપદર્શન શક્ય બન્યું છે. કવિએ ઉપયોગમાં લીધેલી આ પદ્ધતિને કારણે વાચકને પણ વૈશ્વિક અવકાશ અને વૈશ્વિક સમયનું સંવેદન તીવ્ર રીતે પહોંચે છે. ઉપરાઉપરી સુપ૨ઈમ્પોઝ્ડ – દૃશ્યો જગતની ગતિશીલતા અને પરિવર્તનશીલતાનો જબરો અનુભવ કરાવે છે. કૃષ્ણના સૌમ્ય અને ઘોર રૂપને બાજુબાજુમાં ગોઠવાયેલાં જોતાં જગતના રૌદ્ર અને રમ્ય સ્વરૂપનો અણસાર ગીતાએ અદ્ભુત રીતે ઊભો કર્યો છે. આ અધ્યાયમાં કૃષ્ણના વિશ્વરૂપદર્શનને રજૂ કરવામાં પણ ગીતાકારે અનોખી કાવ્ય સજાવટ કરી છે. અહીં વિશ્વરૂપદર્શન સીધું રજૂ નથી કર્યું, પણ એમાં એકવિધતા ન આવે તેવી ખાસી ગોઠવણો કરી છે. પહેલાં તો અર્જુન ‘અવ્યય રૂપ બતાવો’ એવી કૃષ્ણને વિનંતિ કરે છે અને પછી કૃષ્ણ ‘જો' ‘જો‘ ‘જો’ (પશ્ય) એવા પુનરાવર્તનથી, ચાર શ્લોકોમાં અર્જુનને પોતાના રૂપથી પરિચિત કરી, એને દિવ્યચક્ષુ આપે છે. આ પછી સંજયની ઉક્તિ આવે છે. અર્જુન કૃષ્ણનું કેવું અદ્ભુત દર્શન કરી રહ્યો છે તે સંજય વર્ણવે છે. પણ સંજયના વર્ણનથી અદ્ભુત દર્શનની સંવેદના તીવ્ર કેવી રીતે બને? એ તો પરોક્ષ વર્ણન થયું કહેવાય. તેથી ગીતાકાર સંજયના અદ્ભુત વર્ણન પછી અર્જુનને દિવ્યચક્ષુર્થી વિશ્વરૂપદર્શનનો જે અનુભવ થઈ રહ્યો છે તેનું અર્જુનના શબ્દોમાં પ્રત્યક્ષ વર્ણન આપે છે. એક રીતે ફિલ્મની પરિભાષામાં જેને ‘કેમેરા-ઈન-સ્કલ' કહીએ છીએ એવી પદ્ધતિએ દિવ્યચક્ષુ આપણને વિરાટનો અનુભવ કરાવે છે. અર્જુન લગભગ ૧૭ શ્લોકો સુધી અને એમાં મોટાભાગના શ્લોકોમાં ‘જોઉં છું' ‘જોઉં છું' ‘જોઉં છું' (પશ્યામિ)નો સાક્ષીભાવ રજૂ કરે છે. પૃથ્વી-આકાશને ભરી દેતા, અનન્તબાહુ અને સૂર્યચન્દ્રના નેત્રયુક્ત, આદિ મધ્ય અને અંત વગરના સનાતન પુરુષની છેક નજીક જઈ આત્યંતિક ક્લોઝઅપમાં ગીતાકાર અર્જુનને મુખે વિરાટના કેરાલ સ્વરૂપને વર્ણવે છે : દાઢોથી વિકરાળ અને ભયજનક વિરાટના મોંમાં વેગથી બધું ધસી રહ્યું છે. કેટલાંક ચૂરેચૂરાં થઈ ગયેલાં મસ્તકો સાથે વચ્ચેની જગ્યામાં વળગી રહ્યા છે. જેમ નદીઓના વેગ સમુદ્ર ભણી, જેમ પતંગોનો વેગ પ્રદીપ્ત જ્વાલા ભણી તેમ વિરાટના સહસ્રમુખમાં સર્વ લોક વિનાશ માટે ધસી રહ્યા છે. સમસ્ત બ્રહ્માંડની ક્ષણેક્ષણની નશ્વરતા અને ક્ષણિકતાને આટલી પ્રભાવક રીતે ભાગ્યે જ કોઈ સાહિત્યે પ્રગટ કરી હશે. વર્ણનને નીરસ ન થવા દેવા માટે, અર્જુનના દિવ્યચક્ષુદર્શનને સતત ચાલતું અટકાવી, અર્જુનની જિજ્ઞાસાને પોષવા કૃષ્ણ પોતાનાં સ્વરૂપ અને પ્રવૃત્તિને વર્ણવે એવો ગીતાકારે પછી પ્રપંચ કર્યો છે. કૃષ્ણ પોતે ‘કાલ છે અને લોકક્ષય માટે સતત પ્રવૃત્ત છે.’ એમ જણાવી અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કહે છે કે ‘ઊઠ, યશ પ્રાપ્ત કર, શત્રુને જીતી લે અને સમૃદ્ધ રાજ્યને ભોગવ.' મેં મારેલાને જ તું મારે છે, માટે શોક કરવો છોડી દે' – આ પછી સંજય વચ્ચે આવી ભયભીત અર્જુન કઈ રીતે નમીને કૃષ્ણસ્તુતિ કરે છે એ વર્ણવે છે. અને ત્યારબાદ ૧૧ શ્લોકોમાં અર્જુનની કૃષ્ણસ્તુતિ ચાલે છે. આવા વિરાટ કૃષ્ણની સાથે પોતે મિત્રવત આચરણ કર્યું એની અર્જુન ક્ષમા માગે છે અને કૃષ્ણનું સૌમ્ય રૂપ ઝંખે છે. કોઈએ પૂર્વે ન જોયેલું પોતાનું વિરાટ રૂપ અર્જુનને બતાવ્યું છે. એમાં કૃષ્ણ અર્જુન તરફની પ્રીતિનો સ્વીકાર કરે છે અને અર્જુન કૃષ્ણનું ફરીને સૌમ્ય માનુષ રૂપ જોઈને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. ‘ગીતા’-માં કહેવાયું છે તે સાચું છે કે ગીતા મૃતોને માનુષતા તરફ લઈ જાય છે. આવું સંવેદનથી ભર્યું ભર્યું ગીતાનું કાવ્ય મનુષ્યને એના સ્વાર્થની સંકુચિતતામાંથી ઉપાડીને, વિરાટ કાલ અને અવકાશના પરમાર્થ સાથે જોડીને એને એની મનુષ્યતાનું ખરું સ્વરૂપ બતાવે છે.