રચનાવલી/૧૨૬


૧૨૬. ઉરુભંગ (ભાસ)


મનુષ્ય પ્રાણી છે, કહો ને કે જંગલી પ્રાણી છે ને ક્યારેક તો જંગલી પ્રાણી કરતાં ય બદતર પ્રાણી છે. જંગલી પ્રાણી તો પેટ ભરવા શિકાર પૂરતી હિંસા કરે છે પણ મનુષ્ય તો શોખથી, સત્તાથી ને ખોટી ખુમારીથી હિંસા આચરે છે. જગતમાં મનુષ્યજાતિનો ઇતિહાસ બતાવે છે કે એક પણ યુગ યુદ્ધ વિનાનો નથી ગયો. દરેક યુદ્ધ સાથે વેર અને હિંસા ભારોભાર સંકળાયેલાં છે. મનુષ્યજાતિનો ઇતિહાસ એ પણ બતાવે છે કે વેર અને હિંસાની આ મહાઘટનાઓની સાથે સાથે શાંતિ અને સમાધાનનો તત્ત્વવિચાર પણ યુગેયુગે મનુષ્ય જ વહેતો કર્યો છે. મહાભારતની યુદ્ધકથા છેવટે તો યુદ્ધની ભયંકરતા અને યુદ્ધને અંતે આવતી હતાશાની કથા છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ પહેલાં થઈ ગયલા સમર્થ નાટકકાર ભાસે પણ દુર્યોધન જેવા દુર્યોધનને પોતાના ‘ઊરુભંગ’ નામના નાટકમાં યુદ્ધને અંતે પલટાઈ ગયેલો બતાવી વેર અને હિંસાની સામે શાંતિ અને સમાધાનનો સંદેશ વહેતો કર્યો છે. ભાસ, આમ તો, પ્રાચીન સમયથી પ્રસિદ્ધ નાટકકાર હતા, પણ ૨૦ મી સદીની શરૂઆત સુધી એમના ઉલ્લેખો જ મળતા હતા, એમનાં નાટકો મળતાં નહોતાં. પણ ૧૯૦૯માં દક્ષિણ ભારતના પદ્માભપુરની નજીકના ‘મનલિક્કટમઠમ્'માંથી શ્રી ટી. ગણપતિશાસ્ત્રીને કેટલીક સંસ્કૃત હસ્તપ્રતો મળી આવી. આ હસ્તપ્રતો ૩૦૦ વર્ષ જૂની હશે એવું લાગ્યું. સંસ્કૃત હોવા છતાં હસ્તપ્રતો મલયાલમ લિપિમાં લખાયેલી હતી. ૧૦૫ પાનાંની આ હસ્તપ્રતોમાં પ્રસિદ્ધ ભાસનાં આજ લગી અંધારમાં રહેલાં ૧૧ નાટકો મળી આવ્યાં. પાછળથી બીજાં બે નાટકો પણ મળી આવ્યાં. ગણપતિશાસ્ત્રીએ આ તેર નાટકોને ‘ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝ' નામ હેઠળ ભાસનાં નાટકો તરીકે પ્રકાશિત કર્યાં. આ નાટકો સંસ્કૃતમાં જેને રૂપક પ્રકાર કહે છે તે પ્રકારના હોવાથી એ ‘ત્રિવેન્દ્રમ રૂપકો' તરીકે ઓળખાયાં. પછી તો 'ભાસ નાટકચક્ર' તરીકે પણ જાણીતાં થયાં. ભાસ ચારે થયા એ વિશે વિવાદ છે પણ કાલિદાસ પહેલા થયા હતા એ વાત નક્કી છે એ જ રીતે આ બધાં નાટકો ભાસનાં જ છે કે કેમ, એ વિશે પણ જાતજાતના મતમતાન્તરો છે. પણ આ તેર નાટકો જુદાં જુદાં સ્વરૂપો, જુદાં જુદાં કથાવસ્તુઓ અને જુદાં જુદાં પાત્રોથી ઉત્તમ પ્રકારની નાટકરચનાઓ દર્શાવે છે ને સફળતાથી રંગભૂમિ પર ભજવી શકાય એવી ક્ષમતા પ્રગટ કરે છે. આ નાટકોમાંનાં છ નાટક મહાભારત પર આધારિત છે. એમાં ‘પંચરાત્ર' ત્રણ અંકનું છે, એને બાદ કરતાં બાકીનાં પાંચ એકાંકીઓ છે, આ પાંચ એકાંકીમાં ‘ઊરુભંગ’ દુર્યોધનના પાત્રને મહાભારતમાં આવતા પાત્રથી જુદું રજૂ કરવાને કારણે એકદમ ધ્યાન ખેંચે છે. અહીં દુષ્ટ અને ઇર્ષ્યાળુ દુર્યોધનને અંત સમયે બદલાતો દુર્યોધન બતાવી મહાભારતમાં પાંડવતરફી દૃષ્ટિબિન્દુ છે, એનાથી જુદા પ્રકારનું કૌરવતરફી દૃષ્ટિબિન્દુ પ્રસ્તુત કર્યું છે; અને પશ્ચાત્તાપ કરતાં તેમજ સમાધાન સ્વીકારી લેતા દુર્યોધન તરફ નાટકકારે સહાનુભૂતિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકકારે શરૂમાં જ સૂત્રધારના મોંમાં દુર્યોધનને બદલે ‘સુયોધન' અને ભીમને બદલે ‘વૃકોદર’ જેવા શબ્દો મૂક્યા છે; જે બતાવે છે કે નાટકકાર કોને પક્ષે છે. નાટકમાં ત્રણ સૈનિકો પ્રવેશ કરીને કરાલ યુદ્ધભૂમિનું વર્ણન કરે છે. મરેલા પડેલા હાથીઓ, હણાયેલા રાજવીઓ, ચાંચમાં માંસના લોચા સાથે ઊડતાં ગીધો, રથમાંથી શબને ખેંચતી શિયાળવીઓ, બાણો, તોમર તલવારથી છવાઈ ગયેલાં દશ્યો – આ બધાં વચ્ચે મેઘની ગર્જના જેવો કે વજ પડવાથી તૂટતા પર્વત જેવો અવાજ સંભળાય છે. એમને ખબર પડે છે કે રણભૂમિમાં ભીમ અને દુર્યોધનનું ગદાયુદ્ધ શરૂ થયું છે. દૂરથી આ ત્રણે સૈનિકો ગદાયુદ્ધના સાક્ષી બને છે અને જુએ છે કે દુર્યોધનની ગદાપ્રહારથી ભીમ લોહીલુહાણ થઈ ગયો છે. એ પણ જુએ છે કે કૃષ્ણ પોતાની સાથળ ઠોકીને ભીમને કોઈ અણસાર કરી રહ્યા છે. ભીમ ઊઠે છે અને પરાક્રમથી નહીં પણ ક્રોધથી અને ગદાયુદ્ધના નિયમોને તેમજ નીતિને બાજુએ રાખીને દુર્યોધનની સાથળો પર ગદાપ્રહારો કરે છે. દુર્યોધન પડે છે અને વ્યાસના સૂચનથી ભીમને પાંડવો દૂર લઈ જાય છે. પણ ભીમ અને દુર્યોધનને ગદાશિક્ષણ આપનાર એમના ગુરુ બલદેવથી ભીમની અનીતિ સહન થતી નથી. આ જોઈને ત્રણ સૈનિકો રંગમંચ પરથી જતાં રહેતાં અત્યંત ક્રોધમાં બલદેવ પ્રવેશે છે. એની પાછળ સાથળ ભાંગેલો દુર્યોધન જમીન પર ઘસાડતો પ્રવેશ કરે છે. ભીમને મારવા તત્પર બલદેવને દુર્યોધન અટકાવે છે. ક્રોધ છોડી દેવાનું કહે છે. કહે છે : ‘ભીમની પ્રતિજ્ઞા પૂરી થઈ છે અને સો ભાઈઓ સ્વર્ગે સિધાવ્યા છે. હું આવી દશામાં આવી પડ્યો છું. હવે યુદ્ધ શા કામનું?' બલદેવ દુર્યોધનને કહે છે કે ‘તને છેતરવામાં આવ્યો છે.' દુર્યોધન પ્રત્યુત્તર આપે છે કે કૃષ્ણ પોતે ભીમની ગદામાં પ્રવેશી મારા મૃત્યુનું કારણ બન્યા છે.' આ પછી દુર્યોધન પડવાના સમાચાર સાંભળી ધૃતરાષ્ટ્ર, ગાંધારી, દુર્યોધનની બે રાણીઓ અને પુત્ર દુર્જય રંગમંચ પર પ્રવેશે છે. અહીં ધૃતરાષ્ટ્રની પુત્રવેદના, ગાંધારીની ધીરજ, બંને ક્ષત્રિયરાણીઓનાં રૂદન વચ્ચે પુત્ર દુર્જય સાથેનો દુર્યોધનનો મેળાપ નાટકકારે સરસ ઉપસાવ્યો છે. ખાસ તો ઊરુભંગ જેવી ઘટનાને અને ઊરુભંગના અર્થને જુદો જુદો સંદર્ભ આપ્યો છે. જેમકે, ધૃતરાષ્ટ્રને જોઈને અભિનંદન કરવા જતાં સાથળભાંગેલો દુર્યોધન કહે છે કે આ મારા પર બીજો પ્રહાર છે. વડીલોના ચરણના વંદન કરવાનું પણ ભીમે હરી લીધું છે. એ જ રીતે દુર્યોધનને શોધતો આવેલો બાળક દુર્જય કહે છે કે ‘હું તમારા ખોળામાં બેસું.' ને દુર્યોધનની વેદના વધી જાય છે. કહે છે કે ‘પુત્ર તારી પરિચિત જગા છોડીને તું ગમે ત્યાં બેસ. પૂર્વે તેં ભોગવેલું એ આસન હવે તારું રહ્યું નથી.' ઊરુભંગની ઘટના આવા સંદર્ભોથી વધુ ઘેરી બની છે. દુર્યોધન પુત્રને શીખામણ આપે છે કે ‘વીર પિતાને સ્મરીને તું શોક ત્યજી દેજે. પાંડવોની સેવા કરજે. માતા કુંતીની આજ્ઞાનું પાલન કરજે અને યુધિષ્ઠિર સાથે રહી મારું શ્રાદ્ધ કરજે.' દુર્યોધનની આ વાણી સાંભળી બલદેવ બોલી ઊઠે છે કે ‘અહો, વેર કેવું પશ્ચાત્તાપમાં ફેરવાઈ ગયું.' પણ ત્યાં જ ક્રોધથી ભભૂકનો અશ્વત્થામા પ્રવેશ કરે છે. કહે છે કે છલથી સાથળો ભાંગી ગયેલો નથી હું દુર્યોધન કે નિષ્ફળ ગયેલા શસ્ત્રવાળો નથી હું કર્ણ. હું દ્રોણપુત્ર એકલો વિજયભૂમિમાં અત્યારે ઊભો છું.' અશ્વત્થામા પશ્ચિમ દિશામાં આથમતા સૂર્ય જેવા ભૂમિ પર પડેલા દુર્યોધનને જુએ છે અને કહે છે કે ‘આ શું થયું?' તો દુર્યોધન એનો બહુ માર્મિક જવાબ આપે છે. દુર્યોધન કહે છે : 'ગુરુપુત્ર આ અસંતોષનું ફળ છે.' આ સાંભળતા પાંડવોને રહેંસી નાખવા તત્પર થયેલા અશ્વત્થામાને ધનુષ છોડી દેવા દુર્યોધન વીનવે છે. કહે છે : ‘દ્યુતમાં દ્રૌપદીનું અપમાન કર્યું, રણભૂમિમાં પુત્ર અભિમન્યુને હણી નાખ્યો, કપટથી પાસા નાખી પાંડવોને અરણ્યમાં મોકલ્યા. આ બધું મેં કર્યું, એના પ્રમાણમાં પાંડવોએ બહુ ઓછું કર્યું છે.’ અંત સમયે દુર્યોધનનો પશ્ચાત્તાપ, એનું સમાધાન અને તેમ છતાં એનું ક્ષત્રિયગૌરવ એકદમ સ્પર્શી જાય એવા નાટકકારે ઊભાં કર્યાં છે. મહાભારતના દુષ્ટ કુટિલ પાત્રનો ભાસે કરેલો આ સમુદ્ધાર મનુષ્યજાતિમાં રહેલી આપણી શ્રદ્ધાને સંકોરે છે. મહાભારતમાં એક જ તરફી આલેખાયેલા ચપ્પટ દુર્યોધનનો અહીં જીવંત અને અંગત પરિચય મળે છે. વળી, સંસ્કૃત નાટક હંમેશાં સુખાન્ત હોય છે. ભાસે નિયમભંગ કરીને રંગમંચ પર મૃત્યુ બતાવી સંસ્કૃત નાટ્યસાહિત્યને પહેલવહેલું અને એકમાત્ર દુઃખાન્ત નાટક આપ્યું છે.