રચનાવલી/૧૩૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩૮. વૈરાગ્યશતક (ભર્તૃહિર) |}} {{Poem2Open}} ‘ભલો રે ત્યાગ ભરથરી તણો / તજી સોળસેં નારજી' જેવી પંક્તિને એકતારા પર ગાતા કોઈ ભરથરીને ઘણાએ જોયો હશે. આ ‘ભરથરી' શબ્દનું મૂળ અને ત્યાગવૈરાગ્યન...")
 
No edit summary
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૩૭
|next =  
|next = ૧૩૯
}}
}}

Revision as of 11:42, 8 May 2023


૧૩૮. વૈરાગ્યશતક (ભર્તૃહિર)


‘ભલો રે ત્યાગ ભરથરી તણો / તજી સોળસેં નારજી' જેવી પંક્તિને એકતારા પર ગાતા કોઈ ભરથરીને ઘણાએ જોયો હશે. આ ‘ભરથરી' શબ્દનું મૂળ અને ત્યાગવૈરાગ્યનાં ભજન ગાતાં જોગીનું મૂળ ‘ભર્તૃહરિ’માં છે. એ જ ભર્તૃહરિ રાજા જેને રાણી પિંગળા સાથે સાંકળીને લોકો ઓળખે છે. કહેવાય છે કે ભર્તૃહરિને કોઈ યોગીએ અમરફળ આપેલું. ભર્તૃહરિએ પોતાની પ્રિય પત્ની પિંગળાને એ ફળ આપ્યું. પિંગળા કોઈ ઘોડાવાળાના પ્રેમમાં હતી. પિંગળાએ ઘોડાવાળાને ફળ આપ્યું. ઘોડાવાળો કોઈ વેશ્યાના પ્રેમમાં હતો, એણે વેશ્યાને ફળ આપ્યું અને વેશ્યા રાજા ભર્તૃહરિના પ્રેમમાં હતી, તે વેશ્યાએ એ ફળ ભર્તૃહરિને પહોંચાડ્યું. ફળ ફરીને રાજા ભર્તૃહરિ પાસે આવતાં ભતૃહિરને આખી વાત સમજાઈ ગઈ. ભર્તૃહરિ બોલી ઊઠ્યા ‘ધિક્કાર છે એને, પેલાને, કામદેવને, આને ને મને!' આ પછી ભર્તૃહરિએ રાજપાટ છોડી નાથસંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી. આ કથા સાચી હોય કે ન હોય, પણ ભર્તૃહરિનો આ જગત તરફનો વૈરાગ્ય, એ વૈરાગ્ય પર એમણે લખેલા સંસ્કૃતના સો શ્લોકોનું ‘વૈરાગ્યશતક’ સાચુકલાં છે. ભર્તૃહરિએ ‘શૃંગારશતક’ અને ‘નીતિશતક’ પણ લખ્યાં છે. પરંતુ ‘વૈરાગ્યશતક'ના સો શ્લોકોમાં એમણે જે જગતનો નજીકથી પરિચય કર્યો હતો એ અનુભવને બરાબર ઉતાર્યો છે. એટલે જ, ભર્તૃહરિ મંગલાચરણમાં પણ પરબ્રહ્મને સ્વ-અનુભૂતિના એકસાર તરીકે વંદન કરે છે. કવિ નરસિંહરાવ દીવેટિયાએ કહ્યું છે તેમ આપણો અનુભવ છે કે જીવન ‘દુઃખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલું' છે. એમાંય સુખની વ્યાખ્યા તો એવી થાય છે કે સુખ એટલે ઓછું દુઃખ. ભતૃહિર તો એક ડગલું આગળ વધી જણાવે છે કે મનુષ્ય તરસથી પીડાતો હોય તો એ પાણી પીએ છે, ભૂખથી પીડાતો હોય તો એ ભોજન કરે છે અને કામાગ્નિથી પીડાતો હોય તો સ્ત્રી સાથે સમાગમ કરે છે. આમ, સુખ તો દુઃખને નિવારવાનો એક ઉપાય માત્ર છે; અને તે પણ ક્ષણિક ઉપાય છે. મનુષ્ય ફરી તરસ્યો ને ભૂખ્યો થાય છે, ફરીને એને કામાગ્નિ પીડવા માંડે છે. જીવનની આ ક્ષણિકતા અને ભંગુરતાનો અનુભવ ‘વૈરાગ્યશતક'માં જુદે જુદે સ્વરૂપે ફૂટ્યા કર્યો છે. ભર્તૃહરિ કહે છે : પેલી રમ્ય નગરી, પેલો મહાન રાજા, પેલું સામન્તોનું મંડળ, એની બાજુમાં પંડિતોની સભા, પેલી ચન્દ્રમુખી સુન્દરીઓ, પેલા શૂરવીર રાજકુમારો, પેલા સ્તુતિ લલકારતા બંદીજનોની કથા. આ બધું જ કાળના પ્રભાવમાં આવી સ્મૃતિના માર્ગે જતું રહે છે. ભતૃહિર કાળની ચોપાટ’ને બરાબર જુએ છે; જ્યાં એક ઘરમાં અનેક માણસો હતા, ત્યાં એક માત્ર રહી જાય છે, જ્યાં એક હતો ત્યાં બહુ માણસો ઉમેરાય છે અને પછી છેવટે કોઈ રહેતું નથી. આમ દિવસ અને રાત પાસા ફેંકતો કાળ જીવોને સોગટી બનાવી ત્રિભુવનફલક પર ચોપાટ ખેલે છે. ભર્તૃહરિ જગતને નાટક કલ્પ છે. કહે છે : ક્ષણેક બાળક બનીને, ક્ષણેક કામરસિક બનીને, ક્ષણેક દરિદ્ર બનીને, ક્ષણેક ધનિક બનીને વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલો અને કરચલીવાળો માણસ, નટની માફક સંસાર પૂરો કરીને યમના પડદા પાછળ જતો રહે છે. ક્યારેક ભર્તૃહરિ પાસે જગત અવઢવ બનીને ઊભું રહે છે ઃ ક્યાંક વીણાવાદન છે તો ક્યાંક 'હા' ‘હા’ની રોક્કળ છે; કાંક સુન્દર સ્ત્રીઓ છે, તો ક્યાંક જીર્ણજર્જર વૃદ્ધ મનુષ્યો છે; ચાંક વિદ્વાનોની ગોષ્ઠિ છે, તો ક્યાંક દારૂ પીને થતી મારપીટ છે – આ સંસાર અમૃતમય છે કે વિષમય? ભર્તૃહરિને ખાતરી છે કે મેઘના મંડપમાં ચમકતી વીજળી જેવો ભોગ ચંચળ છે અને પવનથી વિખરાઈ ગયેલા વાદળમાં બચેલાં પાણીનાં બુન્દ જેવું આયુષ્ય પણ ચંચળ છે. જો મેરુ જેવો પર્વત પ્રલયના અગ્નિ ઝપાટે ગબડી પડતો હોય, સમુદ્રો શોષાઈ જતા હોય અને પર્વતમૂળોથી ટકાવી રાખેલી પૃથ્વીનો પણ અંત આવતો હોય તો હાથીના બચ્ચાના કાનના આગળના ભાગ જેવા ચંચળ દેહની વાત શી કરવી? સોએક વર્ષ ટકતા આ દેહના સમયપટને ભર્તૃહરિએ બહુ કરુણ વાસ્તવિકતાથી નિહાળ્યો છે : સો વર્ષના આયુષ્યમાંથી અડધું (૫૦ વર્ષ) રાતોમાં ચાલ્યું જાય છે. એમાંથી પહેલા ભાગનું અડધું (સાડા બાર વર્ષ) બાળપણમાં અને પાછળના ભાગનું અર્ધું (સાડા બાર વર્ષ) ઘરડાપામાં વીતી જાય છે. બાકીનું આયુષ્ય રોગ, વિયોગ અને દુઃખસહિતની કોઈની નોકરી કરવામાં વેડફાય છે. પાણીના તરંગ જેવા એકદમ ચંચળ જીવનમાં સુખ ક્યાંથી હોય? આ ચંચળતા ભર્તૃહરિને તીવ્ર પ્રશ્નો તરફ લઈ જાય છે. કહે છે ‘સમુદ્રતરંગોમાં, પરપોટામાં, વીજ ચમકારામાં, સ્ત્રીઓમાં, અગ્નિજ્વાલાના આગળના ભાગમાં, સર્પમાં અને નદીના વેગમાં શી રીતે વિશ્વાસ રખાય?' આવા ભંગુર જગત સાથે તૃષ્ણા મોહને કારણે બાંધી રાખતી હોવાથી ભર્તૃહરિએ વારંવાર તૃષ્ણાનું સ્વરૂપ સમજાવ્યું છે. ભર્તૃહરિ એમની બહુ પ્રસિદ્ધ ઉક્તિમાં કહે છે કે ‘અમે ભોગોને ભોગવ્યા નથી, ભોગોએ અમને ભોગવ્યા છે, અમે તપ નથી તપ્યા, અમે સંતાપ પામ્યા છીએ. કાળ નથી ચાલી ગયો, અમે જ ચાલ્યા ગયા છીએ. તૃષ્ણા જીર્ણ નથી થઈ, અમે જ જીર્ણ થઈ ગયા છીએ.' આગળ કહે છે મો પર કરચલીઓ આવી ગઈ, માથા પર પળિયા આવ્યા, અંગો ઢીલા થઈ ગયાં પણ તૃષ્ણા તો જુવાનને જુવાન થતી ગઈ.’ ભર્તૃહરિએ તૃષ્ણાનું વૈશ્વિક સ્વરૂપ બતાવ્યું છે.' ખજાનાની શંકાથી પૃથ્વીનું તળિયું ખોદી કાઢ્યું, પર્વતની ધાતુઓને ગાળી નાખી, દરિયા પાર કર્યા, રાજાઓને સંતોષ્યા, મંત્રની આરાધનાની ઇચ્છા સાથે શ્મશાનમાં રાતો કાઢી – એક ફૂટી કોડી પણ હાથ ન લાગી.' તૃષ્ણાના આવા સ્વરૂપથી પરિચિત હોવાથી જ ભતૃહિર છેવટે કહે છે કે ‘જેની તૃષ્ણા મોટી છે તે દરિદ્ર છે.' જેમ બાહ્યજગતનો તેમ ભર્તૃહરિએ અંદરના જગતનો પણ નજીકથી અનુભવ કરાવ્યો છે. વૈરાગ્યશતક'માં એક સ્થાને મનની ગતિને વર્ણવી છે : ‘વિપત્તિના દંડથી વારંવાર ફેરવી, ચિંતાના ચાકડા પર ચઢાવી બળાત્કારે માટીની માફક મનને પિંડ બનાવી બ્રહ્મા કુંભારની જેમ મારા મનને છુપાવે રાખે છે, એનો કર્યો ઘાટ થશે, ખબર નથી.' આમ તો, ભર્તૃહરિના ૧૧૭ શ્લોકો કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા નથી કે વિચારનો ચોક્કસ વિકાસ પણ બતાવતા નથી. પણ વૈરાગ્યને લક્ષ્ય કરીને એને જુદી જુદી દિશામાંથી સ્પર્શ કર્યો છે. સંસારનો સરી જવાનો સ્વભાવ મનુષ્યને માટે હંમેશાં વેદનાનો વિષય રહ્યો છે. આ સંસારમાં ગોઠવાયા છતાં ક્યારેક ગોઠવાયા જેવું લાગતું નથી, ક્યારેક સંસાર જ ગોઠતો નથી. ભાવોના આવા તબક્કાઓમાંથી દરેક મનુષ્ય પસાર થાય છે. આવા તબક્કા આવે છે ને જાય છે આવા કોઈ તબક્કાઓમાંથી ‘વૈરાગ્યશતક’ પાંગર્યું લાગે છે. તેથી જ ભર્તૃહરિએ અહીં સંસારને છોડવાની વાત કરીને પણ સંસારની બહુ નજીકથી અને ઊંડી સમજ આપી છે અને એ જ આ કૃતિનું રહસ્ય છે. આ રહસ્ય જ ‘વૈરાગ્યશતક'ને સંસ્કૃતસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે.