રચનાવલી/૧૪૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૪૨. ભક્તામરસ્તોત્ર (શ્રી માનતુંગાચાર્ય)


વૈષ્ણવધર્મમાં જેમ ‘મધુરાષ્ટક' એના મધુર ઉચ્ચારોને કારણે મહત્ત્વનું ભક્તિસાધન બન્યું છે તે જ રીતે જૈનધર્મમાં શબ્દોચ્ચારથી મધુર અવાજોનાં આંદોલનો ઉત્પન્ન કરતું શ્રી માનતુંગાચાર્યનું સંસ્કૃતમાં રચાયેલું ‘ભક્તામરસ્તોત્ર' ભક્તિસાધન બન્યું છે. ‘મધુરાષ્ટક'ની જેમ વહેલી સવારે થતા એના ભક્તિભાવપૂર્વકના ગાનનો મહિમા છે. એના શ્લોકોમાં સદીઓથી ચાલી આવેલું કશુંક એવું તત્ત્વ છુપાયેલું છે, જે વારંવાર ભક્તજનોને ખેંચતું રહ્યું છે. આ સ્તોત્ર અંગે એવી કથા છે કે સૂર્યશતક દ્વારા કોઢથી સાજા થયેલા કવિ મયૂરની સામે અને ચંડીશતક દ્વારા પોતાનાં છિન્નભિન્ન અંગો પાછા મેળવી શકેલા મહાકવિ બાણ ભટ્ટની સામે જૈનાચાર્યે પણ ચમત્કાર બતાવવા પ્રયત્ન કરેલો. આ માટે જૈનાચાર્યે પોતાને સાંકળથી બંધાવેલા અને પછી આ સ્તોત્રના એક એક શ્લોકના ધ્વનિથી સાંકળ તોડી જૈનાચાર્ય પાશમુક્ત થયેલા. આ તો દંતકથા થઈ. ખરી વાત તો એવી છે કે ‘ભક્તામર'નું ગાન એક ચોક્કસ વાતાવરણ રચે છે. કદાચ પહેલા તીર્થંકર ઋષભદેવની એમાં થયેલી સ્તુતિને ઠેર ઠેર કાવ્યરૂપ મળ્યું છે એ એનું મુખ્ય કારણ છે. કવિ માનતુંગાચાર્યે પોતે કહ્યું છે કે ‘ભાતભાતનાં સુન્દર ફૂલોથી ભક્તિપૂર્વક મેં સ્તોત્રરૂપી હાર તૈયાર કર્યો છે, જે એને કંઠમાં ધારણ કરશે તે માનતુંગ જેવી લક્ષ્મીને પામશે.' અહીં કંઠમાં ધારણ કરવાની વાતમાં કવિએ બે અર્થ રાખ્યા છે. હાર ગળામાં નાખવાની વાત તો છે પણ સ્તોત્રને કંઠસ્થ કરવાની વાત પણ છે. ‘ભક્તામરસ્તોત્ર'ની નાદસંપત્તિની કવિને બરાબર ખબર છે. ‘ભક્તામરસ્તોત્ર’ આદિનાથની માત્ર સ્તુતિ રૂપે હોત તો ભક્ત જેવો ભક્ત પણ કેટલો આકર્ષાત એ એક પ્રશ્ન છે. ‘ભક્તામરસ્તોત્ર’ સ્તુતિને કર્ણપ્રિય શબ્દોથી બાંધે છે, એટલું જ નહીં પણ અલંકારોથી શણગારે પણ છે. આદિનાથનો મહિમા કરતાં કરતાં કવિએ પ્રકૃતિ જગતની વસ્તુઓ સાથે સરખામણીઓ કરી છે. આદિનાથના પરિચયની સાથે સાથે જગતનો અને જગતના પદાર્થોનો પણ સુન્દર પરિચય થાય છે. અથવા એમ કહોને કે આદિનાથની સ્તુતિ સાથે સાથે જગતના સુન્દર પદાર્થોની પણ સ્તુતિ થાય છે. વસંતતિલકા છંદમાં કુલ ચુમાલીશ શ્લોકોનું રચાયેલું આ સ્તોત્ર પાછું ઘાટીલું ય છે. શરૂના બે શ્લોકમાં કવિએ સ્તોત્રનો મહિમા કર્યો છે. પછીના ચાર શ્લોકમાં કવિ પોતાની અશક્તિ હોવા છતાં આદિનાથની સ્તુતિ કરવા તરફ જાય છે એવો ભાવ વ્યક્ત કર્યો છે. કહે છે કે પાણીમાં પડેલા ચન્દ્રના બિંબને હાથમાં લેવાની ચેષ્ટા બાળક સિવાય બીજું કોણ કરે? પ્રલયકાળમાં ઝંઝાવાતથી ખળભળી ઊઠેલા સમુદ્રને બે હાથથી તરી જવાનું સાહસ કરવા જેવી આ વાત છે. પણ પોતાના બચ્ચા તરફની પ્રીતિને કારણે પોતાની ઓછી શક્તિનો ખ્યાલ હોવા છતાં હરણું કેવું સિંહની સામે થાય છે! પોતાનો પ્રયત્ન હાસ્યાસ્પદ હશે તો પણ વસન્તઋતુમાં આંબે મહોર આવતાં કૂંજી ઊઠતા કોકિલની જેમ કવિ પોતે કૂજી ઊઠ્યા છે. આ પછી સાતથી બાવીશ સુધીના શ્લોકોમાં કવિએ જુદી જુદી રીતે પ્રકૃતિનાં તત્ત્વોને સરખામણીમાં ખેંચી લાવી આદિનાથની મહત્તાને અને તેના સ્તવનની મહત્તાને રજૂ કરી છે. કવિ કહે છે કે કમળ પર બાઝેલા પાણીનાં બુન્દ જેમ મોતીની કાન્તિ ધારણ કરે એ રીતે મારું સ્તોત્ર સુજ્ઞજનોના ચિત્તને હરી લેશે. આદિનાથનું દર્શન કર્યા પછી માણસની આંખ બીજે ક્યાંય ઠરતી નથી, એને પ્રગટ ક૨વા કવિ સરખામણી યોજે છે તે જુઓ : ‘ચન્દ્રના પ્રકાશથી દૂધ જેવાં બનેલાં સિન્ધુનાં જલ પીધાં પછી દરિયાનાં ખરાં જલને પીવા કોણ ઇચ્છે?' આદિનાથના દર્શન પછી એમના મુખને ચન્દ્ર કરતાં પણ વધુ કાંતિમાન બતાવવા કવિ કહે છે કે ‘ક્યાં તમારું મુખ અને દિવસે પીળા પડેલા પલાશ જેવા થઈ જતા કલંકિત ચન્દ્રનું બિંબ ક્યાં?’ દર્શન અને મુખવર્ણન પછી કવિ આદિનાથના સંયમનો મહિમા કરે છે. કહે છે : ‘એમાં શું આશ્ચર્ય કે અપ્સરાઓનો સમૂહ પણ તમારા મનને લેશમાત્ર વિકારમાર્ગે દોરી નથી ગયો. પ્રલયકાળના ફૂંકાતા ઝંઝાવાતના જોરથી શું ક્યારે ય મેરુ પર્વત ચલિત થયો છે ખરો?’ કવિ આદિનાથને તેલહીન, મહીન દીપ ગણે છે. રાહુથી ગ્રસાયા વગરનો સૂર્ય ગણે છે, રાહુથી ગ્રસાયા વગરનો અને વાદળાંથી ઢંકાયા વગરનો ચન્દ્ર ગણે છે. કવિ આદિનાથના જ્ઞાનને હર અને હરિ જેવા નાયકોના જ્ઞાન કરતાં વિશેષ બતાવી, એને કાચના ટુકડામાંથી નહીં પણ સાચા મણિમાંથી સ્ફુરતાં તેજકિરણો સાથે સરખાવે છે. પછી કહે છે કે સેંકડો નારીઓ સેંકડો પુત્રોને જન્મ આપે પણ આદિનાથ જેવા પુત્રને તો કોક જ જન્માવી શકે. આ વાતને આકર્ષક બનાવવા કવિ સરસ ઉદાહરણ આપે છે. બધી દિશાઓ તો માત્ર તારા અને નક્ષત્રોને લઈને ઝૂમ્યા કરે, પણ સૂરજને જન્માવવા માટે તો પૂર્વ દિશા જ સદ્ભાગી બને. સ્તોત્રની લગભગ વચ્ચે આવી આદિનાથનો મહિમા કરતાં કરતાં કવિ પરાકાષ્ઠા રૂપે નમસ્કાર વેગ બતાવે છે. ‘તું અવ્યય છે, તું વિભુ છે, તું બ્રહ્મ છે, અનંત છે....' એમ ત્રેવીસથી છવ્વીસ સુધીના શ્લોકોમાં કવિની ભક્તિ-આર્દ્રતા છલકી છે. આ પછી કવિ આદિનાથની અશોકવૃક્ષ હેઠળની સિંહાસને બિરાજેલી, ચારેમાસ ચામરો ઢળતી હોય એવી મૂર્તિને અને ત્રણ છત્રોને વર્ણવી ચરણકમળ અને ઉપદેશમુદ્રાને સંભારે છે. ચોત્રીસથી બેતાલીસ સુધીના શ્લોકો આદિનાથ કઈ રીતે નામકીર્તનથી હાથી, સિંહ, નાગ, સૈન્ય, અગ્નિ, દેહરોગ અને બંધનો – સર્વથી ભયમુક્ત કરે છે એનું અલંકારયુક્ત વર્ણન છે. આદિનાથના નામકીર્તનનું જલ બહારભીતરના અગ્નિને શાંત કરે છે. છેલ્લા બે શ્લોક ફલશ્રુતિના છે. શબ્દોની મધુરતાની સાથે સાથે અલંકારોથી આનંદ આપતું ‘ભક્તામરસ્તોત્ર' કાવ્યપ્રેમીના મનમાં સુન્દર અર્થનું જગત ઊભું કરે છે. જગતના વિસંવાદ અને કોલાહલની વચ્ચે ઊગતી સવારે આ સ્તોત્ર મનુષ્યને એને પોતાના સંવાદ અને સૂરમાં મૂકી આપે છે.