રચનાવલી/૧૪૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૪૭. એક સ્વપ્ન સુખોનું (કલા પ્રકાશ)


રાષ્ટ્રગીત ગાઈએ છીએ : ‘પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ.' એમાં આવતું સિંધ હવે ભારતમાં નથી. સહેજ કલ્પના કરો કે જે ધરતીમાં મૂળ નાખીને વસતાં હોઈએ, જેને જન્મભૂમિ કે પાદરે વતન માનતા હોઈએ, તે રાતોરાત પરદેશી ભૂમિ બની જાય, ને કોમીજંગ ને લોહિયાળ હિંસાખોરીના ડરથી બધું જ છોડીને પરિવાર સાથે ભાગવું પડે કોઈ અજાણી દિશામાં, કોઈ અજાણ્યા માર્ગ પર, અજાણ્યા પ્રારબ્ધ તરફ. ઉપર આભ અને નીચે ધરતી. એ સિવાય આશ્રયનું કોઈ સ્થાન નહીં. તમને નિરાશ્રિત ઘોષિત કરવામાં આવે. તમારો પરિવાર વેરવિખેર થઈ જાય. પાકાં મકાનોના કાયમી વસવાટમાંથી તંબુના કોઈ હંગામી મુકામ પર મૂકી દેવામાં આવે અને હારબંધ ઊભા રહી રોટલા ઉઘરાવતા કરી દેવામાં આવે.... એવા વિસ્થાપિતોની વેદનાને કોઈ શું સમજી શકે? દેશના ભાગલા વખતે સિંધને છોડીને આવેલા સિંધીઓએ આ બધું વેઠ્યું છે. આજે ભારતભરમાં ઠેરઠેર જ્યાં જ્યાં જગા મળી ત્યાં ગોઠવાઈ ગયેલા પોતાના જ દેશમાં આ અજાણ્યા ભારતીયોની કઠોર મહેનત અને એમનો દિવસરાતનો સંઘર્ષ તો કોઈ સિંધીલેખકની કથાસૃષ્ટિમાં પ્રવેશ કરીએ ત્યારે હૂબહૂ થાય છે. શ્રીમતી કલા પ્રકાશ સિંધીની લેખિકા છે. દેશના ભાગલા વખતે સિંધી નિરાશ્રિતોની જેમ આ લેખિકા પોતે પણ પોતાનું વતન સિંધ છોડીને ભારતમાં આવેલી, અને નવી પરિસ્થિતિ સાથે સમાધાન કરીને એણે ફરીથી વસવાનો પ્રયત્ન કરેલો. અહીં આવીને રોજીરોટી, બાળકોનું ભણતર, એમના લગ્નવિવાહનાં સુખોનું સ્વપ્ન ફળે એ માટે સર્વસ્વ દાવ પર લગાવેલું, લેખિકાએ પોતાને જ નાયિકા બનાવીને એક નવલકથા આપી છે. એનું નામ છે : ‘એક સ્વપ્ન, સુખોનું.' આ નવલકથાની નાયિકા નિર્મલાનું પાત્ર લેખિકાના અંગત અનુભવમાંથી ઘડાયેલું છે. કથા વડીલ રામચન્દ્રના પરિવારની છે. પરિવારના સંઘર્ષની અને એના પુત્રોની છે. રામચન્દ્ર સિંધમાં બહુ પૈસાદાર નહોતો પણ છ ઓરડાના મકાનમાં બે ગાયો અને ભેંસો રાખીને આરામથી ગામ વચ્ચે મોભાદાર જીવતો હતો. પણ દેશના ભાગલા થતાં બધું છોડીને એને નીકળી જવું પડ્યું. મુંબઈના મુલુન્દ ઉપનગરમાં એ પોતાની પત્ની, બે દીકરાઓ અને બે દીકરીઓ સાથે બે ઓરડાનું એક મકાન ભાડેથી લઈને વસવા પ્રયત્ન કરે છે. ઘણી રઝળપાટ અને ઘણાં અપમાનો પછી એને માંડ એક નાની સરખી નોકરી મળે છે. પણ એમાં એનો ગુજારો શક્ય નથી. ત્યાં નાની દીકરી શાંતિ માંદી પડે છે. દવાદારૂના પૈસા નથી. રામચન્દ્ર શું કરે? ઉધાર કોની પાસે લે? અને લે તો ચૂકવે ક્યાંથી? સારવારને અભાવે દીકરી ગુજરી જતાં રામચન્દ્ર ગાંઠ વાળે છે કે ગરીબી અને અસહાયતાને કારણે પોતે તો કશું કરી શક્યો નથી, પણ એના બે દીકરાઓની જિંદગી પર ગરીબીનો ઓછાયો નહીં પડવા દે. રામચન્દ્રે મોટા દીકરા શ્યામને વિદેશ મોકલવા માગે છે પણ મેટ્રિકમાં પ્રથમ શ્રેણીમાં પાસ થનાર શ્યામને થોડો વખત એ રેલ્વેની નોકરીએ લગાડે છે, જેથી નાના દીકરાનું ભણતર અને ઘરના ખર્ચમાં મદદ મળે. રામચન્દ્ર પાસે નાના દીકરા મોહનને ડૉક્ટર બનાવવાનું સ્વપ્ન છે. છેવટે શ્યામનું વિદેશ જવાનું ગોઠવાય છે. નોકરીમાંથી રાજીનામું આપે છે પણ રેલ્વેની નોકરી દરમ્યાન શ્યામ નિર્મલા નામની કોઈ છોકરીના પ્રેમમાં પડેલો હોય છે. નિર્મલા એકદમ ગરીબ કુટુંબમાંથી આવે છે. નિર્મલાના પિતાના આગ્રહથી રામચન્દ્ર શ્યામને નિર્મળા સાથે પરણાવીને વિદેશ મોકલે છે અને નિર્મલાને પોતાની સાથે રાખે છે. શ્યામના ગયા પછી નિર્મલા એક પુત્રને જન્મ આપે છે. ત્રણ વર્ષ પહેલાં જ બહેન કમલાના લગ્ન વખતે શ્યામ પાછો ફરે છે ત્યારે નિર્મલા અને પુત્રને જોઈને વિદેશ વસવાનું દુ:ખ ભૂલી જાય છે. વિદેશમાં શ્યામને મિસ રોઝીનો પરિચય થયો હોય છે. વાતવાતમાં મિસ રોઝી કહે છે કે એને હિન્દુસ્તાની પુરુષ બહુ ગમે છે. કારણ તેઓ પોતાની પત્નીઓને બહુ પ્રેમ કરે છે. પછી મિસ રોઝી ઉમેરે છે કે કેવું સારું હોત હું તારી પત્ની હોત. શ્યામ એને ચીઢવે છે અને કહે છે કે હવે એનો કોઈ ચાન્સ નથી. એ તો એક બાળકનો બાપ પણ બની ચૂક્યો છે. એટલું જ નહીં હવે તો બીજું બાળક પણ આવવાનું છે. આમ છતાં રોઝી શ્યામની વિદેશમાં માંદગી વચ્ચે પૂરી ચાકરી કરે છે; અને સારી દોસ્ત બનીને રહે છે. બીજી બાજુ નિર્મલાની નણંદ કમલા સગર્ભા થાય છે. નિર્મલાની સાસુ એને પોતાને ઘેર આવીને રહેવા માટે સમજાવે છે, જેથી એને સારું પોષણ મળી શકે. એ વખતે અનાયાસ નિર્મલા પોતાના તરફ બતાવાતી બેકાળજીને ધ્યાનમાં લઈ સાસુને ટોણો મારે છે અને વાત વકરે છે. દિયર મોહન ભાભી નિર્મળાને સમજાવે છે કે માતાપિતાની દશા દયનીય છે. એમના તરફ ગુસ્સો રાખવાની જરૂર નથી. નિર્મલાને પણ સાસુને દુભવ્યાનું દુઃખ છે. ત્યાં વળી નવો મુદ્દો ઊભો થાય છે. મોહન મીના નામની કોઈ છોકરીના પ્રેમમાં હતો અને મીનાના પૈસાદાર માબાપે એવી શરત મૂકેલી કે એમના પૈસાથી તૈયાર કરેલી હૉસ્પિટલમાં મોહન અહીં જ કામ કરે અથવા અમેરિકા જઈને નોકરી કરે. મોહનને આ બંને વાત મંજૂર નહોતી. શ્યામ પાછો ફર્યો છે. નિર્મલાના પિતાનો સ્વર્ગવાસ થયો છે. એમના ક્રિયાકર્મ પર શ્યામ અને નિર્મલા ગયાં હોય છે, ત્યાં મોહન અમેરિકા જવાનું અને લગ્ન કરવાનું નક્કી છે એ જણાવવા પહોંચી જાય છે. પિતા રામચન્દ્રને આની ખબર પડતાં ગુસ્સે ભરાય છે અને દહેજની માગણી વગર મોહનનું લગ્ન કરવા તૈયાર નથી. રામચન્દ્રનું માનવું છે કે શ્યામના નિર્મલા સાથેના લગ્ન વખતે નિર્મલાની ગરીબ સ્થિતિને કારણે દહેજ નહોતું માગ્યું પણ પૈસાદાર વહુ પાસેથી દહેજ લેવામાં કોઈ વાંધો નથી. પુત્ર મોહન દહેજ માટે તૈયાર નથી. એ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી લગ્ન કરે છે. રામચન્દ્ર દુ:ખી દુ:ખી છે. આજ સુધી બાળકો માટે વેઠેલું કષ્ટ છતાં બાળકો પોતાનાં ન રહ્યાં. શ્યામ મનોમન મિસ રોઝીને કહે છે કે રોઝી, આજ સુધી તેં ભારતીય પુરુષને જોયો હતો. હવે આવીને ભારતીય નારીને જો. અહીં નિર્મલા જેવી પત્ની છે. પતિની સાથે દુ:ખ પણ સુખ છે એમ માનીને જેણે સાત વર્ષ બધાં જ સુખ છોડી દીધાં હતાં. અહીં મોહનની પત્ની મીના જેવી વહુ છે જેણે માબાપના લાખો રૂપિયા એટલા માટે ઠાકરે માર્યા કે પતિ મોહન પોતાના પગ પર સ્વમાનભેર ઊભો રહી શકે અને સૌથી વધારે તો એની મા છે જેણે જીવનના ચાલીસ વર્ષની લાંબી સફરમાં પતિની ઇચ્છાનું ઉલ્લંઘન કર્યું નથી. આમ, આઝાદી પછીનાં બારેક વર્ષમાં ગરીબીનો માર ખાધો, એનાથી બચવા પ્રયત્નો કર્યા છતાં રામચન્દ્ર-પરિવારનાં બધાં સુખો સપનાં જ રહી ગયાં. લેખક મંત્ર આપે છે કે જિંદગી એક એવો પ્યાલો છે જે ન તો પીવાય છે, ન તો ઢોળાય છે. સિંધીઓના સંઘર્ષની પ્રતિનિધિ આ નવલકથા વાસ્તવિક જીવનની કપરી બાજુઓને પ્રત્યક્ષ કરી આપે છે.