રચનાવલી/૧૪૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૪૮. હનુમાનચાલીસા


મનુષ્ય સુપરસોનિક વિમાનો ઉડાડ્યાં, ચારસો પાંચસો વર્ષનાં જૂનાં તોતિંગ વૃક્ષોને એક જગ્યાએથી મૂળ સહિત ઉપાડી લાવી બીજી જગ્યાએ રોપ્યાં, સમુદ્રના પેટાળમાં રસ્તાઓ કર્યા, ગગનચુંબી પર્વતોને જોડતા રોપ-વે રચ્યા, વિશાળકાય નદીઓ પર વિરાટ બંધો બાંધ્યા – આમ મનુષ્યની પ્રકૃતિ સતત પ્રકૃતિ પર વિજય મેળવવા મથી રહી છે અને છતાં મનુષ્યની પ્રકૃતિ સતત ભયભીત રહી છે, ભયગ્રસ્ત રહી છે, જીવનની નાની નાની વિપત્તિઓ આગળ એના ભલભલા પુરુષાર્થો વિસરીને એ લાચાર ઊભો રહી જાય છે. દુઃખો અને સંકટોનો સામનો કરવાનું એનું એકલાનું જાણે કે ગજું નથી. એને કોઈ સંકટમોચન કે દુ:ખભંજન કરનારની હંમેશા પ્રતીક્ષા રહી છે. આજનું મનોવિજ્ઞાન કહે છે કે બાળકનો જન્મ એ કદાચ માતાપિતા માટે આનન્દનો વિષય હશે પણ બાળકને માટે જન્મનો અનુભવ આઘાતનો અનુભવ છે. માતાના ગર્ભના સહીસલામત જગતના સુરક્ષા કવચમાંથી બહાર ઓચિંતા અસુરક્ષિત અસહીસલામત જગતમાં આવી પડનારા બાળકની વેદનાની આપણને કલ્પના નથી, માતાના શ્વાસ સાથે મળનારા શ્વાસને ઠેકાણે પહેલીવાર પોતાને લેવા પડનારા શ્વાસની કટોકટીની ફાળનો આપણને ખ્યાલ આવે તેમ નથી. આવું છિનવાઈ જતું સલામતજગત, આવું તૂટી જતું રક્ષાકવચ, આવો જન્મવાનો આઘાત – આ બધાની મનુષ્ય પર ઊંડી અસર પડે છે. આથી એની ભયપ્રકૃતિ હંમેશાં કોઈ રક્ષાકવચની શોધમાં રહે છે. રામકથામાં રામના અવતારકાર્યને સાર્થક કરનાર રામના અનન્ય ભક્ત હનુમાનના આથી જ ઘણા પરમ ભક્ત બની જાય છે. હનુમાને રામનાં સંકટો જે રીતે દૂર કર્યાં, એનાં એ પરાક્રમો આપણને એક મોટો સધિયારો આપે છે. આથી હનુમાન જે રીતે સમુદ્રને ઉલ્લંઘી ગયા, જે રીતે લક્ષ્મણને સજીવન કરવા દ્રોણાચલ ઉપાડી લાવ્યા, જે રીતે લંકાદહન કર્યું, જે રીતે વિરાટ રાક્ષસોનો વધ કર્યો, જે રીતે રામ, સુગ્રીવ અને લક્ષ્મણને સંકટમાંથી છોડાવ્યા – તે રીત હનુમાનનાં અસાધારણ પરાક્રમોને વારંવાર યાદ કરવા પ્રેરે છે. આપણામાં ખૂટતું જે અન્ય’માં આપણે શોધીએ છીએ એવા ‘અન્ય' તરીકે હનુમાન અનન્ય છે. દર શનિવારે ઘણા આથી ‘હનુમાનચાલીસા’ રટે છે. એનો ચાલીસામાં કહ્યા પ્રમાણે સો વાર પાઠ પણ કરી જાય છે. કોઈ ઊંડા ભયથી અને આવી પડનારા સંકટને માટે જાણે કે ચાલીસાને ઢાલ તરીકે ધરવામાં આવે છે. પણ થોભો, ચાલીસાને રટો નહિ, એને સો સો વાર ગગડાવી જાઓ નહિ, એકવાર, ફક્ત એકવાર એના એક એક શબ્દને, એની પંક્તિઓને એની કડીઓને જરા ધીમે ધીમે નજીકથી મમળાવો, એના ચોપાઈના સ્વાદ તમારામાં ઊતરવા દો, એનો પ્રાસલય તમારા પર છવાઈ જવા દો અને પછી જુઓ કે તમારી ઊંડી ઊંડી બીક વચ્ચે કેવો આનંદ છવાઈ જાય છે. તમને એ તો ખબર છે કે ‘હનુમાનચાલીસા’ હિંદીના સમર્થ કવિ શ્રી તુલસીદાસે લખી છે, જેણે ‘રામચરિતમાનસ’ જેવું લોકોને વરેલું મહાકાવ્ય આપ્યું છે. કહેવાય છે કે તુલસીદાસને એના પાઠથી પવનપુત્ર હનુમાનના દર્શન થયા હતા. તમને પણ એવા દર્શન થાય તેમ છે ઃ ‘કંચન બરન બિરાજ સુબેસા / કાનન કુંડલ કુંચિત કેસા.’ અહીં તુલસીદાસે હનુમાનનું તાદંશ વર્ણન કર્યું છે. આ કડીમાં ‘કંચન', ‘કાનન’ અને ‘કુંડલ‘નો વર્ણ જાદુ જુઓ. મોટો ચિત્રકાર એક લસરકે છબી આંકી દે તેમ તુલસીદાસે હનુમાનની છબી એક લસરકે ઊભી કરી છે. ‘ગીત ગોવિન્દ’માં કવિ જયદેવે પણ ‘ચંદન ચર્ચિત નીલ ફ્લેવર પીત વસન વનમાલી'માં કૃષ્ણની છબી ઊભી કરી છે. આ બંને છબી સરખાવો. હનુમાન અને કૃષ્ણની છબીઓ કેવી જુદી પડી જાય છે. તુલસીદાસે હનુમાનનાં જુદાં જુદાં રૂપ અને જુદાં જુદાં પરાક્રમ પણ કેવા અક્કેક લસરકે જ ઊભાં કર્યાં છે : ‘સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિ દિખાવા / બિકટ રૂપ ધરિ લંક જરાવા / ભીમ રૂપ ધરિ અસુર સંહારે / રામચન્દ્રકે કાજ સંવારે.' સીતાને સૂક્ષ્મ રૂપ બતાવ્યું, લંકા બાળવા વિકટ રૂપ ધારણ કર્યું અને અસુરસંહારમાં ભીમ રૂપ લીધું – આ ત્રણ રૂપો દ્વારા હનુમાનનાં મોટાં પરાક્રમોને નાના ફલકો પર તુલસીદાસે સમર્થ રીતે આંકી બતાવ્યાં છે. ‘સંહારે’ અને ‘સંવારે’ ~ અહીં બે શબ્દોને સહેજ બદલવાથી કેવો મોટો ફેર પડ્યો છે. મોટો કવિ શબ્દો પાસેથી કેવું કેવું કામ લે છે! આ પછી ચાલીસામાં લક્ષ્મણ, વિભીષણ અને સુગ્રીવ પર કેવા ઉપકાર કર્યા તેનું બ્યાન આવે છે. વચ્ચે હનુમાનનું બાળપણનું એક જાણીતું પરાક્રમ નોંધ્યું છે : ‘જુગ, સહસ્ર જોજન પર ભાનૂ / લીલ્યો તાહી મધુર ફલ જાનૂ.' બાળપણમાં હનુમાને રમતમાં ને રમતમાં સહસ્ર જોજન પરના બાલસૂર્યને મધુર ફલ ગણી મોંમાં મૂકેલો, એનો અહીં ઉલ્લેખ છે. હનુમાનની શક્તિ, બુદ્ધિ અને વીરતાનું અહીં બીજ પડેલું છે. ‘હનુમાનચાલીસા'માં હનુમાન પાસે જો રામ રસાયન છે, તો તુલસીદાસ પાસે એવી કવિશક્તિ છે જે હનુમાનના રામરસાયનને ચાલીસ કડીમાં અહીં બરાબર કાવ્યરસાયનમાં પલટે છે. ‘હનુમાનચાલીસા’માં ચાલીસ કડી છે એટલે એ ચાલીસા કહેવાયું છે. મધ્યકાળમાં વીસ કડીની ‘વીસી’, પચ્ચીસ કડીની ‘પચ્ચીસી’ ચોવીસ કડીની ચોવીસી’ એવા કડી પર આધારિત કાવ્યપ્રકારો છે. મોટેભાગે એમાં સ્તુતિ હોય છે. અહીં પણ હનુમાનની સ્તુતિ મુખ્ય છે. પણ, આ સ્તુતિ સાથે આપણે જો કાવ્યની પ્રસ્તુતિ ન જોઈએ તો ચાલીસાને રટવાનો કોઈ અર્થ નથી. આપણા રોજિંદા જીવનની ઘટમાળની ઘરેડના લયનું સંકટ મોટું છે. ‘ચાલીસા’ આપણને ઘરેડના લયમાંથી મુક્ત કરે છે. આ અર્થમાં ચાલીસા ખરેખર સંકટમોચન