રચનાવલી/૧૫૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫૬. દોસ્તી (ડેમન રેન્યન)


૧૮૮૪માં જન્મી ૧૯૪૬માં કૅન્સરથી મરણ પામેલો અમેરિકાનો જાણીતો પત્રકાર ડૅમન રેન્યન કવિ થતાં થતાં રહી જઈ સફળ પત્રકાર થયો પણ એને ખબર હતી કે આજનું વર્તમાન એ આવતીકાલની પસ્તી છે તેથી એ પત્રકાર તરીકે કિસ્સાઓ, પ્રસંગો અને અહેવાલો લખતાં લખતાં, પોતાને કોઈ વધુ ટકાઉ અને મજબૂત માધ્યમમાં ઢાળવાને સારો વાર્તાકાર બની ગયો. પત્રકાર અને વાર્તાકાર જો બંને નિસ્બત એક થાય તો કેવું રૂડું પરિણામ આવે અનો ડૅમન રેન્યન એક યાદગાર નમૂનો છે. ચેખોવ, મોપાસાં, તુર્ગનેવ કે ઓ હેન્રી જેવો નહીં તેમ છતાં એ પોતાની રીતનો અનોખો અમેરિકન વાર્તાકાર છે. અનોખો એટલા માટે કે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરના બ્રોડવે વિસ્તારનો એ જીવ હતો. બ્રોડવે વિસ્તારમાં થિયેટરોનો અડ્ડો તો હતો જ, પણ કહેવાતા શિષ્ટ સમાજથી દૂર વસતી એક જુદી જ અંધારી દુનિયાના મુફલીસોનો પણ એ અડ્ડો ગણાતો. જાતજાતના અને ભાતભાતના અહીંના મુફલીસો વાતવાતમાં મારામારી અને મુક્કાબાજી પર ઊતરી આવે, પણ એમની દુનિયાના રીતરિવાજો અને નીતિ નિયમો નિરાળા હતા. એમની ઈમાનદારી અને એમની ખેલદિલીનોખી હતી. એમના લેખાંજોખાં શિષ્ટ સમાજના લેખાંજોખાંથી જુદાં હતાં. ડેમન રેન્કન આઠ વર્ષની ઉંમરે માતાને ગુમાવ્યા બાદ આ દુનિયાની નજીક પહોંચી ગયો હતો. ગરીબો વચ્ચે ઘૂમવાનું, જુગારના અડ્ડાઓમાં રખડવાનું, ખૂની ટોળીઓ સામે સંબંધો રાખવાનું, ચોરો અને ઠગો સાથે ઘરોબો કેળવવાનું એને માટે સહજ હતું. અને પછી તો ખબરપત્રી બનીને આ અડ્ડાઓના સમાચાર એકઠા કરવાનું સાહસભર્યું કામ પણ એટલે જ આરંભાયું. આથી આ અલાયદી સૃષ્ટિના બરછટ જીવનની એને રજેરજની માહિતી રહેતી હતી, રેસો, ખૂનોના ખટલાઓનો અહેવાલ એ હૂબહૂ આપતો હતો ડેમન રેમ્યનને પત્રકાર હોવાનો ગર્વ હતો એ કહેતો ‘રાજા થવા કરતાં તો હું પત્રકાર થવાનું વધારે પસંદ કરું છું.’ કદાચ પત્રકારની આ લગનને કારણે એણે અંધારી આલમની તળપદી અને બળકટ ભાષાને બરાબરની પચાવેલી. વાર્તાકાર તરીકે આ જ ભાષાને ડૅમન રેન્યને ખપમાં લીધી. બ્રોડવેના માણસોને એણે પાત્રમાં પલટ્યા. અખબારી પ્રસંગોને વાર્તાયોગ્ય થડ્યા અને હું-રૂપે ઘણીખરી વાર્તાઓમાં એણે સાક્ષી તરીકે ઠેરઠેર હાજરી આપી. ડેમન રેન્યમની આગવી પદ્ધતિ આગવી વાર્તાપદ્ધતિ સાહિત્યજગતને એટલી બધી માફક આવી કે સાહિત્યમાં એને ‘રેન્યનિઝમ’ તરીકે ખાસ જુદી ઓળખવામાં આવી. એની ઘણી વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની હતી. આવા અલગારી વાર્તાકાર પર આપણા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર ચન્દ્રવદન મહેતાની નજર ઠરી. એમને થયું કે ન્યુયોર્ક બ્રોડવે ઉપર ફરતા અવળી ખોપરીના અસંખ્ય ‘દાગીના’ઓ જે ડેમન રેન્યનની વાર્તાઓમાં પાત્રોરૂપે દાખલ થયા છે, એનો પરિચય ગુજરાતની પ્રજાને કરાવું. ચન્દ્રવદન મહેતા જેવા ગદ્યની નોખી શૈલી ધરાવનારને ડેમન રેન્યનની નોખી શૈલીનું આકર્ષણ થાય તે સ્વાભાવિક હતું. ચન્દ્રવદન મહેતાએ બારેક જેટલી ડેમન રેન્યનની વાર્તાઓને ગુજરાતીમાં અવતારી હતી પણ આજદિન સુધી તે પ્રગટ થઈ નહોતી. ગુજરાતી સાહિત્ય અકાદમીએ ‘એક દિવસની મહારાણી’ શીર્ષક હેઠળ એને પ્રકાશિત કરી છે. એમાં મૂળના અમેરિકન લેખકની રસળતી શૈલીનું ચંદ્રવદને પોતની વિલક્ષણ શૈલીમાં પ્રતિબિંબ પાડ્યું છે. સંગ્રહનું નામ જેના પરથી પડ્યું એ ‘એક દિવસની મહારાણી’ વાર્તામાં બ્રોડવેની રખડુ સ્ત્રીની, પોતાની બહેનને ત્યાં સ્પેન મોકલી આપેલી દીકરી ૧૯ વર્ષે પાછી ફરી રહી છે અને દીકરી પોતાની સાથે પોતાના પ્રેમી અને પ્રેમીના ઉમરાવ માતાપિતાને સાથે લાવી રહી છે, ત્યારે બ્રોડવેના માણસો ‘એક દિવસની મહારાણી’ બનતી રખડુ સ્ત્રીનો એ બધા પર પ્રભાવ પાડવા જે ત્રાગડો રચે છે એ રસપ્રદ છે અહીં આપણે ‘દોસ્તી' વાર્તામાં ચીલાચાલુ પ્રણય ત્રિકોણની સામગ્રી પત્રકારની અહેવાલ શૈલીએ અને માનવીય ઉષ્માને કારણે કઈ રીતે વાર્તાને ઉચિત બને છે તે જોવાની મઝા પડે એવું છે. ‘દોસ્તી’માં મુખ્ય બે પાત્રો છે. બંને દોસ્ત છે. એક છે બેની, આંધળો અને બીજો છે ઇડ, ઠીંગણો. બેની આંધળી છે પણ ઇડની આંખે બધું જુએ છે. જ્યાં જાય ત્યાં તેઓ સાથે રહે છે. ઇડનું કુટુંબ કારખાનાનું માલિક છે પણ ઇડ મોટો ઑર્ડર લાવી આપી કારખાનીની સીધી જવાબદારીમાંથી મુક્ત રહે છે અને બેનીને સંગાથ આપે છે. ઘોડદોડશાસ્ત્રમાં બંને પારંગત છે. ઘોડાદોડની રેસ સંબંધ બંનેમાં ઝઘડાઝઘડી ચર્ચા- ચીપટી ને દલીલોની પટાબાજી ખેલાય છે પણ એની તેઓ બંને મજા લે છે. આંધળો બેની ઇડને સહારે બુદ્ધિપૂર્વક બાજી જીતતો હોય છે. પાના રમવામાં પણ ઇડને સહારે રમતા બેનીને કોઈ છેતરી શકે તેમ નથી. બંનેનો પરિચય આપી વાર્તાકાર પત્રકારની અદાથી કહે છે ‘હવે આપણે મૂળ વાર્તાનો દોર પકડી લઈએ.’ એકવાર કોઈના તરફથી ભેટ મળેલી થિયેટરીની ટિકિટોમાં બંને નાટક જોવા જાય છે અને ત્યાં બંનેના નાટક વિશેના નિખાલસ અભિપ્રાયથી ટંટો ઊભો થાય છે, એમાં મેરી મારબલનું પાત્ર દાખલ થાય છે. બંનેનો પક્ષ લઈ મેરી મારબલ સ્પષ્ટ કરે છે કે નાટક કચરો છે અને અભિનય નમાલો છે. બંનેના જીવનમાં મેરી મારબલ આવે છે તે સાથે બંનેના સંબંધમાં અંદરથી ફરક પડે છે. છેવટે એક દિવસ દરિયાકાંઠે ફરવા જાય છે ત્યાં એ ફરક પ્રગટ થાય છે. હોબોકોનથી ફેરીમાં પાછા ફરતી વખતે ખોટો અણસાર આપી ઇડ બેનીને પાણીમાં ડૂબાડી દેવા પ્રયત્ન કરે છે પણ છેલ્લી પળે એનું મન ભરાઈ આવતાં એ બેનીને ઉગારી લે છે એટલું જ નહીં પણ કબૂલાત પણ કરે છે કે પોતે મેરી મારબલને ચાહતો હોવાથી આ રીતે વર્તર્તો હતો. ઇડની કબૂલાત સામ બેની કહે છે કે ‘તારે ખાતર હજી પણ મને મરવું માન્ય છે.’ પણ ઇડ કહે છે : ‘તું મારે ખાતર મરી જવા તૈયાર હો તો હું મિસ મેરી મારબલને તું જ પરણે એ વાત સ્વીકારવા તૈયાર છું. તું જિંદગીનો ભોગ આપવા તૈયાર તો આટલો મારો ભોગ. અમે રહ્યા જ્યુ. આ મેરીને પરણું તો કદીક અમારા ઘરમાં પણ તકરાર થાય એટલે હવે તું જ એને પરણ' બેની અને મેરી પરણ્યાં. અલગારી રખડુ જીવન ગાળતાં પાત્રોમાં અહીં કોઈ સીધી સમર્પણ કે ત્યાગની વાત જોવાની જરૂર નથી. ખરી વાત તો એ છે કે સંબંધમાં સમજ જરૂરી છે. એવી સમજને કારણે જ ઇડ સમજી શક્યો કે મેરી બેનીને ચાહે છે અને પોતે જ્યૂ હોવાથી એને સુખી નહીં કરી શકે તો રસ્તો એક જ છે કે બેની મેરીને પરણે. સંબંધનું ઊંડાણ અહીં સમજવામાંથી ઊભું થયેલું જોવાય છે. એકબીજા પર આધાર રાખતાં બે પાત્રોમાંથી એક છૂટું પડી ત્રીજા પાત્રના આધાર પર મુકાય એમાં છૂટા પડવાનું દુઃખ અને મળવાનો આનંદ એક સાથે અનુભવાય છે.